Search for a command to run...
19 Jul 1972
સંગઠન નું મહત્વ તથા સંગઠન દ્વારાં સર્ટીફિકેટ (પ્રમાણપત્ર)
19 July 1972 · ગુજરાતી
સ્વયં ને મોતી અથવા મણકા સમજો છો? મોતી અથવા મણકાની વેલ્યુ (કિંમત) શેમાં હોય છે? મણકા અથવા મોતી માળાથી અલગ હોય છે તો એની વેલ્યુ ઓછી કેમ થાય છે? માળા માં પરોવાથી એની વેલ્યુ થાય છે. અલગ થવાથી ઓછી કેમ થાય છે? કારણ? સંગઠન માં હોવાનાં કારણે એ મોતી, મણકા શક્તિશાળી થઈ જાય છે. એક થી બે પણ પરસ્પર મળી જાય છે તો બે ને ૧૧ કહેવાય છે. એક ને એક જ કહેવાશે. બે મળીને ૧૧ થઈ જાય છે. તો ક્યાં એક, ક્યાં અગિયાર! એટલી એની વેલ્યુ વધી જાય છે. બે નાં બદલે ૧૧ કહેવામાં આવે છે. સંગઠન ની શક્તિ ને પ્રસિદ્ધ કરવા માટે એવું કહેવામાં આવે છે. તમે પોતાને કયા મોતી સમજો છો? માળા નાં મોતી છો કે ઇન્ડિપેન્ડેટ (સ્વતંત્ર) મોતી છો? પોતાની વેલ્યુ ને જોતાં, પોતાની શક્તિ ને જોતાં જ એમ અનુભવ કરો છો કે અમે માળા નાં મણકા છીએ? એક-બીજા ને એવાં સંગઠન નાં રુપ માં પરોવેલાં વેલ્યુબલ મોતી સમજો છો? બીજા પણ તમને સમજે છે કે ફક્ત તમે જ પોતાને સમજો છો? જેમ કોઇ વિશેષ કાર્ય કરે છે અથવા કોઈ પણ રીતે વિજયી બનીને આવે છે તો એમને મેડલ (પદક) મળે છે ને. એમ જ જે હજું સુધી પુરુષાર્થ કરી રહ્યાં છે, એનું સર્ટિફિકેટ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લેવા માટે જ વચ્ચે-વચ્ચે આ સંગઠન થાય છે. તો આ સંગઠન માં દરેકે પોતાને સંગઠિત રુપ માં ચાલવાનું, સંગઠન ની શક્તિ ની વેલ્યુ નું મેડલ લીધું છે? યુનિવર્સિટી (વિશ્વ-વિદ્યાલય) માં આવ્યાં છો ને. તો હમણાં સુધી નાં પુરુષાર્થ અથવા ઈશ્વરીય સેવા નું સર્ટીફીકેટ તો લેવું જોઈએ ને. બધાં એક-બીજા થી ક્યાં સુધી સંતુષ્ટ છે અથવા એક-બીજા નાં સમીપ કેટલાં છે, એનું સર્ટિફિકેટ લેવાનું હોય છે. એક તો છે પોતાનાં સંગઠન માં અથવા સંપર્ક માં સહયોગ અને બધાનાં સ્નેહી રહેવાનું મેડલ અથવા ઇનામ, બીજું છે ઇશ્વરીય સેવા માં પોતાનાં પુરુષાર્થ થી વધારે માં વધારે પ્રત્યક્ષતા કરવી એનું ઇનામ. ત્રીજું પછી છે જેઓ જે સ્થાન નાં નિમિત્ત બનેલાં છે, એ સ્થાન ની આત્માઓ એમનાથી સંતુષ્ટ છે અથવા કોઈ સ્વયં બધાં થી સંતુષ્ટ છે. જો સ્વયં પણ સંતુષ્ટ નથી તો પણ ખામી રહી અને આવવા વાળા માંથી એક પણ સંતુષ્ટ નથી તો એ પણ ખામી રહી. ટીચર (શિક્ષક) થી બધાં સંતુષ્ટ છો. ટીચર નું ભણતર અથવા સંબંધ માં જેને તમે લોકો હેન્ડલિંગ (પાલના) કહો છો, એનાથી બધાં સંતુષ્ટ છે તો એનું પણ ઇનામ હોય છે. પહેલાં શરું માં માળા બનાવતાં હતાં, શેનાં માટે? ઉમંગ-ઉત્સાહ વધારવા