Search for a command to run...
14 Nov 1979
બ્રાહ્મણ જીવનની નિશાની છે - સદા ખુશીની ઝલક
14 November 1979 · ગુજરાતી
આજે બાપદાદા બધાં બાળકોની અંતિમ અવસ્થા અર્થાત્ વિકર્માજીત અવસ્થા, વિકલ્પ કે વ્યર્થ સંકલ્પ થી મુક્ત અવસ્થા જોઈ રહ્યાં છે. આ અંતિમ અવસ્થા સુધી પહોંચવા માટે પુરુષાર્થ તો બધાં કરી રહ્યાં છે પરંતુ પુરુષાર્થીઓમાં બે પ્રકારનાં બાળકો જોયાં. એક એ જે પુરુષાર્થ કરતાં પુરુષાર્થ ની પ્રાલબ્ધ અર્થાત્ પ્રાપ્તિ સાથે-સાથે અનુભવ કરતાં ચાલી રહ્યાં છે. અને બીજાં, જે ફક્ત પુરુષાર્થ માં જ લાગેલાં છે. મહેનત વધારે, પ્રાપ્તિ નો અનુભવ ઓછો થાય છે, એટલે ચાલતાં-ચાલતાં થાકી પણ જાય છે. યથાર્થ પુરુષાર્થી ક્યારેય પણ થાક અનુભવ નથી કરતાં. કારણ? બંને નાં પુરુષાર્થ માં ફક્ત એક વાત સમજવામાં અંતર છે, જેનાથી તેઓ મહેનત માં રહે છે અને બીજા મહોબ્બત માં (પ્રેમમાં) મસ્ત રહે છે. કયાં સંકલ્પનું અંતર છે, એ જાણો છો? નાનકડું જ અંતર છે. એક સમજે છે કે અમે સ્વયં ચાલી રહ્યાં છે, ચાલવું પડે છે, સામનો કરવો પડે છે અને બીજા છે જે સદૈવ સંકલ્પ થી પણ સમર્પિત છે, એટલે તેઓ સદૈવ અનુભવ કરે છે કે અમને બાપદાદા ચલાવી રહ્યાં છે. મહેનત નાં પગ થી નહીં પણ સ્નેહ નાં ખોળામાં ચાલતાં રહે છે. એટલે તેઓ સ્નેહ નાં પગ થી ચાલે છે, જેમાં થાક નથી લાગતો. સ્નેહ નાં ખોળામાં કે ઝોલી માં સર્વ પ્રાપ્તિઓની અનુભૂતિ થવાનાં કારણે તેઓ ચાલતાં નથી, પણ ઉડતાં રહે છે. સદા ખુશી માં, આંતરિક સુખ માં, સર્વ શક્તિઓથી ઉડતાં રહે છે.
હવે સ્વયં થી પૂછો કે હું કોણ? સંગમયુગી બ્રાહ્મણ બાળકો જીવશે, ચાલશે દરેક કદમ માં સ્નેહ નાં ખોળા માં. બ્રાહ્મણ જીવન ની નિશાની છે - સદા ખુશી ની ઝલક પ્રત્યક્ષ રુપ માં દેખાશે. ખુશી નહીં તો બ્રાહ્મણ જીવન પણ નહીં.
ઘણાં બાળકો સમજે છે કે સંગમયુગ પુરુષાર્થી જીવનનું છે અને ભવિષ્ય જન્મ પ્રાલબ્ધ નો જન્મ છે. તેઓ સમજે છે કે જે બાપદાદા નું વાયદો છે - એક આપો અને લાખ લો, આ વાયદો ભવિષ્ય માટે છે. પણ નહીં. આ વચન સંગમયુગ નું જ છે. જેમ સર્વશ્રેષ્ઠ સમય, સર્વશ્રેષ્ઠ જન્મ, સર્વશ્રેષ્ઠ શીર્ષક આ સમય નાં છે, એમ સર્વ પ્રાપ્તિઓનો અનુભવ, બધાં વાયદાઓ ની પ્રાપ્તિ આ સમયે થાય છે. ભવિષ્ય તો છે જ પણ ભવિષ્ય થી પણ વર્તમાન શ્રેષ્ઠ છે. આ સમયે જ એક કદમ અર્થાત્ એક સંકલ્પ બાળકો કરે છે કે બાબા અમે તમારાં છીએ અને રિટર્ન (વળતર) માં બાપ દરેક સંકલ્પ બોલ અને કર્મ માં અનુભવ કરાવે છે કે હું તમારો છું. અર્થાત્ બાપ તમારાં છે. એક સંકલ્પ નું રિટર્ન આખા સંગમયુગ નાં જીવન માં બાપ તમારાં જ થઈ જાય છે. એક નું ફક્ત લાખ ગણું નથી મળતું! જ્યારે ઈચ્છો, જેમ ઈચ્છો, જે ઈચ્છો, બાપ સર્વન્ટ (સેવાધારી) રુપ માં બંધાયેલાં છે. તો એક નું લાખ ગણું તો શું પણ અગણિત વાર નું રિટર્ન મળે છે. વર્તમાન સમય નું મહત્વ ચાલતાં-ચાલતાં ભૂલી જાઓ છો. આ સંગમયુગ ને વરદાન છે - કયું? સ્વયં વરદાતા જ તમારાં છે. જ્યારે વરદાતા જ તમારાં છે, તો બાકી શું રહ્યું? બીજ તમારાં હાથમાં છે, જે બીજ દ્વારા સેકન્ડમાં જે ઈચ્છો એ લઈ શકો છો. ફક્ત સંકલ્પ કરવાની વાત છે. શક્તિ જોઈએ, સુખ જોઈએ, આનંદ જોઈએ, બધું તમારાં માટે જી હાજર છે કારણ કે હજૂર જ તમારાં છે. જેમ સ્થૂળ સેવાધારી બોલાવતાં જ હાજર થઈ જાય છે એમ આ સર્વ પ્રાપ્તિઓ સંકલ્પ થી હાજર થઈ જશે. પરંતુ હજૂર તમારાં છે તો આ બધું હાજર છે. બીજ તમારું છે તો આ બધાં ફળ તમારાં છે.
પરંતુ બાળકો ચાલતાં-ચાલતાં કરે છે શું! બે લાડુ હાથમાં ઉઠાવવાની કોશિશ કરે છે. લેવા માટે તો તૈયાર થઈ જાય છે પણ છોડવાવાળી વસ્તુ પણ ફરી લઈ લે છે. એટલે વિસ્તાર માં જવાથી સાર ને છોડી દે છે. વચમાંથી બીજ ખસી જાય છે, એ ખબર નથી પડતી એટલે પછી ખાલી થઈ જાય છે અને મહેનત કરે છે પોતાને ભરપૂર કરવાની, પરંતુ બીજ છૂટી જવાનાં કારણે પ્રત્યક્ષ ફળ ની પ્રાપ્તિ થઈ નથી શકતી એટલે થાકી જાય છે. ભવિષ્ય નાં દિલાસા થી પોતાને ચલાવતાં રહે છે. પ્રત્યક્ષફળ નાં બદલે ભવિષ્યફળ નાં ઉમેદવાર બનીને ચાલે છે, એટલે ખુશીની ઝલક સદા નજર નથી આવતી. મહેનત ની રેખાઓ વધારે નજર આવે છે, પ્રાપ્તિ ની રેખાઓ ઓછી નજર આવે છે. ત્યાગ ની મહેસૂસતા વધારે થાય છે ભાગ્ય ની મહેસૂસતા ઓછી થાય છે.
તો હવે શું કરવાનું છે? વર્તમાન સમય માં જે તમારાં સંપર્ક માં આવે છે, એ લોકો પણ સમય પ્રતિ સમય હજી પણ આ બોલ બોલે છે કે તમારાં લોકોનો ત્યાગ બહુ મોટો છે પણ હવે એ બોલ બોલે કે તમારાં લોકો નું ભાગ્ય બહુ મોટું છે. ત્યાગ તેઓને દેખાય છે પણ ભાગ્ય હજી સુધી દેખાતું નથી. ભાગ્ય હજી ગુપ્ત છે. ત્યાગ ની મહિમા ખૂબ કરે છે, એટલી જ ભાગ્યની મહિમા કરે તો સેકન્ડ માં સ્વયંનું પણ ભાગ્ય ખુલી જશે. ત્યાગ જોઈને વિચાર માં પડી જાય છે. ભાગ્ય જોઈને સ્વયં પણ ભાગ્યશાળી બની જશે. હવે સમજ્યાં, શું પરિવર્તન કરવાનું છે?
મહેનત થી નીકળી સ્નેહ નાં, મહોબ્બત નાં ખોળા માં આવી જાઓ. ચાલી રહ્યાં છીએ - નહીં, પણ ચલાવી રહ્યાં છે. (લાઈટ બંધ થઈ ગઈ) બાળકો અંધકાર માં રહે છે તો બાપ ને પણ અનુભવ થવો જોઈએ કે આવી દુનિયામાં બાળકો રહે છે, એ પ્રેક્ટિકલ અનુભવ થાય છે.
