Search for a command to run...
17 Apr 1969
આબૂ ‘આધ્યાત્મિક સંગ્રહાલય’ નું ઉદ્દઘાટન
17 April 1969 · ગુજરાતી
સર્વ સ્નેહી બાળકોને બાપ નાં નમસ્તે. તમારો સ્નેહ કોનાથી છે? (કોઈએ કહ્યું બાપથી, કોઈએ કહ્યું સર્વિસ (સેવા) થી) હજું પણ કોઈનાથી સ્નેહ છે? હજું પણ એક વાત રહી ગઈ છે. બાપદાદા થી તો સ્નેહ છે, પરંતુ સાથે-સાથે પુરુષાર્થ થી પણ વધારે સ્નેહ રાખવો જોઈએ. દેવી પરિવાર થી સ્નેહ, સર્વિસ થી સ્નેહ, બાપદાદા થી સ્નેહ - આ તો છે જ. પરંતુ વર્તમાન સમયે પુરુષાર્થ થી વધારે સ્નેહ રાખવો જોઈએ. જે પુરુષાર્થ નાં સ્નેહી હશે તે સર્વ નાં સ્નેહી હશે. પુરુષાર્થ થી દરેકને કેટલો સ્નેહ છે તે દરેકે તપાસ કરવાની છે. બાપદાદા થી પણ સ્નેહ એટલાં માટે છે કે એ પુરુષાર્થ કરાવે છે; પ્રાલબ્ધ થી પણ સ્નેહ ત્યારે હશે જ્યારે પહેલા પુરુષાર્થ થી સ્નેહ હશે; દેવી પરિવારનો પણ સ્નેહ ત્યાં સુધી લઈ અથવા આપી નથી શકતા જ્યાં સુધી પુરુષાર્થ થી સ્નેહ નથી. જો પુરુષાર્થ થી સ્નેહ છે તો તે એકબીજાનાં સ્નેહ નાં પાત્ર બની શકે છે. સ્નેહ નાં કારણે જ અહીંયા ભેગાં થયા છો. પરંતુ બાપદાદાનાં સ્નેહ માં રહો છો. હવે પુરુષાર્થ થી પણ સ્નેહ રાખવાનો છે. કારણ કે આ પુરુષાર્થ જ આપ બાળકોની આખા કલ્પની પ્રાલબ્ધ બનાવે છે. જેટલો બાળકોનો સ્નેહ છે એટલો તેનાથી ખુબ અધિક બાપદાદા નો પણ છે. જેટલાં જે સ્નેહી છે તેટલો તેમને સ્નેહનો રિસ્પોન્સ (પ્રતિઉત્તર) મળતો રહે છે. અવ્યક્ત રુપ થી સ્નેહને લેવાનો છે. અવ્યક્ત સ્નેહ નો પાઠ ક્યાં સુધી ભણ્યા છો? વર્તમાન સમયનો પાઠ આ જ છે. અવ્યક્ત રુપ થી સ્નેહ ને લેવો અને સ્નેહ થી સર્વિસ નું સબૂત (પ્રમાણ) આપવાનું છે. આ અવ્યક્ત સ્નેહ નો પાઠ ક્યાં સુધી પાક્કો કર્યો છે? હમણાં શું રિઝલ્ટ (પરિણામ) સમજો છો? અડધે સુધી પહોંચ્યા છો? મેજોરીટી (અધિકાંશ) નું પરિણામ પૂછે છે. (કોઈએ કહ્યું ૨૫% કોઈએ કહ્યુ ૭૫%) ૨૫ અને ૭૫ માં કેટલો ફરક છે! અધિકાંશ ૨૫ સમજે છે, આવું પરિણામ કેમ છે? આનું કારણ શું છે? અવ્યક્ત સ્નેહ ૨૫ છે તો બાકી ૭૫ કયો સ્નેહ છે? અધિકાંશનું જો ૨૫ પરિણામ રહ્યું, તો જે ભવિષ્ય સમય આવવાનો છે તેમાં પાસ માર્ક્સ કેવી રીતે થશે? હવે તો અવ્યક્ત સ્નેહ જ મુખ્ય છે. અવ્યક્ત સ્નેહ જ યાદની યાત્રાને બળ આપે છે. અવ્યક્ત સ્નેહ જ અવ્યક્ત સ્થિતિ બનાવવા માટે મદદ આપે છે. આ પરિણામ ૨૫ કેમ? કારણ વિચાર્યું છે? સમય અનુસાર હમણાં સુધી આ પરિણામ ન હોવું જોઈએ. સમયનાં પ્રમાણે તો ૭૫ હોવું જોઈએ. પછી એવું પરિણામ બનાવવા માટે શું કરશો? તેની રીત કઈ છે? (અંતર્મુખતા) આ તો હંમેશા કહો છો ‘અંતર્મુખ’ થવું છે. પરંતુ ન થવાનું કારણ શું છે?
