Search for a command to run...
16 Oct 1975
સંકલ્પ શક્તિ ને કન્ટ્રોલ (નિયંત્રણ) કરી સિદ્ધિ-સ્વરુપ બનવાની યુક્તિઓ
16 October 1975 · ગુજરાતી
સદા બાપ-સમાન નિરાકારી સ્થિતિ માં સ્થિત થતાં આ સાકાર શરીર નો આધાર લઈને આ કર્મ-ક્ષેત્ર પર કર્મયોગી બનીને દરેક કર્મ કરો છો? જ્યારે નામ જ છે ‘કર્મયોગી’. આ નામ જ સિદ્ધ કરે છે કે યોગી છે અર્થાત્ નિરાકારી આત્મિક સ્વરુપ માં સ્થિત થઈ ને કર્મ કરવા વાળા છે. કર્મ નાં વગર તો એક સેકન્ડ પણ રહી નથી શકતા. કર્મ-ઈન્દ્રિયો નો આધાર લેવાનો અર્થ જ છે-નિરંતર કર્મ કરવું. તો જેમ કર્મ નાં વગર રહી નથી શકતાંં, એમ જ યાદ અર્થાત્ યોગ નાં વગર પણ એક સેકન્ડ રહી નથી શકતાં. એટલે કર્મ ની સાથે યોગી નામ પણ સાથે-સાથે જ છે. જે રીતે કર્મ સ્વતઃ જ ચાલતાં રહે છે, કર્મેન્દ્રિયો નો નેચરલ (કુદરતી) અભ્યાસ છે. એમ જ બુદ્ધિ ને યાદ નો નેચરલ અભ્યાસ હોવો જોઈએ. આ કર્મેન્દ્રિયો નું આદિ-અનાદિ પોત પોતાનું કાર્ય છે. હાથ ને હલાવવા માં અથવા પગ ને ચલાવવા માં કોઈ મહેનત નથી કરવી પડતી, એ જ પ્રમાણે બ્રાહ્મણ જીવન નું તથા આ સંગમયુગી જીવન માં બુદ્ધિ નું નિજી (મૂળ) કાર્ય અથવા જન્મ નું કાર્ય યાદ છે? જે જીવન નું નિજી કાર્ય હોય છે તે નેચરલ અને સહજ જ થાય છે. તો શું આવી રીતે પોતાને સહજ કર્મયોગી અનુભવ કરો છો કે એ મુશ્કેલ લાગે છે? પોતાનું કાર્ય ક્યારેય પણ મુશ્કેલ નથી લાગતું, બીજા નું મુશ્કેલ લાગે છે. આ તો કલ્પ-કલ્પ નું પોતાનું કાર્ય છે. છતાં પણ જો મુશ્કેલ લાગે છે અર્થાત્ નિરંતર કર્મયોગી સ્થિતિ અનુભવ નથી થતી તો એનું કારણ શું છે?
જો યોગ નથી લાગતો તો અવશ્ય જ ઈન્દ્રિયો દ્વારા અલ્પકાળ નાં સુખ પ્રાપ્ત કરાવવા વાળા અને સદાકાળ ની પ્રાપ્તિ થી વંચિત કરાવવા વાળા, કોઈ-ને-કોઈ ભોગ ભોગવવામાં લાગેલાં છે. એટલે પોતાનાં નિજી કાર્યને ભૂલેલાં છે. જેમ આજકાલ ની સંપત્તિ વાળા અથવા કળયુગી રાજા જ્યારે ભોગ-વિલાસ માં વ્યસ્ત થઈ જાય છે તો પોતાનું નિજી કાર્ય, રાજ્ય કરવું અથવા પોતાનો અધિકાર ભૂલી જાય છે, એમ જ આત્મા પણ ભોગ ભોગવવામાં વ્યસ્ત હોવાનાં કારણે યોગ ભૂલી જાય છે અર્થાત્ પોતાનો અધિકાર ભૂલી જાય છે, જ્યાં સુધી અલ્પકાળ નાં ભોગ ભોગવવામાં મસ્ત છે. તો જ્યાં ભોગ છે ત્યાં યોગ નથી. આ કારણે મુશ્કેલ લાગે છે.
