Search for a command to run...
8 Jun 1972
સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) ની પરખ
8 June 1972 · ગુજરાતી
પોતાને વિઘ્ન-વિનાશક સમજો છો? કોઈ પણ પ્રકાર નું વિઘ્ન સામે આવે તો સામનો કરવાની શક્તિ પોતાનામાં અનુભવ કરો છો? અર્થાત્ પોતાના પુરુષાર્થ થી સ્વયં પોતાને બાપદાદાનાં કે પોતાની સંપૂર્ણ સ્થિતિ ની સમીપ જતાં અનુભવ કરો છો કે ત્યાંના ત્યાં જ રહેવા વાળા પોતાને અનુભવ કરો છો? જેમ રાહી (મુસાફર) ક્યારેય રોકાતો નથી, એમ જ પોતાને રાત નાં રાહી સમજી ને ચાલતાં રહો છો? સંપૂર્ણ સ્થિતિ નો મુખ્ય ગુણ પ્રેક્ટિકલ (વ્યવહાર) કર્મ માં કે સ્થિતિ માં શું દેખાય છે અથવા સંપૂર્ણ સ્થિતિ નો વિશેષ ગુણ કયો હોય છે, જે ગુણ થી આ પારખી શકો કે પોતાની સંપૂર્ણ સ્થિતિ ની સમીપ છીએ કે દૂર છીએ? હમણાં એક સેકન્ડ માટે પોતાની સંપૂર્ણ સ્થિતિ માં સ્થિત થઈને પછી બતાવો કયો વિશેષ ગુણ સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) ને અથવા સ્થિતિ ને પ્રત્યક્ષ કરે છે? સંપૂર્ણ સ્ટેજ અથવા સંપૂર્ણ સ્થિતિ જ્યારે આત્મા ની બની જાય છે તો એનું પ્રેક્ટિકલ કર્મ માં શું ગાયન છે? સમાનતા નું. નિંદા-સ્તુતિ, જય-પરાજય, સુખ-દુઃખ બધામાં સમાનતા રહે, આને કહેવાય છે સંપૂર્ણતા ની સ્ટેજ. દુઃખ માં પણ ચહેરા અથવા મસ્તક પર દુઃખ ની લહેર ની જગ્યાએ સુખ અથવા હર્ષ ની લહેર દેખાઈ આવે. નિંદા સાંભળવાં છતાં પણ એવો જ અનુભવ થાય કે આ નિંદા નથી, સંપૂર્ણ સ્થિતિ ને પરિપક્વ કરવા માટે આ મહિમા યોગ્ય શબ્દ છે, આવી સમાનતા રહે. આને જ બાપદાદાનાં સમીપતા ની સ્થિતિ કહી શકાય. જરા પણ અંતર ન આવે - ન દૃષ્ટિ માં, ન વૃત્તિ માં. આ દુશ્મન છે કે ગાળ આપવા વાળો છે, આ મહિમા કરવા વાળો છે - આ વૃત્તિ ન રહે. શુભચિંતક આત્માની વૃત્તિ અથવા કલ્યાણકારી દૃષ્ટિ રહે. બંને પ્રત્યે એક સમાન, આને કહેવાય છે - સમાનતા. સમાનતા અર્થાત્ બેલેન્સ (સંતુલન) ઠીક ન હોવાનાં કારણે પોતાનાં ઉપર બાપ દ્વારા બ્લિસ (આનંદ) નથી લઈ શકતાં. બાપ બ્લિસફુલ (આનંદકારક) છે ને. જો પોતાની ઉપર બ્લિસ કરવી છે અથવા બાપ ની બ્લિસ લેવી છે તો એના માટે એક જ સાધન છે - સદૈવ બંને વાતો નું બેલેન્સ ઠીક રહે. જેમ સ્નેહ અને શક્તિ - બંને નું બેલેન્સ ઠીક રહે તો સ્વયં પોતાની બ્લિસ કે બાપ ની બ્લિસ મળતી રહેશે. બેલેન્સ ઠીક રાખતાં નથી આવડતું. જેમ તે નટ હોય છે ને. એમની વિશેષતા શું હોય છે? બેલેન્સ ની. વાત સાધારણ હોય છે પણ કમાલ બેલેન્સ નું હોય છે. નટ ની રમત જોઈ છે ને. અહીંયા પણ કમાલ બેલેન્સ ઠીક રાખવાની છે. બેલેન્સ ઠીક નથી રાખતાં. મહિમા સાંભળો છો તો વધારે નશો ચઢી જાય છે, ગ્લાનિ થી ઘૃણા આવી જાય છે. વાસ્તવ માં ન મહિમા નો નશો, ન ગ્લાનિ થી ઘૃણા આવવી જોઈએ. બંને માં બેલેન્સ ઠીક રહે. તો પછી સ્વયં જ સાક્ષી થઈને સ્વયં પોતાને જુઓ તો કમાલ અનુભવ થશે. સ્વયં પોતાના થી સંતુષ્ટતા નો અનુભવ થશે, બીજા લોકો પણ તમારા આ કર્મ થી સંતુષ્ટ થશે. તો આ જ પુરુષાર્થ ની કમી હોવાનાં કારણે બેલેન્સ ની કમી નાં કારણે બ્લિસફુલ જીવન જે હોવું જોઈએ એ નથી. તો હવે શું કરવું પડે? બેલેન્સ ઠીક રાખો. ઘણી એવી બે-બે વાતો હોય છે - ન્યારા અને પ્યારા, મહિમા અને ગ્લાનિ. તમારો પ્રવૃત્તિ માર્ગ છે ને. આત્મા અને શરીર પણ બે છે. બાપ અને દાદા પણ બે છે. બંને નાં કર્તવ્ય થી વિશ્વ-પરિવર્તન થાય છે. તો પ્રવૃત્તિ-માર્ગ અનાદિ, અવિનાશી છે. લૌકિક પ્રવૃત્તિ માં પણ જો એક ઠીક ચાલે છે, બીજો ઢીલો હોય છે, બેલેન્સ ઠીક નથી હોતું તો ખિટખિટ થાય છે, સમય વેડફાઈ જાય છે. જે શ્રેષ્ઠ પ્રાપ્તિ થવી જોઈએ એ નથી કરી શકતાં. એક પગ થી ચાલવા વાળા ને શું કહેવાય છે? લંગડો. એ ઊંચો કૂદકો મારી શકશે કે ઝડપ થી દોડી શકશે? તો આમાં પણ જો સમાનતા નથી તો આવાં પુરુષાર્થી ને શું કહેવામાં આવશે? જો પુરુષાર્થ માં એક વસ્તુ ની પ્રાપ્તિ વધારે હોય અને બીજા ની કમી અનુભવ કરો છો તો સમજવું જોઈએ કે ઊંચો કૂદકો નહીં મારી શકો, દોડી નહીં શકો. તો જ્યારે ઊંચો કૂદકો નહીં મારી શકો, દોડી નહીં શકો તો સંપૂર્ણતા નાં સમીપ કેવી રીતે આવશો? આ કમી આવી જાય છે જે સ્વયં પણ વર્ણન કરો છો. સ્નેહ નાં સમયે શક્તિ મર્જ (વિસ્મૃત) થઈ જાય છે, શક્તિ નાં સમયે સ્નેહ મર્જ થઈ જાય છે. તો બેલેન્સ ઠીક ન રહ્યું ને. બંને નું બેલેન્સ ઠીક રહે, એને કહેવાય છે કમાલ. એક સમયે એક જોર માં છે, બીજા સમય પર બીજું જોર માં છે તો પણ બીજી વાત. પરંતુ એક જ સમય પર બંને નું બેલેન્સ ઠીક રહે, એને કહેવાય સંપૂર્ણ. એક મર્જ થઈને બીજું ઇમર્જ (જાગૃત) થાય તો પ્રભાવ એકનો પડે છે. શક્તિઓનાં ચિત્રો માં સદૈવ બે ગુણો ની સમાનતા દેખાડે છે - સ્નેહી પણ અને શક્તિ-રુપ પણ. નયનો માં સદૈવ સ્નેહ અને કર્મ માં શક્તિ-રુપ. તો શક્તિઓ ને ચિત્રકાર પણ જાણે છે કે આ શિવ-શક્તિઓ બંને ગુણો ની સમાનતા રાખવા વાળી છે. એટલા માટે એ લોકો