Search for a command to run...
18 Jan 1980
સ્મૃતિ દિવસ પર બાપદાદા ની બાળકો પ્રતિ શિક્ષાઓ
18 January 1980 · ગુજરાતી
આજે સ્મૃતિ દિવસે સ્મૃતિ સ્વરુપ અર્થાત્ સમર્થ સ્વરુપ બાળકો ને જોઈને બાપદાદા પણ સદા ‘સમર્થ ભવ’ નું વરદાન આપી રહ્યાં છે. જેમ આજ નાં આ સ્મૃતિ દિવસ પર સ્વતઃ સ્મૃતિ સ્વરુપ રહ્યાં છો, એક જ લગન માં મગન, એક બાપ બીજું ન કોઈ - એવાં સહજયોગી, નિરંતર યોગયુક્ત, જીવનમુક્ત, સદા ફરિશ્તા સ્વરુપ ભવ.
આજ નાં દિવસે બધાં બાળકોનો ચાર્ટ બાપ સમાન અવ્યક્ત વતનવાસી, સદા સ્નેહી લવલીન અવસ્થા નો રહ્યો. એમ જ બાપ સમાન ન્યારા અને સદા પ્યારા ભવ. ચારે તરફ નાં બાળકો નો આજ નાં સમર્થ દિવસ પર બાપ ને પ્રત્યક્ષ કરવાનો એક જ દૃઢ સંકલ્પ હજી પણ બાપ ની પાસે પહોંચી રહ્યો છે. બધાં બાળકો પોતાનાં એક જ ઉમંગ ઉલ્લાસ નાં સંકલ્પ થી દેશ કે વિદેશ માં સેવાની સ્ટેજ પર કોઈ મન થી, કોઈ તન થી ઉપસ્થિત છે. અહીં હોવા છતાં પણ બાપદાદા ની સામે બધાં બાળકોની સેવાનાં ઉમંગ, ઉત્સાહ ભરેલાં ચહેરા સામે છે. બાપદાદા ને વિશ્વનું ચક્કર લગાવવામાં કેટલો સમય લાગે છે? જેટલાં સમય માં તમે લોકો વિજ્ઞાન નાં સાધનો ટી.વી. કે રેડિયો દ્વારા સ્વીચ ઓન (બટન ચાલું) કરી સાંભળો છો કે જુઓ છો, એટલાં સમય માં બાપદાદા વિશ્વનું ચક્કર લગાવે છે. બાપદાદા જોઈ રહ્યાં છે કે દરેક સ્થાન નાં બાળકો શું-શું કરી રહ્યાં છે. જેમ આજ નાં દિવસે સૌને એક જ સેવા ની ધુન લાગેલી છે, દરેકની બુદ્ધિમાં પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાઈ રહ્યો છે કે વિશ્વમાં આ ઝંડો લહેરાય. સૌના હૃદયમાં બાપદાદા વસી રહ્યાં છે અને આ જ પુરુષાર્થ પ્રેક્ટિકલ માં લાવી રહ્યાં છે કે બધાં કેવી રીતે દિલ ચિરી ને (ખોલીને) દેખાડે કે બાપ અમારા દિલમાં છે. આ સમયનું સૌનું રુપ યાદગાર માં ગવાયેલ સેવક હનુમાન નું ઉદાહરણ છે. કોઈ સંકલ્પ નાં તીર લગાવી રહ્યાં છે જે શ્રેષ્ઠ સંકલ્પ થી વાયુમંડળ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરે. કોઈ પોતાનાં મુખ નાં સ્નેહી અને શક્તિશાળી બોલ થી બાપ ને પ્રત્યક્ષ કરવામાં લાગેલાં છે. એવું દૃશ્ય યાદ અને સેવા નાં બેલેન્સ (સંતુલન) નું બાપદાદા જોઈ રહ્યાં છે. સ્નેહ પણ આજે સંપૂર્ણ રુપ માં ઈમર્જ (જાગૃત) છે અને શક્તિ સ્વરુપ પણ આજે સેવા અર્થ ઇમર્જ રુપ માં છે. આજ નાં આ દિવસ નાં સમાન સદા યાદ અને સેવા નાં બેલેન્સ (સંતુલન) માં રહેજો.
