Search for a command to run...
23 Nov 1979
નમ્રતા રુપી કવચ દ્વારા સ્નેહ અને સહયોગ ની પ્રાપ્તિ
23 November 1979 · ગુજરાતી
આજે સેવાધારીઓનું ગ્રુપ છે. મધુબન નિવાસી અર્થાત્ સેવાધારી. જેવી રીતે બ્રહ્મા બાપ નંબરવન વિશ્વ-સેવાધારી છે તેવી રીતે જ મધુબન નિવાસી અર્થાત્ બેહદ નાં સેવાધારી. બેહદ નાં સેવાધારી માં બેહદ નાં ગુણ હોય છે. જેમ બાપ ને જોયાં - જોવું પણ બેહદની દૃષ્ટિ થી, બોલ પણ બેહદ નાં અનહદ બોલ સાંભળવાં અને સંભળાવવાં. સંબંધ અને સંપર્ક માં આવવું તો પણ બેહદ નો સંબંધ, દરેક સંકલ્પ માં પણ બેહદનું કલ્યાણ કેવી રીતે થાય. સંસ્કાર માં પણ બેહદ નો ત્યાગ અને બેહદ ની તપસ્યા, બે-ચાર કલાક ની તપસ્યા નહીં. બેહદ ની તપસ્યા અર્થાત્ દરેક સેકન્ડ તપસ્યા-સ્વરુપ, તપસ્વી મૂર્ત. મૂર્ત અને સૂરત થી ત્યાગ, તપસ્યા અને સેવા - સદા સાકાર રુપ માં પ્રત્યક્ષ જોયું. જેવી રીતે બ્રહ્મા બાપ મધુબન નિવાસી જેમને ‘મધુબન નાં બાબા કહેતાં’ એવી ધરતી પર રહેવા વાળા મધુબન નિવાસી અને સેવાધારી ‘ફોલો ફાધર (બાપ નું અનુસરણ)’ કરી રહ્યાં છે. લોકો મધુબન નિવાસીઓનાં ગુણ ગાએ છે અને મધુબન નિવાસી ગુણમૂર્ત છે - એવી બેહદ ની સ્થિતિ માં સ્થિત છો? અલ્લાહ અવલદીન નાં ચિરાગ બનીને ચાલો છો? અલ્લાહ અવલદીન નો ચિરાગ ખુબ જ પ્રખ્યાત છે. જે ચિરાગ દ્વારા જે જોવા ઈચ્છે, જે પામવા ઈચ્છે, તે જોઈ અને પામી શકાય છે. મધુબન નિવાસી વિશેષ અલ્લાહ અવલદીન નાં ચિરાગ છે. સેકન્ડ માં ઘર અને રાજ્ય દેખાડવા વાળા અર્થાત્ મુક્તિ, જીવનમુક્તિ આપવા વાળા. મહિમા તો એટલી મહાન છે પણ એવાં દરેક પોતાને મહાન સમજીને ચાલો છો? રિઝલ્ટ (પરિણામ) માં સૌથી નંબરવન મધુબન નિવાસી હોવાં જોઈએ કે છે? જ્યાં સુધી ‘જોઈએ’ શબ્દ છે, ‘થવું જોઈએ’ તો વિશ્વની સર્વ ઈચ્છાઓ કેવી રીતે પૂર્ણ કરી શકશો. જેમ કોઇ પાવરફુલ (શક્તિશાળી) બોમ્બ પડવાથી આખી ધરતી નું પરિવર્તન થઈ જાય છે તો મધુબન નિવાસીઓએ પણ આવાં અભ્યાસ નો પાવરફુલ બોમ્બ મધુબન નાં અંડરગ્રાઉન્ડ માં તૈયાર કરવો જોઈએ અને એની રિહર્સલ (પૂર્વાભ્યાસ) પહેલાં અહીંયા કરવી જોઈએ. જેટલી જે પાવરફુલ વસ્તુ હોય છે એટલી અતિ સૂક્ષ્મ હોય છે. હોય નાની વસ્તુ પરંતુ કાર્ય ખુબ મોટું કરે છે. એવી કોઈ નવી વાત કાઢો જે વાયબ્રેશન્સ (પ્રકંપન) ચારે-બાજું ફેલાય. ‘થવું જોઈએ’ આ એક જ સંકલ્પ તો બધાનો છે પણ પછી થતું કેમ નથી - એનું કારણ શું છે? પ્રેક્ટિકલ (વ્યવહાર) માં કમી કેમ થઈ જાય છે? કઈ દીવાલ છે જે ‘થવું જોઈએ’ નાં સંકલ્પ ને રોકી દે છે. એક તરફ સંકલ્પ ઉઠે છે કે ‘થવું જોઈએ’ બીજી તરફ પછી એ પણ સંકલ્પ આવે છે કે ‘આ તો અંત સમયે થશે. હમણાં તો આવું જ ચાલશે, હમણાં તો બધાનું ચાલે છે.’ એવાં-એવાં વ્યર્થ સંકલ્પો ની ઈંટોની દીવાલ ઉભી થઈ જાય છે જે પુરુષાર્થ ની તીવ્ર ગતિ ને રોકી દે છે. આને પાર કરવા માટે એક દૃઢ સંકલ્પ નો હાઈજમ્પ (ઉંચી છલાંગ) લગાવો, એ કયો? દરેક સમજે ‘હું કરીને બતાવીશ’. ‘જોઈએ’ ને ‘કરીને બતાવીશ’ એવાં દૃઢ સંકલ્પ એક-એક વ્યક્તિગત પોતાની સાથે કરે. બીજા ને ન જુઓ, ન સાંભળો. તો એક-એક મળીને સંગઠન બની જશે.
એક-બે મળીને બાર થઈ જશે એવો હાઈજમ્પ લગાવો, ત્યારે જ બાપ-સમાન બેહદ નાં સેવાધારી બનશો. સમજ્યાં, સેવાધારીઓનું શું મહત્વ છે? પહેલી સેવા આ છે.
અલગ-અલગ ગ્રુપ બનાવો. જેવી રીતે શરુઆતમાં પુરુષાર્થીઓનાં ગ્રુપ હતાં. એક જેવાં પુરુષાર્થીઓનું ગ્રુપ હોય. એમાં પોતાના સપ્તાહ નો પ્લાન (યોજના) બનાવો. અમૃતવેલા કયો સંકલ્પ કરશું, ક્લાસ નાં સમયે વિશેષતા શું લઈશું, કર્મણા સમયે કયું લક્ષ્ય રાખશું, સાંજ નાં સમયે યોગ માં કયું વિશેષ એટેન્શન (ધ્યાન) રાખશું, સૈર કરતી (ફરતી) વખતે કઈ મન્સા સેવા દ્વારા વાયબ્રેશન્સ ફેલાવશું, રાત્રે કઈ વાતની ચેકિંગ (તપાસ) કરશું, આવી રીતે ગ્રુપ બનાવીને રેસ કરો. એવો દિલનો ઉમંગ હોવો જોઈએ. પ્રોગ્રામ થી અલ્પકાળ માટે થાય છે અને મન નો સંકલ્પ અવિનાશી હોય છે. એવો સંકલ્પ કરવો જોઈએ કે કરીશું અને રિઝલ્ટ નીકાળીશું ત્યારે ચારે બાજું વાયબ્રેશન્સ ફેલાશે.
મધુબન છે જ આખાં વિશ્વની અંદર ઉંચો સ્તંભ. ક્યાંય થી પણ જુઓ ભલે દૂર થી, કે નજીક થી પણ સ્તંભ તો ઉંચો જ દેખાય છે. ઊંચો સ્તંભ હોવાનાં કારણે બધાની નજર જાય છે તો આ છે વિશેષ બેહદ ની સેવા. બ્રહ્મા બાપ સમાન કદમ-કદમ ચાલવું જોઈએ. જેવી રીતે બ્રહ્મા બાપ ને જોયાં રાત્રે જાગીને પણ વાયબ્રેશન્સ ફેલાવવાનું મંથન કરતા હતાં. તો એવી રીતે બધાં બાળકો નું મંથન ચાલવું જોઈએ. એવું નહીં કે જેમ કહેશો, પ્રોગ્રામ મળશે તો કરીશું. ના. આ વાત માં કરો અને કરાવો - આ વાત માં જે ઓટે સો અર્જુન. બધાને જોવામાં રહી જશો. એટલે જે કરશે એમને બધાં ફોલો કરશે (અનુસરશે). રોટલી બનાવતાં, કોઈ પણ સેવા કરતાં શક્તિશાળી સ્મૃતિ સ્વરુપ હોય. મન્સા થી વિશ્વની સેવા કરો, વિશ્વ-સેવાધારી એક કામ નહીં ડબલ કામ કરે છે. સ્થૂળ માં હાથ ચાલતા રહે અને મન્સા થી શક્તિઓનું દાન કરતાં રહો. સદૈવ સેવાનાં સમયે આ ધ્યાન રાખો કે ગુણ-મૂર્ત થઈને સેવા કરો તો ડબલ જમા થઈ જશે, સદૈવ ડબલ સેવા કરો.
