Search for a command to run...
9 Oct 1971
પાવરફુલ વૃત્તિ થી સર્વિસ (સેવા) માં વૃદ્ધિ
9 October 1971 · ગુજરાતી
આજે આ સંગઠન કયા લક્ષ્ય થી ભેગું થયું છે? સંગઠન માં પ્રાપ્તિ તો થાય છે, પરંતુ આપસ માં મળવાનું પણ લક્ષ્ય શું રાખ્યું છે? કાંઈ નવો પ્લાન વિચાર્યો છે? કારણ કે આ સંગઠન છે સર્વશ્રેષ્ઠ આત્માઓનું કે સમીપ આત્માઓનું. બધાંની નજર સમીપ અને શ્રેષ્ઠ આત્માઓની ઉપર છે. તો શ્રેષ્ઠ આત્માઓએ “સર્વિસ માં કે પોતાનાં સંગઠન માં શ્રેષ્ઠતા અને નવીનતા કેવી રીતે લાવીએ”- આ વિચારવાનું છે. નવીનતા કોને કહેવાય છે? નવીનતા અર્થાત્ એવો કોઈ સહજ પરંતુ પાવરફુલ પ્લાન બનાવો જે તે પાવરફુલ પ્લાન પાવર દ્વારા આત્માઓ ને આકર્ષિત કરે. એવો પ્લાન બનાવો જે દૂર થી જ આત્માઓને આકર્ષણ થાય. જેમ પરવાનાં (પતંગિયા) હોય છે, તો શમાનું આકર્ષણ પરવાનાઓને, ભલે કેટલાં પણ દૂર હોય, ખેંચી લે છે. કે કોઈ તેજ અગ્નિ પ્રગટાવેલી હોય છે તો દૂર થી જ તેનો શેક (ગરમી) અનુભવ થાય છે. સમજે છે - અહીંયા કોઈ અગ્નિ છે. કે કોઈ બિલકુલ ઠંડી ચીજ ક્યાંય પણ હોય છે તો દૂર થી જ તેની શીતળતા નો અનુભવ અને આકર્ષણ થાય છે. એવી રીતે એવું પોતાનું રુપ અને સર્વિસ ની રુપરેખા બનાવો જે દૂર થી જ આકર્ષિત થતી આત્માઓ સમીપ આવતી જાય. જેમ વાયુમંડળ માં કોઈ ચીજ ફેલાઈ જાય છે તો આખાં વાયુમંડળ માં ખુબ દૂર સુધી તેનો પ્રભાવ છવાયેલો હોય છે. એવી રીતે આટલાં બધાંં સહજયોગી કે શ્રેષ્ઠ આત્માઓ પોતાનાં વાયુમંડળ ને એવું રુહાની બનાવે જે આસપાસ નું વાયુમંડળ રુહાનિયતનાં કારણે આત્માઓને પોતાની તરફ ખેંચી લે.
વાયુમંડળ ને બનાવવા માટે મુખ્ય કઈ યુક્તિ છે? વાયુમંડળ કેવી રીતે બની શકે છે? વૃત્તિ થી વાયુમંડળ બનાવવાનું છે. જેમ જુવો, કોઈની અંદર કોઈનાં પ્રતિ વૃત્તિ માં કોઈ વાત આવી જાય છે તો તમે લોકો શું કહો છો? વાયુમંડળ માં મારા પ્રતિ આ વાત છે. વાયુમંડળ નું ફાઉન્ડેશન વૃત્તિ છે. તો વૃત્તિઓને જ્યાં સુધી પાવરફુલ નથી બનાવી ત્યાં સુધી વાયુમંડળ માં રુહાનિયત કે સર્વિસ માં વૃદ્ધિ જે ઈચ્છો છો તે નથી થઈ શકતી. જો બીજ પાવરફુલ હોય છે તો વૃક્ષ પણ પાવરફુલ હોય છે. તો બીજ છે વૃત્તિ, એનાથી જ પોતાની કે સર્વિસ ની વૃદ્ધિ કરી શકો છો. વૃદ્ધિ નો આધાર વૃત્તિ છે. અને વૃત્તિમાં શું ભરવાનું છે, જેનાથી વૃત્તિ પાવરફુલ થઈ જાય? તો તે એક જ વાત છે કે વૃત્તિમાં દરેક આત્માનાં પ્રતિ રહેમ કે કલ્યાણની વૃત્તિ રહે. તો ઑટોમેટિકલી (આપોઆપ) આત્માઓનાં પ્રત્યે આ વૃત્તિ હોવાનાં કારણે તે આત્માઓને તમારાં લોકોનાં રહેમ કે કલ્યાણનાં વાયબ્રેશન (પ્રકંપન) પહોંચશે. જેમ રેડિયોનો અવાજ કેવી રીતે આવે છે? વાયુમંડળમાં જે વાયબ્રેશન હોય છે તેને કેચ કરે છે. વાયરલેસ દ્વારા વાયબ્રેશન કેચ કરે છે. તો આ બધું સાયન્સ દ્વારા એક-બીજા નાં અવાજ ને કેચ કરી શકે છે કે સાંભળી શકે છે. તો તે છે વાયરલેસ દ્વારા અને આ છે રુહાની પાવર દ્વારા. આ પણ જો વૃતિ પાવરફુલ છે, તો વૃત્તિ દ્વારા વાયબ્રેશન જે હશે તે એ આત્માને એવું જ સ્પષ્ટ અનુભવ થશે જેમ રેડિયોની સ્વીચ ખોલવાથી સ્પષ્ટ અવાજ સાંભળવામાં આવે છે. આજકાલ ટેલિવિઝન દ્વારા પણ એક્ટ, અવાજ ને સ્પષ્ટ જાણી શકો છો. એવું જ હવે વૃત્તિઓ દ્વારા ખુબ સર્વિસ કરી શકો છો. જેમ ટેલિવિઝન કે રેડિયો નું સ્ટેશન એક જ સ્થાન પર હોવા