Search for a command to run...
19 Dec 1979
સહજ યાદ નું સાધન - સ્વયં ને ખુદાઈ ખિદમતગાર સમજો
19 December 1979 · ગુજરાતી
બાપદાદા આજે પોતાનાં સહયોગી અને સહજયોગી બાળકોને, જેમનું નામ જ છે-ખુદાઈ ખિદમતગાર (ઈશ્વરીય સેવાધારી), એવાં બાળકોને જોઈ સદા હર્ષિત થાય છે. ખુદાઈ ખિદમતગાર અર્થાત્ જે ખુદા કે બાપે ખિદમત અર્થાત્ સેવા આપી છે એ જ સેવા માં સદા તત્પર રહેવા વાળા. બાળકોને આ પણ વિશેષ નશો રહેવો જોઈએ કે અમને બધાંને ખુદાએ જે ખિદમત આપી છે, અમે એ જ સેવા માં લાગેલા છીએ. કાર્ય કરતાં, જેણે કાર્ય આપ્યું છે તેને ક્યારેય ભૂલી નથી જવાતું. ભલે સ્થૂળ કર્તવ્ય પણ કરો છો પરંતુ આ કર્મણા સેવા પણ ખુદાઈ ખિદમત છે. ડાયરેક્ટ (સીધું) બાપે ડાયરેક્શન (નિર્દેશન) આપ્યું છે તો કર્મણા સેવા માં પણ આ સ્મૃતિ રહે કે બાપ નાં ડાયરેક્શન અનુસાર કરી રહ્યાં છીએ તો ક્યારેય પણ બાપ ને ભૂલી નહીં શકો. જેવી રીતે કોઇ વિશેષ આત્મા થી કોઈ વિશેષ કાર્ય મળે છે, જેવી રીતે આજકાલ નાં પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) જો કોઈને કહે કે તમારે આ કાર્ય કરવાનું છે તો એ વ્યક્તિ કાર્ય કરતાં પ્રેસિડેન્ટ ને ક્યારેય નહીં ભૂલે. સહજ અને સ્વતઃ (આપમેળે) જ એની યાદ રહેશે. ન ઇચ્છવા છતાં પણ સામે એ જ આવતાં રહેશે. એવી રીતે તમને બધાને આ કાર્ય ઊંચે-થી-ઊંચા બાપે આપ્યું છે, કાર્ય કરતાં આપવા વાળાને કેવી રીતે ભૂલી શકશો? તો સહજ યાદ નું સાધન છે - સદા સ્વયં ને ખુદાઈ ખિદમતગાર સમજો.
ભક્તિમાર્ગ માં સમજ વગર ની પણ કહેવત છે અને એમની માન્યતા પણ છે જો પાંદડું પણ હલી રહ્યું છે તો તે પાંદડાને હલાવવા વાળા પણ બાપ છે. પરંતુ આ રહસ્ય ને તમે જાણો છો કે એ પાંદડા ને બાપ નથી હલાવતા પણ ડ્રામા અનુસાર આ બધું ચાલી રહ્યું છે. આ ગાયન કોઈ સ્થૂળ પાંદડા નું નથી, પણ કલ્પ-વૃક્ષ નાં તમે બધાં પહેલાં પાંદડાં છો. સંગમયુગી તમે બધાં ગોલ્ડન એજેડ (સ્વર્ણિમ યુગી) પાંદડા જે બાપ દ્વારા લોખંડ થી પારસ બની ગયાં છો, એ ચેતન્ય પાંદડાઓને આ સમયે ડાયરેક્ટ બાપ ચલાવી રહ્યાં છે. બાપ નું ડાયરેક્શન છે કે સંકલ્પ પણ જે બાપનો હોય, તે જ તમારો સંકલ્પ હોય. દરેક સંકલ્પ બાપ સમાન, દરેક બોલ બાપ સમાન, દરેક કર્મ બાપ સમાન હોય અર્થાત્ આ જ શ્રીમત નાં આધાર પર તમારા બધાનાં સંકલ્પ ચાલે છે. તો આ સમયે આપ સર્વ પાંદડાઓને શ્રીમત નાં આધાર પર દરેક સમયે બાપ ચલાવી રહ્યાં છે. પાંદડા-પાંદડા ને હલાવી રહ્યાં છે અર્થાત્ ચલાવી રહ્યાં છે. જો શ્રીમત નાં સિવાય સંકલ્પ પણ કરો છો તો તે વ્યર્થ સંકલ્પ થઈ જાય છે, તો આ જે કહેવત છે, તે ભક્તિ નાં સમય ની નથી પણ સંગમ સમય નું ગાયન છે. તો તમે બધાં પાંદડાઓ બાપ ની શ્રીમત પર જ હલી રહ્યાં છો અર્થાત્ ચાલી રહ્યાં છો ને? એમ જ ચાલી રહ્યાં છો ને? ચલાવવાનું કામ પણ બાપનું, તેમ છતાં પણ આટલું મુશ્કેલ કેમ લાગે છે? બોજો બધો બાપે લઇ લીધો છતાં પણ સદા ઉડતાં કેમ નથી? હલકી વસ્તુ તો સદા ઉપર ઉડતી રહે છે. એટલાં હલકા કે દરેક સંકલ્પ પણ બાપ ચલાવશે તો ચલાવવાનાં છે. જેવી રીતે ચલાવશે એવી રીતે ચાલશે આ બધાંનો વાયદો છે અને બાપ ની ગેરંટી (ખાતરી) છે કે ચલાવશે. તો બુદ્ધિ ને કયો ઓર્ડર આપેલો છે? બુદ્ધિ ને બાપે કયું કાર્ય આપ્યું છે - એને જાણો છો ને? બુદ્ધિ ને બેસવાનું સ્થાન બાપ ની પાસે છે. કર્તવ્ય વિશ્વ સેવા નું છે. તો જે વાયદો કર્યો છે જ્યાં બેસાડશો જેવી રીતે ચલાવશો એવી રીતે ચાલીશું. શરીર થી કે બુદ્ધિ થી? તન ની સાથે મન પણ આપ્યું છે કે ફક્ત તન જ આપ્યું છે? તન અને બુદ્ધિ થી જ્યાં બેસાડશો, જેવી રીતે ચલાવશો, જે કરાવશો, જે ખવડાવશો, એ જ કરીશું - આ વાયદો કર્યો છે ને? તો બુદ્ધિનું ભોજન છે - શુદ્ધ સંકલ્પ. જે ખવડાવશો એ જ ખાઈશું - આ વાયદો છે તો પછી વ્યર્થ સંકલ્પ નું ભોજન કેમ કરો છો? જેવી રીતે મુખ દ્વારા તમોગુણી ભોજન, અશુદ્ધ ભોજન ન ખાઈ શકો, એવી જ રીતે બુદ્ધિ દ્વારા વ્યર્થ સંકલ્પ કે વિકલ્પ નું અશુદ્ધ ભોજન કેવી રીતે ખાઈ શકો? જે ખવડાવશો, એ ખાઈશું પછી તો રોન્ગ (ખોટું) થઈ જાય છે. કહેવું અને કરવું સમાન કરવા વાળા છો ને? તો મન બુદ્ધિ માટે સદા આ પણ વાયદો યાદ રાખો તો સહજયોગી બની જશો. બાપે કહ્યું અને કર્યું. પોતાનો બોજો પોતાનાં ઉપર નહીં રાખો. કેવી રીતે કરું, કેવી રીતે ચાલું, આ બોજ થી, હલકા થઈને ઉંચી સ્થિતિ પર જઈ નથી શકતાં. એટલે શ્રીમત થી સંકલ્પ સુધી પણ ચાલતાં રહો તો મહેનત થી બચી જશો.
