Search for a command to run...
9 Jun 1969
સુસ્તી નું મીઠું રુપ - આળસ
9 June 1969 · ગુજરાતી
બધાં વ્યક્ત માં હોતાં અવ્યક્ત સ્થિતિમાં છો? અવ્યક્ત સ્થિતિ કોને કહેવાય છે, તેની ઓળખ શું છે? પહેલાં છે અવ્યક્ત સ્થિતિ ની ઓળખ અને ઓળખ્યા પછી છે પરખ તો આ બંને વાતો નું જ્ઞાન છે? અવ્યક્ત સ્થિતિ કોને કહેવાય છે? (વ્યક્ત નું ભાન ન રહે) વ્યક્ત માં કાર્ય કરતા હોવા છતાં પણ વ્યક્ત નું ભાન કેવી રીતે ન રહે? વ્યક્ત માં હોવા છતાં અવ્યક્ત સ્થિતિ રહે, આ કેટલો અનુભવ થાય છે, આજે આ બધાં થી પૂછવું છે! અવ્યક્ત સ્થિતિમાં વધુમાં વધુ કેટલો સમય રહો છો? વધુમાં વધુ કેટલો સમય હોવો જોઈએ, ખબર છે? (આઠ કલાક) સંપૂર્ણ સ્ટેજનાં હિસાબથી તો આઠ કલાક પણ ઓછા માં ઓછો છે. તમારા વર્તમાન પુરુષાર્થ નાં હિસાબ થી આઠ કલાક વધારે છે? (કોઈએ પણ હાથ નથી ઉઠાવ્યો) અચ્છા. જે છ કલાક સુધી પહોંચ્યાં છે તે હાથ ઉઠાવે. (કોઈ નથી ઉઠાવતાં) અચ્છા ૪ કલાક સુધી જે પહોંચ્યાં છે તે હાથ ઉઠાવે (કોઈએ ચાર કલાકમાં કોઈએ ૨ કલાકમાં હાથ ઉઠાવ્યાં) આ રીઝલ્ટ (પરિણામ) નાં હિસાબ થી કેટલો સમય પુરુષાર્થ નો જોઈએ? કોર્સ પણ પૂરો થઈ ગયો. રિવાઇઝ (પુનરાવર્તન) કોર્સ પણ થઇ રહ્યો છે છતાં પણ મેજોરીટી (અધિકાંશ) નું રીઝલ્ટ...તેનું શું કારણ છે? બધાં પુરુષાર્થ પણ કરો છો, ઉમંગ પણ છે, લક્ષ્ય પણ છે તો પણ કેમ નથી થતો? (અટેન્શન ઓછું છે) કઈ વાતનું અટેન્શન (ધ્યાન) ઓછું છે? આ તો અટેન્શન બધાં રાખે છે કે લાયક બનીએ, નજીક આવીએ છતાં પણ મુખ્ય કયું અટેન્શન ઓછું છે, જેનાં કારણે અવ્યક્ત સ્થિતિ ઓછી રહે છે? બધાં પુરુષાર્થી જ અહીંયા બેઠાં છો. એવું કોઈ હશે જે કહે હું પુરુષાર્થી નથી? પુરુષાર્થી હોવા છતાં પણ ખોટ કેમ? શું કારણ છે? અંતર્મુખ રહેવા ઇચ્છતા પણ કેમ નથી રહી શકતાં? બાહરમુખતા માં પણ કેમ આવી જાઓ છો? જ્ઞાની તું આત્મા પણ તો બધાં બન્યાં છો, જ્ઞાની તું આત્મા, સમજદાર બનવાં છતાં ફરી બેસમજ કેમ બની જાઓ છો. સમજ તો મળી છે. સમજ નો કોર્સ પણ પૂરો થઇ ચૂક્યો છે. કોર્સ પૂરો થયો એટલે સમજદાર બની જ ગયાં. છતાં પણ બેસમજ કેમ બનો છો? મુખ્ય કારણ આ દેખાઈ રહ્યું છે - કોઈ-કોઈ માં અલબેલાપણું આવી ગયું છે, જેને સુસ્તી કહેવાય છે. સુસ્તી નું મીઠું રુપ છે આળસ. આળસ પણ ઘણાં પ્રકાર ની હોય છે. તો મેજોરીટી માં કોઈ ને કોઈ રુપમાં આળસ અને અલબેલાપણું આવી ગયું છે. ઈચ્છા પણ છે, પુરુષાર્થ પણ છે, પરંતુ અલબેલાપણું હોવાનાં કારણે જે રીત થી પુરુષાર્થ કરવો જોઈએ તે નથી કરી