Search for a command to run...
14 May 1970
સમર્પણ નો ગુહ્ય અર્થ
14 May 1970 · ગુજરાતી
આજે વતનથી એક ભેટ લાવ્યાં છે. બતાવો કઈ ભેટ લાવ્યાં છે, ખબર છે? અવ્યક્ત રુપમાં ભેટ પણ અવ્યક્ત હશે ને. આજે વતન થી દર્પણ લઈ આવ્યાં છે. દર્પણ શા માટે લાવ્યાં છે? આપ સર્વ જે વિશેષ પ્રોગ્રામનાં માટે આવ્યાં છો તે કયો છે? સમર્પણ કરાવવાં આવ્યાં છો કે સંપૂર્ણ થવાં આવ્યાં છો? વતન થી દર્પણ લાવ્યાં છે બધાનાં અર્પણમયનું મુખડું જોવા માટે અને દેખાડવાં માટે. સમર્પણ થઈ ચૂક્યાં છો? બધાં થઇ ગયાં છો? આ સભાની અંદર કોણ સમજે છે કે અમે સમર્પણ થઈ ચૂક્યાં છીએ? સમર્પણ કોને કહેવાય છે? દેહ-અભિમાન માં સમર્પણ થયાં છો? સમર્પણ અથવા સંપૂર્ણ અર્પણ થયાં? હા કે ના બોલો. દેહ-અભિમાન થી સંપૂર્ણ અર્પણ થયાં છો? આમાં હા કેમ કહો છો? સ્વભાવ અર્પણ થયાં છે? (આમાં પુરુષાર્થ છે) સ્વભાવ અર્પણ નો સમારોહ ક્યારે કરશો? તમે લોકો કન્યા સમર્પણ સમારોહ મનાવવાં આવ્યાં છો પરંતુ બાપદાદા તે સમારોહ મનાવવાં ઈચ્છે છે. તે ક્યારે મનાવશો? એટલાં માટે કહ્યું કે દર્પણ લઈ આવ્યાં છે. એમાં ત્રણ વાતો જોઈ રહ્યાં છે. એક સ્વભાવ સમર્પણ, બીજી દેહ-અભિમાન નું સમર્પણ અને ત્રીજી સંબંધોનું સમર્પણ. દેહ અર્થાત્ કર્મેન્દ્રિયોનાં લગાવનું સમર્પણ. ત્રણે ચીજો દર્પણમાં જોઈ રહ્યાં છે. જ્યારે સ્વભાવ સમર્પણ સમારોહ થશે ત્યારે સંપૂર્ણ મૂર્ત નો સાક્ષાત્કાર થશે. અને દહેજ શું મળશે? જ્યારે આ સંપૂર્ણ સુહાગ પ્રાપ્ત થશે તો શ્રેષ્ઠ ભાગ્યનું દહેજ સ્વતઃ જ મળશે. પોતાનાં સુહાગને કાયમ રાખવાથી ભાગ્ય પણ કાયમ રહે છે. કહે છે ને સુહાગ, ભાગ્ય. તો સદા સુહાગ, સદા ભાગ્ય. જે જેટલાં સુહાગન રહે છે એટલાં જ શ્રેષ્ઠ ભાગ્યવાન બને છે. સુહાગ ની નિશાની હોય છે બિંદી. ટીક્કો અને બિંદી બંને જ હોય છે. તો જે સદા સુહાગન છે તેમને બિંદી રુપની સ્મૃતિ સદા કાયમ રહે છે. જો આ બિંદી રુપની સ્થિતિ સદા સાથે છે તો તે જ સદા સુહાગન છે. તો પોતાનાં સુહાગ થી ભાગ્યને જુઓ. જેટલો સુહાગ એટલું ભાગ્ય. અવિનાશી સુહાગ તો અવિનાશી ભાગ્ય. સદા પોતાનાં સુહાગ ને કાયમ રાખવા માટે ચાર વાતો યાદ રાખવાની છે. કઈ ચાર વાતો? ચાર વાતોમાંથી કોઈ એક વાત પણ બતાવો. જેમ સ્થૂળ દહેજ તૈયાર કરીને આવ્યાં છો ને.