પણ ચિત્ર માં આ જ ભાવ ને પ્રગટ કરે છે. જ્યારે પ્રેક્ટિકલ માં કર્યુ છે ત્યારે તો ચિત્ર બન્યાં છે. તો આવી કમી ને હવે સંપન્ન બનાવો, ત્યારે જે પ્રભાવ નીકળવો જોઈએ એ નીકળી શકશે. હમણાં આ વાત નો પ્રભાવ વધારે, બીજો ઓછો હોવાનાં કારણે થોડો પ્રભાવ હોય છે. એક વાત નું વર્ણન કરી દે છે, બધાનું નથી કરી શકતાં. બનવાનું તો સર્વ-ગુણ-સંપન્ન છે ને. તો આમ સંપૂર્ણતાં ને સમીપ લાવો. જેમ ધર્મ અને કર્મ, બંને નો સહયોગ બતાવો છો. લોકો બંને ને અલગ કરે છે, તમે બંને નો સહયોગ બતાવો છો. તો કર્મ કરતાં સમયે ધર્મ અર્થાત્ ધારણા પણ સંપૂર્ણ હોય તો ધર્મ અને કર્મ બંનેનું બેલેન્સ ઠીક હોવાથી પ્રભાવ વધશે. કર્મ કરતાં સમયે કર્મ માં તો લાગી જાઓ છો અને ધારણા પૂરી નથી થતી. તો આને શું કહેવાશે? લોકો ને કહો છો - ધર્મ અને કર્મ અલગ કરવાનાં કારણે આજનું જીવન અથવા પરિસ્થિતિઓ આવી થઈ ગઈ છે. તો સ્વયં પોતાને પૂછો કે ધર્મ અને કર્મ અર્થાત્ ધારણાઓ અને કર્મ, બંને ની સમાનતાં રહે છે કે કર્મ કરતાં પછી ભૂલી જાઓ છો? જ્યારે કર્મ સમાપ્ત થાય છે ત્યારે ધારણા સ્મૃતિ માં આવે છે. જ્યારે કર્મ માં ખુબ વ્યસ્ત રહો છો, એ સમયે ધારણા પણ એટલી રહે છે કે જ્યારે કાર્ય હલકું હોય છે ત્યારે ધારણા ભારે હોય છે? જ્યારે ધારણા ભારે છે તો કર્મ હલકું થઈ જાય છે? ત્રાજવા ની બંને બાજુ એક સમાન ચાલતી રહે ત્યારે ત્રાજવા નું મૂલ્ય થાય છે. નહીં તો ત્રાજવા નું મૂલ્ય જ નથી. ત્રાજવું છે બુદ્ધિ. બુદ્ધિ માં બંને વાતો નું બેલેન્સ ઠીક છે તો એને શ્રેષ્ઠ બુદ્ધિવાન અથવા દિવ્ય બુદ્ધિવાન, તેજ બુદ્ધિવાન કહેશું. નહીં તો સાધારણ બુદ્ધિ. કર્મ પણ સાધારણ, ધારણાઓ પણ સાધારણ હોય છે. તો સાધારણતા માં સમાનતા નથી લાવવાની પણ શ્રેષ્ઠતા માં સમાનતા હોય. જેવાં કર્મ શ્રેષ્ઠ તેવી ધારણા પણ શ્રેષ્ઠ. કર્મ, ધારણા અર્થાત્ ધર્મ ને મર્જ ન કરી દે, ધારણા કર્મ ને મર્જ ન કરે તો ધર્મ અને કર્મ - બંને જ શ્રેષ્ઠતા માં સમાન રહે - આને કહેવાય ધર્માત્મા. ધર્માત્મા કહો કે મહાત્મા કે કર્મયોગી કહો, વાત એક જ છે. એવાં ધર્માત્મા બન્યાં છો? એવાં કર્મયોગી બન્યાં છો? એવાં બ્લિસફુલ બન્યાં છો? એકાંતવાસી પણ અને સાથે-સાથે રમણીકતા પણ એટલી જ હોય. ક્યાંક એકાંતવાસી અને ક્યાંક રમણીકતા! શબ્દો માં તો ઘણું અંતર છે, પણ સંપૂર્ણતા માં બંને ની સમાનતા હોય. જેટલાં જ એકાંતવાસી એટલી જ પછી સાથે-સાથે રમણીકતા પણ હશે.
