Search for a command to run...
18 Jan 1969
પિતાશ્રીજી નાં અવ્યક્ત થવાનાં પછી ગુલઝાર બહેન દ્વારા અવ્યક્ત વતન થી પ્રાપ્ત દિવ્ય સંદેશ
18 January 1969 · ગુજરાતી
આજે જ્યારે હું વતનમાં ગઈ તો શિવબાબા બોલ્યા - “સાકાર બ્રહ્માની આત્મામાં આદિ થી અંત સુધી ૮૪ જન્મો નાં ચક્ર લગાડવાનાં સંસ્કાર છે. તો આજે પણ વતન થી ચક્ર લગાવવા ગયાં હતાં. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા રોકેટ દ્વારા ચંદ્રમાં સુધી પહોચ્યાં અને જેટલાં ચંદ્રમાંનાં નજીક પહોંચતા ગયાં એટલાં આ ધરતીનાં આકર્ષણ થી દૂર થતાં ગયાં, પૃથ્વીનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું. ત્યાં પહોંચ્યા પછી ખૂબ હલકાપણું અનુભવ થાય છે. જેમ આપ બાળકો જ્યારે સૂક્ષ્મવતન માં આવો છો તો સ્થૂળ આકર્ષણ સમાપ્ત થઇ જાય છે તો ત્યાં પણ ધરતીનું આકર્ષણ નથી રહેતું. આ છે ધ્યાન દ્વારા અને તે છે સાયન્સ દ્વારા.” બીજું પણ એક અંતર બાપદાદા સંભળાવી રહ્યાં હતાં-કે તે લોકો જ્યારે રોકેટમાં ચાલે છે તો પાછાં આવવાનું કનેક્શન (જોડાણ) નીચેવાળા થી હોય છે પરંતુ અહીંયા તો જ્યારે ઈચ્છો, જેમ ઈચ્છો પોતાનાં હાથમાં છે. આનાં પછી બાબાએ એક દૃશ્ય દેખાડયું.
લાઈટ (પ્રકાશ) ની ખુબ ઊંચી પહાડી હતી. તે પહાડીનાં નીચે શક્તિ સેના અને પાંડવ દળ હતું, ઉપર માં બાપદાદા ઉભાં હતાં. એનાં પછી ખુબ ભીડ થઈ ગઈ. આપણે બધાં ત્યાં ઉભાં એવાં લાગી રહ્યાં હતાં જેમ કે સાકાર નહીં પરંતુ મંદિરની સાક્ષાત્કાર મૂર્તિ ઉભી છે. બધાં ઉપર જોવાની કોશિશ કરી રહ્યાં હતાં, પરંતુ ઉપર જોઈ ન શક્યાં. જાણે કે બધાં ખૂબ તરસી રહ્યાં હતાં. પછી થોડીવાર માં એક આકાશવાણી ની જેમ અવાજ આવ્યો કે - “શક્તિઓ અને પાંડવો દ્વારા જ કલ્યાણ થવાનું છે.” એ સમયે આપણાં બધાનાં ચહેરા પર ખૂબ જ રહેમદિલ નો ભાવ હતો. તેનાં પછી ઘણાં લોકો ને શક્તિઓ અને પાંડવો થી અવ્યક્ત બ્રહ્મા નો સાક્ષાત્કાર, શિવબાબા નો સાક્ષાત્કાર થવાં લાગ્યો. પછી તો તે સીન (દૃશ્ય) જોવાં જેવી હતી. કોઈ સ્મિત કરી રહ્યાં હતાં, કોઈ પકડવાની કોશિશ કરી રહ્યાં હતાં, કોઈ પ્રેમમાં આંસુ વહાવી રહ્યાં હતાં. પરંતુ બધી શક્તિઓ આગનાં ગોળા સમાન તેજસ્વી રુપમાં સ્થિત હતી.
આનાં પર બાબાએ સંભળાવ્યું કે - “અંત સમય માં તમારું આ વ્યક્ત શરીર પણ બિલકુલ સ્થિર થઇ જશે. હમણાં તો જૂનાં હિસાબ-કિતાબ હોવાનાં કારણે શરીર પોતાની તરફ ખેંચે છે. પરંતુ અંતમાં બિલકુલ સ્થિર તથા શાંત થઇ જશે. કોઈ પણ હલચલ ન મનમાં, ન તનમાં રહેશે” જેને જ બાબા કહે છે “દેહી-અભિમાની સ્થિતિ”. દૃશ્ય સમાપ્ત થયાં પછી બાબાએ કહ્યું - “બધાં બાળકો ને કહેજો કે હવે દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરો.” જેટલું સર્વિસ (સેવા) પર ધ્યાન છે એટલું જ આ મુખ્ય વાત પર પણ ધ્યાન રહે કે ‘દેહી-અભિમાની’ બનવાનું છે.
આજે જ્યારે હું વતનમાં ગઈ તો બાપદાદા આપણું બધાં બાળકોનું સ્વાગત કરવા માટે સામે ઉપસ્થિત હતાં. જેવી હું પહોંચી તો, જેમ સાકાર રુપમાં દૃષ્ટિથી યાદ લેતાં હતાં એમ જ અનુભવ થયો. પરંતુ આજ ની દૃષ્ટિમાં વિશેષ પ્રેમનાં સાગરનું રુપ ઈમર્જ (જાગૃત) હતું. એક-એક બાળકની યાદ નયનોમાં સમાયેલી હતી. બાબાએ કહ્યું - “યાદ તો બધાં બાળકોને મોકલી છે, પરંતુ આમાં બે પ્રકારની યાદ છે. ઘણાં બાળકોની યાદ અવ્યક્ત છે. અને ઘણાઓની યાદમાં અવ્યક્ત ભાવની સાથે વ્યક્ત ભાવ મિક્સ છે.” ૭૫% બાળકોની યાદ અવ્યક્ત હતી પરંતુ ૨૫% ની યાદ મિક્સ હતી. પછી બાબાએ બધાને સ્નેહ અને શક્તિ ભરી દૃષ્ટિ આપતા ગીટ્ટી ખવડાવી. પછી એક દૃશ્ય ઈમર્જ થયું. શું જોયું કે બધાં બાળકોનું સંગઠન ઊભું છે અને ઉપર થી ખૂબ ફૂલોની વર્ષા થઈ રહી છે. બિલકુલ ચારે બાજુ ફૂલોનાં સિવાય બીજું કંઈ જોવામાં નહોતું આવી રહ્યું. બાબાએ સંભળાવ્યું - “બાળકી, બાપદાદાએ સ્નેહ અને શક્તિ તો બાળકોને આપી જ છે, પરંતુ સાથે-સાથે દિવ્ય ગુણ રુપી ફૂલોની વર્ષા શિક્ષાનાં રુપમાં પણ ખૂબ કરી છે. પરંતુ દિવ્ય ગુણોની શિક્ષાને દરેક બાળકે યથાશક્તિ જ ધારણ કરી છે.” તેનાં પછી ફરી બીજું દૃશ્ય દેખાડયું.
