Search for a command to run...
5 Mar 1971
ભઠ્ઠીની અલૌકિક છાપ
5 March 1971 · ગુજરાતી
આજે બાપદાદા દરેકનાં મસ્તક પર બે વાતો જોઈ રહ્યાં છે. કઈ? એક ભાગ્ય અને બીજું સુહાગ. બંનેય વાતો જોઈ રહ્યાં છે. ભઠ્ઠીમાં આવીને પોતાનાં ભાગ્ય અને સુહાગ ને સારી રીતે જોઈ અને જાણી શકો છો. પોતાનાં મસ્તક પર ચમકતાં ભાગ્યનાં તારાને જોઈ શકો છો. ભઠ્ઠીમાં એ દર્પણ મળ્યો છે જે દર્પણ થી પોતાનાં ભાગ્ય અને સુહાગને જોઈ શકો? ભઠ્ઠીમાં આવવું અર્થાત્ બે વાતો પ્રાપ્ત કરવી. તે બે વાતો કઈ? આજે ભઠ્ઠી વાળાઓને મળવાં આવ્યાં છે ને. તો તેઓનું પેપર લે છે. બતાવો, મુખ્ય બે વાતો કઈ મળે છે? (દરેકે ભિન્ન-ભિન્ન વાતો સંભળાવી) દરેકે જે સંભળાવ્યું બહુ સારું સંભળાવ્યું. કારણ કે માતાઓ આટલું પણ સંભળાવવાં યોગ્ય બની જાય તો બહુ સેવા કરી શકે છે. તો ભઠ્ઠી થી બે વાતો મુખ્ય આ મળી છે અને તેને સાથે લઈને જ જવાનું છે. એક તો સ્વયં સ્વયંને જોવાનો દર્પણ અને બીજી વાત યોગ અર્થાત્ યાદનો ગોળો. લાઇટનાં ગોળાને સદૈવ સાથે રાખવા વાળાનાં હાથમાં પછી કયો ગોળો આવશે? જે તમારાં લોકોનું યાદગાર ચિત્ર છે. કૃષ્ણનાં ચિત્રમાં સૃષ્ટિનો ગોળો છે ને. તો લાઈટનો ગોળો અર્થાત્ લાઈટનાં ચિત્રની અંદર સદૈવ રહેવાનું છે. લાઈટનો ગોળો બનવાથી જ વિશ્વનાં રાજ્યનો ગોળો લઈ શકો છો. તો હમણાં છે લાઈટનો ગોળો, ભવિષ્યમાં હશે આ રાજ્યનો ગોળો. તો ભઠ્ઠીથી એક તો દર્પણ મળ્યો અને બીજું યાદની યાત્રાને નિરંતર શ્રેષ્ઠ બનાવવાં માટે લાઇટનાં ગોળાની સૌગાત મળી છે. પરંતુ બંન્ને લઈ જવાનાં છે. અહીંયા જ છોડીને નથી જવાનું. બંને સૌગાત સાથે લઈ જશો અને સદૈવ સાથે રાખશો તો પછી શું બની જશો? જેમ બાપની મહિમાનું એક ગીત બનાવ્યું છે ને - સત્યમ્ શિવમ્ સુંદરમ્…... એમ તમે બધાં પણ માસ્ટર સત્યમ્ શિવમ્ સુંદરમ્ થઈ જશો, જે દર્પણ થી સત્ય અને અસલી સુંદરતા નો સાક્ષાત્કાર થશે. તો એવી પોતાની સૂરત (ચહેરો) બનાવી છે? ભઠ્ઠીમાં એટલે જ આવ્યાં છો ને. લૌકિકપણું હવે ભઠ્ઠીમાં સ્વાહા કર્યું? કોઈપણ લૌકિક વૃત્તિ, દૃષ્ટિ, સંબંધની સ્મૃતિ, લૌકિક મર્યાદા, લૌકિક રીતિ-રિવાજને વશ થઈને અલૌકિક રીત અને પ્રીત ને ભૂલશો તો નહીં? અલૌકિક પ્રીત અને અલૌકિક રીત-રિવાજનો પૂરો થપ્પો અથવા પાક્કી છાપ લગાવી છે? પૂરી છાપ લગાવી છે, જે ભલે કોઈ કેટલું પણ મિટાવવાની કોશિશ કરે પરંતુ મિટાવી ન શકે. એવી છાપ પોતે પોતાને જેમણે લગાવી છે તે હાથ ઉઠાવો. જોજો, લૌકિક રીત-રિવાજ નું પેપર ખૂબ કડક આવશે (કોઈ-કોઈએ હાથ નથી ઉઠાવ્યો), આ સમજે છે કે અમે પોતાની સેફ્ટી રાખીએ. પરંતુ સેફ્ટી આમાં છે - જે જેટલી હિંમત રાખશે એટલી મદદ મળશે. પહેલાં જ પોતાનામાં સંશય-બુદ્ધિ થવાથી હાર થઈ જાય છે. આ પણ પોતાનામાં સંશય કેમ રાખો છો કે ખબર નહીં અમે ફેલ થઈ જઈશું. એમ કેમ નથી વિચારતાં કે અમે વિજય પ્રાપ્ત કરીને જ દેખાડીશું. વિજયી રત્ન છો ને. તો ક્યારેય પણ પુરુષાર્થ માં પોતે પોતાનામાં સંશય બુદ્ધિ ન બનવું જોઈએ. સંશય-બુદ્ધિ થવાથી જ હાર થાય છે. પોતાનો જ સંશય નો સંકલ્પ માયાજીત નથી બનવા દેતો. અચ્છા!