કેટલાંક બાળકોનાં મહેનત નાં ભિન્ન-ભિન્ન પોઝ (ચહેરા) બાપદાદા જોઈ રહ્યાં છે. આખાં દિવસમાં અનેક બાળકોનાં અનેક પોઝ જુએ છે. ઓટોમેટિક કેમેરો છે. સાયન્સ વાળાઓએ બધું વતન થી જ તો કોપી કર્યું છે. ક્યારેક વતન માં આવીને જોજો કઈ-કઈ વસ્તુઓ ત્યાં છે. જે જોઈએ, તે હાજર થઈ જશે. તમે બધાં કહેશો કે મંગાવો. બાપ પૂછે છે વતન ને જોવા ઈચ્છો છો કે રહેવા ઈચ્છો છો. (ટ્રાયલ કરશું) શક છે શું જે ટ્રાયલ કરશો? તમને બધાંને બોલાવવા માટે જ બ્રહ્મા બાબા ઉભા રહ્યાં છે. તો કેમ સંપન્ન નથી બની જતાં. ખુબ સહજ જ સંપન્ન બની શકો છો, પરંતુ દ્વાપર થી મિક્સ (ભેળસેળ) કરવાનાં સંસ્કાર ખુબ જ રહ્યાં છે. પહેલાં પૂજા માં મિક્સ કર્યું, દેવતાઓને વાંદરાનું મુખ લગાડી દીધું. શાસ્ત્રો માં મિક્સ કર્યું જે બાપ ની જીવન-ગાથા માં બાળક ની જીવન-ગાથા મિક્સ કરી. એમ જ ગૃહસ્થી માં પવિત્ર પ્રવૃત્તિ નાં બદલે અપવિત્રતા મિક્સ કરી દીધી. હમણાં પણ શ્રીમત માં મનમત મિક્સ કરી દો છો. એટલે મિક્સ થવાનાં કારણે, જેવી રીતે રીયલ (સાચું) સોનુ હલકું હોય છે અને જ્યારે એમાં મિક્સ કરીએ છીએ તો ભારે થઈ જાય છે, તેવી જ રીતે શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ મત હલકા બનાવે છે, મનમત મિક્સ થવાથી ભારે થઈ જાઓ છો. એટલે ચાલવામાં મહેનત લાગે છે. તો શ્રીમત માં મિક્સ ન કરો. સદા હલકા રહેવાથી વતન ની બધી સીન-સીનરીઓ (દૃશ્યો) અહીંયા રહીને પણ જોઈ શકશો. એવો અનુભવ કરશો જેવી રીતે આ દુનિયાની કોઈ પણ સીન સ્પષ્ટ દેખાય છે. ફક્ત સંકલ્પ શક્તિ અર્થાત્ મન અને બુદ્ધિ સદા મનમત થી ખાલી રાખો. મન ને ચલાવવાની આદત ખુબ જ છે ને. એકાગ્ર કરો છો છતાં પણ ચાલ્યાં કરે છે. પછી મહેનત કરો છો. ચલાવવા થી બચવાનું સાધન છે, જેવી રીતે આજકાલ જો કોઈ કંટ્રોલ માં નથી આવતું, ખુબ હેરાન કરે છે, ખુબ ઉછળે છે, કે પાગલ થઈ જાય છે તો એમને એવું ઇન્જેક્શન લગાવી દે છે જેથી તે શાંત થઈ જાય છે. તો એવી રીતે જો સંકલ્પ-શક્તિ તમારાં કંટ્રોલ માં નથી આવતી તો અશરીરી ભવ નું ઇન્જેક્શન લગાવી દો. બાપ ની પાસે બેસી જાઓ. તો સંકલ્પ-શક્તિ વ્યર્થ નહીં ઉછળે, બેસતાં પણ નથી આવડતું શું? ફક્ત બેસવાનું જ કામ આપ્યું છે બીજું કાંઈ નહીં. હવે તો સમજી રહ્યાં છે કે ખુબ સહજ છે. બુદ્ધિ ની લગામ આપીને પછી લઈ લો છો એટલે મન વ્યર્થ ની મહેનત માં નાખી દે છે. વ્યર્થ મહેનત થી છૂટી જાઓ. બાપ ને બાળકોની મહેનત જોઈ દયા તો આવશે ને.