ત્રણ પ્રકારનાં ગુલાબનાં ફૂલ હતા - એક લોખંડનું, બીજું હલકું પિત્તળનું અને ત્રીજું રીયલ (સાચું) ગુલાબ હતું. તો બાબાએ કહ્યું - “બાળકોનું રિઝલ્ટ (પરિણામ) પણ આ પ્રકારનું છે. જે લોખંડનું ફૂલ છે - એ બાળકોનાં આકરા સંસ્કાર ની નિશાની છે. જેમ લોખંડને ખૂબ ટીચવું પડે છે, જ્યાં સુધી ગરમ ન કરો, હથોડી ન મારો તો વળી નથી શકતું. આજ રીતે ઘણાં બાળકોનાં સંસ્કાર લોખંડ જેવાં કઠોર છે, જે કેટલું પણ ભટ્ટી માં પડ્યાં રહે પરંતુ બદલાતાં જ નથી. બીજા તે છે વાળવાથી અથવા મહેનત થી કંઈક બદલાય છે. ત્રીજા તે જે નેચરલ (કુદરતી) જ ગુલાબ છે - આ તેજ બાળકો છે જેમણે ગુલાબ સમાન બનવામાં કાંઈ મહેનત નથી લાગી.” એવું સંભળાવતાં-સંભળાવતાં બાબાએ રીયલ ગુલાબનાં ફૂલને પોતાનાં હાથમાં ઉઠાવીને થોડું ફેરવ્યું. ફેરવતાં જ તેનાં બધા પત્તા પડી ગયાં અને એકલું વચમાં બીજ રહી ગયું. તો બાબા બોલ્યાં - “જુઓ બાળકી, જેમ આનાં પત્તા કેટલા જલ્દી અને સહજ અલગ થઈ ગયાં! એમ જ બાળકોએ એવો પુરુષાર્થ કરવાનો છે, જે એકદમ ફટ થી જૂનાં સંસ્કાર, જૂનાં દેહનાં સંબંધ રુપી પત્તા છૂટા પડી જાય અને પછી બીજરુપ અવસ્થામાં સ્થિત થઈ જાઓ. તો બધાં બાળકોને આ સંદેશ આપજો કે પોતાની તપાસ કરો કે જો સમય આવી જાય તો કોઈ પણ સંસ્કાર રુપી પત્તા અટકી તો નહીં જશે, જે મહેનત કરવી પડે? કર્માતીત અવસ્થા સહજ જ બની જશે કે કોઈ કર્મબંધન તે સમયે અટકાવશે? જો કોઈ ખામી છે તો તપાસ કરો અને ભરવાની કોશિશ કરો.”
આજે બાબાને મધુબનમાં આવવા માટે નિમંત્રણ આપવાં વતન માં ગઈ - તો બાપદાદાનાં ઈશારાઓ થી અનુભવ થયો કે આજે બાબાનો વિચાર નથી. એટલામાં જ બાબા બોલ્યા - “અચ્છા બાળકી, બધાં બાળકોએ બોલાવ્યાં છે! તો બાપદાદા બાળકોનાં સેવાધારી છે.” આ સાંભળીને સંકલ્પ ચાલ્યો કે બાબાએ હમણાં-હમણાં ‘ના’ કરી અને હમણાં-હમણાં ‘હાં’ કરી, કેમ? દિલનાં સંકલ્પ ને જાણીને બાબા બોલ્યા - “આ જાણી જોઈને કર્મ કરીને બાબા શીખવાડી રહ્યાં છે કે આપ બાળકોએ પણ એક-બીજાની સલાહ, એક-બીજાનાં વિચારોને રીગાર્ડ આપવો જોઈએ. ભલે સમજો - કોઈ વિચાર આપે છે અને તમને નથી ગમતો. તો પણ તેમનાં વિચાર ને તરત ઠુકરાવી ન દેવો જોઈએ. પહેલાં તો તેમને રીગાર્ડ આપો કે - હાં, કેમ નહીં. ખૂબ સરસ! જેથી તેમનાં વિચાર નો ફોર્સ (ગતિ) ઓછો થઈ જાય. તો પછી તમે જે તેમને સમજાવશો તે સમજી શકશે. જો સીધું જ તેમને કાપશો તો બંને ફોર્સ ટક્કર ખાશે અને રિઝલ્ટ (પરિણામ) માં સફળતા નહીં નીકળશે. એટલે એક-બીજાનાં વિચાર અર્થાત્ સલાહ ને પહેલાં માન આપવું આવશ્યક છે. એનાથી જ આપસમાં સ્નેહ અને સંગઠન ચાલતું રહેશે.”
આજે જ્યારે વતન માં ગઈ તો જેવી હું પહોચી તો બાપદાદા સામે જ હતાં, પરંતુ શું જોયું કે બ્રહ્મા બાબાનાં ગળામાં અનેકાનેક માળાઓ પડેલી હતી. પછી બાબાએ કહ્યું - “આ માળા ઉતારીને જુઓ.” માળા ઉતારી તો કોઈ મોટી માળા હતી, કોઇ નાની. મેં કહ્યું - બાબા, આનું રહસ્ય શું છે? બાબા બોલ્યા - “બાળકી, આ બધી ઉલહના (ફરિયાદ) ની માળા છે. કારણ કે બાળકો જ્યારે એકાંત માં બેસે છે તો બાબાને સ્નેહ માં ઉલહના જ આપે છે. દરેક બાળકે બાપને ઉલહના ની માળા જરુર પહેરાવી છે.” બાબાએ કહ્યું - “બાળકોને ડ્રામા ભલે યાદ છે, પરંતુ પ્રિય થી પ્રિય ચીજ તો જરુર છે. તો અચાનક ડ્રામાને વન્ડરફુલ જોઇ દરેક બાળક દિલમાંને-દિલમાં ઉલહના આપતા રહે છે. આમ તો જ્ઞાન બાળકોને છે, પરંતુ જ્ઞાનની સાથે પ્રેમ અથવા સ્નેહ પણ છે. એટલે આ ઉલહના ને ખોટી નહીં કહેશું.” પછી મેં પૂછ્યું - બાબા, તમે આનો રિસ્પોન્સ (ઉત્તર) શું આપ્યો? તો બાબા બોલ્યા - “જેવું બાળક તેવો રિસ્પોન્સ.” બાબાએ કહ્યું - “હું પણ રિસ્પોન્સ માં બાળકોને ઉલહના ની માળા જ પહેરાવું છું. તે કઈ?” પછી બાબાએ સંભળાવ્યું - “જે બાપની આશ બાળકોમાં હતી તે સાકાર રુપમાં બાપને નથી દેખાડી, જે હવે અવ્યક્ત રુપમાં દેખાડવાની છે.” બાબાએ કહ્યું - “આ ઉલહના પણ મીઠી રુહરુહાન છે. આ પણ એક ખેલપાલ બાળકોનો છે. સાકાર રુપમાં જે બાપદાદાએ શ્રુંગાર કરાવ્યો તે હવે અવ્યક્ત વતન માં બાપદાદા જોશે.” આ દૃશ્ય પૂરું થઈ ગયું. પછી ભોગ સ્વીકાર કરાવ્યો. પછી મેં બાબા ને પૂછ્યું - બાબા, તમે આખો દિવસ વતન માં શું કરો છો? બાબાએ કહ્યું - “ચાલ, હું તને વતનનું મ્યુઝિયમ દેખાડું. તમે તો મ્યુઝિયમ બનાવવાનાં પહેલાં પ્લાન (યોજના) બનાવો છો, બાબાનું મ્યુઝિયમ તો એક સેકન્ડમાં તૈયાર થઈ જાય છે.” પછી શું જોયું? એક ખૂબ મોટો હોલ (ઓરડો) હતો. એક જ હોલમાં આપણે બધાં બાળકો અનેકાનેક મોડલ નાં રુપમાં ઉભાં હતાં. મેં કહ્યું - બાબા, આ તો અમે જ મ્યુઝિયમ માં ઉભાં છીએ! બાબાએ કહ્યું - “બાળકી, બાબાનું મ્યુઝિયમ આ જ છે. હમણાં તું જા, જઈને એક મોડલ ને જો કે બાપદાદાએ શું-શું સજાવ્યું છે?” જેમ આર્ટિસ્ટ (કલાકાર) મૂર્તિને સજાવે છે તો બાબાએ કહ્યું - જો, બાપદાદાએ શું-શું સજાવ્યું છે?” હું જ્યારે મોડલ ની પાસે ગઈ તો મને કંઈ ખાસ દેખાયું નહીં. પૂરી સજાવેલી મૂર્તિ દેખાઈ રહી હતી. બાબાએ કહ્યું - જો મોટો (ઉપર ઉપર નો) શ્રુંગાર છે તો તે સાકાર માં જ બાળકોનો કરીને આવ્યાં છે. પરંતુ હવે અવ્યક્ત રુપ માં શું સજાવી રહ્યાં છે? બધાં શ્રુંગાર તો છે, દાગીના