દરેક સમજે કે હું નિમિત્ત છું. જેમ ભાષણ માં સંભળાવો છો ને કે પોતાને બદલો તો વિશ્વ બદલાઈ જશે. આ વાત સ્વયં માટે પણ છે ને. બીજાની ભૂલોને જોઈને સ્વયં ભૂલ નહીં કરો. બીજાની ભૂલ જોવામાં આવે છે પણ હું પણ ભૂલ કરી રહી છું એ દેખાતી નથી. સમજો એક ખોટું બોલી રહ્યો છે પણ તેના સંગ નાં રંગ માં પોતે પણ ખોટું બોલી રહ્યાં છે તો સંગ નાં રંગ ની અસર થઈ ગઈ ને. જો કોઈ ભૂલ કરે છે તો આપણે રાઈટ (સત્યતા) માં રહીએ, એના સંગ નાં પ્રભાવ માં ન આવીએ, પ્રભાવ માં આવવાનાં કારણે અલબેલા થઈ જાઓ છો. તો આ વાત માં પાંડવ આગળ જશે કે શક્તિઓ. ફક્ત એક જવાબદારી ઉઠાવી લો કે હું રાઈટ નાં માર્ગ પર જ રહીશ. રોન્ગ (અસત્ય) ને જોઈ ને રોન્ગ નહીં. જો બીજો રોન્ગ કરે છે તો એ સમયે સમાવવાની શક્તિ યુઝ (ઉપયોગ) કરો. જો આ સંકલ્પ દરેક કરી લે તો વિશ્વનું પરિવર્તન સહજ જ થઈ જશે. શું આ નથી કરી શકતાં? અર્થાત્ કોઈ-ને-કોઈ પ્લાન બનાવો. નવાં વર્ષમાં કંઈક નવું કાર્ય કરીને દેખાડજો. એકબીજા ને શ્રેષ્ઠ ભાવના થી સહયોગ કરો. કોઈની ભૂલને નોટ (નોંધ) નહીં કરો. પણ તેમને સહયોગ ની નોટ આપો અર્થાત્ સહયોગ થી ભરપૂર કરી દો, શક્તિવાન બનાવી દો. આણે આમ કર્યું, આ આવું કરે છે - એ જુઓ જ નહીં, સાંભળો જ નહીં, નહીં તો અલબેલા-પણા નાં સંસ્કાર પાક્કાં થઈ જશે. બીજાને જોશો, બીજાનું સાંભળશો તો સ્વયં અલબેલા થઈ જશો.
સમય નાં પ્રમાણે હવે વ્યર્થ નાં નામ-નિશાન ને પણ ખતમ કરો. ન વ્યર્થ બોલ, ન વ્યર્થ કર્મ, ન વ્યથ સંગ. વ્યર્થ સંગ પણ સમય અને શક્તિ ખતમ કરી દે છે. તો આ વર્ષે કયો ઝંડો બુલંદ કરશો? કોઈ કેટલું પણ તમારી વચ્ચે કમી શોધવાનો પ્રયત્ન કરે પરંતુ જરા પણ સ્વભાવ-સંસ્કાર ની ટક્કર જોવા ન મળે. જો આજે બધાં આ દૃઢ સંકલ્પ કરીને વ્યર્થ નાં રાવણ ને સળગાવી દે તો શું થઈ જશે? સાચ્ચી દિવાળી. એવી પ્રતિજ્ઞા કરો. જો કોઈ ગાળ પણ આપે, ઈન્સલ્ટ (અપમાન) પણ કરે, તમે સેન્ટ (સંત) બની જાઓ. કોઈ ગ્લાની કરે, તમે ફૂલોની વર્ષા કરો. એમ નહીં, આવું કહ્યું એટલે આવું થયું. એણે કંઇ પણ કર્યું, જો રોન્ગ પણ કર્યું તો તમે રાઈટ રહો. સમજો કોઈએ ૧૦ (બોલ) બોલ્યાં અને તમે એક બોલ્યાં તો કમળ પુષ્પ તો નહીં થયાં ને. ટીપું તો પડી ગયું ને. જો તમારી સાથે કોઈ ટક્કર લે છે તો તમે એને તમારાં સ્નેહનું પાણી આપો, એનાથી અગ્નિ સમાપ્ત થઈ જશે. જો કહો છો - ‘આ કેમ’, ‘આવું કેમ’ તો એનાં પર તેલ નાખી દો છો. સદૈવ નમ્રતા ની ડ્રેસ પહેરેલો રહે. આ નમ્રતા છે કવચ. કવચ ઉતારી દો છો. જ્યાં નમ્રતા હશે ત્યાં સ્નેહ અને સહયોગ અવશ્ય હશે. જ્યાં સ્નેહ અને સહયોગ છે ત્યાં તેલ નથી નાખતાં. તો દરેક શું કરશો આ વર્ષે?