આ વર્ષ વિશેષ દરેક આત્માને યથા યોગ્ય વારસો આપવાનું વર્ષ છે. સર્વ તડપતી આત્માઓને યથા-યોગ્ય તૃપ્ત આત્મા બનાવવાનું વર્ષ છે. વિશેષ આ વર્ષ માં યાદ અને સેવાનું બેલેન્સ રાખજો અને સદા બ્લીસફુલ (આનંદીત) રહેજો. સાથે-સાથે બધી આત્માઓને બ્લેસિંગ (આશીર્વાદ) આપતાં રહેજો. આ વર્ષ નાં સંગઠિત રુપ નું વિશેષ સ્લોગન છે ‘સ્વ નાં પ્રતિ અને સર્વ નાં પ્રતિ સદા વિઘ્ન-વિનાશક બનવું’. એનું સહજ સાધન છે ક્વેશ્ચન માર્ક (પ્રશ્નાર્થ ચિન્હ) ને સદા માટે વિદાય આપો અને ફુલ સ્ટોપ દ્વારા સર્વ શક્તિઓનો ફુલસ્ટોક કરવો. આ વર્ષ નો વિશેષ સર્વ વિઘ્ન પ્રૂફ ચમકીલો ફરિશ્તા ડ્રેસ સદા પહેરીને રાખજો. માટી નો ડ્રેસ નહીં પહેરતાં અને સદા સર્વ ગુણો નાં અલંકારો થી સજેલા રહેજો. વિશેષ ૮ શક્તિઓનાં શસ્ત્રો થી સદા અષ્ટ શક્તિ શસ્ત્રધારી સંપન્ન મૂર્તિ બનીને રહેજો. સદા કમળ પુષ્પ આસન પર પોતાનાં શ્રેષ્ઠ જીવન નાં પગ (ચરણ) રાખજો. બીજું શું કરશો?
રોજ અમૃતવેલે વિશ્વ વરદાની સ્વરુપ થી વિશ્વ કલ્યાણકારી બાપ ની સાથે કમ્બાઇન્ડ રુપ બની વિશ્વ વરદાની શક્તિ અને વિશ્વ કલ્યાણકારી શિવ. શિવ અને શક્તિ કમ્બાઈન્ડ રુપે મન્સા સંકલ્પ કે વૃત્તિ દ્વારા વાયબ્રેશન ની સુગંધ ફેલાવજો. જેમ આજકાલ નાં સ્થૂળ સુગંધ નાં સાધનો થી ભિન્ન-ભિન્ન પ્રકાર ની સુગંધ ફેલાવે છે. કોઈ ગુલાબ ની સુગંધ, કોઈ ચંદન ની સુગંધ. એમ આપ દ્વારા સુખ, શાંતિ, શક્તિ, પ્રેમ, આનંદ ની ભિન્ન-ભિન્ન સુગંધ ફેલાતી જાય. રોજ અમૃતવેલે ભિન્ન-ભિન્ન શ્રેષ્ઠ વાયબ્રેશન નાં ફાઉન્ટન (ફુવારા) ની જેમ આત્માઓ પર ગુલાબ અત્તર નાં છાંટા નાખજો. ફક્ત સંકલ્પ ની ઓટોમેટીક સ્વીચ ઓન કરજો. આ તો આવડે છે ને કારણ કે આજ નાં વિશ્વમાં અશુદ્ધ વૃત્તિ ની દુર્ગંધ બહુજ છે. એને સુગંધિત બનાવો. સમજ્યાં - આ વર્ષ માં શું કરવાનું છે?
આ વર્ષમાં જે પણ જૂના અને નવા સર્વિસ નાં ભિન્ન-ભિન્ન સાધન છે એને તન-મન-ધન, સમય વગેરે જે પણ છે, બધું લગાવીને ફાઇનલ (અંતે) બધી આત્માઓ માંથી સિલેક્ટ (પસંદ) કરો કે કઈ આત્માઓ મુક્તિનાં વારસા ને યોગ્ય છે અને કઈ આત્માઓ જીવનમુક્તિ ને યોગ્ય છે. જે જેનાં યોગ્ય છે એમને એવાં જ સંદેશ આપી ફાઇનલ કરો. હવે સેવા ની ફાઇલ ફાઇનલ કરો. જેમ ફાઈલ નાં દરેક કાગળ માં ઓફિસર પોતાની સહી કરીને સંપન્ન કરી આગળ વધે છે. તો તમે સૌ સેવાધારી દરેક આત્મા પર મુક્તિ અને જીવનમુક્તિ ની સાઈન (સહી) કરો. ફાઈનલ નો સ્ટેમ્પ (ઠપ્પો) લગાવો તો ફાઈલ સંપૂર્ણ થઈ જશે. સમજ્યાં, આ વર્ષમાં શું કરવાનું છે? સિલેક્શન ની મશીનરી તેજ (ફાસ્ટ) કરો. જોશે કેટલા સમય માં ફાઈલ તૈયાર કરો છો. પહેલાં વિદેશ ફાઈલ તૈયાર કરે છે કે આ દેશ. જેને જે ધર્મ માં જવું છે, સ્ટેમ્પ લગાવી દો.