છતાં પણ ક્યાં-ક્યાં તે પહોંચે છે. એવું જ વૃત્તિમાં એટલી પાવર હોવી જોઈએ જે ક્યાંય પણ બેસો, પરંતુ જેટલી પાવરફુલ સ્ટેજ એટલી દૂર સુધી પહોંચી જાય છે. આવી રીતે જે આત્માની વૃત્તિ જેટલી પાવરફુલ છે એટલું એક સ્થાન પર ચારે બાજુ વૃત્તિ દ્વારા આત્માઓને આકર્ષણ કરશે. હવે આ સર્વિસ જોઈએ. વાણી અને વૃત્તિ - બંને સાથે-સાથે જોઈએ. થાય છે શું - જ્યારે વૃત્તિ દ્વારા સર્વિસ કરો છો તો વાણી નથી ચાલતી અને જ્યારે વાણી દ્વારા સર્વિસ કરો છો તો વૃત્તિ ની પાવર ઓછી હોય છે. પરંતુ હોવું શું જોઈએ? જેમ આજકાલ સિનેમા અથવા ટી. વી. માં એક્ટ પણ, અવાજ પણ - બંને સાથે-સાથે ચાલે છે. બંને કાર્ય સાથે-સાથે ચાલે છે ને. આમાં પણ પ્રેક્ટિસ હોય તો વૃત્તિ અને વાણી - બંનેની ભેગી-ભેગી સર્વિસ થાય. વધારે વાણીમાં આવવાનાં કારણે જે વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પાવરફુલ બનાવી શકો છે તે નથી કરી શકતાં. ફક્ત વાણી હોવાનાં કારણે તેની પાવર એટલાં સમય સુધી ચાલે છે જેટલો સમય સમ્મુખ કે સમીપ છો. વૃત્તિ વાણી થી સૂક્ષ્મ છે ને. તો સૂક્ષ્મ નો પ્રભાવ વધારે પડશે. મોટાં રુપ નો પ્રભાવ ઓછો હશે. તો સૂક્ષ્મ પાવર પણ હોય અને સ્થૂળ પણ હોય. બંને પાવર્સ થી વૃત્તિ હોય, એવું કંઈક અનોખાપણું દેખાઈ આવે.
હમણાં મહાન અંતર નથી દેખાતું. એક જ સ્ટેજ પર બંને પ્રકારની આત્માઓ ભેગી વિરાજમાન હોય તો જનતા ને મહાન અંતર દેખાઈ આવે. સાક્ષી થઈને જુઓ તો મહાન અંતર દેખાઈ આવે છે? જેમ કોઈ બહુ પાવરફુલ ચીજ હોય છે તો બીજી ચીજો ની ઇફેક્ટ તેનાં ઉપર નથી થતી. અહીંયા પણ જો સ્થૂળ સ્ટેજ પર પોતાની સૂક્ષ્મ પાવરફુલ સ્ટેજ છે; તો બીજા ભલે કેટલું પણ પાવરફુલ બોલે પરંતુ વાયુમંડળ માં તેમનો પ્રભાવ નથી પડી શકતો. જેમ યાદગાર રુપ માં દેખાડે છે - સ્થૂળ યુદ્ધનું રુપ, એક તરફ તીર આવ્યું અને રસ્તા માં તેને કાપી દીધું. તીર નીકળ્યું અને ત્યાં જ ખતમ કરી દીધું. આ વૃત્તિ થી જ વાયુમંડળ ને પાવરફુલ બનાવી શકો છો. હમણાં ક્યાંક-ક્યાંક પોતાની સ્ટેજની કમી હોવાનાં કારણે પોતાની સ્ટેજ પર અન્ય આત્માઓનો પ્રભાવ વાયુમંડળ પર પડે છે, કેમ? કારણ શું છે? વૃત્તિ દ્વારા આત્માઓને રુહાનિયત નો ઘેરાવ નથી નાખી શકતાં. જેમ કોઈપણ આત્મા ને પકડવાની હોય છે તો ઘેરાવ એવો નાખે છે જે નીકળી જ ન શકે. વૃત્તિ દ્વારા રુહાનિયત નો ઘેરાવ વાયુમંડળ માં નાખવાથી કોઈ પણ આત્મા રુહાની આકર્ષણ થી બહાર નથી નીકળી શકતી. હવે એવી સર્વિસ જોઈએ. કારણ કે તેઓ કરામત જોવાનાં આદતી (ટેવાયેલાં) હોય છે ને, તો બધાં વિચારે છે - કોઈ કરામત દેખાડે. પરંતુ અહીંયા કરામત ને બદલે કમાલિયત દેખાડવાની છે. તેમની છે રિદ્ધિ સિદ્ધિ દ્વારા કરામત અને તમારાં લોકોની છે વૃત્તિ દ્વારા કમાલિયત દેખાડવી. હમણાં કોઈ કમાલિયત દેખાડે છે, તેમને વિશેષતા નો અનુભવ જરુર હોવો જોઈએ. થાય છે શું કે આત્માઓનો અલ્પકાળ નો પ્રભાવ ક્યાંક-ક્યાંક પડી જાય છે - તેમની નોંધ કરો છો, તેઓ કેવી રીતે કરે છે, તેઓ કેવી રીતે બોલે છે. આ જ કારણે પોતાની ઓથોરિટીનો જે ફોર્સ હોવો જોઈએ તે બીજા તરફ દૃષ્ટી જવાથી કમજોર થઈ જાય છે. કારણ કે આ પણ મોટો સૂક્ષ્મ નિયમ છે. જ્યારે કે વાયદો છે કે વૃત્તિમાં, સાંભળવામાં, જોવામાં, વિચારવામાં એક નાં સિવાય બીજું કોઈ નહીં. આત્માઓનાં પ્રભાવ ને બુદ્ધિમાં રાખતાં