Search for a command to run...
12 Mar 1972
સફળતાનો આધાર - સંગ્રહ અને સંગ્રામ કરવાની શક્તિ
12 March 1972 · ગુજરાતી
પોતાને સદા સફળતામૂર્ત સમજો છો? કે સહજ જ સફળતા પ્રાપ્ત થતી હોય એવો અનુભવ કરો છો? સદા અને સહજ સફળતામૂર્ત બનવા માટે મુખ્ય બે શક્તિઓની આવશ્યકતા છે. જે બે શક્તિઓનાં આધારે સદા અને સહજ જ સફળતામૂર્ત બની શકો છો, એ બે શક્તિઓ કઈ છે? નિશ્ચયબુદ્ધિ તો થઇ જ ગયાં છો ને. હવે સફળતાનાં પુરુષાર્થ માં મુખ્ય કઈ શક્તિઓ જોઈએ? એક - સંગ્રામ કરવાની શક્તિ, બીજી - સંગ્રહ કરવાની શક્તિ. સંગ્રહમાં લોક-સંગ્રહ પણ આવી જાય છે. બધાં જ પ્રકારનાં સંગ્રહ. તો એક સંગ્રામ, બીજું સંગ્રહ - આ બંને શક્તિઓ છે તો અસફળ થઈ ન શકો. કોઈ પણ કાર્યમાં કે પોતાનાં પુરુષાર્થમાં અસફળતાનું કારણ શું હોય છે? એક તો સંગ્રહ કરતાં નથી આવડતું અથવા સંગ્રામ કરતાં નથી આવડતું. જો આ બંને શક્તિઓ આવી જાય તો સદા અને સહજ જ સફળતા મળી જાય છે. એટલે આ બંને શક્તિઓને પોતાનામાં ભરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. કોઈ પણ કાર્ય સામે આવે છે તો કાર્ય કરતાં પહેલા પોતાને ચેક (તપાસ) કરો કે બંને શક્તિઓ સ્મૃતિમાં છે? ભલે શક્તિઓ છે પણ કર્તવ્યનાં સમયે શક્તિઓનો ઉપયોગ નથી કરતાં, એટલે સફળતા નથી મળતી. કર્યા પછી વિચારો છો - આમ કર્યું હોત તો આવું થયું હોત. આનું કારણ શું છે? સમય પર શક્તિનો ઉપયોગ કરતાં નથી આવડતું. શસ્ત્ર કેટલાં પણ સારા હોય, શક્તિઓ કેટલી પણ હોય, પણ જે સમયે જે શસ્ત્ર કે શક્તિ કાર્યમાં લાવવી જોઈએ એ કાર્યમાં નથી લાવતાં તો સફળતા નથી મળતી. એટલા માટે કોઈ પણ કાર્ય શરું કરતાં પહેલાં પોતાને ચેક કરો. જેમ ફોટો નીકાળો છો, ફોટો નીકાળતાં પહેલા તૈયારી થાય છે ને. ફોટો નીકળ્યો અને સદાનું યાદગાર બની ગયું. ભલે કેવો પણ હોય. એવી જ રીતે આ પણ બેહદ નો કેમેરો છે, જેમાં એક-એક સેકન્ડનો ફોટો નીકળતો રહે છે. ફોટો નીકળી ગયાં પછી જો સ્વયં પોતાને ઠીક કરો તો એ વ્યર્થ છે ને. એ જ પ્રમાણે પહેલાં પોતાને શક્તિ-સ્વરુપની સ્ટેજ (અવસ્થા) પર સ્થિત કર્યા પછી કોઈ કાર્ય