માટે. જે સમયે જેઓ જે સ્ટેજ (અવસ્થા) પર છે એમને એ સ્ટેજ મળવાથી ખુશી થાય છે. ઉમંગ-ઉત્સાહ વધારવા માટે અને એક-બીજા ની દેખરેખ કરાવવા માટે આ સાધન બનાવતા હતાં. આનો ભાવ એ નહોતો કે એ કોઈ ફાઈનલ (અંતિમ) સ્ટેજ નું મેડલ છે. આ છે સમય ની, પુરુષાર્થ ની બલિહારી નું. આનાથી ઉમંગ-ઉલ્લાસ આવે છે, રીઝલ્ટ (પરિણામ) ની ખબર પડે છે - કોણ કયા પુરુષાર્થ માં છે અથવા કોનું પુરુષાર્થ માં અટેન્શન (ધ્યાન) છે અથવા પાસ થઈને વિજય નાં અધિકારી બન્યાં છે. આને જોઈ ને પણ ખુશ થાય છે. તમે લોકો હજું પણ પોતાનાં ક્લાસીસ (વર્ગ) માં કોઈને ઇનામ આપો છો ને. ઇનામ કોઈ મોટી વસ્તુ નથી, ભલે એક રુમાલ જ આપો, પણ એની વેલ્યુ હોય છે. જે પુરુષાર્થ કર્યો એ વિજયી ની વેલ્યુ હોય છે, ન કે વસ્તુ ની. તમે કોઈને થોડીક સેવા નું ઈનામ આપો છો અથવા ક્લાસ માં નામ જાહેર કરો છો તો ભવિષ્ય માટે એમની છાપ લાગી જાય છે, ઉમંગ-ઉત્સાહ નું તિલક લાગી જાય છે. કોઈ-કોઈ તો વિશેષ આત્માઓ પણ વિશેષ કર્તવ્ય કરતાં રહે છે ને. છતાં પણ નિમિત્ત બનેલાં છે. જરુર કોઇ શ્રેષ્ઠતા અથવા વિશેષતા છે, ત્યારે તો ડ્રામા અનુસાર સમર્પણ થયાં પછી, સર્વસ્વ ત્યાગી બન્યાં પછી બીજા ની સેવા માટે નિમિત્ત બન્યાં છો ને. દરેક માં કોઈ વિશેષતા જરુર છે. એક-બીજા ની વિશેષતા નો પણ એક-બીજા ને પરિચય હોવો જોઈએ, ખામીઓ નો નહીં. તમે લોકો પરસ્પર જ્યારે સંગઠન કરો છો તો એક-બીજા ની તરફ નાં સમાચાર શાં માટે સંભળાવો છો? દરેક માં જે વિશેષતા છે એ પોતાનામાં ભરવા માટે. દરેક ને બાપ-દાદા નાં જ્ઞાન દ્વારાં કોઈ વિશેષ ગુણ પ્રાપ્ત થાય છે. પોતાનાં નહીં, મારો ગુણ નહીં, જ્ઞાન દ્વારાં પ્રાપ્ત થયો. એમાં અભિમાન નહીં આવશે. જો પોતાનો ગુણ હોત તો ઓળખવા થી જ હોત. પરંતુ જ્ઞાન મળ્યાં પછી ગુણવાન બન્યાં છો. પહેલાં તો ભક્તિ માં ગાતા હતાં કે - હમ નિર્ગુણ હારે મેં કોઈ…. તો આ સ્વયં નો ગુણ નહીં કહેશું, જ્ઞાન દ્વારાં સ્વયં માં ભરતાં જાઓ છો. એટલે વિશેષતા નાં ગુણ વર્ણન કરતાં આ સ્મૃતિ રહે જ્ઞાન દ્વારાં અમને પ્રાપ્ત થયો છે. તો જ્ઞાન ની મહાનતા છે, ન કે તમારી. નોલેજફુલ (જ્ઞાની) ની મહાનતા છે. એ જ રુપ થી જો એક-બીજા માં વર્ણન કરો તો આમાં પણ એક-બીજા થી વિશેષતાઓ લેવામાં લાભ થાય છે. પહેલાં તમારાં લોકોનો એ નિયમ ચાલતો હતો કે પોતાનાં વર્તમાન સમય નો સૂક્ષ્મ પુરુષાર્થ શું છે, એનું વર્ણન કરતાં હતાં. ઉપર-ઉપર ની વાત નહીં પરંતુ સૂક્ષ્મ કમજોરીઓ ઉપર કયા પુરુષાર્થ થી વિજય પ્રાપ્ત કરી રહ્યાં છો, એ એક-બીજા સાથે વર્ણન કરતાં હતાં. આનાંથી એક-બીજા ને એક-બીજા નો પરિચય હોવાનાં કારણે, જેમનામાં