કે આત્માઓનાં પ્રભાવ ને જોતાં રહીને કરવું - આ પણ સૂક્ષ્મ માં લિંક તુટી જાય છે. જેમ શરું-શરુંમાં મસ્ત ફકીર રમતાયોગી હતાં. પોતાની નોલેજની પાવર ને પ્રત્યક્ષ કરવામાં સમર્થ હતાં. તે સમર્થી હોવાનાં કારણે ફર્સ્ટ (પહેલી) રચના પણ સમર્થ થઈ. અને હમણાં ની રચના ફર્સ્ટ રચનાની માફક સમર્થ છે? ભલે કેટલો પણ ઉમંગ આવે છે પરંતુ પહેલી રચના જે સમર્થ હતી હવે તે નથી. નોલેજ નાં અનુભવી તો આપ દિન-પ્રતિદિન બની રહ્યાં છો પરંતુ પાવરફુલ સ્ટેજ જે પહેલા હતી તે છે? તે નિર્ભયતા છે? તે ઓથોરિટીનાં બોલ પહેલાં જેવા હમણાં છે?
જેમ ક્યારેક-ક્યારેક કોઈ ચીજ ને વધારે રિફાઇન (શુદ્ધ) કરે છે - તો રીફાઈન ભલે થઈ જાય છે, પરંતુ પાવરલેસ થઈ જાય છે. આજકાલની ચીજો માં રિફાઇન હોવાં છતાં પણ ફોર્સ છે? તો આ પણ નોલેજનું રુપ રિફાઇન થઈ ગયું છે, ટૈક્ટ (યુક્તિ) રીફાઈન થઈ ગઈ છે પરંતુ ફોર્સ ઓછો છે. પહેલી વાતો જો સ્મૃતિમાં લાવો તો તે ખુમારી કેટલી હતી! નોલેજ નું આકર્ષણ નહોતું પરંતુ મસ્તક અને નયનો માં આકર્ષણ હતું. નયનો થી બધાં અનુભવ કરતાં હતાં કે આ કોઈ અલ્લાહ લોકો આવ્યાં છે. હમણાં મિક્સ હોવાનાં કારણે મિક્સડ દેખાઈ આવે છે. બહુ મિક્સ વાળી ચીજ જે હોય છે તે અલ્પકાળ માટે રસના બહુ આપે છે પરંતુ તેમાં તાકાત નથી હોતી. જેમ ચટણી કેટલી ચટપટી હોય છે પરંતુ તેમાં પાવર છે? ફક્ત અલ્પકાળ માટે જીભ નો રસ આકર્ષણ કરે છે. તો આ પણ બહુજ મિક્સ કરવાથી અલ્પકાળ માટે સાંભળવામાં ઘણું જ સારું લાગે છે, પરંતુ પાવર નથી. જેમ તાકાત ની ચીજ એનર્જી (શક્તિ) ને વધારે છે અને એનર્જી સદાકાળની સાથી બની જાય છે. એવી રીતે જે ઓથોરિટી (અનુભવ) અને ઓરીજનાલિટી (સત્યતા) નાં બોલ છે તે સદાકાળ માટે શક્તિ રુપ બનાવી દે છે અને જે રમણીક રુપ કે મિક્સ રુપ કરે છે તો તે ફક્ત અલ્પકાળ માટે રુચિ માં લાવે છે. આત્માઓને રુચિમાં લાવવાની છે કે શક્તિ ભરવાની છે? શું કરવાનું છે? શક્તિ તેમને સદાકાળ માટે આકર્ષિત કરતી રહેશે. અને રુચિ હમણાં છે, પછી બીજી કોઈ વાત સાંભળી તો તે તરફ રુચિ હોવાનાં કારણે ત્યાં જ ખતમ થઇ જશે. તો એવાં હવે રમતાયોગી બનો. એવો અનુભવ હોવો જોઈએ - જેમ કોઇ મોટાં-મોટાં મહાત્માઓ હોય છે બહુજ સમય ગુફાઓમાં રહેવાનાં પછી સૃષ્ટિ પર આવે છે સેવાનાં માટે. એમ જ્યારે સ્ટેજ પર આવો છો તો આ અનુભવ થવો જોઈએ કે આ આત્માઓ ઘણા સમયની અંતર્મુખતા, રુહાનિયતની ગુફા થી નીકળી ને સેવાનાં માટે આવી છે. તપસ્વી રુપ દેખાઈ આવે. બેહદનાં વૈરાગની રેખાઓ સૂરત થી દેખાઈ આવે. કોઈ થોડાંક વૈરાગી હોય છે તો એમની ઝલક સિદ્ધ કરે છે ને કે આ વૈરાગી છે. તો બેહદની વૈરાગ્ય વૃત્તિ દેખાવી જોઈએ. સ્ટેજ પર જ્યારે સર્વિસ પર આવો છો તો તમારી સૂરત એવી અનુભવ થવી જોઈએ જેમ પ્રોજેક્ટર ની મશીન હોય છે - તેમાં સ્લાઈડ્સ ચેન્જ થતી જાય છે. કેટલું અટેન્શન થી જુએ છે! તે સીન (દૃશ્ય) સ્પષ્ટ દેખાય છે. તેમ જ્યારે સર્વિસની સ્ટેજ પર આવો છો - એક-એક ની સૂરત પ્રોજેક્ટર-શો ની મશીન માફક દેખાઈ આવે. રહેમદિલનો ગુણ સૂરત થી દેખાવો જોઈએ. બેહદનાં વૈરાગી છો તો બેહદ વૈરાગ્યની રેખાઓ સૂરત થી દેખાવી જોઈએ. ઓલમાઈટી ઓથોરીટી દ્વારા નિમિત્ત બનેલાં છો તો ઓથોરિટીનું રુપ દેખાવું જોઈએ. જેમ તેમાં પણ સ્લાઈડ્સ ભરી લે છે, પછી એક-એક સ્પષ્ટ દેખાય છે. એવી રીતે આત્મામાં જે