મેજોરીટી વિજયી રત્ન છે. વિજય નું તિલક પણ લગાવીને જ જઈ રહ્યાં છો ને. સદૈવ એ સ્મૃતિમાં રાખીને કદમ ઉઠાવજો કે વિજય તો અમારો જન્મ-સિદ્ધ અધિકાર છે. અધિકારી બનીને કર્મ કરવાથી વિજય અર્થાત્ સફળતાનો અધિકાર અવશ્ય જ પ્રાપ્ત થાય છે. આમાં સંકલ્પ ઉઠાવવાની આવશ્યકતા જ નથી. સ્વપ્ન માં પણ ક્યારેય આ સંકલ્પ ન આવવો જોઈએ કે ‘ખબર નહીં વિજય થશે કે નહીં?’ માસ્ટર નૉલેજફુલનાં મુખથી ‘ખબર નહીં શબ્દ’ ન નીકળવો જોઈએ. જ્યારે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતને, ત્રણે કાળોને જાણી ગયાં છો, માસ્ટર નૉલેજફુલ બની ગયાં છો; તો આવાં માસ્ટર નૉલેજફુલનાં મુખથી આ શબ્દ ન નીકળી શકે કે ‘ખબર નહીં’. એમને તો બધી ખબર છે. આ અજ્ઞાનીઓની ભાષા છે, જ્ઞાનીની ભાષા નથી. જો કોઈ ભૂલ પણ કરો છો તો પણ ખબર હોય છે નૉલેજનાં આધાર પર કે આ રૉન્ગ (ખોટું) કાર્ય કરી રહી છું. ખબર પડે છે ને! ખબર નહીં આ થશે કે નહીં થાય - આ કહેવું એ બ્રાહ્મણોની ભાષા નથી. તો ભઠ્ઠીથી આ છાપ પાક્કી લગાવીને જજો, જે ૨૧ જન્મ આ છાપ પાક્કી રહે, અવિનાશી રહે. તો ભઠ્ઠીની બંને સૌગાતો બધાંએ પોતાની પાસે રાખી છે? હવે ભઠ્ઠી થી જઈને શું કરશો? ભઠ્ઠીમાં આવ્યાં છો પોતાને પરિવર્તન કરવાં, બીજાઓમાં પણ પરિવર્તન લાવી શકો છો. જો સર્વિસમાં જુઓ છો કે પરિવર્તન ઓછાં થાય છે, તો દર્પણ જે લઇ જઇ રહ્યાં છો તેમાં જોજો કે મારે પોતે પોતાને પરિવર્તનમાં લાવવાં માટેની એટલી શક્તિ આવી છે? જો પોતાને પરિવર્તન કરવાની શક્તિ ઓછી છે તો બીજાને પણ એટલાં જ પરિવર્તનમાં લાવી શકશો. તો બે વાતો યાદ રાખજો. એક તો દરેક વાતમાં પરિવર્તન કરવાનું છે, લૌકિક થી અલૌકિકમાં આવવાનું છે. અને, બીજું પરિપક્વતા માં આવવાનું છે. જો પરિપક્વતા નથી તો પણ સફળતા નથી થતી. તો પરિવર્તનમાં પણ લાવવાનું છે અને પોતાનામાં પરિપક્વતા અર્થાત્ મજબૂતી પણ લાવવાની છે. આ મુખ્ય બંનેય વાતો પ્રવૃત્તિ માં રહીને કાર્ય કરતાં સમયે યાદ રાખજો. જો બંનેય વાતો યાદ રાખશો તો નિશ્ચય જ વિજય છે. સહજ વાત સંભળાવી ને. માતાઓને સહજ વાતો જોઈએ ને. આમ પણ માતાઓ શ્રુંગાર ને કારણે દર્પણમાં જોતી રહે છે. તો બાપદાદા પણ એ જ કામ આપે છે. અચ્છા!