પણ છે, પરંતુ દાગીનામાં વચમાં નંગ લગાવી રહ્યાં છે.” બાબાનાં કહ્યાં પછી કોઈ-કોઈ માં જેમ એક્સ્ટ્રા નંગ દેખાયાં. બાબાએ કહ્યું - “બાળકોનાં પ્રતિ મુખ્ય શિક્ષા આ જ છે કે અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહીને વ્યક્ત ભાવમાં આવો. જ્યારે એકાંત માં બેસે છે તો અવ્યક્ત સ્થિતિ રહે છે, પરંતુ વ્યક્તમાં રહીને અવ્યક્ત ભાવમાં સ્થિત રહેવું - તે છૂટી જાય છે. એટલે એકરસ કર્માતીત સ્થિતિ નો જે નંગ છે, તે ઓછો છે. તો જેનાં જીવનમાં જે કમી જોવું છું હું તે સજાવી રહ્યો છું. જેમ સાકાર રુપમાં આ કાર્ય કરતો હતો, તે હવે અવ્યક્ત રુપ માં કરું છું. તો બાળકોને જઈને પૂછજે કે આખાં દિવસ માં જેમ બાપ બાળકોને સજાવે છે, એમ બાળકોને ભાસના આવે છે? તે સમયે જે યોગયુક્ત બાળકો હશે તેમને ભાસના આવશે કે - બાબા હમણાં મારાથી વાત કરી રહ્યાં છે, સજાવી રહ્યાં છે! જેમ હું અવ્યક્ત વતન માં બાળકોને મળતો, બહેલાવતો (લાડ લડાવવા) રહું છું; અવ્યક્ત રુપવાળા બાળકો આ અનુભવ કરી શકે છે. હું પણ ખાસ સમય પર ખાસ બાળકોને યાદ કરું છું. એવી ટચિંગ બાળકોને થતી જ હશે.” મેં કહ્યું - બાબા, તમે બધાંને અવ્યક્ત વતન માં કેમ નથી બોલાવી લેતાં? - અહીંયા જ મોટું સેવાકેન્દ્ર ખોલી દો. હવે તો બધાં બાળકો ઉપરામ થઈ ગયાં છે. બાબાએ કહ્યું - “આ ઉપરામ અવસ્થા થવી જ જોઈએ. હંમેશા તૈયાર રહેવું જોઈએ. આ પણ યાદની યાત્રાને બળ મળે છે. આ ‘ઉપરામ અવસ્થા’ સહજ યાદની રીત છે. હવે બાળકોને કહેજે - વધારે સમય નથી; બાબા ક્યારે પણ કોઈ ને બોલાવી લેશે.
આજે જ્યારે વતનમાં ગઈ તો જતાં જ અનુભવ થઈ રહ્યો હતો જેમ કે લાઈટનાં વાદળો ને પાર કરીને વતનમાં જઈ રહી છું. વાદળોની લાઈટ એવી લાગી રહી હતી જેમ સૂર્યાસ્ત થતાં સમયે લાલીમાં જોવામાં આવે છે. જેવી વતનમાં પહોંચી તો ત્યાં પણ એવું જ દેખાયું કે લાઈટનાં વાદળો ની વચ્ચે બાપદાદાનું મુખડું સૂર્ય-ચંદ્રમાં સમાન ચમકતું જોવામાં આવી રહ્યું હતું. દૃશ્ય ખુબ સુંદર દેખાઈ રહ્યું હતું, પરંતુ આજનું વાયુમંડળ બિલકુલ શાંત હતું. બાપદાદાની સાથે મુલાકાતમાં પણ શાંતિ અને શક્તિ ની ભાસના આવી રહી હતી. પછી તો સ્મિત કરતાં બાબા બોલ્યા - “ભલે આપ બાળકો સાકાર શરીરમાં સાકારી સૃષ્ટિમાં છો, તો પણ સાકારમાં રહેતાં આવું જ લાઈટ માઈટ રુપ થઇને રહેવાનું છે. જે કોઈ પણ જુએ તો અનુભવ કરે કે - આ કોઈ ફરિશ્તા ફરી રહ્યાં છે! પરંતુ તે અવસ્થા ત્યારે હશે જ્યારે એકાંત માં બેસી અંતર્મુખી અવસ્થામાં રહી પોતાની તપાસ કરશો. એવી અવસ્થા થી જ આત્માઓને આપ બાળકો થી સાક્ષાત્કાર થશે.” આજે વતનમાં એક તરફ તો બિલકુલ શાંતિ હતી, બીજી તરફ પછી પ્રેમનું રુપ ખૂબ હતું. શું જોયું? બાબાની બાહોમાં બધાં બાળકો સમાયેલાં હતાં. સાથે-સાથે પ્રેમનાં સાગર તો હતાં જ. બાબા એ કહ્યું - “આપ શક્તિઓએ પણ સર્વ આત્માઓને આમ જ હવે પોતાનાં સમીપ લાવવાની છે. તમારી દૃષ્ટિમાં બાપ સમાન જ્યારે પ્રેમ અને શક્તિ - બંને પાવર (બળ) હશે ત્યારે આત્માઓ નજીક આવશે.”
એનાં પછી બાબાએ ત્રીજું દૃશ્ય બતાવ્યું. શું જોયું - બાબાની સામે અનેક કાર્ડ પડ્યાં હતાં. બાબાએ કહ્યું - આ કાર્ડને એવી રીતે સજાવો જેનાથી કોઈ સીનેરી (દૃશ્ય) બની જાય. કારણ કે દરેક કાર્ડ ઉપર દૃશ્ય ની ડીઝાઈન હતી. - કોઈમાં ચિત્ર, કોઇમાં શરીર. હું મળાવાં લાગી - તો ક્યારેક ઉલટું ક્યારેક સુલટું થઇ જતું હતું. બાપદાદા ખૂબ હસી રહ્યાં હતાં. એમાં બહુ જ સુંદર સતયુગ નાં દૃશ્યો હતાં. એક કૃષ્ણ બાળ રુપમાં ઝૂલામાં ઝૂલી રહ્યાં હતાં, સાથે કાન્તા (દાસી) ઝૂલાવી રહી હતી. બીજામાં સખા-સખીઓની રમત હતી. એટલે સતયુગની દિનચર્યા હતી. પછી બાબાએ વિદાય આપતા સમયે કહ્યું - “બાળકી, બધાંને સંદેશ આપજે - કે શક્તિ-સ્વરુપ ભવ અને પ્રેમ-સ્વરુપ ભવ.”
આજે જ્યારે આ દેહ અને દેહનાં દેશની પાર પોતાનાં સૂક્ષ્મવતન, જેને બ્રહ્માપુરી કહે છે, ત્યાં ગઈ તો પરમાત્મા બાપે એક દૃશ્ય બતાવ્યું. ખૂબ મોટી ભીડ જોઈ. પછી જોયું - જેમ કોઈ ટિકિટ વેચી રહ્યું છે અને દરેક કોશિશ કરી રહ્યાં છે કે અમને પણ ટિકિટ મળે. પરંતુ થોડા સમયમાં જોયું કે કોઈ-કોઈને ટિકિટ મળી અને કોઈ-કોઈ ટિકિટ થી વંચિત રહી ગયાં. જેમને ટિકિટ મળી તેઓ દિલમાં ને દિલમાં હર્ષાતા રહ્યાં અને જેમને નહિં મળી તે એકબીજાને જોતાં રહ્યાં. તે ટિકિટ ક્યાંની હતી, તેનાં પર એક બીજુ દૃશ્ય જોયું. એક મોટો સુંદર દરવાજો હતો, જે અચાનક ખુલ્યો. જેમની પાસે ટિકિટ હતી તેઓ તો દરવાજાની અંદર ચાલ્યાં ગયાં અને જેમની પાસે ટિકિટ નહોતી તે ખૂબ જ પશ્ચાતાપ થી જોઈ રહ્યાં હતાં. તે દરવાજા પર લખેલું હતું - “સ્વર્ગનો દ્વાર”. બાબાએ રહસ્ય સંભળાવ્યું કે - “પરમાત્મા બાપ બધાં બાળકો દ્વારા સતયુગી નવી સૃષ્ટિ ‘સ્વર્ગ’ માં ચાલવાની ટિકિટ અપાવી રહ્યાં છે. પરંતુ ઘણાં બાળકો વિચારી રહ્યાં છે કે હમણાં નહીં પછી લઈ લઈશું. પરંતુ એવું ન થાય કે આ ટિકિટ મળવાનું બંધ થઈ જાય અને સ્વર્ગમાં જવાથી વંચિત રહી જાય.” બાબાએ કહ્યું - “ઘણી આત્માઓ સાંભળે છે; વિચારે છે કે આ કાર્ય શું ચાલી રહ્યું છે? તો બાપદાદા બાળકો પ્રતિ આજ શિક્ષા આપી રહ્યાં છે કે હવે વિચારતાં-વિચારતાં પોતાનાં ભાગ્યને ગુમાવી ન દો.”
