Search for a command to run...
18 May 1969
રુહાની જ્ઞાન-યોગ ની જ્યોતિષી
18 May 1969 · ગુજરાતી
તમે બધાએ બોલાવ્યા કે બાપદાદાએ તમને બધાને બોલાવ્યાં છે? કોણે કોને બોલાવ્યાં છે? જે બાળકો બાપનાં કર્તવ્ય માં નિમિત્ત બનેલાં છે - તેમને આ વાત હંમેશા યાદ રાખવાની છે કે આપણે દરેક સમયે દરેક હાલતમાં એવરરેડી (હંમેશા તૈયાર) અને ઓલરાઉન્ડર (દરેક કાર્યમાં કુશળ) થવાનું છે. જો આ બે વાતો બધામાં આવી જાય તો સર્વિસનું (સેવાનું) સબૂત શ્રેષ્ઠ નીકળી શકે છે. પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર આ વાતો છે. આપ નિમિત્ત બનેલા બાળકોએ આ સ્લોગન યાદ રાખવું જોઈએ કે અમે જે કર્મ કરીશું અમને જોઈને બીજા બધાં કરશે. દરેક સમયે પોતાને એમ સમજો. જેમ ડ્રામાનાં સ્ટેજ પર બધાની સામે અમે પાર્ટ ભજવી રહ્યાં છીએ. એક હોય છે સ્વયં પોતાથી રિહર્સલ (અભ્યાસ). એક હોય છે સ્ટેજ પર બધાની સામે પાર્ટ ભજવવો. તો સ્ટેજ પર એકટ (અભિનય) કરવા વાળાનું પોતાનાં ઉપર કેટલું ધ્યાન રહે છે. એક-એક એક્ટ પર દરેક સમયે ધ્યાન રહે છે. હાથ પર, પગ પર, આંખો પર, બધાં પર ધ્યાન રહે છે. જો કોઇ પણ વાત નીચે ઉપર થાય છે તો એક્ટરની એક્ટ માં શોભા નથી રહેતી. તો એવું પોતાને સમજીને ચાલવાનું છે.
જયારે ત્રણ મિનિટ ની રેકોર્ડ ભરે છે તો કેટલું ધ્યાન આપે છે. તમે બધાં પણ પોતાનાં ૨૧ જન્મો નો રેકોર્ડ ભરી રહ્યાં છો તો ભરતા સમયે ખુબ જ ધ્યાન રાખવાનું છે. રેકોર્ડ માં જરા પણ નીચે ઉપર થઈ જાય છે તો તે રેકોર્ડ હંમેશ માટે રદ્દ થઈ જાય છે. તમારો પણ ૨૧ જન્મોનાં માટે સતયુગી રાજધાની નો જે રેકોર્ડ ભરાય છે તો તે રદ્દ ન થઈ જાય. રદ્દ થયો તો પછી દૂર થઈ જાય છે. તો આ વિચારવું જોઈએ - અમારા દરેક કર્મ પર બધાની નજર છે. એક્ટર્સ જ્યારે જુએ છે, અમને બધાં જોઈ રહ્યાં છે તો ખાસ ધ્યાન રહે છે. કોઈ જોવા વાળું નથી હોતું તો અલબેલાપણું રહે છે. તો હંમેશા સમજવું જોઈએ આપણે ભલે એક્લતા માં કંઈ કરીએ, તો પણ સૃષ્ટિની સામે છીએ. આખી સૃષ્ટિની આત્માઓ ચારે બાજુથી અમને જોઈ રહી છે. જો એક-એક ફૂલ એવા સંપૂર્ણ અને સુંદર થઈ જાય તો આ બગીચાની સુગંધ કેટલી ફેલાઈ જાય! પરંતુ કેમ નથી ફેલાતી, તેનું કારણ શું? સુગંધ ની સાથે-સાથે ક્યાંક-ક્યાંક વચમાં બીજી વાત પણ આવી જાય છે. ભલે સુગંધ કેટલી પણ હોય પરંતુ સુગંધ થી પણ જલ્દી ફેલાવવા વાળી દુર્ગંધ હોય છે, જે જરા એવી વાત બધી સુગંધ ને સમાપ્ત કરી