આ ભઠ્ઠી જે મધુબન ની બેહદની ભઠ્ઠી છે, તો પોતાની પ્રવૃત્તિ માં પણ આ બેહદની ભઠ્ઠીનું મૉડલ રુપ સમજીને ચાલજો. કોઈ પણ ચીજનું મૉડલ નાનું જ બનાવાય છે. જેમ અહીંયા ભઠ્ઠી કરીને જઈ રહી છો, એવું જ મૉડલ રુપ પોતાની પ્રવૃત્તિ ને પણ બનાવજો. પછી શું થશે? એ જ ભઠ્ઠીની વાતો, ભઠ્ઠીની ધારણા, ભઠ્ઠીની દિનચર્યા પોતાની ચલાવી શકશો. એટલે પ્રવૃત્તિ માં આવીને પોતાની વૃત્તિ ભઠ્ઠી જેવી જ રાખજો. વૃત્તિ ને નહીં બદલતાં. જેમ અહીંયા ભઠ્ઠીમાં ઊંચી વૃત્તિ રહે છે, તેવી જ ઊંચી વૃત્તિ પ્રવૃત્તિ માં પણ રાખજો. વૃત્તિ ચેન્જ કરી તો પછી પ્રવૃત્તિ ની પરિસ્થિતિઓ સ્થિતિ ને ડગમગ કરી દેશે. પરંતુ જો વૃત્તિ એવી જ ઊંચી રાખશો તો પ્રવૃત્તિ માં આવવા વાળી અનેક પરિસ્થિતિઓ તમારી સ્થિતિને ડગમગ નહીં કરી શકે. સમજ્યાં? વૃત્તિને સાથે લઈ જજો. પછી જોજો વિજયી બન્યાં છો ને. માતાઓની સાથે સૌથી વધારે સ્નેહ છે. કારણ કે માતાઓએ દુઃખ બહુ સહન કર્યું છે. એટલે પોકાર્યા પણ વધારે માતાઓએ છે. તો બહુ દુઃખ સહન કરવાનાં કારણે, માર સહન કરવાનાં કારણે, થાકેલી હોવાનાં કારણે બાપ સ્નેહ થી પગ દબાવે છે. ગાયન છે ને - માતાઓનાં પગ દબાવ્યાં. પગ કોઈ સ્થૂળ નહીં, પરંતુ માતાઓનાં વિશેષ સ્નેહ નાં પગ દબાવે છે. આમને સ્નેહ અને સાહસ આપવાનાં છે. ફક્ત સ્નેહ નહીં યાદ રાખતાં, પરંતુ સાહસ પણ જે આપ્યો છે તે પણ યાદ રાખજો. અચ્છા.
ભઠ્ઠીનો જે આખો અભ્યાસ અથવા શિક્ષણ લીધું તેનો સાર ત્રણ શબ્દોમાં યાદ રાખવાનો છે. કયા ત્રણ શબ્દ? તોડવું, મોડવું (વાળવું) અને જોડવું. કર્મબંધન તોડવાનું શીખી છો ને. અને પછી વાળવાનું પણ શીખી છો. પોતાના સંસ્કારોને, સ્વભાવને વાળવાનું પણ શીખી અને જોડવાનું પણ શીખી છો. તો આ ત્રણ શબ્દ યાદ રાખજો અને સદૈવ પોતાને જોતાં રહેજો કે - ‘તોડી પણ રહી છું, વાળી પણ રહી છું અને જોડી પણ રહી છું? ત્રણેયમાં કોઈપણ કમી તો નથી ને?’ પછી જલ્દી સંપૂર્ણ બની જશો. આ ગ્રુપને ખાસ આ સ્મૃતિનું તિલક આપી રહ્યાં છે. તિલક સ્મૃતિની નિશાની છે ને. તો સદૈવ આ સ્મૃતિમાં રાખજો કે આ બધી જે પણ આ નયનો થી વિનાશી ચીજો જોઈએ છીએ એ જોતાં રહીને પણ પોતાનાં નવાં સંબંધ, નવી સૃષ્ટિ ને જ જોતાં રહીએ. આ આંખોથી જે વિનાશી ચીજો દેખાઈ છે તેમાં વિનાશ ની સ્મૃતિ રહે. આ સ્મૃતિનું તિલક આ ગ્રુપને આપી રહ્યાં છે. પછી કોઈ પણ વાતોમાં હાર નહીં ખાશો, કારણ કે જોશો જ વિનાશી ચીજને. એટલે પોતાને વિજયી બનાવવા માટે અમૃતવેલાએ રોજ આ સ્મૃતિનું તિલક પોતાને લગાવજો. ભોળી માતાઓ છે. આ જ માતાઓ જો મેદાન પર આવી