બાપ કહે છે દરેક બાળક બાપ ની સાથે તખ્ત પર આરામ થી બેસી જાઓ. તખ્તનશીન થઈને પોતાની સ્થૂળ કર્મેન્દ્રિયો ને અને સૂક્ષ્મ શક્તિઓ મન, બુદ્ધિ, સંસ્કાર ને પણ ઓર્ડર (હુકમ) થી ચલાવો. તખ્તનશીન થશો તો ઓર્ડર ચલાવી શકશો. તખ્ત થી નીચે ઉતરી ઓર્ડર કરો છો એટલે કર્મેન્દ્રિયો પણ માનતી નથી. આજકાલ કાંટાઓની ખુરશી ની પણ હલચલ કરી રહ્યાં છે. તમને તો તખ્તનશીન ની ઓફર (પ્રસ્તાવ) છે. છતાં પણ નીચે કેમ આવી જાઓ છો. નીચે આવવું અર્થાત્ સર્વન્ટ (નોકર) બનવું. કોનાં સર્વન્ટ? પોતાની જ અનેક કર્મેન્દ્રિયોનાં સર્વન્ટ નાં પણ સર્વન્ટ બની જાઓ છો. એટલે મહેનત કરો છો. ઈશ્વરીય સર્વન્ટ બનો, ઈશ્વરીય સેવાધારી બનો. સર્વન્ટનાં પણ સર્વન્ટ નહીં બનો. ઈશ્વરીય સેવા તખ્ત પર બેસીને પણ કરી શકો છો. નીચે આવવાની જરુર નથી. બાપ પોતાની સાથે બેસાડવા ઈચ્છે છે પરંતુ કરો છો શું? સંગમયુગી સાહેબ અને બીબી બનવાનાં બદલે ગુલામ બની જાઓ છો. જે સદા બધાંની નજર થી બચીને પડદા માં રહે છે, એમનાં પર કોઈની નજર નથી પડતી. તો માયા આવે ત્યારે પડદા માં અને સાહેબની સાથે બેસી જાઓ. તો બધાં ગુલામ તમારી સેવામાં હાજર રહેશે. સમજ્યાં - શું કરવાનું છે? આજે મહેનત થી કિનારો કરી દો. સદા સહજયોગી તખ્તનશીન બાપ ની સાથે બેસી જાઓ.
હમણાં ગુજરાત અને ઇન્દોર આવ્યાં છે ને. તો પડદા માં આવી જાઓ અર્થાત્ ઇન્ડોર (અંદર) થઈ જાઓ. ઇન્દોર વાળા સદા ‘ઈન-ડોર’ રહો છો ને. બહાર તો નથી આવતાં ને. દરેક ઝોન પોત-પોતાનો વિસ્તાર સારો કરી રહ્યાં છે. ગુજરાતે હૉલ તો ફુલ (ભરપૂર) કરી દીધો છે, હવે ગુજરાત વાળા પોતાને ફુલ કરો અને પછી જલ્દી વતન માં આરામ થી બેસશો. હવે તો સમય પ્રમાણે બ્રહ્મા-બાપ બાળકોનું આહવાન કરી રહ્યાં છે. ગુજરાત વાળા શું કરશે? ગુજરાત વાળા મોટાં અવાજ વાળા માઈક અહીંયા લાવો, સ્થૂળ વાળા માઈક નહીં, ચૈતન્ય માઈક. એવાં પાવરફુલ માઈક નાં સેટ લાવો જે પ્રત્યક્ષતા નો અવાજ બુલંદ કરે. સારું, ઇન્દોર ઝોન શું લાવશે? ઇન્દોર ઝોન એવાં પાવરફુલ ટી.વી. સેટ લાવો જેનાં દ્વારા વિશ્વ ને વિનાશકાળ સ્પષ્ટ દેખાય અને ભવિષ્ય ઉજ્જવળ દેખાય. સમજ્યાં, શું કરવાનું છે? એવી-એવી વ્યક્તિઓને તૈયાર કરો - જેમનાં અનુભવ થી ટી.વી. દ્વારા દુનિયાનો વિનાશ અને સ્થાપના નો સાક્ષાત્કાર થઈ જાય. તો બંને ઝોન આવાં સેટ તૈયાર કરીને આવજો.