તેમ આમાં કયા પુરુષાર્થનું દહેજ જોઈએ. કઈ ચાર વાતો છે? એક તો સદૈવ જીવનનો ઉદ્દેશ સામે હોય, બીજું બાપદાદાનો આદેશ, ત્રીજો સંદેશ અને ચોથો સ્વદેશ. જીવનનો ઉદ્દેશ સામે હોવાથી પુરુષાર્થ તીવ્ર ચાલશે અને બાપદાદાનાં આદેશને સ્મૃતિમાં રાખીને પુરુષાર્થ કરવાથી પુરુષાર્થમાં પણ સફળતા મળે છે. બધાંને સંદેશ આપવાનો છે, જેને સર્વિસ (સેવા) કહેવામાં આવે છે અને હવે શું યાદ રાખવાનું છે? સ્વદેશ, કે હવે ઘરે જવાનું છે. હવે પાછાં જવાનો સમય છે. સમય સમીપ આવી પહોંચ્યો છે. આ ચાર વાતોમાં કોઈ પણ વાતની કમી છે તો તે કમી નું નામ જ કમજોર પુરુષાર્થી છે. કમી ને ભરવા માટે આ ચાર શબ્દ સામે રાખો. બાપદાદા બાળકોને આજે એક નવું ટાઈટલ (ખિતાબ) આપી રહ્યાં છે. લો મેકર્સ (કાયદો બનાવવા વાળા). તે લોકો પીસ મેકર્સ (શાંતિ સ્થાપક) ટાઇટલ આપે છે. પરંતુ આજે બાપદાદા બધાં બાળકોને ટાઇટલ આપે છે કે તમે બધાં લો મેકર્સ છો. જે પણ સતયુગી કાયદા ચાલવાનાં છે તેને બનાવવા વાળા આપ છો. અમે લો મેકર્સ છીએ - આ સ્મૃતિમાં રાખશો તો કોઈ પણ પગલું સમજી વિચારી ને ઉઠાવશો. તમે જે પગલું ઉઠાવો છો તે સમજો કાયદો બની રહ્યો છે. જેમ જસ્ટિસ (ન્યાયાધીશ) અથવા ચીફ જસ્ટિસ (મુખ્ય ન્યાયાધીશ) હોય છે તે જે પણ ફાઇનલ (નિર્ણય) કરે છે તો તે કાયદો બની જાય છે. તો અહીંયા પણ બધાં જસ્ટિસ બેઠાં છે. લો મેકર્સ છો. એટલે એવું કોઈપણ કાર્ય નથી કરવાનું. જ્યારે છો જ લો મેકર્સ તો જે સંકલ્પ તમે કરશો, જે કદમ તમે ઉઠાવશો, તમને જોઈને આખું વિશ્વ ફોલો (અનુકરણ) કરશે. તમારા લોકોની પ્રજા તમને લોકોને ફોલો કરશે. તો એવાં પોતાને સમજી પછી દરેક કર્મ કરો. એમાં પણ નંબર હોય છે. પરંતુ છે તો બધાં લો મેકર્સ.
આજે બાપદાદા આ સભાને જોઈ હર્ષિત થઇ રહ્યાં હતાં. કેટલાં લો મેકર્સ ભેગા થયાં છે. એવું પોતાને સમજીને ચાલો છો? આટલી મોટી જવાબદારી સમજીને ચાલવાથી પછી નાની-નાની વાતો સ્વતઃ જ ખતમ થઇ જાય છે. સુવિચાર પણ છે જે કર્મ હું કરીશ મને જોઈ બધાં કરશે. આ સુવિચાર સદૈવ યાદ રાખશો ત્યારે જ કાર્ય ઠીક કરી શકશો. પોતાને એકલાં નહી સમજો. તમારાં એક-એક ની પાછળ તમારી રાજધાની છે. તે પણ તમને જોઈ રહ્યાં છે. એટલે આ યાદ રહે કે જે કર્મ હું કરીશ મને જોઈ બધાં કરશે. આનાથી શું થશે કે બધાનાં સ્વભાવ કે સંસ્કારોનો સમર્પણ સમારોહ જલ્દી થઈ જશે. હવે આ સમારોહ ને સ્ટેજ (મંચ) પર લાવવા માટે જલ્દી-જલ્દી તૈયારી કરવાની છે.અચ્છા.