પછી બીજુ દૃશ્ય જોયું. નદી વહી રહી હતી. તે નદીમાં દૂર-દૂર થી ઘણાં લોકો આવીને સ્નાન કરી રહ્યાં હતાં. ઘણાં પછી ત્યાં નજીક હતાં, પરંતુ સ્નાન નહોતા કરતાં. પરંતુ એમનાથી (નજીક રહેવાવાળા) ઘણાં પુછી રહ્યાં હતાં કે નદી ક્યાં છે, અમે જઈને સ્નાન કરીએ. પરંતુ જે નજીક રહેવા વાળા હતાં તેમને નદીમાં સ્નાન કરવાનું મહત્વ નહોતું અને જે તરસ્યા હતાં, તેમને પણ તે તરસનું મૂલ્ય ઓછું કરાવતાં હતાં. પછી બાબાએ કહ્યું કે - “બાળકી, આ જે જ્ઞાન-ગંગા છે, ગંગાનાં નજીકવાળા આબુ-નિવાસી છે. દૂર-દૂરથી આવીને તો આમાં સ્નાન કરે છે પરંતુ અહીંયા વાળા આ મહત્વને ન જાણી તેને (દુરવાળાઓને) ટાળે છે. તો ક્યાંક એવું ન થાય કે આ ભૂલમાં રહી જાય. એટલે બાપદાદાનાં બધાં બાળકો છે, ભલે આજ્ઞાકારી બાળકો નથી, તો પણ બાળકો તો બાબાને પ્રિય છે. તો બાળકોને બાબા શિક્ષા આપે છે કે આ અમૂલ્ય સમય, જે જ્ઞાન ગંગામાં નાહવાં મળી રહ્યું છે, તે ક્યારેય ગુમાવી નહીં દેતાં.” પછી થોડા સમય માં જોયું કે કેટલાકે તો સ્નાન કર્યું, કેટલાકે જળને ભરીને રાખ્યું. પરંતુ થોડા સમય પછી નદીએ માર્ગ બદલી લીધો. જેઓ ન નાહ્યાં, ન ભરીને રાખ્યું તેઓ બીજાથી એક-એક ટીપું માંગી રહ્યાં હતાં, તડપી રહ્યાં હતાં. તો બાબાએ કહ્યું - “આ સમય હવે આવવાનો છે.” પછી બાબાએ બધાં બાળકો પ્રત્યે એક મહામંત્ર ની ભેટ આપી. બાબા બોલ્યા - “એક તો મુજ પરમપિતા ની યાદમાં રહો અને પોતાનાં જીવનને પવિત્ર અને યોગી બનાવો.” આ બાપદાદાએ સ્નેહ સ્નેહનાં રિટર્નમાં મહામંત્ર ની સૌગાત બધાને આપી.
આજે જ્યારે વતનમાં ગઈ તો જતાં જ શું જોયું કે શિવબાબા અને આપણા બ્રહ્મા બાબા - બંને સાથે બેઠા હતાં અને એમનાં સામે એક નાનું પહાડ બનેલું હતું. તે શેનું બનેલું ? શું જોયું કે અનેકાનેક પત્ર હતાં, એટલાં પત્રો હતાં, એટલાં પત્રો હતાં - જેમ કે પહાડ બની ગયું હતું. જેમકે હું પહોંચી તો બ્રહ્મા બાબાએ મને જોઈ અને કહ્યું કે - “ઈશુ ક્યાં છે? આટલાં પત્ર થઈ ગયા છે.” મેં કહયું - બાબા, હું આવી છું. બાબાએ કહ્યું - ઈશુ બાળકીને પણ સાથે લાવી છે ને! જોજે, ઈશુ બાળકી, હું બે મિનિટમાં આટલાં બધાં પત્રો પૂરા કરી દઈશ.” શિવબાબા તો સાક્ષી થઈને હસી રહ્યાં હતાં. એટલામાં જોયું કે ઈશુ બહેન પણ ત્યાં ઇમર્જ થઈ ગઈ. ઈશુનો ચહેરો બિલકુલ જ શાંત હતો. બાબાએ કહ્યું - “બાળકી, શું વિચારી રહી છે? આજે તો પત્રોનો જવાબ આપવાનો છે.” તેજ સમયે જેમ સાકાર વતનનાં સંસ્કાર પૂર્ણ રીતે ઇમર્જ હતાં. મમ્મા ઉભી જોઈ રહી હતી. એટલામાં જ શિવબાબાએ બ્રહ્મા બાબાને કહ્યું - “તમે ક્યાં છો? વતન માં બેઠાં છો?”. પછી એક સેકન્ડમાં જ રુપ બદલાઈ ગયું. બાબાએ કાંઈ કહ્યું નહીં, એકદમ ડેડ સાયલેન્સ (સન્નાટો) થઈ ગયું. એટલામાં બાબા એ મને કહ્યું કે - “બાળકી, આ પત્ર ખોલીને જુઓ.” મેં કહ્યું બાબા પત્ર તો ઘણાં છે. બાબાએ કહ્યું - “બાળકી, આમાં તો એક સેકન્ડ લાગશે, કારણ કે બધામાં એક જ વાત છે.” એનાં પછી બાબાએ સંભળાવ્યું કે - “બધાં પત્રોમાં બાળકોની ઉલહના જ છે. હવે જોજે, બાબા બાળકોને રિસ્પોન્સ (જવાબ) કરે છે. જોજે, એક સેકન્ડમાં બધાંને જવાબ આપી દઉં છું.” પછી બાબાએ લાલ અક્ષરોમાં અહીંયાનાં જેમ જ પત્ર લખ્યાં. પત્રમાં લખ્યું હતું -
“બ્રાહ્મણ કુલ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી, નૂરે રત્નો બાળકો પ્રતિ, સમાચાર આ છે કે બધાં બાળકોનાં ઉલહનાનાં પત્રો સૂક્ષ્મવતનમાં મળ્યાં. રેસ્પોન્સ માં બાપદાદા બાળકોને કહી રહ્યાં છે કે ડ્રામાની ભાવીનાં બંધનમાં સર્વ આત્માઓ બંધાયેલી છે, બધાં પાર્ટ ભજવી રહ્યાં છે. એ જ ડ્રામાનાં મીઠા-મીઠા બંધન અનુસાર આજે અવ્યક્ત વતનમાં પાર્ટ ભજવી રહ્યો છું. બધાં બાળકોને દિલ અને જાન, સિક અને પ્રેમ થી, અવ્યક્ત રુપ થી યાદ-પ્યાર ખૂબ-ખૂબ-ખૂબ સ્વીકાર થાય. જેમ બાપની સ્થિતિ છે તેમ બાળકોએ સ્થિતિ રાખવાની છે.”