વર્તમાન સમય માયા બ્રાહ્મણ બાળકોની બુદ્ધિ પર જ પહેલો વાર કરે છે. પહેલાં બુદ્ધિનું કનેક્શન (જોડાણ) તોડી દે છે. જેમ જ્યારે કોઈ દુશ્મન વાર કરે છે તો પહેલાં ટેલીફોન, રેડિયો આદિ નાં કનેક્શન તોડી દે છે. લાઈટ અને પાણી નું કનેક્શન તોડી દે છે પછી વાર કરે છે, એમ જ માયા પણ પહેલાં બુદ્ધિનું કનેક્શન તોડી દે છે જેનાથી લાઈટ, માઈટ, શક્તિઓ અને જ્ઞાન નો સંગ ઓટોમેટિકલી (આપોઆપ) બંધ થઈ જાય છે. અર્થાત્ મૂર્છિત બનાવી દે છે. અર્થાત્ સ્વયં નાં સ્વરુપ ની સ્મૃતિ થી વંચિત કરી દે છે અથવા બેહોશ કરી દે છે. એનાં માટે સદૈવ બુદ્ધિ પર અટેન્શન (ધ્યાન) નો પહેરો (નજર) જોઈએ. ત્યારે જ નિરંતર કર્મયોગી સહજ બની શકશો.
એવો અભ્યાસ કરો જે જ્યાં બુદ્ધિ ને લગાવવા ઈચ્છો ત્યાં સ્થિત થઈ જાય. સંકલ્પ કર્યો અને સ્થિત થયાં. આ રુહાની ડ્રિલ (આત્મિક અભ્યાસ) સદૈવ બુદ્ધિ દ્વારા કરતાં રહો. હમણાં-હમણાં પરમધામ નિવાસી, હમણાં-હમણાં સૂક્ષ્મ અવ્યક્ત ફરિશ્તા બની જાઓ અને હમણાં-હમણાં સાકાર કર્મેન્દ્રિયો નો આધાર લઈને કર્મયોગી બની જાઓ. આને કહેવાય છે - સંકલ્પ શક્તિ ને નિયંત્રણ કરવી. સંકલ્પ ને રચના કહેશું અને તમે એનાં રચયિતા છો. જેટલો સમય જે સંકલ્પ જોઈએ એટલો જ સમય તે ચાલે. જ્યાં બુદ્ધિ લગાવવા ઈચ્છો, ત્યાં જ લાગે. આને કહેવામાં આવે છે - અધિકારી. આ પ્રેક્ટિસ (અભ્યાસ) હમણાં ઓછી છે. એટલે આ અભ્યાસ કરો, પોતાની જાતે જ પોતાનો કાર્યક્રમ બનાવો અને પોતાને ચેક (તપાસ) કરો કે જેટલો સમય નિશ્ચિત કર્યો, શું એટલો જ સમય એ સ્થિતિ રહી?