“બે કુમારીઓનું સમર્પણ સમારોહ”
આજે કયા કાર્ય માટે બોલાવ્યાં છે? સતયુગ માં માતા-પિતા રાજસિંહાસન પર બેસાડે છે. સંગમ પર કયું રાજતિલક મળે છે, ખબર છે? સંગમનું તિલક લગાવેલું છે કે લગાવવાનું છે? સંગમનાં તખ્તનશીન થયાં છો? સર્વિસની જવાબદારી નો તાજ છે, તખ્ત કયું છે? સંગમનાં તખ્તનશીન થયાં પછી જ સતયુગનાં તખ્તનશીન થશો. સર્વ ઘરેણાથી શૃંગાર કરી લીધો છે કે તે પણ કરી રહ્યાં છો? આ ઘડી ઘરેણા થી સજેલાં છો. સંગમયુગથી જ આ બધાં રીતરિવાજ આરંભ થઇ રહ્યાં છે. કારણ કે સંગમયુગ છે બધી વાતોનાં બીજ નાખવાનો સમય. જેમ બીજ વાવવાનો સમય હોય છે ને. તેમ જ દરેક દૈવી રિવાજ નાં બીજ નાખવાનો આ સંગમયુગ છે. બીજરુપ દ્વારા સર્વ વાતોનું બીજ પડે છે. એ બીજ રુપ ની સાથે-સાથે તમે બધાં પણ બીજ નાખવાની મદદ કરજો. આજનાં દિવસે એમ જ સાધારણ ફંકશન (કાર્યક્રમ) નથી થઈ રહ્યું. પરંતુ સંભળાવ્યું ને કે આપ સર્વ લો મેકર્સ છો. આ રીતરિવાજ નું બીજ નાખવાનો દિવસ છે. એટલો નશો છે? આની બધી રીત બ્રાહ્મણો દ્વારા થાય છે. કેટલું મોટું કાર્ય કરવાનાં નિમિત્ત છો (વિશ્વને બદલવાનું). કેટલાં સમયમાં વિશ્વને બદલશો? પોતાને કેટલાં સમયમાં તૈયાર કરશો? એવરરેડી છો? આજે બધાં પોતાને કયા રુપમાં અનુભવ કરી રહ્યાં છો? કયા રુપમાં બેઠાં છો? જેવો દિવસ એવું રુપ હોય છે ને. આ સંગમનો દરબાર સતયુગી દરબાર થી પણ ઊંચો છે. આજે બધાં પોતાને સર્વ શૃંગાર થી સજેલાં જોઈ રહ્યાં છો કે ફક્ત આમને (કુમારીઓ) જ જોઈ રહ્યાં છો. તમારો એક-એક નો સંગમયુગ નો શૃંગાર પૂરાં સતયુગી શૃંગાર થી પણ શ્રેષ્ઠ છે. તો બાપદાદા બધી શૃંગાર કરેલી મૂર્તિઓને જોઈ રહ્યાં છે. સતયુગી તાજ આ તાજની આગળ કાંઈ નથી. સંગમ નો તાજ મળેલો છે? આ તાજ અને તખ્ત સદૈવ કાયમ રહે એનાં માટે શું પ્રયત્ન કરશો? આનાં માટે ત્રણ વાતો યાદ રાખવાની છે. આ જે સ્વયંવરનો સમારોહ થાય છે, તાજપોશી (રાજ્યાભિષેક) માં પણ જે રીત રિવાજ હોય છે તે બધાં અહીંયા સંગમ પર જ કોઈ ને કોઈ રુપમાં હોય છે. ખબર છે આજની દુનિયામાં શું રીત રિવાજ છે? કેટલાં પ્રકારનાં રિવાજ છે? એક બ્રાહ્મણો દ્વારા થાય છે. બીજો કોર્ટ દ્વારા, ત્રીજો મંદિરો અને ગુરુઓ દ્વારા. આ ત્રણેય રિવાજોનાં કોઈ ને કોઈ રુપમાં અહીંયા બીજ પડે છે. આ મધુબન મંદિર પણ છે, ચૈતન્ય મંદિર છે. આ મંદિર ની વચ્ચે આત્મા અને પરમાત્મા નાં લગ્ન થાય છે. સાથે-સાથે કોર્ટ નો જે રિવાજ છે એ પણ અહીંયા થી શરું થાય છે. સંભળાવ્યું ને કે તમે લો મેકર્સ છો. આમની આગળ આ વાયદો કરશો તો આ કોર્ટ થઈ ને. ત્રણેય રિવાજ આ સંગમ પર અલૌકિક રુપ થી થાય છે. જેનું યાદગાર સ્થૂળ રુપમાં ચાલતું રહે છે.
અચ્છા ત્રણ વાતો કઈ યાદ રાખવાની છે? એક તો પોતાને ઉપકારી સમજીને ચાલવાનું છે, બીજું નિરહંકારી, ત્રીજું અધિકારી. અધિકાર પણ સામે રાખવાનો છે અને નિરંહકાર નો ગુણ પણ સામે રાખવાનો છે અને ઉપકાર કરવાનું કર્તવ્ય પણ સામે રાખવાનું છે. આ ત્રણેય વાતો સદૈવ યાદ રાખવાની છે. કેટલાં પણ કોઈ અપકારી હોય પરંતુ પોતાની દૃષ્ટિ અને વૃત્તિ ઉપકારી હોય. અધિકારી સમજીને પણ ચાલવાનું છે પરંતુ નિરહંકારી પણ. જેટલાં અધિકારી એટલાં નિરહંકારી. ત્યારે આ તાજ અને તખ્ત સદૈવ કાયમ રહેશે. સમજ્યાં. અચ્છા.