આજે બાપદાદા ચારેય તરફ નાં સર્વ સ્નેહી અને સેવાધારી બાળકો ને યાદ-પ્યાર આપી રહ્યાં છે. આજ નાં દિવસે તન થી ભલે ભિન્ન-ભિન્ન સ્થાનો પર છે પરંતુ મન થી બાપ ને પ્રત્યક્ષ કરવાની ધુન નાં કારણે બાપની તરફ જ ‘મનમનાભવ’ છે.
એવાં સદા સ્નેહ અને સેવા માં અવિનાશી રહેવા વાળા, સદા બાપની સેવા માં તત્પર રહેવા વાળા, પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવવા વાળા, સર્વ વિજયી બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.
(આજે જાનકી દાદી વિદાઈ લઈ લંડન જઇ રહ્યાં હતાં - તો બાપદાદાએ બધાથી છુટ્ટી લેવા માટે જાનકી દાદીને તખ્ત પર પોતાની બાજુમાં બેસાડ્યાં.)
બાપદાદાએ પણ મુરબ્બી બાળકોની રિસ્પેક્ટ રાખવાની હોય છે. એટલે બાપદાદા વધાઈ આપે છે નહીં કે વિદાય. એમ તો આ મસ્ત ફકીર છે. વિશ્વની પરિક્રમા બાપ બાળકોની સાથે સાકાર દ્વારા પણ કરે છે. એમ તો સેકન્ડ માં વિશ્વ પરિક્રમા લગાવે છે પરંતુ સાકાર રુપ માં બાળકો દ્વારા સેવા ની પરિક્રમા લગાવે છે. બાપ ને વિશ્વ ની પરિક્રમા અર્થાત્ સેવાની પરિક્રમા કરાવડાવવા માટે જઈ રહી છો. આ વર્ષની વિશેષતા - ‘ચક્રવર્તી ભવ’. આગળ-આગળ બાપ હશે પાછળ-પાછળ તમે. તમે બાપ ની પરિક્રમા કરશો કે બાપ તમને પરિક્રમા સાથે-સાથે કરાવશે.
(મીઠાં દીદી બાપ-દાદા ની સન્મુખ આવીને બેઠાં છે.)
આજે વતન માં બધાં બાળકો સ્નેહ થી તો પહોચ્યાં જ હતાં. પરંતુ આજ નો સમર્થી દિવસ મનાવવા માટે સેવા માં ગયેલી શ્રેષ્ઠ આત્માઓ પણ પહોંચી. એમની પણ રુહ-રુહાન ખુબ સારી હતી. તે પોતાનાં વિશ્વ સેવા નાં વન્ડરફુલ પાર્ટ ને જોતાં હર્ષિત થઈ રહી હતી કે ભિન્ન શરીર થી વિશ્વ સેવા નો અલૌકિક રાઝયુક્ત પાર્ટ કયો છે - બાપદાદા સંભળાવી રહ્યાં હતાં. વિશ્વની પતિત-પાવની સરસ્વતી નદી નું ગાયન જ છે - ‘ગુપ્ત સેવાધારી’. ગંગા અને જમુના પ્રસિદ્ધ છે સાકાર માં. પરંતુ સરસ્વતી ની સેવા ગુપ્તરુપ માં પણ દેખાડી છે અને પ્રખ્યાત માં સિતારધારી યાદગાર રુપમાં પણ છે. અને ગુપ્ત રુપ માં ગુપ્ત નદીનાં રુપમાં યાદગાર છે. બંને પાર્ટ વન્ડરફુલ છે. જન્મ દ્વારા સેવા નાં પાર્ટ નો સંબંધ છે. જ્યાં જીત ત્યાં જન્મ. કોઈ રાજ્ય ની જીત નહીં પરંતુ જન્મ દ્વારા વિકારો પર જીત થઈ જાય છે. જ્યાં જન્મ ત્યાં જીત છે, ન કે જ્યાં જીત ત્યાં જન્મ. આ જે થોડું ઘણું ગાયન છે તે પ્રેક્ટિકલ માં પાર્ટ તો ચાલવાનો જ છે. હવે આ વિશેષ સેવાધારી, સમય નો અને સાકાર સેવાધારીઓની સેવા