એકાંત માં રમણીકતાં ગાયબ ન થવી જોઈએ. બંને સમાન અને સાથે-સાથે રહે. તમે જ્યારે રમણીકતા માં આવો છો તો કહો છો, અંતર્મુખતા થી નીચે આવી ગયાં અને અંતર્મુખતા માં આવો છો તો કહો છો, આજે રમણીકતા કેવી રીતે હોઈ શકે છે? પણ બંને સાથે-સાથે હોય. હમણાં-હમણાં એકાંતવાસી, હમણાં-હમણાં રમણીક. જેટલી ગંભીરતા એટલા જ મિલનસાર પણ થાઓ. એવું પણ નહીં - ફક્ત ગંભીરમૂર્ત છો. મિલનસાર અર્થાત્ બધાનાં સંસ્કાર અને સ્વભાવ થી મળવા વાળા. ગંભીરતા નો અર્થ એ નથી કે મળવાથી દૂર રહે. કોઈ પણ વાત અતિ માં સારી નથી હોતી. કોઈ વાત અતિ માં જાય છે તો એને તોફાન કહેવાય છે. એક ગુણ તોફાન સમાન હોય, બીજો મર્જ હોય તો સારું લાગશે? ના. તો આમ પોતાનામાં શક્તિશાળી ધારણા કરવાની છે. જેમ ઇચ્છો ત્યાં પોતાને ટકાવી શકો. એવું નહીં કે બુદ્ધિ રુપી પગ ટકી ન શકે. બેલેન્સ ઠીક ન હોવાનાં કારણે ટકી નથી શકતાં. ક્યારેક ક્યાંય, ક્યારેક ક્યાંય પડી જાય અથવા હાલતાં-ડોલતાં રહે છે. આ બુદ્ધિ ની હલચલ હોવાનાં કારણે, સમાનતા નથી અર્થાત્ સંપન્ન નથી. કોઈ પણ વસ્તુ જો ફુલ (ભરેલી) હોય તો એની વચ્ચે ક્યારેય હલચલ નથી થઈ શકતી. હલચલ ત્યારે થાય છે જ્યારે કમી હોય છે, સંપન્ન નથી હોતાં. તો આ બુદ્ધિમાં વ્યર્થ સંકલ્પો ની કે માયા ની હલચલ ત્યારે થાય છે જ્યારે ફુલ (ભરેલા) નથી, સંપન્ન નથી. બંને માં સંપન્ન અથવા સમાનતા હોય તો હલચલ થઇ જ નથી શકતી. તો સ્વયં પોતાને કોઇ પણ હલચલ થી બચાવવા માટે સંપન્ન બનતાં જાઓ તો સંપૂર્ણ થઈ જશો. સંપૂર્ણ સ્થિતિ અથવા સંપૂર્ણ સ્ટેજ અર્થાત્ સંપૂર્ણ વસ્તુ નો પ્રભાવ ન પડે - એ તો થઇ જ ન શકે. ચંદ્રમા પણ જ્યારે ૧૬ કળા સંપૂર્ણ થઈ જાય છે તો ન ઈચ્છવાં છતાં પણ દરેક ને પોતાની તરફ આકર્ષિત કરે છે. કોઈ પણ વસ્તુ સંપન્ન હોય છે તો આપમેળે જ આકર્ષિત કરે છે. તો સંપૂર્ણતા ની કમી નાં કારણે વિશ્વની સર્વ આત્માઓ ને આકર્ષિત નથી કરી શકતાં. જેટલી પોતાનામાં કમી છે એટલું આત્માઓ ને પોતાની તરફ ઓછું આકર્ષિત કરી શકો છો. ચંદ્રમા ની કળા ઓછી થાય છે તો કોઈનું ધ્યાન નથી જતું. જ્યારે સંપૂર્ણ થઈ જાય છે તો ન ઈચ્છવાં છતાં પણ બધાનું ધ્યાન જાય છે. કોઇ જુએ ન જુએ, પરંતુ જરુર જોવામાં તો આવે જ છે. સંપૂર્ણતાં માં પ્રભાવ ની શક્તિ હોય છે. તો પ્રભાવશાળી બનવા માટે સંપન્ન બનવું પડે. સમજ્યાં?