બાપદાદા થી, સર્વિસ થી સ્નેહ તો છે જ. પરંતુ પુરુષાર્થ થી સ્નેહ ઓછો છે. આનું પણ કારણ આ દેખાય છે કે વધારે કરીને પરિસ્થિતિઓને જોઈ હેરાન થઈ જાય છે. પરિસ્થિતિઓનો આધાર લઇ સ્થિતિ ને બનાવે છે. સ્થિતિ થી પરિસ્થિતિ ને બદલતા નથી. સમજે છે કે જ્યારે પરિસ્થિતિ ને બદલશું ત્યારે સ્થિતિ બનશે. પરંતુ હોવી જોઈએ સ્વ-સ્થિતિ ની શક્તિ, જેનાથી જ પરિસ્થિતિઓ બદલાય છે. તે પરિસ્થિતિ છે, આ સ્વ-સ્થિતિ છે. પરિસ્થિતિ માં આવવાથી કમજોરી માં આવી જવાય, સ્વ-સ્થિતિ માં આવવાથી શક્તિ આવે છે. તો પરિસ્થિતિમાં આવીને ઉભાં નથી રહી જવાનું. સ્વ-સ્થિતિ ની એટલી શક્તિ છે જે કોઇ પણ પરિસ્થિતિ ને પરિવર્તન કરી શકે છે. સ્વ-સ્થિતિ ની દુર્બળતા હોવાનાં કારણે ક્યાંક-ક્યાંક પરિસ્થિતિ પ્રબળ થઈ જાય છે. મેજોરીટી (અધિકાંશ) બાળકો આ જ કહેતા રહે છે - બાબા, આ વાતને ઠીક કરો તો અમે આવાં બનીએ. આ વાતની અડચણ છે. એવાં કોઈ વિરલા છે જે પોતાની હિંમત દેખાડે છે, કે આ પરિસ્થિતિને પાર કરીને જ દેખાડશું. અરજી નાખે છે, આ પણ ઠીક છે. પરંતુ અરજી ની સાથે-સાથે જ શિક્ષા મળે છે, તેને સ્વરુપ માં લાવતા નથી. બધા ની અરજીઓ ની ફાઈલ બહુ ભેગી થઈ ગઈ છે. જેમ ધર્મરાજ નાં ચોપડા હોય છે ને. તેમ વર્તમાન સમયે બાપદાદા ની પાસે બાળકો ની અરજીઓ ખુબ છે. દરેક ની ફાઈલ છે. મુખ્ય વાત તો સંભળાવી કે પુરુષાર્થ થી સ્નેહ રાખવાનો છે. તમે પોતાને શું કહો છો? (પુરુષાર્થી છીએ) તમે પુરુષાર્થી છો પછી પુરુષાર્થ ને નથી જાણતાં, પોતાની ફાઈલને જાણો છો? પોતાનો પુરુષાર્થ શું છે તેની ખબર છે? સાકાર રુપમાં ફાઇનલ (અંતિમ) સ્થિતિ જોઈ ને. તો સાકાર રુપમાં કર્મ કરીને દેખાડ્યું તો તેનાથી ફાઈનલ અવસ્થા ની ખબર પડી ને. ફાઈનલ અવસ્થા નાં પ્રમાણે જે કંઈ ઉણપ જોવામાં આવે છે તે ઉણપ ને તરત કાઢવી એ જ પુરુષાર્થ થી પ્રેમ છે. ધીરે-ધીરે ન કરવું જોઈએ. સાકાર નો પણ મુખ્ય ગુણ જોયો તે કોઈ પણ વાતને પાછળ માટે નહોતા છોડતાં, હમણાં જ કરવાનું છે. જેમ તેઓ ‘હમણાં કરતા હતાં’ તેમ જ હમણાં કરવાનું છે. એવું નહીં કે ક્યારેક કરી લઈશું. ૧૦ કે ૧૫ દિવસ પછી કરી લઈશું, મધુબન જઇને અંત માં પ્રેક્ટિસ (અભ્યાસ) કરી લઈશું. એવો ઇંતજાર (વિલંબ) બહુ કરે છે. ઇંતજામ (તૈયારી) ને ભૂલી જાય છે. તૈયારી નથી કરતા, વાતો નો વિલંબ ખુબ કરે છે. વિલંબ ને કાઢી તૈયારી માં લાગી જશો પછી ૭૫ પરિણામ થઈ જશે. વર્તમાન સમયે મેજોરીટી નાં પુરુષાર્થ નું રીઝલ્ટ (પરિણામ) ૭૫ થી ઓછું ન હોવું જોઈએ. કારણ પણ સંભળાવી રહ્યાં છે, કોઈ સમયની રાહ જોઈ રહ્યાં છે, કોઈ સમસ્યાઓની, કોઈ સંબંધોની, કોઈ પછી પોતાનાં શરીરની. પરંતુ જેમ છે, જે પણ સામે છે તે જ હાલતમાં, આ જ શરીરમાં મારે સંપૂર્ણ બનવાનું છે, આ લક્ષ્ય રાખવાનું છે. હમણાં કંઇક આધાર હોવાનાં કારણે અધીન બની જાય છે. વાતોનાં અધીન