સંસ્કાર તો ભિન્ન-ભિન્ન રહેશે જ પણ એ સંસ્કારો નો પોતાનાં પર પ્રભાવ ન રહે. સંસ્કાર તો અંત સુધી કોઈનાં દાસી નાં રહેશે, કોઈનાં રાજા નાં. ‘સંસ્કાર બદલાઇ જાય’ એની પ્રતીક્ષા નહીં જુઓ પણ મારા ઉપર કોઈનો પ્રભાવ ન પડે કારણ કે એક તો દરેકનાં સંસ્કાર ભિન્ન-ભિન્ન છે, બીજું કોઈ-ને-કોઈ માયાનું રુપ બનીને આવે છે. આ તો ખતમ થશે જ નહીં પણ એમાં સ્વયં સાક્ષી અને કમળ પુષ્પ સમાન સેફ (સુરક્ષિત) રહો, આ તો કરી શકો છો? બોલવા વાળા બોલે પણ સાંભળવા વાળા ન સાંભળે, એ તો થઈ શકે છે ને! મર્યાદા ની લકી ર(રેખા) ની અંદર રહીને કોઈ પણ વાત નો ફેંસલો કરો. સંસ્કાર ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ ટક્કર ન થાય, એનાં માટે નોલેજફુલ (જ્ઞાનવાન) થઈ જાઓ. જ્યારે કહો છો કે અમે વિશ્વ-કલ્યાણકારી છીએ તો જરુર કોઈ અકલ્યાણ વાળા પણ છે ત્યારે તો તમે કલ્યાણકારી બનશો. જો અકલ્યાણ વાળા જ નહીં હશે તો કેવી રીતે કલ્યાણકારી બનશો. જો કોઈ કાંઈ ખોટું કરી રહ્યું છે તો એને પરવશ સમજીને રહેમ (દયા) ની દૃષ્ટિ થી પરિવર્તન કરો. ડિસ્કસ (ચર્ચા) નહીં કરો. જો કોઈ પથ્થર (અવરોધ) થી રોકાઈ જાય છે, તો આપણું કામ છે પાસ (પાર) કરીને ચાલ્યા જવું અથવા એને પણ સાથી બનાવીને પાર લઈ જાઓ. જો આટલી હિંમત નથી તો સ્વયં તો નહીં થોભો. ક્રોસ કરીને ચાલતા જાઓ. આ અટેન્શન (સાવધાની) જોઈએ. જો જોવી છે તો વિશેષતા જુઓ. છોડવી હોય તો કમીઓને છોડો. સંપર્ક માં આવવું પડે છે, જોવું પડે છે તો વિશેષતા જ દેખાય, નહીં તો બાપ ને જુઓ.
દરેક આ જ સંકલ્પ કરે કે અમારે શાંતિ ની, શક્તિ ની કિરણો ફેલાવવાની છે, તપસ્વી મૂર્ત બનીને રહેવાનું છે, એકબીજા ને મનસા થી કે વાણી થી પણ હવે સાવધાન કરવાનો સમય નથી, હવે મન્સા શુભ ભાવના થી એકબીજા નાં સહયોગી બનીને આગળ વધો અને વધારો.