સર્વ ગુણોનાં કે સર્વ શક્તિઓનાં સંસ્કાર ભરાયેલાં છે તે એક-એક સંસ્કાર સૂરત થી સ્પષ્ટ દેખાઈ આવે. આને કહેવાય છે સર્વિસ (સેવા). જેમ સાકાર રુપનું એક્ઝામ્પલ જોયું, સૂરત થી દરેક ગુણનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કર્યો. ફોલો ફાધર. કેવી પણ ઓથોરિટી વાળા આવે કે કેવાં પણ મૂડ વાળા આવે પરંતુ ગુણોની પર્સનાલિટી, રુહાનિયતની પર્સનાલિટી, સર્વ શક્તિઓની પર્સનાલિટી ની સામે શું કરશે? ઝુકી જશે. પોતાનો પ્રભાવ નહીં નાખી શકે. આ વૃત્તિ દ્વારા વાયુમંડળ પાવરફુલ બનાવવાનાં કારણે તેમની વૃત્તિ કે તેમની અંદરનાં વાયબ્રેશન બદલાઈ જશે. બધાનાં મુખ થી વૃત્તિનાં પાવરનું વર્ણન થતું હતું ને. તો વૃત્તિ અને વાણીની ઓથોરિટી નું પ્રત્યક્ષ સબૂત જોયું, તો ફોલો કરવું જોઈએ ને. હવે સ્નેહ રુપમાં તો પાસ થઈ ગયાં. હવે શેમાં પાસ થવાનું છે? કારણકે અંતિમ સ્વરુપ છે જ શક્તિનું. કોઈ પણ આત્મા તમારાં લોકોની પાસે આવે છે તો પહેલાં જગત-માતાનું સ્નેહ રુપ ધારણ કરો છો, પરંતુ જ્યારે તે ચાલવાનું શરું કરે છે અને માયાનો સામનો કરવો પડે છે, તો સામનો કરવામાં સહયોગી બનવા માટે શક્તિ રુપ પણ ધારણ કરવું પડે.
જ્યાં જોશે નિમિત્ત બનેલી આત્માઓ ફક્ત સ્નેહ મૂર્ત છે, તો તેમની રચનામાં પણ સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ ઓછી હશે. યજ્ઞ કે દૈવી પરિવારનાં સ્નેહી, સહયોગી હશે પરંતુ સામનો નહીં કરી શકે. કારણ? રચતા નો પ્રભાવ રચના પર પડે છે. હમણાં જે પણ આત્માઓ આગળ વધતાં-વધતાં હમણાં જ્યાં સુધી પહોંચી ગઈ છે, તેનાથી આગળ વધારવાને માટે વિશેષ આત્માઓએ વિશેષ શું કરવાનું છે? જે આત્માઓ નાં નિમિત્ત બન્યાં છો તે આત્માઓમાં પણ શક્તિ રુપથી શક્તિ ભરવાની આવશ્યકતા છે. વર્તમાન સમયની મેજોરીટી આત્માઓની રિઝલ્ટ શું દેખાય છે? પાછળ હટશે પણ નહીં અને આગળ વધશે પણ નહીં. અટકેલાં પણ નથી, લટકેલાં પણ નથી પરંતુ શક્તિ નથી જે જમ્પ (છલાંગ) લગાવી શકે. એક્સ્ટ્રા ફોર્સ જોઈએ. જેમ રોકેટ માં ફોર્સ ભરીને આટલું ઉપર મોકલે છે ને, તો હવે આત્માઓને પરવરીશ (પાલના) જોઈએ. પોતાની યથાશક્તિ થી જમ્પ નથી લગાવી શકતાં. વિશેષ આત્માઓએ વિશેષ શક્તિ ભરીને હાઈ જમ્પ લગાવવાનો છે. ઈચ્છે છે, પુરુષાર્થ પણ કરે છે પરંતુ હવે ફોર્સ જોઈએ. તે ફોર્સ કેવી રીતે આપશો? જ્યારે પહેલાં પોતાનામાં આટલો ફોર્સ હોય જે પોતાને તો આગળ વધારી શકો પરંતુ શક્તિનું દાન પણ કરી શકો. જેમ જ્ઞાનનું દાન કરો છો તેમ હવે જોઈએ શક્તિનું બળ. હવે વરદાતાપણા નું કર્તવ્ય કરવાનું છે. જ્ઞાનદાતા બની ઘણું કર્યું, હવે શક્તિઓનાં વરદાતા બનવાનું છે. એટલે શક્તિઓની આગળ સદૈવ વર માગે છે. સિદ્ધિ કેવી રીતે મળશે શક્તિઓ દ્વારા? હવે કઈ સર્વિસ કરવાની છે? વરદાની બનીને સર્વ શક્તિઓએ પોતાની નિમિત્ત બનેલી રચના ને વરદાન આપવાનું છે. વિશેષ આત્માઓ જે નિમિત્ત બનેલી છે, તે જ વધારે આ સર્વિસ કરી શકે છે. આ ગ્રુપ વિશેષ આત્માઓનું છે ને. જેમ સંભળાવ્યું - માઇક બનવું બહુ સહજ છે પરંતુ તમારાં લોકોની સર્વિસ, માઇક તો ઘણાં બની જશે પરંતુ માઈટ ભરવા વાળા તમે છો. હમણાં આ આવશ્યકતા છે. હવે પોતાનાં જ પુરુષાર્થમાં રહેવાનો સમય નથી, હવે પોતાનાં પુરુષાર્થ દ્વારા પ્રત્યક્ષ થઈને પ્રભાવ નીકાળવાનો સમય છે અને તે પ્રભાવ જ આત્માઓને ઓટોમેટિકલી આકર્ષણ કરશે.