ની સમાપ્તિ ની પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે જ્યારે સાકાર સેવા નો પાર્ટ સમાપ્ત થાય, ત્યારે નવાં રાજ્ય નાં લેણ-દેણ નાં વન્ડરફુલ પાર્ટ નો આદિ થાય. તો એડવાન્સ નું ગ્રુપ, એમાં પણ જે વિશેષ નામી-ગ્રામી આત્માઓ છે એમનું સંગઠન ખુબજ મજબૂત છે. શ્રેષ્ઠ જન્મ, ફર્સ્ટ જન્મ, અપાવવા માટે ધરણી તૈયાર કરવાનો વન્ડરફુલ પાર્ટ એ આત્માઓ દ્વારા તીવ્ર ગતિ થી ચાલી રહ્યો છે. જેમ વિનાશકારી બટન દબાવવા માટે રોકાયેલાં છે. તેમ દિવ્ય જન્મ દ્વારા સ્થાપના કરાવવાનાં નિમિત્ત બનેલી એડવાન્સ સેવા ની પાર્ટી ટચિંગ કરાવવા માટે, મેસેજ આપવા માટે, પ્રત્યક્ષતા કરાવવા માટે રોકાયેલી છે. તે તો સંબંધ નાં સ્નેહ થી પ્રત્યક્ષ કરશે. આ પણ વિચિત્ર કહાની (વાર્તા) ઓનાં રુપ થી સ્થાપના નાં જન્મ નો પાર્ટ નોંધાયેલો છે. પહેલાં કૃષ્ણ પછી રાધા હશે ને. તો જન્મ-સ્થાન અને એમની સ્થિતિ બંનેનું સંપૂર્ણ કાર્ય સમાપ્ત કરી પછી જન્મ થશે રાધા નો. એટલે આ મોટાં અને તે નાની થઈ જશે. જેમ અહીંયા પણ સેવા નાં ક્ષેત્ર માં પહેલાં જગતઅંબા ધરણી બનાવવા ગઈ અને પછી બાપ ગયાં. એમ જગતઅંબા અને મુરબ્બી બાળક વિશ્વકિશોર સાથી, સામનો કરવા વાળા હતાં. મેદાન પર આગળ સેવા માં આવવા વાળા રહ્યાં, એમ જ આજે પણ ભિન્ન રુપ માં કાર્ય નાં સંસ્કાર એ જ છે. બંને સ્થાપના નાં જન્મ ની કહાની માં હીરો પાર્ટધારી છે. ગર્ભ મહેલ તૈયાર કરાવી રહ્યાં છે. અહીંયા પણ તો કારોબાર માં નિમિત્ત બંને મૂર્તિઓ રહી. તો આ મહેલ તૈયાર કરવા વાળા પણ એવાં પાવરફુલ જોઈએ. અહીંયા સ્થાપના ની તૈયારી કરી અને પછી ત્યાં તમારા સૌને માટે જે વિશેષ અષ્ટ રતન છે, એમનાં માટે તૈયારી કરી રહ્યાં છે, મહેલ તૈયાર કરી રહ્યાં છે. જ્યારે તૈયારી હોય ત્યારે તો આત્મા ત્યાં જશે ને. તો હવે અપવિત્ર સૃષ્ટિ માં પવિત્ર મહેલ તૈયાર કરવા કેટલું શ્રેષ્ઠ કાર્ય કરવું પડે. એવી પાવરફુલ આત્માઓ જોઈએ જે આ પાવરફુલ કાર્ય કરી શકે. જેવી તેવી ન કરી શકે. તેઓ પણ તારીખ પૂછી રહ્યાં છે કઈ ડેટ (તારીખ) સુધી માં મહેલ તૈયાર જોઈએ, ડેટ બતાવો. એ તો કહે છે સાકાર સેવા નો પાર્ટ સમાપ્ત થશે ત્યારે અમારા કાર્ય ની આદિ થશે. આમનો અંત અમારો આદિ. પહેલાં અંત થશે ત્યારે તો પછી આદિ થશે. તો સેવા નાં પાર્ટ ની સમાપ્તિ ની તારીખ કઈ છે? એ જ ડેટ પછી રાજ્ય નાં જન્મ ની હશે. સાંભળી, એમની રુહ-રુહાન. આમ તો બધી આત્માઓ ઈમર્જ હતી પરંતુ એમનાં પણ ગ્રુપ્સ છે.