આ છે બાપદાદા નો પત્ર. પછી બાબાને મેં ભોગ સ્વીકાર કરાવ્યો. બાબા બોલ્યા - “બાળકી, આજે કંઈક નવાં બાળકો પણ આવ્યા છે. પહેલાં હું એમને ખવડાવું છું.” પછી વતનમાં બાબાએ બધાં બાળકોને ઇમર્જ કર્યા. બાબા જલ્દી-જલ્દી એક-એકને દૃષ્ટિ પણ આપી રહ્યાં હતાં, હાથે થી ગીટ્ટી પણ ખવડાવી રહ્યાં હતાં. પરંતુ એક-એક ને એક સેકન્ડ પણ જે દૃષ્ટિ આપી રહ્યાં હતાં, તે દૃષ્ટિમાં ઘણું બધું ભરેલું હતું. એનાં પછી ફરી ત્રીજું દૃશ્ય મેં જોયું. મેં બાબાને કહ્યું કે બધાંએ એક પ્રશ્ન પૂછવાં માટે કહ્યું છે. બાબાએ કહ્યું - જે પણ પ્રશ્ન છે તે પૂછી શકો છો, બાબા તો એક અક્ષર માં જવાબ આપી દેશે.
પ્રશ્ન:- બધાં પૂછે છે કે અંતિમ સમયે તમે કંઈ બોલ્યાં નહીં. બહારનું દૃશ્ય તો અમે બધાએ સાંભળ્યું છે, પરંતુ અંદર શું હતું - તે અનુભવ પણ સાંભળવા ઈચ્છે છે.
બાબા બોલ્યા - “હાં બાળકી, કેમ નહીં. બાબા પોતાનો અનુભવ સંભળાવશે. સારું લો સાંભળો - બાળકી, રમત તો ફક્ત ૧૦-૧૫ મિનિટની જ હતી. એ થોડાક સમયમાં જ અનેક રમત ચાલી. એમાં ભિન્ન-ભિન્ન અનુભવ થયાં. પહેલો અનુભવ તો આ હતો કે પહેલાં જોરથી યુદ્ધ ચાલી રહ્યું હતું. કોનું? યોગબળ અને કર્મભોગનું. કર્મભોગ પણ ફુલ ફોર્સમાં પોતાની તરફ ખેંચી રહ્યો હતો અને યોગબળ પણ ફુલ ફોર્સમાં જ હતો. એવો અનુભવ થઇ રહ્યો હતો કે - જે પણ શરીરનાં હિસાબ-કિતાબ રહેલા હતાં તે ફટથી યોગ અગ્નિમાં ભસ્મ થઇ રહ્યાં હતાં અને હું સાક્ષી થઈને જોઈ રહ્યો છું, જેમ અખાડામાં બેસી મલ્લયુદ્ધ જોઈયે છીએ. એટલે બંને નો ફોર્સ તો પૂરો હતો. થોડાક સમય પછી કર્મભોગ (પીડા) તો બિલકુલ નિર્બળ થઇ ગયો. બિલકુલ પીડા લોપ થઈ ગઈ. એવો જ અનુભવ થઈ રહ્યો હતો કે અંતમાં યોગબળે કર્મોભોગ પર જીત પામી લીધી. એ સમયે ત્રણ વાતો સાથે-સાથે ચાલી રહી હતી. તે કઈ? એક તરફ તો બાબા થી વાતો કરી રહ્યો હતો કે બાબા તમે મને તમારી પાસે બોલાવી રહ્યાં છો. બીજી તરફ આમ તો કોઈ ખાસ બાળકો ની સ્મૃતિ નહોતી, પરંતુ બધાં બાળકોનાં સ્નેહની યાદ શુદ્ધ મોહનાં રુપમાં હતી. બાકી શુદ્ધ મોહની રગ અથવા આ સંકલ્પ કે રજા નથી લીધી અથવા બીજા કોઈ પણ સંકલ્પ નહોતાં. ત્રીજી તરફ આ પણ અનુભવ થઈ રહ્યો હતો કે કેવી રીતે શરીર થી આત્મા નીકળી રહી છે. કર્માતીત ન્યારી અવસ્થા - જે બાબાએ પહેલાં મુરલી પણ ચલાવી કે કેવી રીતે ‘ભાં ભાં’ થઈને સન્નાટો થઈ જાય છે, એમજ બિલકુલ ડેડ સાઇલેન્સ નો અનુભવ થઈ રહ્યો હતો અને જોઈ રહ્યો હતો કે કેવી રીતે એક-એક અંગ થી આત્મા પોતાની શક્તિ છોડતી જઈ રહી છે. તો કર્માતીત અવસ્થાનો, મૃત્યુ શું ચીજ છે - તે અનુભવ થઈ રહ્યો હતો. આ છે મારો અનુભવ.”
પછી મેં બાબાને કહ્યું કે - બાબા, બધાં બાળકો કહે છે કે જો અમે બધાં સામે હોત તો બાબાને રોકી લેત. તો બાબાએ કહ્યું - “બાળકી, રોકી લેત તો આ ડ્રામા કેવી રીતે થાત.” પછી મેં કહ્યું - બાબા આ દૃશ્ય જેમ હમણાં તો આર્ટિફિશિયલ (કૃત્રિમ) લાગી રહ્યું છે, રીયલ ડ્રામા નથી લાગતો. બાબાએ કહ્યું કે - “બાળકી, આ સ્નેહનાં મીઠા તાર જોડાયેલાં હોવાનાં કારણે તમને અંત સુધી આ વન્ડર જ જોવામાં આવશે અને હમણાં પણ તો સંબંધ છે. ભલે સાકાર રથ ગયો છે પરંતુ બ્રહ્માનાં રુપમાં અવ્યક્ત પાર્ટ ભજવી રહ્યાં છે. બાબાએ કહ્યું - “હું પણ ક્યારેક-ક્યારેક સાકાર વતનમાં ચાલ્યો જાઉં છું. પછી શિવબાબા પૂછે છે ક્યાં બેઠા છો! અહીંયા બેઠા જેમ સાકાર વતનમાં - આ મકાન બની રહ્યું છે, ત્યાં સુધી જાઉં છું.” મેં કહ્યું - બાબા, ક્યારેક-ક્યારેક લાગે છે કે જેમ બાબા ચક્ર લગાવી રહ્યાં છે. બાબાએ કહ્યું - “હું ચક્ર લગાવું છું, તો તે ભાસના તો બાળકોને આવશે જ.” એટલે રુહ-રુહાન થઈ રહી હતી.
પછી બાબાએ એક દૃશ્ય દેખાડયું. જેમ એક ચક્રની અંદર અનેક ચક્ર દેખાયાં. ચક્રનો ઢંગ એવો બનાવ્યો હતો કે તે ચક્ર થી નીકળવાનાં ૪-૫ રસ્તા દેખાય, પરંતુ નીકળી ન શકાય. એકલા બ્રહ્મા બાબાનું એ દેખાડયું કે ચક્રમાં ચાલતાં-ચાલતાં પોઇન્ટ (શૂન્ય) પર ઉભાં રહી ગયાં, નીકળ્યા નહીં. બાબાએ સમજાવ્યું કે - “આ છે ડ્રામાનું બંધન. બ્રહ્મા પણ ડ્રામાનાં સર્કલ (ચક્ર) થી નીકળી નથી શકતાં. ડ્રામાનાં બંધનથી કોઈ પણ નીકળી નથી શકતું. તે ઝીરો પોઈન્ટ સુધી પહોંચી ગયા, પરંતુ છતાં પણ ડ્રામાનું મીઠું બંધન છે.” જે મીઠા બંધનને રમતનાં રુપમાં દેખાડયું. પછી મિસરી બદામ ખવડાવી. રજા આપી, બોલ્યાં - જા, બાળકી સમય થઇ ગયો છે.