પાંડવોનું ગાયન શું છે? ગુપ્ત રહ્યાં પછી પ્રત્યક્ષ થયાં ને. હમણાં પ્રત્યક્ષ થવું જોઈએ. જેમ સ્થૂળ સ્ટેજ પર પ્રત્યક્ષ થતાં જઈ રહ્યાં છો, હવે પોતાની સૂક્ષ્મ સ્ટેજ ને પ્રત્યક્ષ કરો. ગર્જનાની રચના કરો. જો કમજોર રચના કરશો તો કમજોર રચના ને સંભાળવામાં પણ સમય લાગશે. પાવરફુલ રચના હોવાથી સહયોગી બનશે. હવે લલકાર કરવી જોઈએ. દેવીઓનાં પૂજનમાં લલકારનું જ પૂજન થાય છે. આ પાવરની નિશાની યાદગાર રુપમાં છે - જોર-જોર થી પોકારે છે. પોતાનાં અંદરનાં ફોર્સ ને આવી રીતે પ્રસિધ્ધ કરે છે. દેવીઓનું પૂજન ચૂપચાપ નહીં કરશે. જોર-શોર થી કરે છે. તો હવે શક્તિઓએ લલકાર અને ગર્જના કરવી જોઈએ - પોતાનાં સિદ્ધાંતો ને સિદ્ધ કરવામાં, ત્યારે સિદ્ધિ ને પ્રાપ્ત કરશો. જ્યારે રિવાજી આત્માઓ પણ નિર્ભય થઇને પોતાનાં સિદ્ધાંતને સિદ્ધ કરવાનો કેટલો પુરુષાર્થ કરે છે, તો આપ સૌને સિદ્ધાંતો ને સિદ્ધ કરવાનો કેટલો જોશ હોવો જોઈએ! તમે વાયુમંડળનાં હોશમાં આવી જાઓ છો. આદિ નો પાર્ટ ફરીથી અંતમાં ગુહ્ય અને ગોપનીય રુપ થી રીપીટ થવાનો છે. રિવાજી કરામત દેખાડવા વાળાને જુઓ - ખુમારી કેટલી હોય છે! અંદરમાં સમજે છે કે આ અલ્પકાળ નું છે, છતાં પણ ખુમારી કેટલી રાખે છે! પરંતુ જે સત્ય ખુમારી છે તે કેટલી કમાલિયત દેખાડી શકે છે? તેની આગળ તેઓની ખુમારી શું છે? હવે લાસ્ટ કોર્સ કયો રહ્યો છે? ફોર્સ રુપ બનવાનું છે. હવે જગતમાતા બહુ બન્યાં, હવે શક્તિ રુપ થી સ્ટેજ પર આવવાનું છે. શક્તિઓ આસુરી સંસ્કાર ને એક ધક થી ખતમ કરે છે અને સ્નેહમાં જે હોય છે તે ધીરે-ધીરે પ્રેમ થી પાલના કરે છે. પહેલાં તે આવશ્યકતા હતી પરંતુ હમણાં આવશ્યકતા છે શક્તિરુપ બની આસુરી સંસ્કારો ને એક ધક થી ખતમ કરવાં. જેમ તેઓ બલિ ચઢાવે છે તો પહેલાં શ્રૃંગાર કરે છે, તેમાં સમય લાગે છે. પરંતુ જ્યારે બલિ ચઢે છે તો એક સેકન્ડમાં. શ્રૃંગાર ઘણો કર્યો, હવે એક ધક થી વાયુમંડળ થી પણ આસુરી સંસ્કારો ને ખતમ કરવાનો ફોર્સ હોવો જોઈએ. રહેમદિલની સાથે-સાથે શક્તિરુપ નો રુહાબ પણ હોવો જોઈએ. ફક્ત રહેમદિલ પણ નહીં. જેટલો અતિ રુહાબ એટલો જ અતિ રહેમ. શબ્દોમાં પણ રહેમદિલ નો ભાવ હોય, એવી સર્વિસ નો હમણાં સમય છે. આ જે ગાયન છે નજર થી નિહાલ કરવાનું, તે કોનું ગાયન છે? શક્તિઓનાં ચિત્રોમાં સદૈવ નયનોની શોભા તમે જોશો. બીજી કોઈ આટલી આકર્ષણ વાળી ચીજ નથી હોતી. નયનો દ્વારા જ બધાં ભાવ પ્રસિદ્ધ કરે છે. તો આ નજર થી નિહાલ કરવાનું - આ સર્વિસ પણ શક્તિઓની ગવાયેલી છે. નયનોનું આકર્ષણ હોય, નયનોમાં રુહાનિયત હોય, નયનોમાં રુહાબ હોય, નયનોમાં રહેમદિલી હોય - એવો પ્લાન બનાવવાનો છે.