એવાં ખુદાઈ ખિદમતગાર, સદા મહેનત થી મુક્ત, સદા યુક્તિયુક્ત સંકલ્પ અને કર્મ કરવા વાળા, સદા બાપની શ્રીમત પ્રમાણે દરેક સંકલ્પ અને કર્મ કરવા વાળા, સદા કહેવું અને કરવું સમાન કરવા વાળા, એવાં સદા બાપ નાં સાથી બાળકો ને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.
અવ્યક્ત બાપદાદા નાં મધુર મહાવાક્ય વિશેષ ટીચર્સ પ્રતિ:-
ટીચર્સ નો વિશેષ પુરુષાર્થ કઈ વાત નો હોવો જોઈએ? સર્વિસેબલ (સેવાધારી) બાળકો નો મહીન (સૂક્ષ્મ) પુરુષાર્થ શું છે? મહીન પુરુષાર્થ છે - સંકલ્પ નું પણ ચેકિંગ (તપાસ). સંકલ્પ માં યાદ અને સેવા નું બેલેન્સ (સંતુલન) રહ્યું? દરેક સંકલ્પ પાવરફુલ (શક્તિશાળી) રહ્યો? સર્વિસેબલ બાળકોનાં સંકલ્પ કયારેય પણ વ્યર્થ ન હોવાં જોઈએ કારણ કે તમે વિશ્વ-કલ્યાણકારી છો, વિશ્વ ની સ્ટેજ (મંચ) પર એક્ટ (કર્મ) કરવા વાળા છો. તમને આખું વિશ્વ કોપી (અનુસરણ) કરે છે. જો તમારો એક સંકલ્પ પણ વ્યર્થ હશે તો બધાં એને કોપી કરવા વાળા છે. પોતાનાં પ્રતિ ન કર્યો પણ અનેકો નાં પ્રતિ નિમિત્ત બની ગયાં. જેમ તમને સેવા ની લિફ્ટ ની ગિફ્ટ મળે છે, અનેકોની સેવા નો શેયર (ભાગ) મળી જાય છે. તેવી જ રીતે જો કોઈ એવું કાર્ય કરો છો તો અનેકોને વ્યર્થ શીખવાડવાનાં નિમિત્ત પણ બની જાઓ છો. એટલે હવે વ્યર્થનું ખાતું સમાપ્ત. જેવી રીતે આજકાલ સાયન્સ નાં સાધનો દ્વારા મન ની એકાગ્રતા ને ચેક કરે છે ને. લંડન કે અન્ય સ્થાનો પર કર્યું ને - આ છે સાયન્સ નું સાધન. પરંતુ તમારે દરેક પગલા માં પોતાની ચેકિંગ નાં સાધન સાથે રાખવાં જોઈએ. જેવી રીતે તેઓ ચેકિંગ નાં ઓજાર સાથે રાખે છે અને ચેક કરતી વખતે ઉપર લગાવે છે. સર્વિસેબલ બાળકોએ દરેક સમયે ચેકિંગ નું સાધન સાથે રાખવું જોઈએ. તો ટીચર બનવું કોઈ નાની વાત નથી, નામ જ નથી પણ નામ ની સાથે કામ પણ છે.