દે છે. અવિનાશી સુગંધ જેને સદા ગુલાબ કહે છે. એક હોય છે સદા ગુલાબ, બીજા હોય છે ગુલાબ, ત્રીજા હોય છે રુહે ગુલાબ. પહેલો નંબર છે રુહે ગુલાબ. તે રુહ ની સ્થિતિમાં રહે છે અને રુહાની રુહ ની હંમેશા નજીક હોય છે. એવાં છે રુહે ગુલાબ. અને બીજી ક્વોલિટી (ગુણવત્તા) જે છે તે પછી સર્વિસમાં ખુબ સારા રહે છે બાકી રુહાની સ્થિતિ માં ખોટ છે. સર્વિસમાં, ધારણામાં સારા છે, સંસ્કાર શીતળ છે. પોતે પોતાને શું સમજો છો? કયા નંબરનાં ફૂલ સમજો છો? કાંટા તો અહીંયા હોઈ પણ ન શકે. છે તો બધાં ગુલાબ. પરંતુ ગુલાબમાં પણ ફરક છે. જે રુહે ગુલાબ હશે તેમની નિશાની શું હશે? તમને લોકોને મસ્તક ની રેખા પારખતા આવડે છે? જ્યોતિષી બન્યાં છો કે નહીં? બાપદાદા જે જ્ઞાન અને યોગની જ્યોતિષી દેખાડે છે તેનાથી શું જુઓ છો? દરેકનાં ચહેરાથી, નયનોથી, મસ્તકથી ખબર પડે છે. એમાં પણ વિશેષ મસ્તક અને નયનો થી ખબર પડે છે. તમે જ્યોતિષ બનીને દરેક ને પારખી શકો છો? નયનોમાં અને મસ્તકમાં તે રેખાઓ જરુર રહે છે. કોઈ ને પારખવા એ પણ જ્યોતિષ વિદ્યા છે. તો આ જે વિદ્યા છે પારખવાની આ કેટલાક માં ઓછી છે. જ્ઞાન અને યોગ શીખે છે પરંતુ આ પારખવાની જ્યોતિષ વિદ્યા પણ જાણવાની છે. કોઈ પણ વ્યક્તિ સામે આવે તો તમારે લોકોએ તો એક સેકન્ડમાં તેમનાં ત્રણેય કાળો ને પારખી લેવા જોઈએ. એક તો ભૂતકાળમાં તેમની લાઈફ (જીવન) શું હતી અને વર્તમાન સમય તેમની વૃત્તિ, દૃષ્ટિ, અને ભવિષ્યમાં ક્યાં સુધી તે પોતાની પ્રાલબ્ધ બનાવી શકે છે. આ જાણવાની પ્રેક્ટિસ જોઈએ. આ પારખવાનું જે નોલેજ (જ્ઞાન) છે તે ખુબ ઓછું છે. આ ખોટ હમણાં ભરવાની છે. વર્તમાન સમય જે આવવાનો છે તેમાં જો આ ગુણ નહીં હોય, ખોટ હશે તો છેતરાઈ જશો. કોઈ એવી આત્માઓ તમારી સામે આવશે જે અંદર એક અને બહારથી બીજું હશે. પરીક્ષા લેવા આવશે. કારણ કે કોઈ સમજે છે કે આ ફક્ત રટેલા (ગોખેલા) હોય છે. તો કોઈ રંગ રુપથી આર્ટિફિશિયલ (બનાવટી) રુપ માં પણ પારખવા માટે આવશે, ભિન્ન-ભિન્ન રુપો થી. એટલે આ ધ્યાન રાખવાનું છે કે આ શેના માટે આવ્યાં છે? તેમની વૃત્તિ શું છે? અને અશુદ્ધ આત્માઓથી પણ ખુબ સંભાળ કરવાની છે. એવા-એવા કેસ પણ ઘણા હશે, દિન-પ્રતિદિન પાપ આત્માઓ તો ઘણી હોય છે. આપદાઓ, અકાળે મૃત્યુ, પાપ કર્મ વધતા જાય છે તો તેમની વાસનાઓ જે રહી જાય છે તે પછી અશુદ્ધ આત્માઓનાં રુપમાં ભટકે છે. એટલે આ પણ બહુ મોટી સંભાળ રાખવાની છે. કોઈમાં અશુદ્ધ આત્માની પ્રવેશતા થાય છે તો તેને ભગાવવા માટે એક તો ધૂપ સળગાવે છે અને આગમાં વસ્તુ ને તપાવીને લગાવે છે અને લાલ મરચું પણ ખવડાવે છે. તો આપ સર્વે પછી યોગની અગ્નિ થી કામ લેવાનું છે. દરેક કર્મેન્દ્રિયને યોગ અગ્નિમાં તપાવવાની છે તો પછી કોઈ વાર નહીં કરી શકે. થોડું પણ ક્યાંક ઢીલાપણું થયું, કોઈ પણ કર્મેન્દ્રિયો ઢીલી થઈ તો પછી પ્રવેશતા થઈ શકે છે. તે અશુદ્ધ આત્માઓ પણ બહુ શક્તિશાળી હોય છે. તે માયા ની શક્તિ પણ ઓછી નથી હોતી. આ ખુબ ધ્યાન રાખવાનું છે. બીજી ઘણી પ્રાકૃતિક આપદાઓ પણ પોતાનું કર્તવ્ય કરશે. તેમનો સામનો કરવા માટે પોતાનામાં ઈશ્વરીય શક્તિ ધારણ કરવાની છે. તે સમયે સ્નેહ નથી રાખવાનો. તે સમય શક્તિરુપ ની આવશ્યકતા છે. કયા સમયે સ્નેહમૂર્ત, કયા સમયે શક્તિરુપ બનવાનું છે આ પણ વિચારવાનું છે. આ બધી વાતોમાં શક્તિરુપ ની આવશ્યકતા છે. જો કોઈ એવો આવ્યો અને તેને વધારે સ્નેહ દેખાડ્યો તો ક્યાંક નુકસાન પણ થઈ શકે છે. સ્નેહ બાપદાદા અને દેવી પરિવાર થી કરવાનો છે. બાકી બધાં થી શક્તિરુપ થી સામનો કરવાનો છે. ઘણાં બાળકો ગફલત કરે છે જે તેમનાં સ્નેહ માં આવી જાય છે. તે સ્નેહ વૃદ્ધિ થઇને કમજોર કરી દે છે, એટલે હવે શક્તિરુપ ની આવશ્યકતા છે. અંતિમ નારો (અવાજ) પણ ભારત માતા શક્તિ અવતાર નું ગાયન છે. ગોપી માતા થોડી કહેવાય છે. હવે શક્તિરુપ નો પાર્ટ છે. ગોપિકાઓનું રુપ સાકાર માં હતું. હવે અવ્યક્ત રુપ થી શક્તિ નો પાર્ટ છે. દરેક જ્યારે શક્તિરુપ માં સ્થિત હશે તો આટલાં બધાની શક્તિ મળી ને કમાલ કરી દેખાડશે. યાદગાર રુપમાં અંતિમ ચિત્ર કયું દેખાડેલું છે? પહાડ ને આંગળી આપવાનું. આંગળી, આ શક્તિની આપવાની છે. એનાથી જ કળયુગી પહાડ ખતમ થશે. એમાં દરેક ની આંગળી ની દરકાર છે. હમણાં તે આંગળી પૂરી રીતે નથી. ઉઠાવે જરુર છે પરંતુ કોઈની ક્યારેક સીધી કોઈ ની ક્યારેક વાંકી થઈ જાય છે. જ્યારે પૂરી આંગળી હશે ત્યારે પ્રભાવ નીકળશે. એક સરખી આંગળી આપવાની છે. આ કળયુગી પહાડને જલ્દી આંગળી આપી ને પછી સતયુગી દુનિયાને લાવવાની છે. સાકારની સાથે સ્નેહ છે તો જલ્દી-જલ્દી આ જૂની દુનિયાથી ચાલવાની (જવાની) તૈયારી કરો. તમે કહેશો હમણાં સર્વિસ ક્યાં થઈ છે પરંતુ સર્વિસ પણ કોના માટે રોકાયેલી છે? જો આપ દરેક શક્તિ રુપમાં સ્થિત થઈ જાઓ તો તમારા જે ભૂલ્યાં-ભટકેલાં ભક્ત છે, ન ઇચ્છતા પણ ચકમક (ચુંબક) ની આગળ આવી જશે, વાર નહીં લાગે. અચ્છા!