અહીંયા મધુબન થી જે વિશેષ આત્માઓ નીકળે તો તમારી રચના ને અનુભવ થાય કે આ શક્તિ-સેના પોતાનામાં શક્તિ ને પ્રત્યક્ષ કરવાનો પ્રભાવ ભરીને આવી છે. પ્રભાવશાળી ચલન, પ્રભાવશાળી વૃત્તિ અનુભવ કરે. તમારાં ઉપર આખાં દૈવી પરિવારની પ્રોગ્રેસ (પ્રગતિ) નો આધાર છે. બધાંં સમજે છે - આ પ્રોગ્રામનાં પછી અમારી આત્માઓમાં કે સર્વિસમાં પ્રોગ્રેસ થશે. જો એમ જ સાધારણ પ્રોગ્રામ સમાપ્ત કર્યો તો બધાંં વિચારશે. બધાંની નજરોમાં છે કે આ વિશેષ આત્માઓનું સંગઠન શું જલવો દેખાડે છે! તો એટલું જ અટેન્શન આપવું પડે.
એક તો સર્વિસમાં નવીનતા, બીજું નિમિત્ત બનેલી આત્માઓમાં નવીનતા દેખાઈ આવે. કારણકે સર્વિસ નો બધો આધાર વિશેષ આત્માઓ પર છે. હવે તો બધાંં સમજે છે. જેમ સાયન્સ વાળા પાવરફુલ ઇન્વેન્શન નીકાળી રહ્યાં છે, તેમ આ શક્તિ ગ્રુપ પણ પાવરફુલ સાયલેન્સનું શ્રેષ્ઠ શસ્ત્ર તૈયાર કરીને દેખાડશે. આપસમાં ફક્ત મળવાનું નથી પરંતુ મળીને કોઈ પાવરફુલ શસ્ત્ર તૈયાર કરવાનું છે. જે અતિ પાવરફુલ ચીજ હોય છે તે અંડરગ્રાઉન્ડ હોય છે. તો આ સંગઠન પણ અંડરગ્રાઉન્ડ છે. અંતર્મુખતામાં અંદર જઈને વિચારવાનું છે. કોઈ કમાલિયત દેખાડવાની છે. સાધારણ સંગઠન તો બધાંં કરતાં રહે છે, તમે લોકોએ પણ સાધારણ વાતો જ કરી તો કમાલિયત કોણ કરશે? એવાં શસ્ત્ર બનાવજો. એટલે જ શક્તિઓને શસ્ત્ર જરુર દેખાડે છે. હવે સંહારી બનો! પોતાનાં સંસ્કારોનાં પણ સંહારી અને આત્માઓનાં તમોગુણી સંસ્કારોનાં પણ સંહારી. શંકર નો પાર્ટ પ્રેક્ટિકલ તો ભજવવાનો છે પરંતુ શક્તિઓ જ સંહારનો પાર્ટ ભજવે છે, શંકર ને નથી ભજવવાનો. શક્તિઓએ સંહારી રુપ ધારણ કરવાનું છે, જેનાથી સંહાર કરવાનો છે. કર્તવ્ય કર્યુ છે, હવે આ રુપ દેખાડો. આ રુપને ધારણ કરવાથી રિઝલ્ટ શું થશે? તમારી જે રચના છે તે અનુભવ કરશે કે દિન-પ્રતિદિન એક્સ્ટ્રા (વધારાનો) લિફ્ટ (સહયોગ) મળતી જઈ રહી છે. યથાશક્તિ પોતાનો ફોર્સ તો લગાવ્યો, પોતાની મહેનત થી હવે નથી ચાલી શકતાં, હવે તેમને જોઈએ વરદાનની લિફ્ટ. આજ દિવસ સુધી જે વાતો તેમને મુશ્કેલ પડે છે, તો તમારાં લોકોની આ પાવરફુલ સર્વિસ થી તેમનાં મુખ થી મુશ્કેલ શબ્દ ખતમ થઈ જાય, બધી વાતોમાં સહજ નો અનુભવ કરે. આ જ્યારે પોતાની રચનામાં જોશો ત્યારે સમજજો સંહારી રુપ બન્યાં છીએ. સ્પષ્ટ રિઝલ્ટ દેખાઈ આવે. પછી તોફાન, તોફાન નહીં તોહફા (ભેંટ) લાગશે. એવું રુપ ચેન્જ (બદલાઈ) થઇ જશે ત્યારે સમજો કે પોતાની ઓરીજનલ સ્ટેજ (સત્ય સ્થિતિ) નો સાક્ષાત્કાર કરાવી રહ્યાં છો.