જે વિશેષતા હોય એનું વર્ણન થવાથી ઓટોમેટિકલી (આપોઆપ) એની કમજોરી તરફ અટેન્શન (ધ્યાન) ઓછું થઈ જશે, વિશેષતા તરફ જ અટેન્શન જશે. પહેલાં પરસ્પર આવી સૂક્ષ્મ રુહ-રુહાન કરતાં હતાં. આનાથી લાભ ખુબ થાય છે. એક-બીજા નાં વર્તમાન સમય નાં પુરુષાર્થ ની વિશેષતા જ પરસ્પર વર્ણન કરો તો પણ સારું વાતાવરણ રહેશે. જ્યારે ટોપીક (વિષય) જ આ થઈ જશે તો બીજા ટોપિક્સ ઓટોમેટિકલી રહી જશે. તો આ પરસ્પર માં મળવાનું રુપ હોવું જોઈએ, અને દરેક ની વિશેષતા બેસીને જો જુઓ તો ઘણી સારી છે. એવું બની નથી શકતું જે કોઈ સમજે મારાં માં કોઈ વિશેષતા નથી. એનાથી સિદ્ધ થાય છે કે સ્વયં સ્વયં ને ઓળખતાં નથી. દૃષ્ટિ અને વૃત્તિ એવી નેચરલ (સ્વાભાવિક) થઈ જવી જોઈએ જેમ તમે લોકો બીજા ને ઉદાહરણ આપો છો કે જેમ હંસ હોય છે તો એની દૃષ્ટિ શેમાં જશે? કાંકરાઓ ને જોતાં પણ એ મોતી ને જુએ છે. એ જ પ્રમાણે નેચરલ દૃષ્ટિ કે વૃત્તિ એવી હોવી જોઈએ કે કોઈની કમજોરી અથવા કોઈ પણ વાત સાંભળતાં અથવા જોતાં પણ એ અંદર ન જવી જોઈએ, ઉલટા નું જે સમયે કોઈની પણ કમજોરી સાંભળતાં અથવા જોતાં હોય તો સમજવું જોઈએ - આ કમજોરી એમની નથી, મારી છે કારણ કે અમે બધાં એક જ બાપ નાં, એક જ પરિવાર નાં, એક જ માળા નાં મણકા છીએ. જો માળા ની વચ્ચે જેવું-તેવું મોતી હોય છે તો આખી માળા ની વેલ્યુ ઓછી થઈ જાય છે. તો જ્યારે એક જ માળા નાં મણકા છો તો શું વૃત્તિ હોવી જોઈએ કે આ મારી પણ કમજોરી થઈ. જેમ કોઇ તીવ્ર પુરુષાર્થી હોય છે તો પોતાનામાં જે કમજોરી જોશે, એ મળેલી યુક્તિઓનાં આધાર પર તરત જ એને ખતમ કરી દે છે, ક્યારેય વર્ણન નહીં કરે. જ્યારે પોતાની કમજોરી જાહેર નથી કરવા ઇચ્છતાં તો બીજા ની કમજોરી પણ કેમ વર્ણન કરો છો? ફલાણા એ સાથ ન આપ્યો અથવા આ વાત ન કરી, એટલાં માટે સેવા ની વૃદ્ધિ નથી થતી, અથવા મારાં પુરુષાર્થ માં ફલાણી વાત, ફલાણી આત્મા, વિઘ્ન રુપ છે - આ તો પોતાની જ બુદ્ધિ દ્વારાં કોઈ આધાર બનાવીને એનાં ઉપર સ્થિર થવાની કોશિશ કરો છો. પરંતુ એ આધાર ફાઉન્ડેશનલેસ (પાયાહીન) છે, એટલાં માટે એ સ્થિર નથી રહેતો. થોડા સમય પછી એ જ આધાર નુકસાનકારક બની જાય છે. એટલાં માટે હોલી-હંસ (પવિત્ર-હંસ) છો ને. તો હોલી હંસો ની ચાલ કઈ હોય છે? દરેક ની વિશેષતાઓ ને ગ્રહણ કરવી અને કમજોરીઓ ને ખતમ કરવાનો પ્રયત્ન કરવો. તો આવો પુરુષાર્થ ચાલી રહ્યો છે? અમે બધાં એક છીએ - આ સ્મૃતિ માં રાખતાં પુરુષાર્થ ચાલી રહ્યો છે? એ જ આ સંગઠન ની વિશેષતા કે ભિન્નતા છે જે આખાં વિશ્વમાં કોઇ પણ સંગઠન ની નથી. બધાં જોવા વાળા, આવવા વાળા, સાંભળવા વાળા શું વર્ણન કરે છે કે અહીંયાં