છે. દરેક પોતપોતાની વાર્તા અમૃતવેલાએ સંભળાવે છે. કોઈ કહે છે શરીરનાં રોગ ન હોય તો અમે ખુબ પુરુષાર્થ કરીએ. કોઈ કહે છે બંધન હટાવી દો. પરંતુ આ તો એક બંધન હટશે, બીજું આવશે. તન નું બંધન હટશે, મનનું આવશે, ધનનું આવશે, સંબંધનું આવશે પછી શું કરશો? તે જાતે નહીં હટે. પોતાની જ શક્તિ થી હટાવવાનાં છે. ઘણાં સમજે છે બાપદાદા હટાવશે અથવા સમય પ્રમાણે હટશે. પરંતુ આ નથી સમજવાનું. હવે તો સમય નજીક પહોંચી ગયો છે, એમાં જો ઢીલો પુરુષાર્થ રહ્યો તો આ પુરુષાર્થ નો સમય હાથ થી ગુમાવી દેશો. હમણાં તો એક-એક સેકન્ડ, એક-એક શ્વાસ, ખબર છે કેટલાં શ્વાસ ચાલે છે? અગણિત છે ને. તો એક-એક શ્વાસ, એક-એક સેકન્ડ, સફળ થવી જોઈએ. હવે એવો સમય છે - જો કંઈ પણ અલબેલાપણું રહ્યું તો જેમ ઘણાં બાળકોએ સાકાર મધુર મિલન નું સૌભાગ્ય ગુમાવી દીધું, એમ જ આ પુરુષાર્થ નાં સૌભાગ્યનો સમય પણ હાથ થી ચાલ્યો જશે. એટલે પહેલાથી જ કહી રહ્યાં છે. પુરુષાર્થ થી સ્નેહ રાખી પુરુષાર્થ ને આગળ વધારો.
ઉપર થી બધો ખેલ જોતા રહે છે. તમે પણ આવીને જોશો તો બહુ મજા આવશે. બહુ રમણીક ખેલ બાળકો નો જુએ છે. તમે પણ જોઈ શકો છો. જો પોતાની ઉંચી અવસ્થામાં સ્થિત થઈને જોશો તો પોતાની સાથે બીજાઓના પણ ખેલ જોવામાં આવશે. બાપદાદા તો જોતા રહે છે. હસવાની રમત છે. મોટા-મોટા મહારથી વાઘ થી નથી ડરતા, પણ કીડી થી ડરી જાય છે. વાઘ થી ખુબ સહજ મુકાબલો કરી લે છે, પરંતુ કીડીને મસળવાની રીત નથી જાણતાં. આ છે મહારથીઓની રમત. ઘોડે સવાર ખબર છે શું કરે છે? (ગેલપ કરે છે - છલાંગ મારે છે) ઘોડે સવારોની પણ રમત જુએ છે. મહારથીઓનું તો સંભળાવ્યું? ઘોડે સવાર જે છે - તેમનામાં હિંમત-ઉત્સાહ ખુબ છે, પુરુષાર્થ માં કદમ પણ આગળ વધારે છે. પરંતુ ગેલપ કરતા-કરતા (લપસી જાય છે) લપસતા પણ નથી, પડતા પણ નથી, થાકતા પણ નથી, અથક પણ છે, ચાલે પણ ખુબ સરસ છે, પરંતુ જે માર્ગમાં દ્રશ્યો છે તેમાં આકર્ષિત થઇ જાય છે. પોતાનાં પુરુષાર્થ ને ચલાવતા પણ રહે છે પરંતુ જોવાનાં સંસ્કાર વધારે છે. આ શું કરી રહ્યાં છે, આ કેવી રીતે કરે છે, તો અમે પણ કરીએ. રેસ (હરીફાઈ) કરે છે. તો ઘોડેસવારો માં જોવાનું આકર્ષણ વધારે છે. પ્યાદાઓ ની એક હસવાની વાત છે. ખેલ સંભળાવી રહ્યાં છે ને. તેઓ શું કરે છે? હોય છે ખુબ નાની એવી વાત પરંતુ તેને એટલો મોટો પહાડ બનાવી દે છે! પહાડને રાઈ નહીં, રાઈને પહાડ બનાવીને તેમાં પોતે જ હેરાન થઈ જાય છે. છે કંઈ પણ નહીં, તેને બધું જ બનાવી દે છે. ઊંચું-ઊંચું જોઈ હિંમતહીન થઇ જાય છે. છતાં પણ વર્તમાન સમયે જે પણ ત્રણેય છે તેમાંથી અડધી ક્વોલિટી (સંખ્યા) એવી છે જે પોતાને કંઈક બદલી રહ્યાં છે. એટલે છતાં પણ તેમની હિંમત-ઉલ્લાસ, કદમ આગળ વધતાં જોઈ બાપદાદા હર્ષિત થાય છે. દરેક ને પૂછીએ કે કોણ મહારથી, ઘોડેસવાર, પ્યાદા છે તો બતાવી શકશો? અચ્છા!