શરું કરવાનું છે. સ્ટેજ (મંચ) થી ઉતરીને જો કોઈ એક્ટ (કાર્ય) કરે, ભલે કેટલી પણ સારી એક્ટ કરે પણ જોવા વાળા કેવી રીતે જોશે. આ પણ એવું જ થાય છે. પહેલાં સ્ટેજ ઉપર સ્થિત થઈ, પછી દરેક એક્ટ કરો ત્યારે એક્યુરેટ (સચોટ) અને ‘વાહ વાહ કરવાં યોગ્ય’ એક્ટ થઈ શકશે. સ્ટેજ થી ઉતરી સાધારણ રીતે કર્તવ્ય કરવાનું શરું કરી દે છે, પાછળ વિચારે છે. પણ એ સ્ટેજ તો ન રહી. સમય વીતી ગયો. ફોટો તો નીકળી ગયો. એટલે આ બંને જ શક્તિઓ સદૈવ દરેક કાર્યમાં હોવી જોઈએ. ક્યારેક સંગ્રામ કરવાનો જોશ આવે છે, સંગ્રહ ભૂલી જાઓ છો. ક્યારેક સંગ્રહ કરવાનું વિચારો છો તો પછી સંગ્રામ ભૂલી જાઓ છો. બંને જ સાથે-સાથે હોય. સર્વ શક્તિઓનાં પ્રયોગ થી રીઝલ્ટ (પરિણામ) શું હશે? સફળતા. એમનો સંકલ્પ, બોલવું, કરવું ત્રણેય એક જ હશે. એને કહેવાય છે માસ્ટર સર્વશક્તિમાન. એવું નહીં સંકલ્પ ખુબ ઊંચા હોય, પ્લાન્સ (યોજનાઓ) બનાવ્યાં કરે, મુખથી વર્ણન પણ કરતાં રહે, પણ કરવાનાં સમયે કરી ન શકે. તો માસ્ટર સર્વશક્તિમાન થયાં? માસ્ટર સર્વશક્તિમાન નું મુખ્ય લક્ષણ જ છે એમનાં સંકલ્પ, બોલ અને કર્મ ત્રણેય એક હશે. હમણાં સમય-પ્રતિ-સમય આ શબ્દ નીકળે છે - વિચાર્યું તો હતું પણ કરી ન શક્યો. પ્લાન અને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અંતર દેખાય છે. પણ માસ્ટર સર્વશક્તિમાન કે સદા સફળતામૂર્ત જે હશે એમનો જે પ્લાન હશે એ જ પ્રેક્ટિકલ હશે. સફળતામૂર્ત બનવાં તો બધાં ઈચ્છે છે ને. જ્યારે ઇચ્છા અથવા લક્ષ્ય શ્રેષ્ઠ હોય તો લક્ષ્યની સાથે વાણી અને કર્મ પણ શ્રેષ્ઠ હોય. પણ પ્રેક્ટિકલ આવવામાં કોઈ પણ કમજોરી હોવાનાં કારણે જે પ્લાન છે એવું રુપ નથી આપી શકતાં. કારણ કે સંગ્રામ કરવાની કે એ વાતોમાં લોક-સંગ્રહ રાખવાની શક્તિ ઓછી થઈ જાય છે. જેમ પહેલાં યુદ્ધનાં મેદાન માં જ્યારે દુશ્મન સામે આવતો હતો તો એક હાથ માં તલવાર પણ પકડતા હતાં, સાથે-સાથે બીજા હાથમાં ઢાલ પણ રહેતી હતી. તો તલવાર અને ઢાલ બંને પોત-પોતાનું કાર્ય કરે, આ પ્રેક્ટિસ (અભ્યાસ) જોઈએ. બંને જ સાથે-સાથે યુઝ (વપરાશ) કરવાનો અભ્યાસ જોઈએ.