એક-એક આત્મા નું ઉઠવું, બોલવું, ચાલવું બધું એક જેવું છે. આ જ વિશેષતા નું ગાયન કરે છે. તો જે એકતા કે એક વાત, એક જ ગતિ, એક જ રીત, એક જ નીતિ નું ગાયન છે, એ જ પ્રમાણે પોતાને ચેક (તપાસ) કરો. વર્તમાન સમય નાં પુરુષાર્થ માં કારણ શબ્દ સમાપ્ત થઈ જવો જોઈએ. કારણ શું વસ્તુ છે? હવે તો આગળ વધતાં જાઓ છો ને. જ્યારે સૃષ્ટિનાં પરિવર્તન, પ્રકૃતિનાં પરિવર્તન ની જવાબદારી ને ઉઠાવવાની હિંમત રાખવા વાળા છો, ચેલેન્જ (પડકાર) કરવાવાળા છો; તો પછી કારણ શું વસ્તુ છે? કારણ ની રચના ક્યાંથી થાય છે? કારણ નું બીજ શું હોય છે? કોઈ-ને-કોઈ પ્રકાર ની ભલે મન્સા, ભલે વાચા, ભલે સંપર્ક કે સંબંધ માં આવવાની કમજોરી હોય છે. આ કમજોરી થી જ કારણ ઉત્પન્ન થાય છે. તો રચના જ વ્યર્થ છે ને. કમજોરી ની રચના કેવી હશે? જેવું બીજ એવું ફળ. તો જ્યારે રચના જ ઉલટી છે તો એને ત્યાં જ ખતમ કરવી જોઈએ કે એનો આધાર લઈને આગળ વધવું જોઈએ? ફલાણા કારણ નું નિવારણ થાય તો આગળ વધીએ, કારણ નું નિવારણ થાય તો સેવા વધશે, વિઘ્ન હટશે - હવે આ ભાષા પણ બદલો. તમે બધાં ને નિવારણ આપવા વાળા છો ને. તમારાં લોકો ની પાસે અજ્ઞાની લોકો કારણ નું નિવારણ કરવા આવે છે ને? જે અનેક પ્રકાર નાં કારણો નું નિવારણ કરવા વાળા છે એ આ આધાર કેવી રીતે લઈ શકે! જ્યારે બધાં આધાર ખતમ થયાં તો પછી આ દેહ-અભિમાન, સંસ્કાર ઓટોમેટીકલી ખતમ થઈ જશે. આ વાતો જ દેહ-અભિમાન માં લાવે છે. વાતો જ ખતમ થઇ જશે તો એનું પરિણામ પણ ખતમ થઇ જશે. નાનાં-નાનાં કારણ માં આવવાથી ભિન્ન-ભિન્ન પ્રકારનાં દેહ-અભિમાન આવી જાય છે. તો શું હજું સુધી દેહ-અભિમાન ને છોડ્યું નથી? ખુબ પ્રિય લાગે છે? હવે પોતાની ભાષા અને વૃત્તિ બધું પરિવર્તન કરો. કોઈ ને પણ કોઈ પણ સમયે, કોઈ પણ પરિસ્થિતિ માં, કોઈ પણ સ્થિતિ માં જુઓ છો, પરંતુ વૃત્તિ અને ભાવ જો યથાર્થ છે તો તમારી ઉપર એનો પ્રભાવ નહીં પડે. કલ્યાણ ની વૃત્તિ અને ભાવ શુભચિંતક નો હોવો જોઈએ. જો આ વૃત્તિ અને ભાવ સદા ઠીક રાખો તો પછી આ વાતો જ નહીં આવશે. કોઈ કાંઈ પણ કરે, કોઈ તમારાં વિઘ્ન રુપ બને પરંતુ તમારો ભાવ એવાં ની ઉપર પણ શુભચિંતકપણા નો હોય - એમને કહેવાય છે તીવ્ર પુરુષાર્થી કે હોલી હંસ. જેનો તમારાં પ્રત્યે શુભ ભાવ છે એનાં પ્રત્યે તમે પણ શુભ ભાવ રાખો છો એ કોઈ મોટી વાત નથી. કમાલ એવી કરવી જોઈએ જે ગાયન થાય. અપકારી પર ઉપકાર કરવા વાળાનું ગાયન છે. ઉપકારી પર ઉપકાર કરવો - આ મોટી વાત નથી. કોઈ વારંવાર પાડવાની કોશિશ કરે, તમારાં મન ને ડગમગ કરે, તો પણ તમારો એમનાં પ્રત્યે સદા શુભચિંતક નો અડોલ ભાવ હોય, વાત ઉપર ભાવ ન બદલાય. સદા