શકતાં. બુદ્ધિમાં વધારે જ્ઞાન આવી જાય છે તો તેમાં પછી વધારે અલબેલાપણું થઈ જાય છે. જે પોતાને ઓછા સમજદાર સમજે છે તે તો પણ તીવ્ર પુરુષાર્થ કરી રહ્યાં છે. પરંતુ જે પોતાને વધારે સમજદાર સમજે છે, તે વધારે અલબેલાપણા માં આવી ગયાં છે. જેમ પહેલાં-પહેલાં પુરુષાર્થની તૃષ્ણા હતી. આવાં બનીને દેખાડશું. આ કરીને બતાવીશું. હમણાં તે તૃષ્ણા ખતમ થઈ ગઈ છે. તૃપ્તિ થઈ ગઈ છે. પોતે પોતાના થી તૃપ્ત થઈ ગયાં છો. જ્ઞાન તો સમજી લીધું, સર્વિસ તો કરી જ રહ્યાં છીએ. ચાલી જ રહ્યાં છીએ, આ તૃપ્ત આત્મા આ રુપથી નથી બનવાનું. પુરુષાર્થ માં તૃષ્ણા હોવી જોઈએ. જેમ બાંધેલીઓ (બંધનવાળી) તડપતી રહે છે તો પુરુષાર્થ પણ તીવ્ર કરે છે. અને જે બાંધેલી (બંધન માં) નથી તે તૃપ્ત હોય છે. તો અલબેલા થઈ જાય છે. એવું રીઝલ્ટ મેજોરીટી પુરુષાર્થીઓનું જોવામાં આવે છે. હંમેશા સમજો કે અમે નંબરવન પુરુષાર્થી બની રહ્યાં છીએ. બની નથી ગયાં. ત્રણેય કાળો નું જ્ઞાન બુદ્ધિમાં આવી જવાથી પોતાને વધારે સમજદાર સમજે છે. પહેલાં પણ સંભળાવ્યું હતું ને - જ્યાં બાળક બનવું જોઈએ ત્યાં માલિક બની જાઓ છો, જ્યાં માલિક બનવું જોઈએ ત્યાં બાળક બની જાઓ છો. તો હમણાં બાળક રુપમાં મીઠો-મીઠો પુરુષાર્થ તો કરી રહ્યાં છો. રાજ્યનાં અધિકારી તો બની ગયાં. તિલક પણ આવી ગયું પરંતુ આ ઢીલો અને મીઠો પુરુષાર્થ હવે નહીં ચાલી શકે. જેટલાં શક્તિ રુપમાં સ્થિત હશો તો પુરુષાર્થ પણ શક્તિશાળી થશે. હમણાં પુરુષાર્થ શક્તિશાળી નથી. ઢીલો-ઢીલો છે. પુરુષાર્થી તો બધાં છે પરંતુ જે શક્તિશાળી પુરુષાર્થ હોવો જોઈએ તે શક્તિ પુરુષાર્થ માં નથી ભરી. સવારે ઉઠતાં જ પુરુષાર્થ માં શક્તિ ભરવાનો કોઈ ને કોઈ પોઇન્ટ (વાત) સામે રાખો. અમૃતવેલા જેમ રુહ-રુહાન કરો છો તેમ જ પોતાના પુરુષાર્થ ને શક્તિશાળી બનાવવા માટે પણ કોઈ ને કોઈ પોઇન્ટ વિશેષ રુપથી બુદ્ધિમાં યાદ રાખો. હવે વિશેષ પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. સાધારણ પુરુષાર્થ કરવાનાં દિવસો હવે વીતી રહ્યાં છે. જેમ વિશેષ ફંકશન (કાર્યક્રમ) વગેરે નો પ્રોગ્રામ રાખો છો ને તેમ હવે આ જ સમજવાનું છે કે સમય થોડો છે. તેમાં વિશેષ પુરુષાર્થ નો પ્રોગ્રામ રાખવાનો છે. આ વિશેષ પુરુષાર્થ કરવાનું લક્ષ્ય રાખી આગળ વધવાનું છે. જો આવું ઢીલું રીઝલ્ટ રહેશે તો જે આવવાવાળી પરીક્ષાઓ છે તેનું રિઝલ્ટ શું રહેશે? પરીક્ષાઓ કડક આવવાની છે. તેનો સામનો કરવા માટે પુરુષાર્થ પણ કડક જોઈએ. જો પુરુષાર્થ સાધારણ, પરીક્ષા કડક તો રીઝલ્ટ શું હશે?