સર્વિસેબલ બાળકોનું વ્યર્થ ક્યારેય ન ચાલવું જોઈએ. જો તમે જ એમ કહો કે વ્યર્થ સંકલ્પ આવે છે તો બીજા શું કરશે? બીજા તો વિકલ્પો માં ચાલ્યાં જશે. આમ તો દરેક અટેન્શન (ધ્યાન) રાખે જ છે પણ હવે મહીન (સૂક્ષ્મ) અટેન્શન જોઈશે. સંકલ્પ થી પણ સેવા થાય. જો સંકલ્પ-શક્તિ ને સેવા માં બીઝી (વ્યસ્ત) કરી દો છો તો વ્યર્થ ઓટોમેટિકલી (આપમેળે) ખતમ થઇ જશે. જેવી રીતે આજકાલ નાં યુથ ગ્રુપ ને કોઈ-ને-કોઈ કાર્ય માં બિઝી કરવાની કોશિશ કરે છે જેથી યુવા-શક્તિ નુકસાનકારક કાર્ય માં ન ચાલી જાય. ક્યાંક વરસાદ નું પાણી વ્યર્થ જાય છે તો બંધ (ડેમ) બનાવીને વ્યર્થ પણ સફળ કરી દે છે. તેવી રીતે સંકલ્પ-શક્તિ જે વ્યર્થ ચાલી જાય છે એને સેવા માં બિઝી રાખશો તો વ્યર્થનાં બદલે સમર્થ થઈ જશે. સંકલ્પ, બોલ, કર્મ અને જ્ઞાન ની શક્તિઓ કાંઈ પણ વ્યર્થ ન જવી જોઈએ. તો એવાં દરેક સંકલ્પ, કર્મ, બોલ અને સર્વ શક્તિઓની ઇકોનોમી કરવા વાળા છો ને? એમ પણ લૌકિક માં જો ઇકોનોમી (કરકસર) વાળું ઘર ન હોય તો ઠીક રીતે ચાલી નથી શકતું. તેવી જ રીતે જો નિમિત્ત બનેલાં બાળકો ઇકોનોમી વાળા નથી તો સેવાકેન્દ્ર ઠીક નથી ચાલતું, તે થઈ હદ ની પ્રવૃત્તિ આ છે બેહદ ની. તો ચેક કરવું જોઈએ એક્સ્ટ્રા (વધારાનો) ખર્ચ શું-શું કર્યો - સંકલ્પ માં, બોલ માં, શક્તિઓ માં. પછી એને ચેન્જ (પરિવર્તન) કરવું જોઈએ. મહીન પુરુષાર્થ છે સર્વ ખજાનાઓની ઇકોનોમી નું બજેટ બનાવવું અને એ અનુસાર ચાલવું. બજેટ બનાવતાં તો આવડે છે ને? જેવી રીતે સ્થૂળ ખજાનાનો પોતામેલ બનાવો છો, એવી રીતે આ સૂક્ષ્મ પોતામેલ બનાવો. નિમિત્ત બન્યાં છો, ત્યાગ કર્યો છે એનું આ પ્રત્યક્ષ ફળ છે જે સેવાકેન્દ્ર મળી ગયું, જિજ્ઞાસુ મળી ગયાં હવે હજી આગળ વધો. જેટલું કર્યું છે એટલું મળ્યું છે. હવે પછી પ્રજા અને ભક્ત તમારાં ચરણો પર નમે. હવે આ પ્રત્યક્ષ ફળ દેખાડો. બાપ સમાન ટાઈટલ (શીર્ષક) પણ મળી ગયું, પ્રકૃતિ પણ યથાશક્તિ દાસી થતી રહે છે હવે આનાંથી પણ આગળ વધો. આ પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત જરુર થાય છે પરંતુ એને સ્વીકાર ન કરતાં. હવે સંકલ્પ થી પણ સેવાધારી બનો. વાચા સેવા તો સાત દિવસ નાં કોર્સ વાળા પણ કરે છે. કર્મણા સેવા પણ બધાં કરે છે પણ તમારી વિશેષતા છે મન્સા સેવા. આ વિશેષતા ને અપનાવીને વિશેષ નંબર લઈ લો. બધાં સંતુષ્ટ તો રહી રહ્યાં છો અને સંતુષ્ટ રહેવાનું પણ છે. જ્યાં ડાયરેક્શન મળે એ અનુસાર ચાલવું આ પણ અનેકોને પાઠ શીખવાડવાનાં નિમિત્ત બની જાઓ છો. પ્રેક્ટિકલ પાઠ શીખવાડવા વાળી છો, મુખ થી નહીં. જમ્પ (છલાંગ) તો સારો લગાવ્યો છે, હવે શું કરવાનું છે? જમ્પ પછી ની સ્ટેજ (અવસ્થા) છે ઉડવાની. સદા અવ્યક્ત વતન માં વિદેહી સ્થિતિ માં ઉડતાં રહો. અશરીરી સ્ટેજ પર ઉડતાં રહો. અચ્છા.