અચ્છા, હવે સમજ્યાં શું કરવાનું છે? ભવિષ્ય ફળનાં પહેલાં પ્રત્યક્ષ ફળ ખાઓ. સદા હજૂર ને બુદ્ધિમાં હાજર રાખો તો સર્વ પ્રાપ્તિઓ પણ સદા જી હજૂર કરશે. જો હજૂર હાજર છે તો સર્વ પ્રાપ્તિઓ ચુંબક સમાન આપમેળે આકર્ષિત થતી આવશે. સમજ્યાં? બાપદાદા બાળકોની મહેનત જોઈ સહન નથી કરી શકતાં. આવી શ્રેષ્ઠ આત્માઓ, સીધા બીજ થી નીકળેલાં થડ સ્વરુપ બાળકો છો. આવાં શ્રેષ્ઠ બાળકોને સર્વ સહજ પ્રાપ્તિઓનાં અનુભવી બનવાનું છે. અચ્છા!
એવાં સર્વ સહજ પ્રાપ્તિવાન, સદા સાગર નાં સમાન સર્વ માં સંપન્ન, સદા બીજને સાથે રાખવાવાળા, બીજરુપ અવસ્થા માં સ્થિત રહેવાવાળા, વિકર્માજીત, વિકલ્પજીત એવાં લક્ષ ને પામવાવાળા સદા નિશ્ચયબુદ્ધિ અને નિશ્ચિંત રહેવાવાળા બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે અભિવ્યક્ત બાપદાદાની મધુર મુલાકાત:-
નેપાળ:- બધાં ખૂબ જ દૂર-દૂર થી સ્નેહ નાં આધારે ખેંચાતાં આવી ગયાં. જેમ બાળકો સ્નેહની દોરી માં બંધાઈને પોતાનાં ઘરે પહોંચી ગયાં છે, એમ બાપ પણ એટલો જ બાળકોનાં સ્નેહ નો રિસ્પોન્સ (પ્રતિઉત્તર) આપી રહ્યાં છે. સ્નેહ નો રિસ્પોન્સ શું છે? સ્નેહ નો રિસ્પોન્સ છે સદા અથક, સદા સફળતામૂર્ત ભવ. ક્યારેય પણ માયા આવે તો આ સ્થાન, આ દિવસ, આ ઘડી, આ બાપ નું વરદાન યાદ રાખજો તો વરદાન થી માયા મૂર્છિત થઈ જશે. તમારાં લોકોનાં દેશ માં પણ આવા જંત્ર-મંત્ર ખૂબ જ કરે છે ને. તો તમે પણ આ જંત્ર-મંત્ર થી માયા ને મૂર્છિત કરી દેજો. બાપે બાળકોને જન્મતાં જ કયું વરદાન આપ્યું છે? અમરનાથ બાપનું પહેલું વરદાન છે - બાળકો અમર ભવ! અમરનાથ ની કથા સાંભળવાવાળા આપ સહુ છો ને? આ ખુશી થાય છે કે અમારાં બધાનું યાદગાર હજી સુધી પણ ચાલી રહ્યું છે? કલ્પ પહેલાનું યાદગાર હજી પણ જોઈ રહ્યાં છો. અમરનાથ માં તમારું જ યાદગાર છે. એક-એક બાળક ની કેટલી મહિમા કરે. જેટલી તમે બધાંએ દ્વાપર થી બાપની મહિમા ગાઈ છે એટલી બાપ હવે આપ બાળકોની ગાએ છે. રોજ નવું ટાઇટલ (શીર્ષક) આપે છે તો મહિમા થઈ ને. ખૂબ-ખૂબ ભાગ્યવાન છો. જે માતાઓને દુનિયાવાળાઓએ ઠોકર મારી તેમને બાપ એ ઠાકુર બનાવી દીધાં. તો માતાઓને તો ખૂબ ખુશી હોવી જોઈએ. ખુશી-ખુશી માં ચાલવાથી થાક અનુભવ નહીં થશે.
દરેક બ્રાહ્મણ બાળકોનાં ઘરમાં બાપની યાદગાર (ગીતા પાઠશાળા) જરુર હોવી જોઈએ. જેમ ઘર-ઘર માં રાજા-રાણી નાં ફોટા લગાવે છે ને. તો બ્રાહ્મણો નાં ઘરમાં આ વિશેષ યાદગાર હોય. જે પણ આવે એમને બાપ નો પરિચય આપતાં રહો. અચ્છા.