આજે જ્યારે વતનમાં ગઈ તો કોઈ પણ નજર નહોતું આવી રહ્યું. દૂર થી જાણે કોઈ અવાજ આવી રહયો હતો - એવું લાગી રહ્યું હતું જેમ કોઈ ખાસ કાર્ય થઈ રહ્યું છે. હું પહેલાં તો થોડી ઉભી રહી, પરંતુ પછી આગળ ચાલીને શું જોયું - શિવબાબા, બ્રહ્મા બાબા, મમ્મા અને વિશ્વકિશોર - ચારેવ એકબીજાથી વાતચીત કરી રહ્યાં હતાં અને અનેક પ્લાન (યોજના) તેમની આગળ રાખ્યા હતાં, જેમાં કોઇ નિશાન વગેરે દેખાઈ રહ્યાં હતાં. મમ્મા બધાં બાળકોનાં હાલચાલ પૂછી રહી હતી. મેં કહ્યું - મમ્મા, તમે બાબાને પણ બોલાવી લીધાં. મમ્મા બોલી - મમ્મા પણ નથી ઇચ્છતી કે બાળકો થી માતપિતા નો સાકાર સાથ છૂટે, પરંતુ ડ્રામા. પછી મેં બાબાને પૂછ્યું - બાબા, આ પ્લાન્સ વગેરે શું છે? બાબા બોલ્યાં - બાળકી, જેમ માર્શલ ની પાસે બધાં નકશા રહે છે કે ક્યાં-ક્યાં શું-શું થઈ રહ્યું છે, આગળ શું થવાનું છે; એમ આ પણ સ્થાપના નાં કાર્યની જ વાતચીત ચાલી રહી હતી, જે પછી સંભળાવીશ. એનાં પછી એક દૃશ્ય દેખાડયું.
ત્રણ સંગઠન હતાં. એક તો એ જોયું કે લાલ-લાલ કીડીઓ જે એકબીજામાં દડાની માફક ભેગી થતી રહી હતી. દૃશ્ય એવું હતું જે બ્રહ્મા બાબાએ શરુ-શરુમાં જોયું હતું. બીજું સંગઠન - મૂળવતન માં આત્માઓ શમા રુપમાં હતી. અને ત્રીજું સંગઠન આપણું બ્રાહ્મણોનું હતું, જે બધાં સર્કલ (ગોળાકાર) રુપમાં બેઠા હતાં અને વચમાં બાપદાદા હતાં. એ એવાં લાગી રહ્યાં હતાં જેમ ફૂલની વચમાં બૂર (પુંકેસર) હોય છે અને ચારેય તરફ પત્તા હોય છે. આનું રહસ્ય બાબાએ બતાવ્યું કે - “બાળકી, જ્યારે પ્રત્યક્ષતા શરુ થઈ તો પણ સંગઠન માં જોયાં, અંતમાં પણ આત્માઓને સંગઠન રુપમાં રહેવાનું છે અને હવે મધ્યમાં પણ સંગઠન છે. સંગઠનની શક્તિ છે તો કોઈ પણ હલાવી નથી શકતું. જુઓ, બાપદાદાએ ક્યાં-ક્યાંથી વીણી-વીણીને સંગઠન બનાવ્યું છે. તો બાળકો પણ જ્યારે સંગઠનમાં ચાલશે તો માયા નો વાર નહીં થશે. જેમ ગુલાબનું ફૂલ અથવા કોઈ પણ ફૂલ હોય છે તો તેને યોગ્ય સ્થાન પર રાખશે અને એકલું પત્તું હશે તો હાથથી જલ્દી મસળી દેશે. તો બાળકોનો પણ સંગઠન રુપી ગુલદસ્તો હશે તો વિજય પ્રાપ્ત કરતા રહેશો. કોઈ વાર નહી કરી શકે.” એવું કહેતાં બાબાએ કહ્યું કે બધાં બાળકોને કહેજો કે સંગઠન જ ‘સેફટીનું (સુરક્ષા) સાધન’ છે.
આજે જ્યારે વતનમાં ગઈ તો બાપ-દાદા - બંને ખુબ બીઝી (વ્યસ્ત) હતાં. શું જોયું - બંનેવ ની આગળ અનેક ફૂલ પણ હતાં અને પત્તા પણ હતાં. જેમ ગુલદસ્તા માં ફૂલ પણ નખાય છે અને પત્તા પણ નખાય છે. ફૂલ બે-ત્રણ પ્રકારનાં અલગ-અલગ હતાં. તેને જોઈ રહ્યાં હતાં અને વીણી રહ્યાં હતાં. તો બાપ-દાદા બંનેવ એજ કાર્યમાં બીઝી હતાં, મને જોઈ પણ નહીં. જ્યારે હું નજીક ગઈ તો મને જોઈ હસીને કહ્યું કે - “હું આખો દિવસ બિઝી રહું છું, જો બાળકી કેટલો મોટો કારોબાર ચાલી રહ્યો છે! આ ફૂલ-પત્તા ૩ પ્રકારનાં અલગ-અલગ કરીને રાખ્યા છે.” પહેલાં બાબાએ મને ફૂલ દેખાડ્યાં જેમની સંખ્યા ખૂબ ઓછી હતી. પછી વચ્ચેનાં દેખાડયાં જેમાં ફૂલ ઘણાં હતાં પરંતુ સાથે થોડાં પત્તા પણ લાગેલા હતાં. ફૂલ સારા હતાં પરંતુ જે પત્તા લાગેલા હતાં તે કાંઈ ડિફેક્ટેડ (ખામી) હતાં. ત્રીજા પ્રકારનાં પછી પત્તા વધારે હતાં અને ફૂલ ખૂબ જ થોડાં હતાં.
આનાં પર બાબાએ મને સમજાવ્યું કે - આ પહેલો પ્રકાર જે છે, આ તે બાળકો છે જે બિલકુલ દિલ પર ચઢેલા છે અને આવાં દિલવાળા અનન્ય બાળકો ખૂબ જ થોડાં છે. બીજા નંબરવાળા બાળકો છે ખૂબ સારા, પરંતુ થોડી કંઈક ખામી છે; ફુલ બન્યાં છે પરંતુ થોડી ખામી છે. બાકી ત્રીજા પ્રકારનાં છે પ્રજા. એમાં કોઈ ફૂલ નીકળે છે જે પાછળ આવવાવાળા છે. બાકી બધાં છે પ્રજા. તો ઉપરનાં બે પ્રકાર બાળકોનાં છે. બાપદાદા હવે ગુલદસ્તો સજાવે છે. જ્યારે ગુલદસ્તો સજાવાય છે તો ફક્ત ફૂલ નાખવાથી ગુલદસ્તો નથી શોભતો, એમાં થોડાં પત્તા પણ જોઈએ. તમે ફૂલ છો પરંતુ તમારી સાથે પત્તા પણ જોઈએ. તમે રાજા બનશો તો પ્રજા પણ જોઈએ ને. તો પ્રજા રુપી પત્તાઓની વચ્ચમાં ફૂલ શોભે છે. તો અહીંયા બેસી આપ બાળકોનો ગુલદસ્તો બનાવું છું અને જોઉં છું કે એક ફૂલે કેટલી પ્રજા બનાવી છે. જેણે વધારે પ્રજા બનાવી છે એમનો ગુલદસ્તો પણ શોભે છે. પછી બાબાએ એક પ્રશ્ન પૂછ્યો કે - “જ્યારે કોઈ દેવતા ની મૂર્તિ પર ફૂલ ચઢાવે છે, તો એકલું ફૂલ ચઢાવી પત્તા નીકાળી દે છે. કેમ? પત્તા તો ફૂલ ની શોભા હોય છે, તો પત્તા કેમ નીકાળી દે છે?” પછી બાબાએ કહ્યું કે - આપ બાળકોથી જ આ બધી રીત-રિવાજ થાય છે. જ્યારે તમે પહેલાં અર્પણ થયા હતાં તો એકલા હતાં પરંતુ ફૂલને જો થોડો સમય રાખવાં હોય તો પત્તા સાથે હશે તો રાખી શકાશે. એમ જ જ્યારે તમે પહેલાં અર્પણ થયા તો તમે એકલા પુરા અર્પણ થયાં છો. પછી તમારે ૨૧ જન્મોનાં માટે અવિનાશી ચાલવાનું છે - તો પ્રજા રુપી પત્તા પણ લગાવાય છે. પહેતા તમે આવ્યા ત્યારે પ્રજા નહોતી, પરંતુ હવે તો આપ ફૂલોની શોભા જ પ્રજા રુપી પત્તા થી છે. એટલે બાપદાદા કહે છે કે પ્રજા બનાવો.