પાર્ટીઓથી મુલાકાત:-
૧. બાપ દ્વારા કરેલી મહિમા નું સુમિરણ કરવાથી સમર્થ સ્ટેજ નો અનુભવ:- સદા પોતાનાં ભાગ્ય ની મહિમા નાં ગીત ગાતા રહો છો? જેવી રીતે સ્થૂળ સાધારણ ગીત પણ ગાઓ છો તો કેટલાં ખુશી માં આવી જાઓ છો. ભક્તિમાર્ગ માં કીર્તન કરે છે તો પણ કેટલાં ખુશ થાય છે. તો તમે બધાં પણ બાપ દ્વારા કરેલી મહિમા નાં ગીત સદા ગાતાં રહો. પહેલાં અમે શું હતાંં અને બાપે શું બનાવી દીધાં, એનું સુમિરણ કરતાં સદા હર્ષિત રહો. આ સુમિરણ માં સમર્થી સમાયેલી છે. કારણ કે બાપે સમર્થ બનાવ્યાં છે ને. જે સ્વપન માં પણ બનવાનાં નહોતાંં, તે સાકાર સ્વરુપ માં અનુભવ કરી રહ્યાં છો એટલે બાપદાદા બધાં બાળકોને લક્કી (ભાગ્યશાળી) તારા કહે છે. તો લક્કી તારા છો ને?
તારા કહેવાય જ એને છે જે સદા ઝગમગતા રહે. જે બાપ દ્વારા આ શક્તિઓ અને જ્ઞાન નો ખજાનો મળ્યો છે એમાં ઝગમગતા રહો. એવાં છો? વાદળો માં છુપાવવા વાળા તો નથી? સદા પોતાની ચમક થી વિશ્વ ને રોશન કરવા વાળા છો ને? ખુશી-ખુશી થી જૂની દુનિયા થી કિનારો કરી લીધો છે. હવે જૂની દુનિયાનાં નિવાસી નથી, સંગમયુગી નિવાસી છો. તો જૂની દુનિયાથી કિનારો થઈ ગયો છે કે કરવાનો છે - શું સમજો છો? કોઈ જૂનાં મિત્ર ને મળવા માટે જૂની દુનિયાની વસ્તુઓ ખરીદવા તો નથી જતાં. આજકાલ બોર્ડર (સરહદ) પર ઉભા રહીને પણ ક્યારેક-ક્યારેક જાણી-જોઈને દુશ્મન નાં દેશ માં જતાં રહે છે. તમે બોર્ડર ક્રોસ કરીને જૂની દુનિયામાં તો નથી જતાં રહેતાં ને? નવી દુનિયા સામે ઉભી છે, જૂની દુનિયાનો કિનારો કરી ચૂક્યાં છો. સંકલ્પ થી પણ જૂની દુનિયામાં નહીં જતા. ગયાં તો ફસાઈ જશો. એટલે સદા પોતાને સંગમયુગી સમજો. સંગમ પર બાપ યાદ આવશે, વારસો યાદ આવશે.
