Search for a command to run...
9 Apr 1971
અવ્યક્ત સ્થિતિમાં સર્વ ગુણોનો અનુભવ
9 April 1971 · ગુજરાતી
અવાજ થી પરેની સ્થિતિ પ્રિય લાગે છે કે અવાજમાં રહેવાની સ્થિતિ પ્રિય લાગે છે? કઈ સ્થિતિ વધારે પ્રિય લાગે છે? શું બંન્નેય સ્થિતિ એકસાથે રહી શકે છે? આનો અનુભવ છે? આ અનુભવ કરતાં સમયે કયો ગુણ પ્રત્યક્ષ રુપમાં દેખાય છે? (ન્યારા અને પ્યારા) આ અવસ્થા એવી છે જેમ બીજમાં આખું વૃક્ષ સમાયેલું હોય છે, એમ જ આ અવ્યક્ત સ્થિતિમાં જે પણ સંગમયુગનાં વિશેષ ગુણોની મહિમા કરો છો તે સર્વ વિશેષ ગુણ એ સમયે અનુભવમાં આવે છે. કારણ કે માસ્ટર બીજરુપ પણ છે, નૉલેજફુલ પણ છે. તો ફક્ત શાંતિ નહીં પરંતુ શાંતિની સાથે-સાથે જ્ઞાન, અતીન્દ્રિય સુખ, પ્રેમ, આનંદ, શક્તિ વગેરે-વગેરે સર્વ મુખ્ય ગુણો નો અનુભવ થાય છે. ન ફક્ત પોતાને પરંતુ અન્ય આત્માઓ પણ એવી સ્થિતિમાં સ્થિત થયેલી આત્માનાં ચહેરાથી આ સર્વ ગુણોનો અનુભવ કરે છે. જેમ સાકાર સ્વરુપ માં શું અનુભવ કર્યો? એક જ સમયે સર્વ ગુણ અનુભવ માં આવે છે. કારણ કે એક ગુણમાં સર્વ ગુણ સમાયેલાં હોય છે. જેમ અજ્ઞાનતા માં એક વિકારની સાથે સર્વ વિકારોનો ગહન (ઘનિષ્ઠ) સંબંધ હોય છે, તેમ એક ગુણની સાથે મુખ્ય ગુણોનો પણ ગહન સંબંધ છે. જો કોઈ કહે કે મારી સ્થિતિ જ્ઞાન-સ્વરુપ છે; તો જ્ઞાન-સ્વરુપની સાથે-સાથે અન્ય ગુણો પણ તેમાં સમાયેલાં જરુર છે. જેને એક શબ્દમાં કઈ સ્ટેજ કહેશો? માસ્ટર સર્વશક્તિવાન. એવી સ્થિતિમાં સર્વ શક્તિઓની ધારણા થાય છે. તો એવી સ્થિતિ બનાવવી - આ છે સમાનતા, સંપૂર્ણતાની સ્થિતિ. એવી સ્થિતિમાં સ્થિત થઈને સર્વિસ (સેવા) કરો છો? સર્વિસ કરવાનાં સમએ જ્યારે સ્ટેજ પર આવો છો તો પહેલાં આ સ્ટેજ પર ઉપસ્થિત થઈ પછી સ્થૂળ સ્ટેજ પર આવો. એનાથી શું અનુભવ થશે? સંગઠનની વચ્ચે હોવાં છતાં પણ અલૌકિક આત્માઓ દેખાશો. હમણાં સાધારણ સ્વરુપની સાથે-સાથે સ્થિતિ પણ સાધારણ દેખાય છે. પરંતુ સાધારણ રુપમાં રહેતાં અસાધારણ સ્થિતિ અથવા અલૌકિક સ્થિતિ હોવાથી સંગઠનની વચ્ચે જાણે અલ્લાહ લોક (ભગવાનનાં લોકો) જેવાં દેખાશો. શરું-શરું માં પણ આવી સ્થિતિનો નશો રહેતો હતો ને. જેમ તારાઓનાં સંગઠનમાં વિશેષ તારાઓ હોય છે, તેમની ચમક, ઝલક દૂરથી જ ન્યારી અને પ્યારી લાગે છે. તો આપ તારાઓ પણ સાધારણ આત્માઓની વચ્ચે એક વિશેષ આત્માઓ દેખાઈ આવો. જ્યારે કોઈ અસાધારણ વસ્તુ સામે આવી જાય છે તો ન ઇચ્છતાં પણ બધાનું ધ્યાન તે તરફ ખેંચાઈ જાય છે. તો એવી સ્થિતિમાં સ્થિત થઈ સ્ટેજ પર આવો તો લોકોની નજર તમારાં લોકોની તરફ સ્વતઃ જ જાય. સ્ટેજ સેક્રેટરી પરિચય ન આપે પરંતુ તમારી સ્ટેજ સ્વયં જ પરિચય આપે. શું હીરો ધૂળમાં છુપાઈને પણ પોતાનો પરિચય પોતે નથી આપતો? તો સંગમયુગ પર હીરાતુલ્ય જીવન પોતાનો પરિચય સ્વયં જ આપી શકે છે. હમણાં સુધી નું રિઝલ્ટ (પરિણામ) શું છે? ખબર છે? હમણાં શેના તુલ્ય બન્યાં છો? ભાષણ વગેરે જે કરો છો તેનું રિઝલ્ટ શું દેખાયછે? વર્તમાન સમયમાં જે નંબરવન પ્રજા કહીએ તે પણ ઓછી નીકળે છે. સાધારણ પ્રજા વધારે નીકળી રહી છે. કારણ કે સાધારણ રુપની સાથે સ્થિતિ પણ ઘણો સમય સાધારણ બની જાય છે. હવે સાધારણ રુપમાં અસાધારણ સ્થિતિનો અનુભવ સ્વયં પણ કરો અને બીજાઓને પણ કરાવો. બાહ્યમુખતા માં આવવાનાં સમયે અંતર્મુખતાની સ્થિતિને પણ સાથે-સાથે રાખો - આ નથી થતું. કાં તો અંતર્મુખી બનો છો કાં તો બહારમુખી બની જાઓ છો. પરંતુ અંતર્મુખી બની પછી બાહ્યમુખતા માં આવવું - એ અભ્યાસ માટે પોતાનાં ઉપર વ્યક્તિગત અટેન્શન (ધ્યાન) રાખવાની આવશ્યકતા છે. બાહ્યમુખતા નું આકર્ષણ અંતર્મુખતા ની સ્થિતિથી વધારે હોય છે. તેનું કારણ એ છે કે સદૈવ પોતાનાં શ્રેષ્ઠ સ્વરુપ અથવા શ્રેષ્ઠ નશામાં સ્થિત નથી રહેતાં. એટલે સ્થિતિ પાવરફુલ નથી થતી.
નૉલેજફુલની સાથે પાવરફુલ પણ બનીને નૉલેજ આપો તો અનેક આત્માઓને અનુભવી બનાવી શકશો. હવે સંભળાવવા વાળા બહુ છે પરંતુ અનુભવ કરાવવા વાળા ઓછાં છે. સંભળાવવા વાળા તો અનેક છે જ, પરંતુ અનુભવ કરાવવા વાળા ફક્ત તમે જ છો. તો જે સમયે સર્વિસ કરો છો તે સમયે આ જ લક્ષ્ય રાખો કે જ્ઞાન-દાનની સાથે પોતાનાં અથવા બાપનાં ગુણોનું દાન પણ કરવાનું છે. ગુણોનું દાન સિવાય તમારાં લોકો નાં અન્ય કોઈ કરી નથી શકતું. એટલે સ્વયં સર્વ ગુણોનાં અનુભવ-સ્વરુપ હશો તો અન્ય ને પણ અનુભવી બનાવી શકશો. કમળપુષ્પ નાં સમાન બન્યાં છો? પોતાનાં જીવનનું જ ચિત્ર દેખાડયું છે ને, કે બીજા કોઈ મહારથીઓનાં જીવનનું ચિત્ર છે? અમારું ચિત્ર છે - એમ જ કહો છો ને. ચિત્ર કેમ બનાવાય છે? ચરિત્રનું જ ચિત્ર બને છે. તો એવાં ચરિત્રવાન છો ત્યારે તો ચિત્ર બનાવ્યું છે ને. આ એક જ ચિત્ર સ્મૃતિમાં રાખીને દરેક કર્મમાં આવો તો સદૈવ બીજી સર્વ વાતોમાં અલિપ્ત (ન્યારા) રહેશો. આ અલ્પકાળ માટે રહે છે. કેટલું પણ, કેવું પણ વાતાવરણ હોય, કેવું પણ વાયુમંડળ હોય પરંતુ ફક્ત આ ચિત્ર પણ યાદ રાખો તો વાયુમંડળ થી ન્યારા રહેશો. હમણાં વાયુમંડળ નો પ્રભાવ ક્યાંક-ક્યાંક પડી જાય છે. લક્ષ્ય બહુ ઊંચુ છે કે અમે પાંચ તત્વો ને પણ પાવન કરવાવાળા છીએ, પરિવર્તનમાં લાવવા વાળા છીએ. તે વાયુમંડળનાં વશ ક્યારેય થઇ શકે છે? પરિવર્તન કરવાવાળા છો, ન કે પ્રકૃતિનાં આકર્ષણમાં આવીને પરિવર્તનમાં આવવા વાળા છો. પછી કમળ પુષ્પની સમાન સદાકાળ રહી શકશો.
આજે આ ગ્રુપનો કયો દિવસ છે? હવે થીયરી પૂરી થઈ. પ્રેક્ટિકલ પેપર આપવાં જઈ રહી છો. હવે આ ગ્રુપ અન્ય બધાં ગ્રુપથી વિશેષ શું કાર્ય કરીને દેખાડશે? કેટલાં સમયમાં અને કેટલાં વારિસ બનાવીને લાવશો? થોડા સમયમાં અનેકોને બનાવશો. આ લોકોએ વાયદા તો બહુ કર્યા છે. ફંક્શન (કાર્યક્રમ) જ વાયદાનાં કરો છો. જેટલાં વાયદા કરો છો તે બધાં વાયદાને નિભાવવાં માટે ફક્ત એક જ કાયદો યાદ રાખજો. કયો? (જીવતે-જીવ મરવાનો) વારંવાર જીવતે-જીવ મરવાનું થાય છે શું? બાપદાદા સદૈવ દરેકમાં બધાં પ્રકારની ઉમ્મીદો રાખે છે. પરંતુ ઉમ્મીદો ને પૂર્ણ કરવાવાળા નંબરવાર પોતાનો શો દેખાડે (પ્રત્યક્ષ કરે) છે. એટલે આ ગ્રુપે મુખ્ય એક વાયદો યાદ રાખવાનો છે. આખા કોર્સનો સાર શું હતો? ચિત્રોમાં પણ મુખ્ય ચિત્ર કયુ પ્રેક્ટિકલ માં દેખાડશો જેનાથી બાપદાદાને પ્રત્યક્ષ કરી શકશો? બધી શિક્ષાઓનો સાર બતાવો. કોઈ પણ કર્મથી જોવાનું, ઉઠવાનું, બેસવાનું, ચાલવાનું અને સૂવાથી પણ ફરિશ્તાપણું દેખાઈ આવે. બધાં કર્મમાં અલૌકિકતા હોય. કોઈ પણ લૌકિકતા કર્મમાં અથવા સંસ્કારોમાં ન હોય. એવું પરિવર્તન કર્યું છે? સર્વોત્તમ પુરુષાર્થી નાં લક્ષણ પણ વિશેષ હોય છે. તેમનું વિચારવું, કરવું, બોલવું - ત્રણેય સમાન હોય છે. તે એમ નહીં કહે કે વિચારતાં તો હતાં કે આ ન કરીએ પરંતુ કરી લીધું. ના. વિચારવું, બોલવું, કરવું - ત્રણેય એક સમાન અને બાપ સમાન હોય. એવાં શ્રેષ્ઠ પુરુષાર્થી બન્યાં છો? અચ્છા.