આજે જ્યારે હું વતનમાં ગઈ તો એવું લાગ્યું જેમ કોઇ સૂર્યનાં નજીક જાય તો સૂર્યની ગરમી અથવા સકાશ તેજ અનુભવ થાય છે, એમ જ આજે વતનમાં જેમ આગળ વધતી ગઈ તો એવો અનુભવ થયો જેમ કોઈ ભટ્ઠીની સામે જાય છે. આજે બાબા લાલ-લાલ લાઈટ માં જાણે કે અવ્યક્ત ફીચર (હાવભાવ) માં દેખાઈ રહ્યાં હતાં અને સૂર્યનાં સમાન કિરણો નીકળી રહી હતી. શું જોયું કે નીચે ખૂબ મોટી સભા છે. એવી સભા સાકાર રીત માં બ્રાહ્મણોની ક્યારે નથી થઈ - બધાં બ્રાહ્મણો પર તે કિરણો જઈ રહી હતી અને હું પણ વતન માં ગઈ તો જોયું મારાં પર પણ તે કિરણો ની લાઈટ-માઈટ આવી રહી હતી. થોડીવાર પછી હું બાબા થી એજ રુપમાં મળી અને કહ્યું - બાબા, હું ભોગ લઈને આવી છું. બાબા ભોગ સ્વીકાર કરતા શીખવાડી રહ્યાં હતાં કે જમતા સમયે કેવી લાઈટ-માઈટ સ્થિતિમાં રહેવાનું છે. પછી મેં બાબાને પૂછ્યું કે બાળકોને યાદ-પ્યાર તો આપશો ને. એનાં પર બાબાએ કહ્યું કે સ્નેહનું રુપ તો ખૂબ જોયું, પરંતુ સ્નેહનાં સાથે શક્તિ રુપની સ્થિતિ જે બાબા બાળકોની બનાવવાં ઈચ્છે છે, તે હમણાં સુધી ઓછી છે. તો આજે બાબા સ્નેહની સાથે શક્તિ ભરી રહ્યાં હતાં. બાબાએ કહ્યું - આનાથી જ સર્વિસ (સેવા) માં સફળતા થશે. બાબાએ સંદેશ પણ આ આપ્યો કે ફક્ત સ્નેહ નહિં પરંતુ સાથે શક્તિ પણ ભરવાની છે. જે બાબાએ પોતે દૃશ્યમાં પણ દેખાડ્યું કે બાળકોએ આ સૃષ્ટિ ને લાઈટ-માઈટની કિરણો આપવાની છે. આટલાં દિવસ બાબાનું સ્નેહનાં રુપથી મિલન હતું, પરંતુ આજે સ્નેહની સાથે લાઈટ-માઇટનું રુપ હતું. તો હું તેને લેવામાં જ તત્પર થઈ ગઈ અને પાછી સાકાર વતનમાં આવી ગઈ.
આજે જ્યારે હું વતનમાં ગઈ તો જોયું એક સભા લાગેલી હતી અને ક્લાસ થઈ રહ્યો હતો. પહેલાં તો હું ધીરે-ધીરે આગળ વધવા લાગી. બાપદાદાએ નયનો થી સ્વાગત કર્યુ. પછી બોલ્યા - બચ્ચી, આ બધાંથી મુલાકાત કર અને આ ભોગ બધાંને ખવડાવ. તો શું જોયું - જે આત્માઓ એડવાન્સ માં શરીર છોડીને ગઈ છે, તે બધાંને ઇમર્જ કરી બાબા ક્લાસ કરાવી રહ્યાં હતાં. પછી બધાંને મધુબનનનું બ્રહ્મા ભોજન સ્વીકાર કરાવ્યું. તે સંગઠનમાં બધી એડવાન્સ પાર્ટીમાં ગયેલી આત્માઓ હતી. પછી મેં એક દૃશ્ય જોયું. ખુબ મકાન બની રહ્યાં હતાં. જેમ મકાનમાં જયારે ધાબુ ભરાય છે તો તેને ખુબ આધાર આપે છે, પછી જ્યારે સિમેન્ટ પાક્કો થઈ જાય છે તો તે આધાર ‘લાકડી, પટ્ટી’ વગેરે નિકાળી નાખે છે. તો આવી રીતે મકાનનું ધાબુ ભરવાનો કારોબાર ખૂબ જ જોર-શોર થી ચાલી રહ્યો હતો. તો હું આ મકાન ને જોતી રહી અને બાબા લોપ થઇ ગયાં. બાબાએ આ દેખાડ્યું કે મકાન બનાવવા માટે પહેલાં આધાર આપાય છે, પછી આધાર નિકાળી દેવાય છે. એમ જ દૃશ્ય જોતાં અહીં પહોંચી ગઈ.
આજે જ્યારે હું વતનમાં ગઈ તો બાબા ન દેખાયાં. થોડીવાર પછી બાબાને જોયા તો મેં પૂછ્યું - તમે ક્યાં ગયા હતાં? બાબા બોલ્યા - “આજે ગુરુવાર નો દિવસ છે, તો બધાં બાળકોની પાસે ચક્ર લગાવવા ગયો હતો. આમ તો સાકાર રુપમાં એટલાં થોડા સમયમાં બધી જગ્યાએ પહોંચી શકતો નહોતો. હવે તો અવ્યક્ત વતનમાં અવ્યક્ત વિમાન દ્વારા રોકેટ થી પણ જલ્દી પહોંચી શકાય છે.” મેં કહયુ - બાબા, તમે ચક્ર લગાવ્યું, તેમાં તમે શું જોયું? બાબાએ કહ્યું - “અધિકાંશ બાળકો હમણાં સુધી સ્નેહમાં સારા ચાલી રહ્યાં છે. ઘણાં એવા પણ છે જેમની અંદર કંઈક સંકલ્પ પણ છે કે - ખબર નહીં હવે શું થશે? પરંતુ સંગઠનનાં આધારે હમણાં સુધી ઠીક છે. બાબાએ કહ્યું કે સ્નેહનાં આધાર પર જે બાળકો હમણાં સુધી રહ્યાં છે; તો હવે સ્નેહનાં સાથે જ્ઞાનનું ફાઉન્ડેશન જરા પણ ઢીલું થયું તો બાળકો પર વાયુમંડળ ની અસર ખુબ સહજ થઈ શકે છે; એટલે દરેક બાળકે પોતાની તપાસ કરવાની છે. તો પણ વ્યક્ત દેહમાં છો તો સ્નેહમાં પહેલાં ઉત્સાહ સારો રહે છે, પરંતુ આ સ્નેહ પર પછી જેમ-જેમ દિવસ જતાં જશે તો વાયુમંડળ ની અસર જલ્દી પડી શકે છે. સ્નેહમાં ભલે કહે છે કે શિવબાબા કલ્યાણકારી છે અથવા બાબાએ જે કર્યુ છે તે ઠીક છે. સ્નેહનાં વશ સંકલ્પ બંધ કર્યા છે. સ્નેહની રીઝલ્ટ (પરિણામ) મેજોરીટી ની અધિક છે. વાયુમંડળ ની અસર આપણા પર ન થાય અને આપણી અસર વાયુમંડળ પર થાય, ત્યારે કાયદા મુજબ ચાલી શકાય છે. મેં કહ્યું કે બાબા અમારી પાસે તો જ્ઞાનની જ વાતો ચાલે છે. ત્યારે બાબાએ કહ્યું - બાળકી, જ્ઞાનનાં ફાઉન્ડેશન થી પોતાને સંતુષ્ટ રાખે, એવાં બાળકો થોડાં છે. તો આજે બાબાએ આ રીઝલ્ટ બતાવ્યું અને કહ્યું કે બધાંને જઈને સંભળાવજે કે વાયુમંડળને આપણે ચેન્જ (પરિવર્તન) કરવાનું છે ન કે વાયુમંડળ આપણને ચેન્જ કરે. પછી ભોગ સ્વીકાર કરાવ્યાં બાદ બાબાએ એક દૃશ્ય દેખાડ્યું.