અચળ-અટલ ભાવ હોય, ત્યારે કહેશું હોલી હંસ છે. પછી કોઈ વાતો જોવા માં જ નહીં આવે. નહીં તો એમાં પણ સમય ઘણો વેસ્ટ (વ્યર્થ) જાય છે. બાળપણ માં તો સમય વ્યર્થ જાય જ છે. બાળક સમય વેડફશે તો કહેશે બાળક છે. પરંતુ સમજદાર જો સમય વેસ્ટ કરી રહ્યાં છે….! બાળક નો વેસ્ટ સમય ફીલ (જણાશે) નહીં થશે, એમનું તો કામ જ એ છે. તો તમે હવે જે સેવા નાં અર્થ નિમિત્ત બન્યાં છો એ સ્ટેજ જ જગત-માતા ની છે. વિશ્વ-કલ્યાણકારી છો ને. હદ નું કલ્યાણ કરવા વાળા અનેક છે. વિશ્વ-કલ્યાણ ની ભાવનાની સ્ટેજ છે, જગત-માતા. તો જગત-માતાની સ્ટેજ પર રહેતાં જો આ વાતો માં સમય વ્યર્થ કરે તો શું સમજશું? પંજાબ ની ધરતી પર કૌરવ ગવર્મેન્ટ ને માન છે, તો પાંડવ ગવર્મેન્ટ ને પણ માન છે. પંજાબ ની વિશેષતા એ છે જે બાપદાદા નાં કાર્ય માં મદદગાર ફળ-સ્વરુપ સૌથી વધારે પંજાબ થી નીકળ્યાં છે. સિન્ધ થી નીકળેલાં નિમિત્ત બનેલાં રત્નોએ આપ રત્નો ને શોધ્યાં. હવે પછી તમારાં લોકો નું કર્તવ્ય છે આવાં સારાં રત્ન શોધો. ખીટ-પીટ વાળા ન હોય. તમારાં લોકો દ્વારાં જે સબૂત નીકળવું જોઈએ હવે એ પોતાની ચેકિંગ કરો. પોતાની રચના થી ક્યારેય તંગ (હેરાન) થઇ જાઓ છો શું? આ તો બધું શરું થી ચાલતું આવ્યું છે. તમારાં લોકો માટે તો વધારે જ સહજ છે. તમારે લોકોએ કોઈ સ્થૂળ પાલના નથી કરવી પડતી, ફક્ત રુહાની પાલના. પરંતુ પહેલો સમૂહ નીકળવાનાં સમયે તો બંને જવાબદારી હતી. એક જવાબદારી ને પૂરી કરવી સહજ હોય છે, બંને જવાબદારીઓમાં સમય આપવો પડે છે. તો પણ પહેલો સમૂહ નીકળ્યો તો ખરો ને. હવે તમારાં બધાનું પણ આ લક્ષ્ય હોવું જોઈએ કે જલ્દી-જલ્દી પોતાનાં સમીપ આવવા વાળા અને પ્રજા - બંને પ્રકાર ની આત્માઓ ને હવે પ્રત્યક્ષ કરીએ. એ પ્રત્યક્ષફળ દેખાઈ આવે. હમણાં મહેનત વધારે કરો છો, પ્રત્યક્ષફળ એટલું દેખાતું નથી. એનું કારણ શું છે? બાપદાદા ની પાલના અને તમારાં લોકો ની ઈશ્વરીય પાલના માં મુખ્ય અંતર શું છે જેનાં કારણે શમા (જ્યોતિ) ની ઉપર જેમ પરવાના (પતંગિયા) ફિદા (આશિક) થવા જોઈએ એ નથી થઈ શકતાં? ડ્રામા માં પાર્ટ છે એ વાત અલગ છે પણ બાપ સમાન તો બનવાનું જ છે ને. પ્રત્યક્ષફળ નો અર્થ એ નથી કે એક દિવસ માં વારિસ બની જશે પણ જેટલી મહેનત કરો છો, આશા રાખો છો, એ પ્રમાણે પણ ફળ નીકળે તો પ્રત્યક્ષફળ કહેવાય. એ કેમ નથી નીકળતું? બાપદાદા કોઈ પણ કર્મનાં ફળ ની ઇચ્છા નથી રાખતાં. એક તો નિરાકાર હોવાનાં કારણે પ્રાલબ્ધ જ નથી તો ઈચ્છા પણ નથી થઈ શકતી અને સાકાર માં પણ પ્રેક્ટિકલ પાર્ટ ભજવ્યો તો પણ દરેક વચન અને કર્મ માં સદૈવ પિતાની સ્મૃતિ હોવાનાં કારણે ફળ ની ઈચ્છા