આ ગ્રુપ જેટલું મોટું છે એટલું જ શક્તિશાળી સ્વરુપ બની ચારે બાજુ ફેલાઈ જશે તો પછી શક્તિઓ જય-જયકાર નો અવાજ બુલંદ કરી શકે છે. સંસ્કારોનાં અધીન પણ નથી થવાનું. કોઈનાં સ્નેહનાં અધીન પણ નથી થવાનું. વાયુમંડળનાં અધીન પણ નહીં. સમજ્યાં? હવે એવાં શબ્દ મુખથી તો શું મનમાં સંકલ્પ રુપમાં પણ ન આવે કે - શું કરીએ, મજબૂર છીએ. ભલે કોઈ વ્યક્તિએ અથવા વાયુમંડળે મજબૂર કર્યા, પરંતુ નહીં. મજબૂર નથી થવાનું પરંતુ મજબૂત થવાનું છે. સમજ્યાં? ફરી આ કમ્પલેન (ફરિયાદ) ન આવે. પોતાનાં પુરુષાર્થની કોઈ કમ્પલેન ભઠ્ઠીનાં પહેલાં નીકાળી હતી? તે શું હતી? નિર્બળતાનાં કારણે સંગદોષમાં આવવું. આ કમ્પલેન ને કમ્પ્લીટ (પૂર્ણ) કરીને જઈ રહી છો? કોઈ પણ એવા સંગમાં નહીં આવી શકો. કોઈ ઈશ્વરીય રુપથી માયા પોતાની સાથી બનાવવાની કોશિશ કરે તો? જોજો, પોતાનાં વાયદાને યાદ રાખજો. નારા (સૂત્ર) જે ગાયા છે - “એક છીએ, એકનાં રહીશું, એકની જ મત પર ચાલીશું” - આ સદૈવ પાક્કું રાખજો. ઈશ્વરીય રુપથી માયા એવી સામે આવશે કે તેને પારખવાની બહુ આવશ્યકતા પડશે. પારખવાની શક્તિ ધારણ કરીને જઈ રહી છો? સદૈવ આ અવિનાશી રાખજો. હવે રિઝલ્ટ જોશે. અલ્પકાળનું રિઝલ્ટ નથી દેખાડવાનું. સદાકાળ અને સંપૂર્ણ રિઝલ્ટ દેખાડવાનું છે. જે વાયદા કર્યા છે આ ગ્રુપે, હિંમત પણ રાખી છે પરંતુ તે વાયદાઓથી હટાવવામાં માયા મજબૂર કરે તો પછી શું કરશો? વાયદા તો ઘણાં સારાં કર્યા છે. પરંતુ સમજો કોઈ મજબૂર કરી દે છે તો પછી શું કરશો? જે પોતે જ મજબૂર થઈ જશે તે પછી લડાઈ શું કરશે?
સત્ય કોને કહેવાય છે - એ ખબર છે? જે વાત જો સંકલ્પમાં પણ આવતી હોય, સંકલ્પને પણ છુપાવવાનાં નથી - આને કહેવાય છે સત્ય. જો પુરુષાર્થ કરી સફળતા પણ લો છો તો પણ પોતાની સફળતા અથવા હાર ખાવાનાં બંનેનાં સમાચાર સ્પષ્ટ સંભળાવજો. આ છે સત્ય. સચ્ચાઈ વાળાં પોતાનો વાયદો પૂરો કરી શકશે. અચ્છા.