બધી ધારણાઓની વાતોમાંથી મુખ્ય ધારણાની કઈ વાત બધાંને આપો છો? અવ્યક્ત બનવાનાં માટે પણ પોઇન્ટ કઈ આપો છો? બાપને યાદ કરવાનો અથવા રુહ-રુહાન કરવાનો પણ ઉમંગ કેવી રીતે ઉઠશે? તેનાં માટે મુખ્ય વાત છે સચ્ચાઇ અને સફાઈ. આપસમાં એક-બીજાનાં ભાવ ને સફાઇ થી જાણવો આવશ્યક છે. વિશેષ આત્માઓનાં માટે સચ્ચાઈ-સફાઈ શબ્દ નો અર્થ પણ ગુહ્ય છે. એક-બીજાનાં પ્રતિ દિલમાં બિલકુલ સફાઈ હોય. જેમ કોઇ બિલકુલ સાફ ચીજ હોય છે તો તેમાં બધું સ્પષ્ટ દેખાઈ આવે છે ને. તેવી રીતે જ એક-બીજાની ભાવના, ભાવ-સ્વભાવ સ્પષ્ટ દેખાઈ આવે. જ્યાં સચ્ચાઈ-સફાઈ છે ત્યાં સમીપતા હોય છે. જેમ બાપદાદાનાં સમીપ છે. રાજ્ય ફક્ત એક થી તો નથી ચાલતું ને, આપસ માં પણ સંબંધ માં આવવાનું છે. ત્યાં પણ આપસમાં સમીપ સંબંધમાં કેવી રીતે આવશો? જ્યારે અહીંયા દિલ સમીપ હશે. અહીંયાનાં દિલની સમીપતા ત્યાં સમીપતા લાવશે. એક-બીજાનાં સ્વભાવ, મનનાં ભાવ - બંનેમાં સમીપતા હોવી જોઈએ. સ્વભાવની ભિન્નતાનાં કારણે જ સમીપતા નથી થતી. કોઈ રમણીક હશે તો સમીપતા હશે, કોઈ ઓફિશિયલ હશે તો સમીપતા નહીં હશે. પરંતુ અહીંયા તો સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ બનવાનું છે ને. આ કળા પણ ઓછી કેમ? સમજો - તમારાં ઓરિજનલ સંસ્કાર ઓફિશિયલ છે; પરંતુ સમય, સંગઠન રમણીકતા લાવે છે. તો આ પણ કળા હોવી જોઈએ જે સ્વભાવ ને મેળવી શકે. એમ જ ૧૬ કળા સંપન્ન બની શકશો. તો મનનાં ભાવ ને પણ મળાવવાનાં છે અને સ્વભાવ ને પણ મળાવવાનો છે, ત્યારે સમીપ આવશો. હમણાં ભિન્નતા મહેસૂસ થાય છે. એક-એકનાં ઓરિજનલ સ્વભાવ માં હમણાં ફરક દેખાઈ આવે છે, આ સંપૂર્ણતાની નિશાની નથી. બધી કળાઓ ભરવી જોઇએ. ફલાણાનો સ્વભાવ સીરીયસ છે, આ પણ સમજો કળા ઓછી છે. ફલાણા થી આ વાત નથી કરી શકતાં - આ પણ કળા ઓછી. તો ૧૬ કળા સંપૂર્ણ અર્થાત્ જે સંપૂર્ણ સ્ટેજ છે તે સર્વ કળાઓ સ્વભાવમાં હોવી જોઈએ. તેને કહેવાય છે ૧૬ કળા સંપૂર્ણ. આ સંગઠનમાં સ્વભાવ ને અને ભાવ ને સમીપ લાવવાનાં છે. ક્યારેક-ક્યારેક કહો છો ને - આ મારો સ્વભાવ છે, મારો કોઈ આ ભાવ નથી. તો આ મનની ભાવનાઓ પણ એક-બીજામાં મળવી જોઈએ. જ્યારે સંપૂર્ણતા એક જ છે, તો ભાવ અને સ્વભાવ પણ મળવાં જોઈએ. જેમ ગાયન છે - આ એક જ સંચામાંથી નીકળેલા એક જ ભાષા બોલે છે, એક જ ઢંગ છે - આ પ્રસિદ્ધ છે ને. તેમ જ હવે આ પ્રસિદ્ધ દેખાવું જોઈએ.
સર્વ શ્રેષ્ઠ આત્માઓનાં મનની ભાવના અને સ્વભાવ એક જ સંચાથી નીકળેલા હોય, એવું દેખાઈ આવે. સચ્ચાઈ-સફાઈ નો કોઈ સાધારણ અર્થ નહીં ઉઠાવતાં. જેટલી સફાઇ હશે એટલું હલકાપણું પણ હશે. જેટલાં હલકા હશો એટલાં એક-બીજાનાં સમીપ આવશો અને બીજાઓને પણ હલકા બનાવી શકશો. હલકાપણું હોવાનાં કારણે ચહેરા થી લાઈટ દેખાશે. તો હવે આ ચેન્જ (પરિવર્તન) લાવો. પહેલાં-પહેલાં તમારી સૂરત થી સાક્ષાત્કાર અધિક થતાં હતાં, લાઈટ દેખાતી હતી. શરુઆતની સર્વિસની સ્મૃતિ લાવો, બહુ સાક્ષાત્કાર થતાં હતાં, દેવીનું રુપ અનુભવ કરતાં હતાં. હમણાં સ્પીકર લાગો છો, નોલેજફુલ લાગો છો પરંતુ પાવરફુલ નથી લાગતાં. એને આ સંગઠનમાં ભરવાનું છે. બિલકુલ એવું દેખાઈ આવે જેમ હમણાં બધાંં અનુભવ કરે છે કે આ બે નિમિત્ત છે. (દાદી-દીદી) પરંતુ આ બે નથી, એક દેખાય છે. બધાંં પ્રત્યક્ષ અનુભવ કરે છે. એક-બીજાનાં સમીપ આવતાં-આવતાં સમાન થતાં જાય છે. તો જેમ આ બે એક દેખાય છે તેમ આ બધાંં એક દેખાઈ આવે, ત્યારે કહેશું હવે માળા તૈયાર છે. સ્નેહનો દોરો તૈયાર થઈ ગયો તો મણકા સહજ પરોવાઈ જશે. સ્નેહનાં દોરા થી મોતી અતિ સમીપ હોય છે, ત્યારે જ માળા બને છે. સમીપતા જ માળા બનાવે છે. તો સ્નેહનો દોરો તૈયાર થયો પરંતુ હવે મણકાઓએ એક-બીજાનાં સમીપ મનની ભાવના અને સ્વભાવ મેળવવાનાં છે, ત્યારે માળા પ્રત્યક્ષ દેખાશે. આ જરુર કરવાનું છે. એવી કમાલ કરી દેખાડજો.