પોતાને માસ્ટર સમજો છો? તો બધી વાતોમાં માસ્ટર (નિપુણ) છો? જેમ બાપ નું નામ ત્રિમૂર્તિ શિવ કહો છો ને, એમ જ તમે બધાં પણ માસ્ટર ત્રિમૂર્તિ શિવ છો ને. તમારા પણ ત્રણ કર્તવ્ય છે ને, જેનાં આધાર પર બધાં કર્તવ્ય કે સર્વિસ (સેવા) કરો છો. તમારા ત્રણ રુપ કયા છે? એક છે બ્રાહ્મણ રુપ, જેનાથી સ્થાપનાનું કાર્ય કરો છો. અને બીજું શક્તિ રુપ, જેનાથી વિનાશનું કર્તવ્ય કરો છો અને જગત-માતા અથવા જ્ઞાન-ગંગા કે પોતાને મહાદાની, વરદાની રુપ સમજવાથી પાલના કરો છો. વરદાની રુપમાં જગત-પિતાનું રુપ આવી જ જાય છે. તો આ ત્રણેય રુપ સદૈવ સ્મૃતિમાં રહે તો તમારા કર્તવ્યમાં પણ તે ગુણ દેખાઈ આવશે. જેમ બાપ ને પોતાનાં ત્રણેય રુપોની સ્મૃતિ રહે છે, એમ હરતાં-ફરતાં પોતાનાં ત્રણેય રુપોની સ્મૃતિ રહે કે અમે માસ્ટર ત્રિમૂર્તિ છીએ. ત્રણેય કર્તવ્ય ભેગાં સાથે-સાથે જોઈએ. એવું નહીં - સ્થાપના નું કર્તવ્ય કરવાનો સમય અલગ છે, વિનાશનાં કર્તવ્ય નો સમય બીજો આવવાનો છે. ના. નવી રચના રચતા જાઓ, અને જૂનાનો વિનાશ કરતાં જાઓ. આસુરી સંસ્કાર કે જે પણ કમજોરી છે, તેનો વિનાશ પણ સાથે-સાથે કરતાં જવાનું છે. નવાં સંસ્કાર લાવી રહ્યાં છો, જૂનાં સંસ્કાર ખતમ કરી રહ્યાં છો. ઘણામાં રચના રચવાનો ગુણ હોય છે પણ શક્તિરુપ વિનાશ કાર્ય રુપ ન હોવાનાં કારણે સફળતા નથી મળતી. એટલા માટે બંને સાથે-સાથે જોઈએ. આ પ્રેક્ટિસ ત્યારે થઈ શકશે જ્યારે એક સેકન્ડ માં દેહી-અભિમાની બનવાનો અભ્યાસ હશે. આવાં અભ્યાસી બધાં કાર્યમાં સફળ થાય છે. પોતાને મહાદાની કે વરદાની, જગત-માતા કે જગત-પિતા અથવા પતિત-પાવની નાં રુપમાં સ્થિત થઈને કોઈ પણ આત્માને જો તમે દૃષ્ટિ આપશો તો દૃષ્ટિ થી પણ એમને વરદાન ની પ્રાપ્તિ કરાવી શકો છો. વૃત્તિ થી પણ પ્રાપ્તિ કરાવી શકો છો અર્થાત્ પાલના કરી શકો છો. પરંતુ આ રુપની સદા સ્મૃતિ રહે. બ્રાહ્મણ કથા કે જ્ઞાન સંભળાવીને સ્થાપના તો ખુબ જલ્દી કરી લો છો, પરંતુ વિનાશ અને પાલના નું જે કર્તવ્ય છે એમાં થોડું વધારે અટેન્શન (ધ્યાન) જોઈએ. પાલના કરવાનાં સમયે કલ્યાણકારી ભાવના કે વૃત્તિ રાખી કોઈ પણ આત્માની પાલના કરો તો કેવી પણ અપકારી આત્મા ઉપર પોતાની પાલના થી એમને ઉપકારી બનાવી શકો છો. કેવી પણ પતિત આત્મા, પતિત-પાવન