પુરુષાર્થ માં સ્વ ની ઉન્નતિ અને સેવા ની વૃદ્ધિ - બન્નેનું બેલેન્સ જોઈએ. બન્ને નાં પ્લાન્સ (યોજનાઓ) બનાવતાં રહો છો? હમણાં શું પ્લાન બનાવ્યો છે? (ઉજ્જૈનમાં કુંભ મેળા પર આધ્યાત્મિક મેળો) મેળા ની ધૂમધામ થી તૈયારી કરી રહ્યાં છો. સારું છે. પરંતુ આ વિશેષ અટેન્શન રાખજો - મેળા નું વાતાવરણ એવું શાંતમય હોય કે હલચલ થી ઘમાસાણ ની વૃત્તિ લઈને આવવા વાળા અનુભવ કરે કે કોઈ ભિન્ન સ્થાન પર આવ્યાં છીએ. ચારે બાજુ અવાજ હોય અને તમારી પાસે એવો અનુભવ કરે જેમ શાંતિનાં કુંડ માં પહોંચી ગયાં. બહાર જે ડ્યુટી (ફરજ) પર હોય તે પણ શાંતિ નાં વરદાની થઈને રહે. તમારાં શાંતિ નાં વાયબ્રેશન્સ (પ્રકંપન) એમને શાંત કરી દે. આનાંથી આખાં મેળામાં આ અવાજ થઈ જશે કે બે મિનિટ માટે ગયાં પણ સરસ શાંતિ નો અનુભવ કરીને આવ્યાં. જેવી રીતે શરું-શરું માં સ્થાપના નાં સમયે જે આવતા હતાંં, તો ઓમ ની ધ્વનિ થી અનુભવ કરતાં હતાંં કે આ કોઈ શાંતિ નું સ્થાન છે. એવી રીતે આ મેળા માં શાંતિ નો અનુભવ કરે. મેળા માં જે આવે છે એમનો મૂડ (મનોભાવ) જ કંઈક બીજો હોય છે. એ મેળો તો છે જેવી રીતે બજાર, એવાં રુપ થી અશાંતિ થી આવે છે એમને શાંતિ નો અનુભવ કરાવવો ખુબ જરુરી છે જેનાથી વિશેષતા લાગે.
બધાંને સ્નેહ થી નિમંત્રણ આપજો - તમારો સ્નેહ જોઇને બધાં ખુશ થશે. કોઈ કેવી રીતે પણ બોલે પરંતુ તમે લોકો શાંતિ થી, સ્નેહ થી બોલશો તો એનો પણ પ્રભાવ પડશે. સમય-પ્રતિ-સમયે સ્ટેજ પર આવેલા જોઈને અંદર થી માને છે. હવે બધાંની આંખો થોડી નીચે થઈ છે, માથા નથી નમ્યાં. હવે એવી રીતે નથી જોતાં. છેલ્લે તો બધાં નમવાનાં છે. બધાનું નમવું અર્થાત્ જયજયકાર થવો. ક્રાંતિ પછી શાંતિ થઈ જશે. હમણાં નમવાનો પહેલો પોઝ થયો છે, અંત માં પગ સુધી નમશે.
૨. રહેમદિલ બાપ નાં રહેમદિલ બાળકો નું કર્તવ્ય - બધાને ઠેકાણું આપવું:- બધાંએ ભિખારીપણા નાં જીવન નો પણ અનુભવ કર્યો અને હવે માલામાલ બની ગયાં છો. માલામાલ બનવા વાળા બાળકો કોઈને પણ જોશે તો દયા આવશે કે આ આત્મા ને ઠેકાણું મળી જાય. એમનું પણ કલ્યાણ થઈ જાય. તો જે પણ સંપર્કમાં આવે એને બાપ નો પરિચય જરુર આપજો. જેવી રીતે કોઈ ઘરે આવે છે તો એને પાણી માટે પૂછવામાં આવે છે ને! જો એમ જ જતાં રહે તો ખરાબ સમજે છે ને! એવી જ રીતે સંપર્ક માં જે પણ આવે તો એને બાપ નાં પરિચય નું પાણી જરુર પૂછો. થોડું સમજાવ્યું તો પાણી પૂછ્યું - સપ્તાહ કોર્સ કરાવ્યો તો બ્રહ્મા-ભોજન કરાવ્યું. કંઈક-ને-કંઈક આપજો જરુર. કારણ કે દાતા નાં બાળકો છો. અચ્છા.