નો સંકલ્પ માત્ર પણ ન રહ્યો. અને અહીંયા શું થાય છે - જો કોઈ કંઈ કરે છે તો અહીંયા જ એ ફળ ની પ્રાપ્તિ ની ઈચ્છા રહે છે. જેમ વૃક્ષ પર ફળ લાગે જરુર છે પણ ત્યાં ને ત્યાં જ ફળ ખાવા લાગશો તો એનું ફળ પૂરું પાકીને પ્રેક્ટિકલ માં આવે, એ ક્યારેય નહીં થશે કારણ કે કાચું ફળ જ ખાઈ લીધું. આ પણ એવું છે, જે કંઈ કર્યુ એનાં ફળ ની ઈચ્છા સૂક્ષ્મ માં પણ રહે છે જરુર, તો કર્યુ અને ફળ ખાધું; પછી ફળ સ્વરુપ કેવી રીતે દેખાશે? અડધા માં જ રહી ગયાં ને. ફળ ની ઈચ્છાઓ પણ ભિન્ન-ભિન્ન પ્રકાર ની છે, જેમ અપાર દુઃખો નું લિસ્ટ છે. એમ ફળ ની ઇચ્છાઓ અથવા જે એનો રિસ્પોન્સ (પ્રતિભાવ) લેવાનો સૂક્ષ્મ સંકલ્પ જરુર રહે છે. કંઇક-ને-કંઇક એક-બે ટકા પણ હોય છે જરુર. બિલ્કુલ નિષ્કામ વૃત્તિ રહે - એવું નથી થતું. પુરુષાર્થ નાં પ્રાલબ્ધ નું જ્ઞાન હોવા છતાં પણ એમાં અટેચમેન્ટ (લગાવ) ન હોય, એવી અવસ્થા ખુબ ઓછી છે. ઉદાહરણ - તમે લોકોએ કોઈ ની સેવા કરી, આઠ ને સમજાવ્યું, એનાં પરિણામ માં એક-બે તમારી મહિમા કરે છે અને બીજા ન મહિમા, ન ગ્લાનિ કરે છે, ગંભીરતા થી ચાલે છે. તો પછી પણ જોવાશે - આઠ માંથી તમારું ધ્યાન એક-બે ટકાવારી માં પણ એ બે ત્રણ તરફ વધારે જશે જેમણે મહિમા કરી; એની ગંભીરતા ની પરખ ઓછી હશે, બહાર (ઉપર-ઉપર) થી જે એમણે મહિમા કરી એને સ્વીકાર કરવાનાં સંસ્કાર પ્રત્યક્ષ થઈ જશે. બીજા શબ્દો માં કહે છે - આમનાં સંસ્કાર, આમનાં સ્વભાવ મળે છે. ફલાણા નાં સંસ્કાર મળતાં નથી, એટલાં માટે દૂર રહે છે. પરંતુ હકીકત માં આ છે સૂક્ષ્મ ફળ ને સ્વીકાર કરવું. મૂળ કારણ આ રહી જાય છે - કરશો અને પરિણામ ની પ્રતીક્ષા રહેશે. પહેલું ધ્યાન એ વાત માં જશે કે તેમણે મારાં માટે શું કહ્યું? મેં ભાષણ કર્યું, બધાએ શું કહ્યું? એમાં ધ્યાન જશે. પોતાને આગળ વધારવાનાં લક્ષ્ય થી પરિણામ લેવું, પોતાની સેવા નું પરિણામ જાણવું, પોતાની ઉન્નતિ માટે જાણવું - એ અલગ વાત છે, પણ સારાં અને ખરાબ ની કામના રાખવી એ અલગ વાત છે. હમણાં-હમણાં કર્યું અને હમણાં-હમણાં લીધું તો જમા કાંઈ નથી થતું, કમાયું અને ખાધું. આમાં વિલ પાવર (મનોબળ) નથી રહેતી. એ અંદર થી સદૈવ કમજોર રહેશે, શક્તિશાળી નહીં થશે કારણ કે ખાલી-ખાલી છે ને. ભરેલી વસ્તુ પાવરફુલ (શક્તિશાળી) હોય છે. તો મુખ્ય કારણ આ છે. એટલાં માટે ફળ પાકીને સામે આવે, એવું ખુબ ઓછું થાય છે. જ્યારે આ વાત સમાપ્ત થઇ જશે ત્યારે નિરાકારી, નિરહંકારી અને સાથે-સાથે નિર્વિકારી - મનસા-વાચા-કર્મણા માં ત્રણેય સબજેક્ટસ (વિષયો) દેખાઈ આવશે. શરીર માં હોવા છતાં નિરાકારી, આત્મિક રુપ દેખાઈ આવશે. જેમ સાકાર માં જોયું - વૃદ્ધ હતાં ને, તો પણ શરીર ને ન જોતાં રુહ (આત્મા) જ દેખાતી હતી, વ્યક્ત ગાયબ થઈ અવ્યક્ત દેખાતાં હતાં! તો સાકાર માં નિરાકાર સ્થિતિ હોવાનાં કારણે નિરાકાર અથવા આકાર દેખાતાં હતાં. તો આવી અવસ્થા પ્રેક્ટિકલ રહેશે. હમણાં સ્વયં પણ વારંવાર દેહ-અભિમાન માં આવો છો તો બીજા ને નિરાકારી અથવા આકારી રુપ નો સાક્ષાત્કાર નથી થતો. આ ત્રણેય હોવું જોઈએ - મનસા માં નિરાકારી સ્ટેજ, વાચા માં નિરહંકારી અને કર્મ માં નિર્વિકારી, જરાં પણ વિકાર ન હોય. તારું-મારું, શાન-માન - આ પણ વિકાર છે. અંશ પણ હશે તો વંશ આવી જશે. સંકલ્પ માં પણ વિકાર નો અંશ ન હોય. જ્યારે આ ત્રણેય સ્ટેજ થઈ જશે ત્યારે પોતાનાં પ્રભાવ થી જે પણ વારિસ અથવા પ્રજા નીકળવાની હશે એ ફટાફટ નીકળશે. તમે લોકો હમણાં જે મહેનત નું અવિનાશી બીજ નાખી રહ્યાં છો એનું પણ ફળ અને થોડો પ્રત્યક્ષ નો પ્રભાવ - બંને સાથે નીકળશે. પછી ક્વિક (ઝડપી) સેવા દેખાશે. તો હવે કારણ સમજ્યાં ને? આનું નિવારણ કરજો, ફક્ત વર્ણન સુધી ન રાખતાં. પછી શું થઈ જશે? સાક્ષાત્કારમૂર્ત થઈ જશો, ત્રણેય સ્ટેજ પ્રત્યક્ષ દેખાશે. આજકાલ બધાં આ જોવા ઈચ્છે છે, સાંભળવા નથી ઈચ્છતાં. દ્વાપર થી લઈને તો સાંભળતા આવ્યાં છે. ખુબ સાંભળી-સાંભળી ને થાકી જાય છે, તો મેજોરીટી (અધિકાંશ) થાકેલાં છે. ભક્તિમાર્ગ માં પણ સાંભળ્યું અને આજકાલ નાં નેતા પણ ખુબ સંભળાવે છે. તો સાંભળી-સાંભળી ને થાકી ગયાં છે. હવે જોવાં ઈચ્છે છે. બધાં કહે છે - કંઈક કરીને બતાવો, પ્રેક્ટિકલ પ્રમાણ આપો ત્યારે સમજશું કે કંઈક કરી રહ્યાં છો. તો તમારાં લોકો ની પ્રત્યક્ષ દરેક ચલન, આ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ ને કોઈ પ્રમાણ આપવાની આવશ્યકતા નથી રહેતી. તો હવે પ્રત્યક્ષ ચલન માં આવવાનું છે. જે ભવિષ્ય માં મહાવિનાશ થવાનો છે અને નવી દુનિયા આવવાની છે, એ પણ તમારાં ફિચર્સ (ચરિત્રો) થી દેખાય. જોશે તો પછી વૈરાગ્ય ઓટોમેટિકલી (આપોઆપ) આવી જશે. એક તરફ વૈરાગ્ય, બીજી તરફ પોતાનું ભવિષ્ય બનાવવાનો ઉમંગ આવશે. જેમ કહો છો - એક આંખ માં મુક્તિ, એક માં જીવનમુક્તિ. તો વિનાશ મુક્તિ નો ગેટ (દ્વાર) અને સ્થાપના જીવનમુક્તિ નો ગેટ છે તો બંને આંખો થી આ દેખાય. આ જૂની દુનિયા જવાની છે - તમારાં નયન અને મસ્તક આ બોલે. મસ્તક પણ ખુબ બોલે છે. કોઈ નું ભાગ્ય મસ્તક દેખાડે છે, સમજે છે - આ મોટા ચમત્કારી છે. તો એવી જ્યારે સેવા કરો ત્યારે જયજયકાર થાય. તો હવે વિશ્વ ની આગળ એક સેમ્પલ (નમૂનો) બનવાનું છે. અનેક સ્થાન-સેન્ટર્સ (સેવાકેન્દ્રો) હોવા છતાં પણ બધાં એક છો. બધાં બેહદ બુદ્ધિ વાળા છો. બેહદ નાં માલિક અને પછી બાળક. ફક્ત માલિક નથી બનવાનું. બાળક સો માલિક, માલિક સો બાળક. એક-બીજા નાં દરેક મત ને રીગાર્ડ (માન) આપવાનો છે. ભલે પછી એ નાનો છે કે મોટો છે, ભલે પછી આવવા વાળો વિદ્યાર્થી છે, કે સાથે રહેવા વાળો છે - દરેક નાં મત ને રીગાર્ડ જરુર આપવાનો છે. કોઈ નાં મત ને અવગણવો એટલે પોતાને અવગણવું છે. પહેલાં તો જરુર રીગાર્ડ આપવો જોઈએ, પછી ભલે કોઈ સમજણ આપો, એ બીજી વાત છે. પહેલાથી જ કાપી ન નાખવું જોઈએ કે આ ખોટું છે, આ ન થઈ શકે. આ એમની સલાહ નું અપમાન કરો છો. એનાંથી પછી એમનમાં પણ અપમાન નું બીજ પડે છે. જેમ માઁ-બાપ ઘર માં હોય છે તો બાળકો માં સ્વાભાવિક એ સંસ્કાર હોય છે માઁ-બાપ ને કોપી (અનુસરણ) કરવાનાં. માઁ-બાપ કાંઈ બાળકો ને શીખવાડતાં નથી. આ પણ અલૌકિક જન્મ માં બાળકો છે. મોટા માઁ-બાપ ની સમાન હોય છે. એટલાં માટે આજે તમે એમની સલાહ નું અપમાન કર્યું, કાલે એ તમારું અપમાન કરશે. તો બીજ કોણે નાખ્યું? જે નિમિત્ત છે. ઉંદર પહેલાં ફૂંક મારી પછી કરડે છે. તો વ્યર્થ ને કાપવું પણ હોય તો પહેલાં એમને માન આપો. પછી એને કાપવું નહીં પરંતુ સમજશે - અમને શ્રીમત મળી રહી છે. રીગાર્ડ આપી આગળ વધારવામાં એ ખુશ થઈ જશે. કોઈ ને ખુશ કરી પછી કોઈ કામ કઢાવવું પણ સહજ હોય છે. એક-બીજા ની વાત ને ક્યારેય કાપવી ન જોઈએ. હાં, કેમ નહીં, ખુબ સરસ છે - આ શબ્દ પણ માન આપશે. પહેલાં ‘ના’ કરી તો નાસ્તિક થઈ જશો. પહેલાં સદૈવ ‘હા’ કરો. વાત ભલે કેવી પણ હોય પરંતુ એની ડબ્બી (કહેવાની રીત) સારી હોય તો લોકો પ્રભાવિત થઈ જાય છે. તો એમ જ જ્યારે સંપર્ક માં આવો છો તો પોતાનાં શબ્દ અને સ્વરુપ પણ એવું હોય. એવું નહીં કે રુપ માં પછી ‘ના’ ની રુપરેખા હોય. આમાં રહેમ (દયા) અને શુભ-કલ્યાણ ની ભાવના થી ચહેરા પર ક્યારેય પરિવર્તન નહીં આવે, શબ્દ પણ યુક્તિ-યુક્ત નીકળશે. બાપદાદા પણ કોઈ ને શિક્ષા આપે છે તો પહેલાં સ્વમાન આપી પછી શિક્ષા આપે છે. તો આજકાલ જે પણ આવે છે એ પોતાનું માન લેવા વાળા, ધુતકારેલાઓ ને સ્વમાન-રીગાર્ડ જોઈએ છે. એટલાં માટે ક્યારેય પણ કોઈ ને અપમાન નહીં, પહેલાં રીગાર્ડ આપી પછી કાપો. એમની વિશેષતા નું પહેલાં વર્ણન કરો, પછી કમજોરી નું. જેમ ઓપરેશન કરે છે તો પહેલાં ઇન્જેક્શન આપી ને સુધ-બુધ ભુલાવે છે. તો પહેલાં એમને રીગાર્ડ થી એ નશા માં સ્થિર કરો, પછી કેટલું પણ ઓપરેશન કરશો તો ઓપરેશન સક્સેસ (સફળ) થશે. આ પણ એક રીત છે. જ્યારે આ સંસ્કાર ભરાઈ જશે તો વિશ્વ દ્વારાં તમને રીગાર્ડ મળશે. જો આત્માઓ ને ઓછો રીગાર્ડ આપશો તો પ્રાલબ્ધ માં પણ ઓછો રીગાર્ડ મળશે. અચ્છા!