જો બેલેન્સ ઠીક નથી હોતું તો હાલવા-ડોલવાની જે રમત કરો છો, એને સાક્ષી થઈને જુઓ તો પોતાની ઉપર પણ ખુબ હસવું આવશે. જેવી રીતે કોઇ પોતાનાં પૂરા હોશ માં નથી હોતું તો એમની ચલન જોઈને હસવું આવે છે ને. તો સ્વયં પોતાને પણ જુઓ - જ્યારે માયા થોડા-ઘણાં પણ બેહોશ કરી દે છે, પોતાની શ્રેષ્ઠ સ્મૃતિ નાં હોશ ગાયબ કરી દે છે, તો એ સમયે ચાલ કેવી હોય છે? એ દૃશ્ય સામે આવે છે? એ સમયે જો સાક્ષી થઈને જુઓ તો સ્વયં પોતાનાં ઉપર હસવું આવશે. બાપદાદા સાક્ષી થઈને ખેલ જુએ છે. દરેક બાળક નો તો.... આવો ખેલ દેખાડવો સારો લાગે છે? બાપદાદા શું જોવા ઈચ્છે છે, એને પણ તમે જાણો છો. જ્યારે જાણો છો, માનો પણ છો, પછી ચાલતાં કેમ નથી? ત્રણ ખૂણા ઠીક હોય અને એક ઠીક ન હોય, તો શું થશે? ચારેય વાતો જાણતાં હોવાં છતાં પણ, માનવા છતાં પણ, વર્ણન પણ કરો છો પરંતુ થોડુંક ચાલો છો, થોડુંક નથી ચાલતાં. તો કમી થઈ ગઈ ને. હવે આ કમી ને ભરવાનો પ્રયત્ન કરો. જેવી રીતે બે-બે વાતો સંભળાવી ને. તો એવાં જ નોલેજફુલ (જ્ઞાનવાન) અને પાવરફુલ (શક્તિશાળી), આ બંને નું બેલેન્સ ઠીક રાખો તો સંપૂર્ણતાં નાં સમીપ આવી જશો. નોલેજફુલ વધારે બનો છો, પાવરફુલ ઓછા બનો છો; તો બેલેન્સ ઠીક નથી રહેતું. શક્તિઓ ને અને શક્તિ ને સમતોલ દેખાડે છે, આશીર્વાદ આપતાં દેખાડે છે. તો સ્વયં પોતાનાં બેલેન્સ માં ઠીક નહીં હશો, પોતાની ઉપર જ બેલેન્સ નહીં કરી શકો તો અનેકો માટે માસ્ટર બ્લિસફુલ કેવી રીતે બની શકશો? હમણાં તો બધાં આ વસ્તુ નાં ભિખારી છે. બ્લિસ નાં વરદાની કે મહાદાની, શિવ અને શક્તિઓનાં સિવાય કોઈ નથી. તો જે વસ્તુ નાં વરદાની કે મહાદાની છો એ પહેલાં સ્વયં માં સંપન્ન હશે ત્યારે તો બીજાને આપી શકશો ને. આવાં માસ્ટર નોલેજફુલ, બ્લિસફુલ અને એટલા જ કેયરફુલ (કાળજી વાળા), શ્રેષ્ઠ આત્માઓ ને નમસ્તે.