અચ્છા આજે તો ગોપો થી મુલાકાત કરે છે. પોતાનાં પુરુષાર્થ માં સંતુષ્ટ છો? ચાલી તો રહ્યાં છો પરંતુ કેટલાં પર્સન્ટેજ (ટકાવારી) માં? જે સમજે છે અમે ૭૫% શ્રીમત પર ચાલી રહ્યાં છીએ તે હાથ ઉઠાવે. (ઘણાં એ હાથ ઉઠાવ્યો) અચ્છા મુખ્ય શ્રીમત શું છે? મુખ્ય શ્રીમત આ જ છે કે વધુ થી વધુ સમય યાદની યાત્રા માં રહેવું. કારણ કે આ યાદની યાત્રા થી જ પવિત્રતા, દેવીગુણ અને સર્વિસ ની સફળતા પણ થશે. જે ૭૫% શ્રીમત પર ચાલે છે તેમનો યાદ નો ચાર્ટ કેટલો છે? યાદ નો ચાર્ટ પણ ૭૫% હોવો જોઈએ. આને કહેવાય પૂરે-પૂરું શ્રીમત પર ચાલવાવાળા. આજે ખાસ ગોપો ને આગળ કર્યા છે. ગોપીઓ ને પાછળ બોલાવ્યાં છે કારણ કે જયારે પણ મિલનની કોઈ વાત હોય છે તો ગોપીઓ જલ્દી આવી જાય છે. ગોપ જોતા-જોતા રહી જાય છે. ગોપો ને જવાબદારી પણ આપવાની છે. આમ તો આપેલી છે. જેમ આપ લોકોનાં ચિત્રમાં દેખાડ્યું છે ને કે દ્વાપર નાં પછી તાજ ઉતરી જાય છે. તો આ જવાબદારી નો તાજ પણ આપેલો તો છે પરંતુ ક્યારેક-ક્યારેક જાણી જોઈને પણ ઉતારી દે છે અને માયા પણ ઉતારી દે છે. સતયુગમાં તો તાજ એટલો હલકો હોય છે જે ખબર પણ નથી પડતી કે માથા પર કોઈ બોજ છે. સતયુગ નાં સીન સીનેરી (દૃશ્યો) સામે આવે છે કે નહીં? સતયુગનાં દૃશ્યો સ્વયં જ સામે આવે છે કે લાવો છો? જેટલાં-જેટલાં આગળ વધશો તો ન ઇચ્છવા છતાં પણ સતયુગી દૃશ્ય સ્વયં જ સામે આવશે. લાવવાની પણ જરૂરિયાત નથી. જેટલાં-જેટલાં નજીક આવતા જશો, એટલાં-એટલાં દૃશ્યો પણ નજીક થતાં જશે. સતયુગમાં ચાલવાનું છે અને ખેલ-કૂદ કરવાનું છે. આ તો નિશ્ચિત છે જ આજે જે પણ બધાં બેઠાં છે તેમાથી કોણ સમજે છે કે અમે કૃષ્ણની સાથે પહેલાં જન્મમાં આવીશું? તેમનાં પરિવારમાં આવશો કે સખી-સખા બનશો અથવા તો સ્કૂલનાં સાથી બનશો? જે સમજે છે આ ત્રણેમાંથી કોઈ ને કોઈ જરુર બનશું એવાં નિશ્ચયબુદ્ધિ કોણ છે? (બધાંએ હાથ ઉઠાવ્યો) નજીક આવવાવાળોઓની સંગમયુગ માં શું નિશાની હશે? અહીંયા કોણ પોતાને નજીક સમજે છે? યજ્ઞ સર્વિસ કે બાપદાદાનું જે કાર્ય છે એમાં જે નજીક હશે તે જ ત્યાં ખેલ-કૂદ વગેરેમાં નજીક હશે. યજ્ઞ ની જવાબદારી કે બાપદાદાનાં કાર્યની જવાબદારી થી નજીક જેટલાં-જેટલાં હશો એટલાં ત્યાં પણ નજીક હશો. નજીક હોવાની પરખ કેવી રીતે હશે? દરેકએ પોતે પોતાથી પૂછવું જોઈએ - જેટલી બુદ્ધિ, જેટલું તન-મન-ધન અને જેટલો સમય લૌકિક જવાબદારીઓ માં આપો છો એટલું જ આ તરફ આપો છો? આ તરફ વધારે આપવું જોઈએ. જો વધારે નથી તો તેનું વજન એક જેવું છે? જો બંને તરફ નું એક જેવું છે તો પણ નજીક ગણાશે. આ હિસાબ થી પોતાને પારખવાનું છે. હમણાં સુધી રીઝલ્ટ માં લૌકિક જવાબદારીઓનો બોજ વધારે જોવામાં આવે છે. ખાસ મુખ્ય ગોપોએ આ વાત જરુર ધ્યાનમાં રાખવી જોઈએ કે આજ નો દિવસ જે વીત્યો, કેટલો સમય લૌકિક જવાબદારી તરફ આપ્યો અને કેટલો સમય અલૌકિક અથવા પારલૌકિક તરફ આપ્યો? કેટલાં મદદગાર બન્યાં? આ ચેકિંગ કરતાં રહેશો તો ખબર પડશે કે કઈ તરફ ખાલી છે. દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં રહેવા છતાં પણ ઓછામાં ઓછું બંને તરફ એક જેટલું જરુર હોવું જોઈએ. ઓછું નહીં. તે તરફ ઓછું થયું તો વાંધો નહીં. આ તરફ ઓછું ન હોવું જોઈએ. તો પછી લૌકિક જવાબદારીઓની ખોટ ને પણ ઠીક કરી શકશો. પરમાર્થ થી વહેવાર પણ સિદ્ધ થઈ જાય છે. કોઈ-કોઈ કહે છે પહેલાં વહેવાર ને ઠીક કરી પરમાર્થ માં લાગીએ. આ ઠીક નથી. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ ગોપો માં બાપદાદાની અપેક્ષા છે જે ગોપ જ પૂરી કરી શકે છે. ગોપીઓથી નથી થઈ શકતી. તે કઈ અપેક્ષા છે? પાંડવો નું મુખ્ય કાર્ય આ જ છે જે અનેક પ્રકારનાં લોકો અને અનેક પ્રકારની પરીક્ષાઓ સમય પ્રતિ સમય આવવાની પણ છે અને આવતી પણ રહે છે તો પરીક્ષા અને લોકો ની પરખ આ વિશેષ ગોપો નું કામ છે. કારણ કે પાંડવોનું શક્તિની રક્ષા કરવાનું મુખ્ય કાર્ય છે. શક્તિ નું કામ છે તીર લગાવવું પરંતુ દરેક પ્રકારની પરીક્ષા અને લોકોને પારખવું અને શક્તિઓની રખવાળી કરવી પાંડવો નું કામ છે. આટલી જવાબદારી ઉઠાવી શકો છો? કે શક્તિઓની રખવાળી ની તમને આવશ્યકતા છે? ક્યાંક-ક્યાંક જોવામાં આવે છે પાંડવો પોતાની રખવાળીની બીજાઓ થી આશા રાખે છે પરંતુ પાંડવોએ પોતાની રખવાળીની સાથે ચારે તરફ ની રખવાળી કરવાની છે. બેહદ માં દૃષ્ટિ હોવી જોઈએ ન કે હદમાં. જો પોતાની જ રખવાળી નથી કરતાં તો પછી બીજાઓની મુશ્કેલ થઈ જશે. અચ્છા.