ની વૃત્તિ થી પાવન થઈ શકે છે. જો એમનું પતિત-પણું જોશો તો નહીં થઈ શકે. જેમ માઁ ક્યારેય બાળકની કમજોરીઓને કે કમીઓને નથી જોતી, એને ઠીક કરવાનું જ વિચારે છે. તો આ પાલના કરવાનું કર્તવ્ય આ રુપમાં સદા સ્થિત રહેવાથી યથાર્થ ચાલી શકે છે. જેમ માઁ ની અંદર બે વિશેષ શક્તિઓ સહન કરવાની અને સમાવવાની હોય છે. એવી જ રીતે દરેક આત્માની પાલના કરવાનાં સમયે પણ આ બંને શક્તિઓ યુઝ કરો તો સફળતા જરુર મળશે. પરંતુ પોતાને જગત-માતા કે જગત-પિતાનાં રુપમાં સ્થિત રહીને કરશો તો. જો ભાઈ-બહેન નું રુપ જોશો તો એમાં સંકલ્પ આવી શકે છે. પરંતુ માઁ-બાપનાં સમાન સમજો. માઁ-બાપ બાળકનું કેટલું સહન કરે છે, અંદર સમાવે છે ત્યારે એમની પાલના કરીને એમને યોગ્ય બનાવી શકે છે. તો સદૈવ દરેક કર્તવ્ય કરતાં સમયે પોતાના આ ત્રણેય રુપો પણ સ્મૃતિમાં રાખવાં જોઈએ. જેવી સ્મૃતિ એવું સ્વરુપ અને જેવું સ્વરુપ એવી સફળતા. ત્રણેય રુપ ની સ્મૃતિ થી સ્વત:જ સમર્થી આવી જાય છે. આ પણ પોજીશન (સ્થિતિ) છે ને. તો સ્થિતિમાં રહેવાથી શક્તિ કે સમર્થી આવી જાય છે. બાપ નું નામ યાદ આવે તો પોતાને માસ્ટર જરુર સમજો. નામ તો બધાને યાદ કરાવો છો. કેટલી વાર બાપ નું નામ મનથી કે મુખથી ઉચ્ચારણ કરતાં હશો. તો બાપ નાં નામની જેમ હું પણ માસ્ટર ત્રિમૂર્તિ શિવ છું - આ સ્મૃતિમાં રહે તો સફળતા મળશે. તો સદા સફળતામૂર્ત બનો. હમણાં અસફળતા પ્રાપ્ત કરવાનો સમય નથી. જો ૧૦ વખત સફળતા મળી, એક વાર પણ અસફળ થયાં તો એને પણ અસફળતા જ કહેશું. તો કર્તવ્ય અને સ્વરુપ બંને સાથે-સાથે સ્મૃતિમાં રહે તો પછી કમાલ થશે. નહીં તો થાય છે શું - મહેનત વધારે થઇ જાય છે, પ્રાપ્તિ ખુબ ઓછી થાય છે. અને પ્રાપ્તિ ઓછી થવાનાં કારણે જ કમજોરી આવે છે, ઉત્સાહ ઓછો રહે છે, હિંમત-ઉલ્લાસ ઓછો થઈ જાય છે. કારણ પોતાનું જ છે. પોતાનાં પગ પર પોતે જ કુલ્હાડી મારો છો. એટલાં માટે જ્યારે સ્વયં પોતે જ જવાબદાર છો, તો સદૈવ અટેન્શન રહેવું જોઈએ. તો આજથી વીતી ગયું તે વીતી ગયું સમજીને, સ્મૃતિ થી પોતાનામાં સમર્થી લાવીને સદા સફળતામૂર્ત બનો. પછી જે આ અંતર હોય છે - આજે ઉમંગ-ઉલ્લાસ ખુબ છે, કાલે ફરીથી ઓછો થઈ જાય છે, આ અંતર ખતમ થઈ જશે. સદા ઉમંગ-ઉલ્લાસ અને સદા પોતાનામાં પ્રાપ્તિનો