હઠયોગી પોતાની કોઈ કર્મેન્દ્રિયો ને, કોઈ પગ ને કે હાથ ને એકાગ્ર કરવા માટે કોઈ સમય નિશ્ચિત કરે છે કે આટલો સમય એક પગ અથવા એક હાથ નીચે કરશે અથવા ઉપર કરશે, માથું નીચે કરશે અથવા ઉપર કરશે. પરંતુ આ રોંગ (ખોટી) કોપી (નકલ) કરી છે. બાપે શીખવાડ્યું છે કે બુદ્ધિમાં એક સંકલ્પ ધારણ કરીને બેસો. એની ઉંધી કોપી કરી એક પગ ઉપર કરી લે છે. બાપ કહે છે કે એક સંકલ્પ માં સ્થિત થઈ જાઓ, તેઓ પછી એક પગ પર સ્થિત થઈ જાય છે. બાપ કહે છે કે સદા જ્ઞાન-સૂર્ય ની સન્મુખ રહો, વિમુખ ન બનો. તેઓ પછી સ્થૂળ સૂર્ય ની તરફ મુખ કરીને બેસે છે. તો ઉંધી કોપી કરી દીધી ને? યથાર્થ બુદ્ધિ-યોગ નો અભ્યાસ હમણાં તમે શીખી રહ્યાં છો. તેઓ હઠ થી કરે છે, તમે અધિકાર થી કરો છો. એટલે તે મુશ્કેલ છે, અને આ સહજ છે. હવે એનાં અભ્યાસને વધારતા જાઓ. એક સેકન્ડ માં સર્વ એક મત થઈ જાય. જ્યારે સંગઠન નો એક સંકલ્પ, એક સ્મૃતિ હશે, અને સર્વ નું એક સ્વરુપ હશે ત્યારે આ સંગઠન નાં જય-જયકાર નું નામ રોશન થશે.
જેમ સ્થૂળ કાર્ય તથા સેવામાં વિચારો નો મેળ કરો છો અર્થાત્ સર્વ એક વિચાર વાળા થઈ જાઓ છો ત્યારે જ કાર્ય સફળ થાય છે, એમ જ સંગઠન રુપ માં સર્વ એક સંકલ્પ સ્વરુપ થઈ જાય. બીજ-રુપ સ્મૃતિ ઈચ્છો અથવા સ્થિતિ ઈચ્છો તો સર્વ બીજ-રુપ માં સ્થિત થઈ જાય. એમ જ જ્યારે એક સ્મૃતિ-સ્વરુપ થઈ જશો, ત્યારે દરેક સંકલ્પ ની સિદ્ધિ અનુભવ કરશો અથવા સિદ્ધિ-સ્વરુપ થઈ જશો. જે વિચારશો, અને જે બોલશો એ જ પ્રેક્ટિકલ (વ્યવહારમાં) માં જોશો. આને કહેવાય છે - સિદ્ધિ-સ્વરુપ. આ જ જયજયકાર ની નિશાની છે. આનું જ યાદગાર છે - કળયુગી પર્વત, એને એક સાથે જ આંગળી આપજો. આ સંકલ્પ જ આંગળી છે. તો હવે એવાં કાર્યક્રમ બનાવો.
સંગઠન રુપ માં એક સ્મૃતિ-સ્વરુપ હોવાથી વાયુમંડળ શક્તિશાળી થઈ જશે. લગન ની અગ્નિ ની ભઠ્ઠી અનુભવ થશે જેનાં પ્રકંપન ચારેય તરફ ફેલાશે. જેમ એટમ બોમ્બ એક સ્થાન પર છોડવાથી ચારેય તરફ તેનાં અંશ ફેલાઈ જાય છે - તે એટમ બોમ્બ છે, અને આ આત્મિક બોમ્બ છે. આનો પ્રભાવ અનેક આત્માઓ ને આકર્ષિત કરશે અને સહજ જ પ્રજાની વૃદ્ધિ થઈ જશે. જેમ તે એટમ બોમ્બ નો લાંબા સમય માટે ધરતી પર પ્રભાવ પડી જાય છે, એમ જ ચૈતન્ય જીવન ની ધરણીઓ પર વધારે કરીને બેહદ નાં વૈરાગ્યનો પ્રભાવ પડશે. એટલે સહજ પ્રજા બની જશે. અચ્છા.
આવી રુહાની ડ્રિલ ની અભ્યાસી, સદા અધિકારી, વિશ્વ-કલ્યાણી, દરેક સંકલ્પ ને સિદ્ધ કરી સિદ્ધિ-સ્વરુપ આત્માઓ, એવા બાપ-સમાન પ્રકૃતિ ને અધીન કરી ચલાવવા વાળા અને એવાં સર્વ સમર્થ બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. અચ્છા.