જાય તો આ પોતાને આજે જે સિંહ સમજે છે તે બકરી બની તમારાં ચરણોમાં આવી જાય. કારણ કે જે વાતમાં તે કમજોર અથવા કાયર છે તે વાતનાં તમે પ્રત્યક્ષ પ્રમાણ છો. તમારાં પ્રત્યક્ષ પ્રમાણને જોઈને શર્મશાર (શરમિંદા) થશે. તો જાણે બકરી બની જશે ને. માતાઓ આટલી શ્રેષ્ઠ સર્વિસ કરી શકે છે, જે એક સેકન્ડમાં સિંહ ને બકરી બનાવી શકે છે. એવી જાદુગરણી છો. જાદુથી સિંહ ને બકરી, બકરી ને સિંહ બનાવે છે ને. તમે માતાઓ પણ આવી જાદુગરી દેખાડી શકો છો. ફક્ત સિંહણ બની જાઓ, પછી તે સિંહ બકરી બનશે. તો આ અંતનું જે ધર્મયુદ્ધ દેખાડેલું છે, અવાજ બુલંદ થવાનો છે. તમારી આ સર્વિસ થી જ્યારે સિંહ બકરી બની જશે પછી તેનાં ફૉલોઅર્સ (અનુયાયી) તો પાછળ-પાછળ છે જ. ફક્ત એક સિંહ ને પણ બકરી બનાવ્યો તો અનેક સિંહ જાળમાં આવી જશે. એટલે માતાઓએ આટલી ઊંચી સર્વિસ માટે તૈયાર રહેવું જોઈએ. જો આટલું ઝુંડ શક્તિદળ સામનો કરે તો કહો કે તેઓ ઊભાં રહી શકશે? ચેલેન્જ કરવાની હિંમત જોઈએ. હવે પ્રેક્ટિકલ માં પરીક્ષાઓથી પાર થવાનું છે. એક હોય છે થીયરી (લેખિત) પેપર, બીજું હોય છે પ્રેક્ટિકલ પેપર. થીયરીમાં તો પાસ છો, હવે પ્રેક્ટિકલ પેપરમાં પાસ થવાનું છે. હિંમતે શક્તિઓ મદદ દે સર્વશક્તિમાન. આ તો સદૈવ યાદ છે ને. હવે ફક્ત રિટર્ન (વળતર આપવાનું) કરવાનું છે. આટલી જે મહેનત લીધી છે તેનું રિટર્ન. આ બધી સિંહણો છે. સિંહણો ક્યારેય કોઈનાંથી ડરતી નથી, નિર્ભય હોય છે. એ પણ ભય નથી કે ખબર નહીં શું છે. એનાથી પણ નિર્ભય થવાનું છે. એવી સિંહણો બની છો? (બની જશું) ક્યારે? આ તો પહેલાં જ દિવસે જ્યારે ભઠ્ઠીમાં આવો છો તો ભઠ્ઠીમાં આવવું અર્થાત્ બદલવું. સમજ્યાં? પરિવર્તન સમારોહ મનાવી રહી છો ને. બાપદાદા પણ પરિવર્તન સમારોહમાં આવ્યાં છે. આજે ફાઇનલ છાપ લગાવવાની છે. પછી આ પરિવર્તન ને ભૂલાવતાં નહીં. દરેકે પોતાનામાં કોઈ ને કોઈ વિશેષતા ભરવાની છે. કોઈપણ એક સબ્જેક્ટ (વિષય) માં નંબરવન જરુર બનવું જોઈએ. બનવું તો બધામાં જોઈએ. જો નથી બની શકતી તો કોઈને કોઈ સબ્જેક્ટમાં વિશેષ નંબરવન પોતાને જરુર બનાવવાની છે. અહીંયાથી નીકળીને અને સર્વિસમાં મદદગાર બનવાનાં માટે જે કહ્યું હતું તે પ્લાન બનાવ્યો છે? જે પ્લાન બનાવ્યો છે તે પ્રમાણે પછી તૈયાર પણ જરુર રહેવાનું છે. વિઘ્નો તો આવશે પરંતુ જ્યારે આવશ્યક વાત સમજવામાં આવે છે તો તેનો પ્રબંધ પણ કરવામાં આવે છે. જેમ તમારી પ્રવૃત્તિમાં કેટલીયે આવશ્યક વાતો સામે આવે છે તો પ્રબંધ કરો છો ને. એવી રીતે પોતાને સ્વતંત્ર બનાવવા માટે પણ કોઈ ને કોઈ પ્રબંધ રાખો. કોઈ સાથી બનાવો. આપસમાં પણ એક-બે દૈવી પરિવાર વાળા સહયોગી બની શકે છે. પરંતુ ત્યારે બનશે જ્યારે એટલો એકબીજાને સ્નેહ આપીને સહયોગી બનાવશો. પ્લાન રચવો જોઈએ - કેવી રીતે પોતાનાં બંધનને હલ્કા કરી શકો છો. કેટલાંક ચતુર હોય છે તો પોતાનાં બંધનોને મુક્ત કરવાં માટે યુક્તિ રચે છે. એવું નહીં કે પ્રબંધ મળે તો નીકળી શકું છું. પ્રબંધ પોતાની જાતે કરવાનો છે. પોતાને જાતે જ સ્વતંત્ર કરવાનાં છે. બીજા નહીં કરશે. યોગયુક્ત થઈને એવો પ્લાન વિચારવાથી ઈચ્છા પૂર્તિ માટે પ્રબંધ પણ મળી જશે. ફક્ત નિશ્ચય બુદ્ધિ થઈને પોતાના ઉમંગને તીવ્ર બનાવો. ઉમંગ ઢીલો હોય છે તો પ્રબંધ પણ નથી મળતો, મદદગાર કોઈ નથી મળતું. એટલે હિંમતવાન બનો તો મદદગાર પણ કોઈને કોઈ બની જશે. હવે જોશે કે પોતાને સ્વતંત્ર બનાવવાની કેટલી શક્તિ દરેકે પોતાનામાં ભરી છે. માયાજીત તો છો. પરંતુ પોતાને સ્વતંત્ર બનાવવાની શક્તિ પણ બહુ જરુરી છે. આ પેપર (પરીક્ષા) હશે કે શક્તિ ક્યાં સુધી ભરી છે. જે પ્રવૃત્તિમાં રહી સ્વતંત્ર બની મદદગાર બનશે તેમને ઇનામ પણ મોકલશે. અચ્છા.
નાનાં બાપ સમાન હોય છે. છે તો બધાં એક, પરંતુ પરિચય માટે ગુજરાતી, પંજાબી વગેરે કહે છે. ગુજરાત નંબરવન બનીને દેખાડશે ને. જોશે ઇનામ લાયક કોણ બને છે. એક-એક રત્નની પોતાની વિશેષતા છે. કોઈનામાં સ્નેહની, કોઈનામાં સહયોગની, કોઈનામાં શક્તિની, કોઈનામાં દિવ્ય ગુણોની મૂર્ત બનવાની, કોઈનામાં જ્ઞાનની વિશેષતા છે. હવે સર્વ શક્તિઓ પોતાનામાં ભરવાની છે. સર્વ ગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ બનવાનું છે. સર્વ ગુણ સંપન્ન નહીં બનશો તો ૧૬ કળાથી ૧૪ કળા થઇ જશો. ચંદ્રમા માં જરા પણ કળા ઓછી થાય તો સારું નથી લાગતું. સંપૂર્ણતા થી સુંદરતા હોય છે. તીવ્ર પુરુષાર્થી નું તીર સદા નિશાના પર લાગે છે. ક્યારેય પણ માયાથી હાર નહી ખાતાં. લાઈટનો ગોળો બનીને જજો. લાઈટ નૉલેજ ને પણ કહે છે અને ‘લાઈટ માઈટ (શક્તિ)’ પણ છે. ‘કોશિશ’ શબ્દ કમજોરીનો છે. જ્યાં કમજોરી હોય છે ત્યાં પહેલાં માયા તૈયાર હોય છે. જેમ કમજોર શરીર પર બીમારી જલ્દી આવી જાય છે, તેમ ‘કોશિશ’ શબ્દ કહેવું પણ આત્માની કમજોરી છે. માયા સમજે છે કે આ અમારો ગ્રાહક છે તો આવી જાય છે. નિશ્ચય ની વિજય છે. જેમ આખાં દિવસની જે સ્મૃતિ રહે છે તેવાં જ સ્વપ્ન આવે છે. જો આખાં દિવસમાં શક્તિરુપ ની સ્મૃતિ રહેશે તો કમજોરી સ્વપ્ન માં પણ નહીં આવે. અચ્છા.
\\
સંશય-બુદ્ધિ થવાથી જ હાર થાય છે. પોતાનો જ સંશય નો સંકલ્પ માયાજીત નથી બનવા દેતો.