અનુભવ કરશો. માયાને, પ્રકૃતિને દાસી બનાવવાની છે. સતયુગ માં પ્રકૃતિ ને દાસી બનાવો છો તો ઉદાસી નથી આવતી. ઉદાસીનું કારણ છે પ્રકૃતિનાં, માયાનાં દાસ બનવું. જો એમનાં દાસ બનો જ નહીં તો ઉદાસી આવી શકે છે? તો ક્યારેય પણ માયાનાં દાસ કે દાસી નહીં બનતાં. અહીંયા વધારે માયા કે પ્રકૃતિનાં દાસ બનશે તો એમને ત્યાં પણ દાસ-દાસી બનવું પડશે. કારણ કે સંસ્કાર જ દાસ-દાસીનાં થઈ ગયાં. અહીંયા દાસ પણ રહ્યાં, ઉદાસ પણ રહ્યાં અને ત્યાં પણ દાસ બનવું - ફાયદો શું. એટલે ચેક કરવાનું છે - ઉદાસી આવી તો જરુર ક્યાંક માયાનો દાસ બન્યો છું. વગર દાસી બને ઉદાસ ન થઈ શકે. તો પહેલા જોઈએ પરખ, પછી પરિવર્તન ની પણ શક્તિ જોઈએ. તો ક્યારેય પણ અસફળતામૂર્ત ન બનતાં. તે બનશે તમારી પાછળની પ્રજા અને ભક્ત. જો વિશ્વનું રાજ્ય ચલાવવા વાળા પણ અસફળ રહે તો સફળતામૂર્ત બાકી કોણ બનશે. અચ્છા!
દિવસ-પ્રતિ-દિવસ પોતાનામાં પરિવર્તન લાવવાનું છે. કોઈનાં પણ સ્વભાવ, સંસ્કાર જોતાં હોવાં છતાં, જાણવાં છતાં એ તરફ બુદ્ધિયોગ ન જાય. વધારે જ તે આત્મા પ્રત્યે શુભ-ભાવના હોય. એક તરફ થી સાંભળ્યું, બીજી તરફ થી નીકાળી દીધું. એને બુદ્ધિમાં સ્થાન નથી આપવાનું. ત્યારે જ એક તરફ બુદ્ધિ સ્થિત થઈ શકે છે. કમજોર આત્માની કમજોરીને ન જુઓ. આ સ્મૃતિમાં રહે કે વેરાઈટી (વિવિધ) આત્માઓ છે. આત્મિક દૃષ્ટિ રહે. આત્માનાં રુપમાં એમને સ્મૃતિમાં લાવવાથી પાવર (શક્તિ) આપી શકશો. આત્મા બોલી રહી છે. આત્માનાં આ સંસ્કાર છે. આ પાઠ પાક્કો કરવાનો છે. ‘આત્મા’ શબ્દ સ્મૃતિમાં આવવાથી જ રુહાનિયત - શુભ-ભાવના આવી જાય છે, પવિત્ર દૃષ્ટિ થઈ જાય છે. પછી ભલે કોઈ અપશબ્દ પણ કહે છે પણ એ સ્મૃતિમાં રહે કે આ આત્મા તમોગુણી પાર્ટ ભજવી રહી છે. સ્વયં પોતાનાં શિક્ષક બની આ પ્રેક્ટિસ કરવાની છે. આ પાઠ પાક્કો કરવાં માટે બીજાથી મદદ ન મળી શકે. પોતાનાં પુરુષાર્થ ની જ મદદ છે. અચ્છા.
\\
એક છે બ્રાહ્મણ રુપ, જેનાથી સ્થાપનાનું કાર્ય કરો છો. અને બીજું શક્તિ રુપ, જેનાથી વિનાશનું કર્તવ્ય કરો છો અને જગત-માતા અથવા જ્ઞાન-ગંગા કે પોતાને મહાદાની, વરદાની રુપ સમજવાથી પાલના કરો છો - તો આ ત્રણેય રુપ સદૈવ સ્મૃતિમાં રહે તો તમારા કર્તવ્યમાં પણ તે ગુણ દેખાઈ આવશે.