આસામ:- આસામવાળા તો ખૂબ મોટાં આસામી હશે! મોટાં માણસોને મોટાં આસામી કહેવાય છે. તો તમે મોટાથી મોટાં લોકો મોટાં આસામી છો. એ લોકો સમાચાર-પત્ર માં નાખે છે કે કોણ-કોણ મોટાં છે. ‘હૂ ઈઝ હૂ’? (કોણ, કોણ છે?) તમે લોકો તો જન્મ-જન્માંતર માટે પૂજ્ય બનો છો. તેઓ તો આજે ‘હૂ ઈઝ હૂ’ ની યાદી માં છે, કાલે સાધારણ પ્રજાની યાદી માં છે. તમે સદા થી આ જ યાદી માં છો. સદા નાં પૂજ્ય છો. અડધોકલ્પ ચેતના માં પૂજ્ય નાં રુપ માં છો, અડધોકલ્પ જડ ચિત્રો નાં રુપમાં પૂજાવ છો. તો આખો જ કલ્પ ‘હૂ ઈઝ હૂ’ થયાં. એવો નશો રહે છે કે અમે બહુ મોટાં લોકો છીએ? કોઈ પણ પ્રકારની સમસ્યા કમજોર તો નથી બનાવતી. મહાવીર છો? બાપદાદા પણ બાળકો ને જોઈને ખુશ થાય છે કે કેવી રીતે કલ્પ પહેલાંવાળુ પોતાનું ભાગ્ય લઈ રહ્યાં છે. કલ્પ-કલ્પ નાં ભાગ્યવાન છો. આવું ભાગ્ય ક્યારેય કોઈનું બની પણ નથી શકતું. તો આ નશો અને ખુશી નિરંતર રહે.
બિહાર:- સદાબહાર (વસંત) માં રહેવાવાળું બિહાર છે. સદૈવ પોતાને એવાં અનુભવ કરો છો જેમ ઉપર થી અવતરિત થઈને સાકાર સૃષ્ટિ માં સેવા માટે આવેલાં છો. જે અવતાર હોય છે એમને શું યાદ રહે છે? જે કર્તવ્ય માટે અવતરિત થાય છે તે જ કર્તવ્ય યાદ રહે છે. અવતાર આવે જ છે કોઈ મહાન કર્તવ્ય કરવા માટે. તો તમે પણ શેનાં માટે અવતરિત થયાં છો? વિશ્વ પરિવર્તન નાં કર્તવ્ય માટે. તો સદા આ યાદ રહે છે? ક્યાંય પણ રહેતાં તમારું મૂળ કર્તવ્ય વિશ્વ પરિવર્તન નું છે. ભલે કોઈ પણ ધંધો કરો, ઘર નું કાર્ય કરો પરંતુ યાદ શું રહેવું જોઈએ - પરિવાર કે પરિવર્તન? પરિવાર માં રહો છો તો કયાં લક્ષ થી રહો છો? એ જ લક્ષ રહે છે ને કે આમને પણ પરિવર્તન કરવાનાં છે. ગૃહસ્થી થઈને નહીં, સેવાધારી થઈને રહો છો! સેવાધારી ને સેવા જ યાદ રહે, બાકી બધું કામ નિમિત્ત માત્ર છે. મૂળ કાર્ય છે વિશ્વ પરિવર્તન નું. વિશ્વ પરિવર્તન એ જ કરી શકે છે જે પહેલાં સ્વયં નું પરિવર્તન કરે છે. પહેલાં પોતે ઉદાહરણ બનવું પડે છે પછી તમને જોઈને બધાં કરવા લાગી પડશે. તો સ્વ પરિવર્તન કરી લીધું છે ને? બાકી જે થોડો સમય રહ્યો છે એ શેનાં માટે? સેવા માટે. અન્યની સેવા કરતાં સ્વ ની સેવા થઈ જ જશે. અવતાર છું એ યાદ રહે તો જેવી સ્મૃતિ હશે એવું જ કર્મ થશે. તો બિહારવાળા વસંત ઋતુ લાવવાવાળા છો. આજકાલ તો દેશની હાલત શું છે? ક્યાંક દુકાળ છે તો ક્યાંક બહુ પાણી છે, પરંતુ તમે શું કરશો? સદા વસંત લાવશો. તમારું આવું કર્તવ્ય જોઈ બધાં તમને આશિર્વાદ આપશે, બધાં નમસ્કાર કરવા આવશે. હમણાં તો કોઈ-કોઈ ગાળો પણ આપે છે કારણ કે ગુપ્ત છો ને. જ્યારે પ્રત્યક્ષ થશો ત્યારે આપમેળે જ બધાં નમસ્કાર કરવા માટે આવશે. જેટલી ગાળો આપે છે એટલાં પુષ્પ ચઢાવશે. એક ગાળ ને બદલે કેટલી વાર ફૂલોની માળા ચઢાવવી પડશે. જેમ બાપે બહુ ગાળો ખાધી તો પૂજન પણ એટલું જ થાય છે ને. એમ જેટલી ગાળ ખાશો એટલાં વધુ પૂજ્ય બનશો, એટલે ગભરાતાં નહીં. માળાઓ તૈયાર થઈ રહી છે.