એ ખૂબ જ મોટો હોલ (ઓરડો) હતો, એ હોલમાં ચારેબાજુ થી ખુબજ દુર્ગંધ આવી રહી હતી. એ ઓરડામાં બે-ત્રણ ખૂબ સારી સુગંધી અગરબત્તી સળગી રહી હતી. ધીરે-ધીરે અગરબત્તી ની સુગંધે વાસ ને દબાવી દીધી. બાબાએ સંભળાવ્યું - “જો બચ્ચી, ચારેય તરફ દુર્ગંધનું વાયુમંડળ હતું, પરંતુ આટલી નાની અગરબત્તી એ વાયુમંડળ ને બદલી દીધું. તો આપ બાળકો પર જ્યારે જુઓ કે વાયુમંડળ ની અસર થાય છે તો અગરબત્તીનું દ્રષ્ટાંત સામે રાખો કે - અમે સર્વશક્તિમાન બાપનાં બાળકો છીએ; જો વાયુમંડળ ની અસર અમારા પર આવે તો એનાથી તો અગરબત્તી સારી છે. જ્યારે આપ બાળકો પાવરફુલ (શક્તિશાળી) સુગંધિત બનશો ત્યારે આ વાયુમંડળ દબાઈ જશે.” બાબાએ કહ્યું - “હવે દરેક બાળકને શિક્ષા તો મળી છે. શિક્ષા પણ બધાં ખુબ મીઠાશ થી સાંભળે છે. પરંતુ જેમ મીઠાશ થી સાંભળો છો એમ મીઠાશ થી ધારણ પણ કરવાનું છે. મીઠાશ ખૂબ ઝડપ થી ચોટી જાય છે. જો એવાં મીઠા બનશો તો બાપ થી ચોટી જશો. યાદ અને મીઠાશ નહીં હોય તો અલગ-અલગ રહેશો. જેમ ખારી વસ્તુ એકબીજામાં ક્યારેય નથી મળતી. તો જે એવાં હશે તેમની અવસ્થા યોગયુક્ત નહીં રહેશે. હવે જેમ બાળકોએ સાંભળ્યું તેમ જ ધારણ કરશે તો ખૂબ જ બળ મળશે.”
આજે જ્યારે હું વતનમાં ગઈ તો બાપ અને દાદા - બંને સામે ઉભા હતાં. જતાં જ નયનો ની મુલાકાત થી બધાંની યાદ-પ્યાર લઈ ગઈ હતી તે આપી. જેવી હું યાદ આપી રહી હતી તો સાકાર બાબાએ મારો હાથ પકડ્યો. એ હાથ પકડવામાં ખબર નહીં શું જાદુ હતું - એવો અનુભવ થયો જેમ સાગર માં કોઈ સ્નાન કરતું હોય, એમ થોડાં સમય માટે હું પ્રેમનાં સાગર માં લીન થઈ ગઈ! એના પછી મેં ઓલમાઇટી (સર્વશક્તિમાન) બાબાની તરફ જોયું. તો બાબાએ કહ્યું - “બાળકી, બાપમાં જે મુખ્ય બે ગુણ છે તે બાળકોએ સાકાર રુપમાં અનુભવ કર્યા છે. એ બે ગુણ કયા છે? જેટલાં જ્ઞાન-સ્વરુપ એટલાં જ પ્રેમ-સ્વરુપ. તો બાળકોએ પણ આ બે ગુણ પોતાની દરેક ચલનમાં ધારણ કરવાનાં છે.” પછી મેં બાબાને પૂછ્યું કે - ગયા વખતે તમે વતનમાં જે એડવાન્સ પાર્ટીમાં ગયેલાં બાળકોનું આટલું સંગઠન દેખાડ્યું હતું, તેનું રહસ્ય શું હતું! બાબાએ કહ્યું - “પૂરું રહસ્ય તો આગળ જતાં સંભળાવશે; પરંતુ સાકાર રુપ થી જે બાળકો કોઈ સર્વિસ અર્થ કે કોઈ હિસાબ-કિતાબ ચૂકતું કરવા ચાલ્યા ગયાં છે, એ બાળકોથી મુલાકાત કરવા માટે બોલાવ્યા હતાં. બાબા એમનાથી હાલચાલ પૂછી રહ્યાં હતાં કે કોણ-કોણ, કઈ રીતથી, કયા રુપથી, શું-શું કરી રહ્યાં છે. મેં કહ્યું - બાબા, તેઓ કયા રુપથી સ્થાપના નાં કાર્યમાં બીઝી (વ્યસ્ત) છે? તો બાબા બોલ્યા - બાળકી, આ આગળ ચાલીને સ્પષ્ટ કરીશ; તો પણ થોડામાં સંભળાવું છું. બાબાએ કહ્યું - “બાળકી જ્યારે લડાઈ થાય છે તો કોઈ પણ લશ્કરને જ્યારે જીતવાનું હોય છે તો ફક્ત એક તરફથી નહીં, ચારેય તરફ થી લશ્કર મોકલીને પૂરો ઘેરાવ નાખી દે છે. આ સંગઠન થી આ ખબર પડી કે જે પણ બાળકો ગયા છે તે ચારે તરફ ફેલાઇ ગયાં છે. હવે ચારે તરફ સ્થાપના ની નીંવ પડી ગઈ છે. બાકી હવે આદેશ આપવાની જરુર છે.”
પછી બાબાએ ચાર સ્ટેજ ની એક સીડી દેખાડી. પહેલી સ્ટેજ દેખાડી - જ્ઞાન સાંભળવું, વિચારવું-સમજવું અને નિશ્ચય કરવો. કોઈ વિચાર કરે છે, કોઈ મંથન કરે છે. બીજી સ્ટેજ બતાવી કે અંત સમયે કેવી રીતે વિનાશ થઈ રહ્યો છે - ક્યાંક પુર થી ડૂબી રહ્યાં છે, ક્યાં શું થઈ રહ્યું છે. પરંતુ શક્તિ દળ અને પાંડવ બિલકુલ અડોલ ઉભા હતાં. ત્રીજી સ્ટેજ દેખાડી કે આત્માઓ જાણે કે નીકળી ને પરમધામ માં ગેસનાં ફુગ્ગાની જેમ જઈ રહી છે. પછી પરમધામનાં દ્રશ્ય પણ બાબાએ દેખાડયાં. ચોથું દૃશ્ય સ્વર્ગનું દેખાડયું - સ્વર્ગમાં આત્માઓ કેવી રીતે નાનાં-નાનાં બાળકોમાં પ્રવેશ થઈ રહી છે. તો આ બધી સ્ટેજ સીડી નાં ચિત્રનાં રુપમાં દેખાડી. આ સીડી દેખાડવાનું રહસ્ય બતાવતાં બાબાએ કહ્યું - “બાળકોની બુદ્ધિમાં આ ફરતું રહે કે હવે અમારી શું સ્ટેજ છે. જે અંતિમ સ્ટેજ ધારણ કરવાની છે, તે લક્ષ્ય પહેલાથી જ બુદ્ધિમાં રાખશો તો પુરુષાર્થ તીવ્ર ચાલશે. વિનાશનાં સમયનાં જે દૃશ્ય દેખાડયા - તેમાં આપ બાળકોની અડોલ અવસ્થા રહે.” પછી બાબાએ મને અસંખ્ય હીરાઓ હાથમાં આપ્યા અને કહ્યું - “આ હીરા નું તિલક બધાં બાળકોને લગાવજે. આ હીરા કેમ આપી રહ્યો છું? કારણ કે હીરા જેવી આત્મા મસ્તક માં રહે છે. તો દરેક આત્મા સાચો હીરો બની ચમકતી રહે.”