આટલાં દૂર-દૂર, ક્યાં-ક્યાંથી સર્વિસ છોડીને આવ્યાં છો ને. તો તેનું સબૂત જરુર દેખાડજો. દૂર થી ચાલીને આવ્યાં છો, દૂરી ને મટાડવાનાં માટે. સમજ્યાં? સર્વશ્રેષ્ઠ આત્માઓની સાથે બાપદાદા પણ છે ને. જે સમીપ આત્માઓની સાથે બાપદાદા છે, એવાં ગ્રુપનો બધાંં ઇન્તજાર (રાહ) કરી રહ્યાં છે કે ક્યારે આ સંગઠન નો જલવો જોશું. વિશેષ આત્માઓનું સાધારણ કર્તવ્ય પણ વિશેષ માનવામાં આવે છે. રિવાજી રીતે આપસમાં બેસશે તો પણ લોકો તે વિશેષતા થી જોશે. બધાંં ઈચ્છે છે - હવે કોઈ એવો ફોર્સ મળે જે નવીનતાનો અનુભવ થાય.
બધાંને ફોર્સ આપવાનાં નિમિત્ત આત્માઓ છો. તેમને અવ્યક્ત સ્થિતિમાં એવાં ચઢાવી દો જે આ ધરતીની નાની-નાની વાતોનું આકર્ષણ તેમને ખેંચી ન શકે. માયા-પ્રુફ બનાવો. માયા-પ્રુફ બનાવવાનું પ્રુફ દેખાડવાનું છે. તમે છો પ્રુફ! વિજય રત્ન શું હોય છે, તેનું પ્રુફ છો. તો જે પ્રુફ છે તે બધાંએ માયા પ્રુફ બનવાનું છે. તો આ સંગઠનની છાપ શું રહેશે? ૧૬ કળા સંપૂર્ણ બનવાનું છે. એક પણ કળા ઓછી ન હોય. જે ઓલ્ડ (જુનું ) ગોલ્ડ (સોનું) છે, તે મોલ્ડ (વળી) સહજ થઈ શકે છે. કળા ન હોવાનાં કારણે જ મોલ્ડ નથી થઈ શકતાં. સંપૂર્ણ, ફુલ ટકાવારી નાં ગોલ્ડ છો. એટલે સર્વ વિશેષતાઓ ભરીને જજો. હમણાં પણ જુઓ, દરેકની પોત-પોતાની વિશેષતા હોય છે. જ્યારે કોઈ વિશેષ કાર્ય હોય છે તો તેનાં માટે વિશેષ આત્માની યાદ આવે છે. પરંતુ હવે કોઇપણ કાર્ય હોય તો સર્વ વિશેષ આત્માઓની સ્મૃતિ આવે. તો એક-બીજામાં સહયોગ આપવાનો અને લેવાનો. જ્યારે બીજ-રુપ ગ્રુપ આવાં બનશે તો બીજ થી વૃક્ષ તો ઓટોમેટીકલી (આપોઆપ) નીકળશે જ. આ સંગઠન બીજ-રુપ છે ને. સૃષ્ટિનાં બીજરુપ નથી પરંતુ પોતાની રચનાનાં તો બીજ-રુપ છો ને. તો જો બીજ-રુપ સંગઠન ૧૬ કળા સંપૂર્ણ બની જશે તો વૃક્ષ પણ એવાં નીકળશે. હવે સમય નથી જે નાની એવી કમી ને કારણે ઓછા (પાછળ) રહી જાય. જો કમી રહી ગઈ તો નંબરમાં પણ ઓછાં રહી જશો. નાની-નાની કમીઓને કારણે આ સંગઠ ને નંબરમાં ઓછું નથી આવવાનું.
તો સાચ્ચી દિપાવલી (દિવાળી) મનાવજો. જૂનાં સંસ્કાર, જૂનાં સંકલ્પ, જૂની ભાવનાઓ, જૂનાં સ્વભાવ બધાંં ખતમ કરી સંપૂર્ણતાનું, સર્વ વિશેષતાઓનું ખાતું શરું કરીને જજો. દિપાવલી જ્યારે પહેલાં વિશેષ આત્માઓ મનાવશે ત્યારે પછી બીજા મનાવશે. આ આખી ભટ્ટી જ ટીચર્સની છે, દરેકનાં ફિચર થી આ ફ્યુચર (ભવિષ્ય) દેખાય તો શું થઈ જશે? ફ્યુચર પ્રેઝન્ટ (વર્તમાન) થઇ જશે. અચ્છા.