સર્વિસેબલ બાળકોને જોતાં બાબા બોલ્યાં:- સર્વિસ નાં પ્લાન તો બધાએ ખુબ સારા-સારા બનાવ્યાં છે પરંતુ બધાં સર્વિસ નાં પ્લાન સફળ ત્યારે થશે જ્યારે નિમિત્ત બનેલા વિશેષ અટેંશન (ધ્યાન) આપશે. એક તો જે આત્માની જે વિશેષતા છે એ વિશેષતા ને મૂલ્ય આપતાં એમને આગળ ઉમંગ ઉત્સાહ માં લાવવા એમના માટે નિમિત્ત બનેલાઓએ પણ અથક સેવાધારી બનવું પડે.
૨. પોતાનાં સેવાકેન્દ્ર નું કે જે પણ સંપર્કના સેવાકેન્દ્ર છે એનું વાતાવરણ રુહાનિયત નું બનાવો જેનાથી સ્વયં ની અને આવવાવાળી આત્માઓની, જે નવા-નવા આવે છે એમની સહજ ઉન્નતિ થઈ શકે કારણ કે વાતાવરણ ધરતી ને બનાવે છે. તો સેવાકેન્દ્ર નું વાતાવરણ રુહાની હોય. જે પણ સેવાકેન્દ્ર માં આવે છે એ એક તો પોતાના ગૃહસ્થ વ્યવહાર ની ઝંઝટ થી આવતા હોય છે, ગૃહસ્થ નાં વાતાવરણ થી થાકેલા હોય છે, તો એમને એક્સ્ટ્રા (વધારે) સહયોગ ની આવશ્યકતા હોય છે, તો રુહાની વાયુમંડળ નો એમને સહયોગ આપી સહજ પુરુષાર્થી બનાવી શકો છો. જેમ એરકન્ડિશન હોય છે તો વાતાવરણ ને ક્રિયેટ કરે (બનાવે) છે, ઠંડી માં જો ગરમ સ્થાન મળી જાય તો જવાથી જ આરામ મહેસૂસ (અનુભવ) કરે છે, એમ જ રુહાનિયત નાં આધાર પર સેવાકેન્દ્ર નું એવું વાયુમંડળ હોય જે અનુભવ કરે કે આ સ્થાન સહજ ઉન્નતિ પ્રાપ્ત કરવાનું છે. એટલે સેવાકેન્દ્ર પર આવે છે તો આવતા જ બહાર નું અને સેવાકેન્દ્ર નું અંતર મહેસૂસ થાય, જેનાથી સ્વતઃ આકર્ષિત થાય .
બ્રાહ્મણ પરિવાર ની વિશેષતા છે - અનેક હોવા છતાં પણ એક. તો દરેક સેવાકેન્દ્ર નાં વાયબ્રેશન (પ્રકમ્પન) એવા હોય કે સૌને મહેસૂસ થાય કે અહીં અનેક નહીં પરંતુ એક છે. એકતા નું વાયબ્રેશન આખાં વિશ્વ માં એક ધર્મ, એક રાજ્ય ની સ્થાપના કરશે. આ પણ વિશેષ અટેન્શન આપીને ભિન્નતા ને દૂર કરી એકતા લાવજો.
આ નવા વર્ષ માં વિશેષ આ ત્રણેય વાતો ને પ્રેક્ટિકલ માં લાવો. સાંભળવું અને કહેવું તો ચાલતું જ રહ્યું છે પરંતુ આ વર્ષ માં આ ત્રણેય વાતો પ્રેક્ટિકલ લાવો. સેવાધારી સ્વયં પ્રતિ નહીં પરંતુ સેવા પ્રતિ. સ્વયનું બધું સેવા પ્રતિ સ્વાહા કરવા વાળા. જેમ સાકાર બાપે સેવામાં હડ્ડીઓ (હાડકા) પણ સ્વાહા કરી. એમ દરેક કર્મેન્દ્રિય દ્વારા સેવા સદા થતી રહે. મુખ થી પણ સેવા, નયનો થી પણ સેવા, સેવા જ સેવા. તો બધાં એવા સેવાધારી છો ને.
પ્લાન સારા બનાવ્યાં છે હવે પ્રેક્ટિકલ ની લિસ્ટ આવશે. જેમ પ્લાન ની ફાઈલ આવી ગઈ તેમ પ્લાન નું રીઝલ્ટ આવશે. અચ્છા, બધાં ૧૦૮ ની માળા માં આવવા વાળા છો ને. બધું એનાઉન્સ (જાહેર) ઓટોમેટિકલી થઈ જશે. પોતાની સીટ દરેક લેતાં પોતાનો નંબર એનાઉન્સ કરશે. સેવા જ સીટ નંબર એનાઉન્સ કરશે. સેવા માઇક બનશે, મુખ નું માઈક એનાઉન્સ નહીં કરે.