બંગાળ-કલકત્તા:- કલકત્તા નિવાસી શું પ્લાન (યોજના) બનાવી રહ્યાં છે? મેળા તો બહુ કર્યાં હવે શું વિચાર્યું છે? હવે દરેક વર્ષ માં કોઈ નવો પ્લાન બનાવવો જોઈએ. કલકત્તા ભક્તિમાર્ગ માં પણ પ્રસિદ્ધ છે ત્યાંની વિશેષતા છે બલિ ચઢવાની. જેમ ભક્તિમાર્ગ ની બલિ પ્રસિદ્ધ છે તેમ જ્ઞાન માં મહાબલિ ચઢવાવાળા વધારે હશે ને. એક તરફ ભક્તિ નું બળ બીજી તરફ જ્ઞાન નું બળ. મેળાની સાથે હવે બીજી કોઈ વિધિ અપનાવો. જેટલું મોટું કલકત્તા છે એટલો મોટો અવાજ થાય. જૂની ગાદીનું સ્થાન છે તો બીજો કોઈ ઊંચો અવાજ કાઢો. અચ્છા, દરેક રોજ પોતાની તપાસ કરીને તીવ્ર ગતિ ને પ્રાપ્ત થઈ રહ્યાં છો. સંગમયુગ પર જ ચઢતી કળા નો ચાન્સ (તક) છે. રોજ પોતાની તપાસ કરો. ફક્ત ચાલી રહ્યાં છે, એ નહીં પણ કઈ ગતિ થી ચાલી રહ્યાં છો. જો તીવ્ર ગતિ નહીં હશે તો પહેલા જન્મ માં નહીં પહોંચી શકો. દરેક કદમમાં પદમોની કમાણી જમા કરતાં પદમાપદમ ભાગ્યશાળી બનો. સાધારણ ચેકીંગ (તપાસ) નહીં પણ હવે સૂક્ષ્મ તપાસ જોઈએ.
આ મરજીવા જન્મ છે જ પ્રત્યક્ષ ફળ ખાવાનાં માટે, કર્યું અને પ્રાપ્તિ થઈ. હવે મહેનત ની જરુર નથી, ફળ ખાવાનો સમય છે. અતિન્દ્રિય સુખ નાં જીવન માં રહેવાનો સમય છે. તો અતિન્દ્રિય સુખ નાં ઝૂલામાં સદા ઝૂલવાવાળા છો ને? જે હમણાં સદા આ ઝૂલામાં ઝૂલે છે, એ જ શ્રીકૃષ્ણ ની સાથે-સાથે ઝૂલશે. એવો પુરુષાર્થ છે ને? આને કહેવાય તીવ્ર પુરુષાર્થ.
તામિલનાડુ:- સંગમયુગ પર બાપ દ્વારા જે ખજાના મળ્યાં છે એ બધાં ખજાનાને સારી રીતે જમા કર્યાં છે! માયા ખજાનાને લૂંટી તો નથી લેતી? પહેલાં પણ કહ્યું હતું કે ડબલ લોક લગાવી દો એક બાપની યાદ નું અને બીજું સેવા, આ ડબલ લોક લગાડવાથી ક્યારેય પણ માયા ખજાનો લૂંટી નથી શકતી. સદા ભરપૂર રહેશો. અમૃતવેલાએ સ્વયં ને માસ્ટર સર્વશક્તિવાન નું તિલક આપો. આખો દિવસ તિલકધારી રહેવાથી ક્યારેય પણ માયા સામનો નહીં કરે. તિલક તમારાં વિજય ની નિશાની છે. અમૃતવેલા વરદાનો નો સમય છે, જેટલું અમૃતવેલા નું મહત્વ રાખશો એટલાં મહાન બનશો.