Search for a command to run...
4 Mar 1972
અધિકારી બનવા માટે અધીનતા છોડો
4 March 1972 · ગુજરાતી
આજે વિશેષ કોનાં માટે આવ્યાં છે, જાણો છો? ભવિષ્યમાં વિશેષતા દેખાડવા વાળી વિશેષ આત્માઓનાં પ્રતિ. પોતાને વિશેષ આત્માઓ અર્થાત્ વિશેષતા દેખાડવા વાળી સમજો છો? એવું વિશેષ કયું કાર્ય કરીને દેખાડશો જે હજું સુધી કોઈ ગ્રુપે (સંગઠને) ન કરીને દેખાડ્યું હોય? આનો કોઈ પ્લાન (યોજના) વિચાર્યો છે? ‘પાસ વિથ ઑનર’ (સન્માન સાથે પાસ થવું) બનવાનું લક્ષ્ય અને બાપ નો શો (પ્રત્યક્ષતા) દેખાડવાનું લક્ષ્ય તો બધાનું જ છે પરંતુ તમે લોકો વિશેષ શું નવીનતા દેખાડશો? નવીનતા અથવા વિશેષતા એ જ દેખાડવી અથવા દેખાડવાનો નિશ્ચય કરજો - કે કોઈ પણ વિઘ્નમાં કે કોઈ પણ કાર્યમાં મહેનત ન લેતાં અન્ય આત્માઓને પણ નિર્વિઘ્ન અને દરેક કાર્યમાં મદદગાર બનાવી સહજ જ સફળતા-મૂર્ત બનશું અને બનાવશું. અર્થાત્ સદા સહજયોગ, સદા બાપનાં સ્નેહી, બાપનાં કાર્યમાં સહયોગી, સદા સર્વ શક્તિઓને ધારણ કરતાં શ્રુંગાર-મૂર્ત, શસ્ત્રધારી શક્તિ બની પોતાનાં ચિત્ર થી, ચલન થી બાપનાં ચરિત્ર અને કર્તવ્યને પ્રત્યક્ષ કરવાનાં છે. એવી પ્રતિજ્ઞા પોતાનાથી કરી છે? નાની-નાની વાતોમાં મહેનત તો નહીં લેશો? કોઈ પણ માયાનાં આકર્ષિત રુપમાં છેતરાશો તો નહીં? જે સ્વયં છેતરાય છે એ બીજાને છેતરપિંડી થી છોડાવી નથી શકતાં. સદૈવ આ જ સ્મૃતિ રાખો કે આપણે દુઃખ-હર્તા સુખ-કર્તા નાં બાળકો છીએ. કોઈનાં પણ દુઃખને હલ્કા કરવા વાળા સ્વયં ક્યારેય પણ, એક સેકન્ડ માટે પણ, સંકલ્પ કે સ્વપ્ન માં પણ દુઃખની લહેરમાં ન આવી શકે. જો સંકલ્પમાં પણ દુઃખની લહેર આવે છે તો સુખનાં સાગર બાપ ની સંતાન કેવી રીતે કહેવડાવી શકો છો? શું બાપ ની મહિમા માં આ ક્યારેય વર્ણન કરો છો કે સુખનાં સાગર છો પણ ક્યારેક-ક્યારેક દુઃખની લહેર પણ આવી જાય છે? તો બાપ સમાન બનવાનું છે ને. દુઃખની લહેર આવે છે અર્થાત્ ક્યાંક ને ક્યાંક માયાએ છેતરપિંડી કરી. તો આવી પ્રતિજ્ઞા કરવાની છે. શક્તિ રુપ નથી શું? શક્તિ કેવી રીતે મળશે? જો સદા બુદ્ધિનો સંબંધ એક જ બાપ સાથે લાગેલો છે તો સંબંધ થી સર્વ શક્તિઓનો વારસો અધિકાર નાં રુપમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ અધિકારી સમજીને દરેક કર્મ કરતાં રહો તો વાણી કે સંકલ્પ માં માગવાની ઇચ્છા નહીં રહે. અધિકાર પ્રાપ્ત ન હોવાનાં કારણે ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારની અધીનતા છે. અધીનતા હોવાનાં કારણે અધિકાર પ્રાપ્ત નથી થતો. ભલે પોતાના દેહનાં ભાનની અધીનતા હોય, કે પછી જૂનાં સંસ્કારો ને અધીન હોય, કે કોઈ પણ ગુણોની ધારણા ની કમીનાં કારણે નિર્બળતા કે કમજોરીનાં અધીન હોય, એટલા માટે અધિકારનો અનુભવ નથી કરી શકતાં. તો સદૈવ એમ સમજો કે અમે અધીન નથી, અધિકારી છીએ. જૂનાં સંસ્કારો ઉપર, માયાની ઉપર વિજય પ્રાપ્ત કરવાનાં અધિકારી છીએ. પોતાનાં દેહનું ભાન કે દેહનાં સંબંધ કે સંપર્ક જે પણ છે તેનાં ઉપર વિજય પ્રાપ્ત કરવાનાં અધિકારી છીએ. જો આ અધિકારીપણું સદૈવ સ્મૃતિમાં રહે તો સ્વત: જ સર્વ શક્તિઓનો, પ્રાપ્તિઓનો અનુભવ થતો રહેશે. અધિકારીપણું ભૂલી જવાય છે? જે અધીન હોય છે તે સદૈવ માંગતાં રહે છે, અધિકારી જે હોય છે તે સદૈવ સર્વ પ્રાપ્તિ-સ્વરુપ રહે છે. બાપ ની પાસે સર્વ શક્તિઓનો ખજાનો કોનાં માટે છે? તો જે જેની વસ્તુ છે એ પ્રાપ્ત ન કરે? આ જ નશો સદૈવ રહે કે સર્વ શક્તિઓ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે. તો અધિકારી બનીને ચાલો. આ સદૈવ બુદ્ધિમાં શ્રેષ્ઠ સંકલ્પ રહેવો જોઈએ. જો સંકલ્પ શ્રેષ્ઠ છે તો વચન અને કર્મ માં પણ નથી આવી શકતાં. એટલે સંકલ્પને શ્રેષ્ઠ બનાવો અને સદૈવ સર્વશક્તિમાન બાપની સાથે બુદ્ધિનો સંગ હોય. એવાં સદૈવ સંગ નાં રંગ માં રંગાયેલા છો? અનુભવ કરો છો કે હવે ગયાં પછી અનુભવ કરશો? સદૈવ આ જ સમજો કે વિચારવાનું છે કે બોલવાનું છે કે કરવાનું છે તો કમાલનું, કૉમન (સાધારણ) નહીં. જો કૉમન અર્થાત્ સાધારણ સંકલ્પ કર્યા તો પ્રાપ્તિ પણ સાધારણ થશે. જેવાં સંકલ્પ એવી સૃષ્ટિ બનશે ને. જો સંકલ્પ જ શ્રેષ્ઠ નહીં હશે તો પોતાની નવી સૃષ્ટિ જે રચવાનાં છો એમાં પદ પણ સાધારણ જ મળશે. એટલે સદૈવ આ ચેક (તપાસ) કરો - મારો જે સંકલ્પ ઉઠ્યો એ સાધારણ છે કે શ્રેષ્ઠ? સાધારણ સંકલ્પ અથવા ચલન તો સર્વ આત્માઓ કરતી રહે છે. જો સર્વશક્તિમાન ની સંતાન હોવાં છતાં પણ સાધારણ સંકલ્પ અથવા કર્મ થયાં તો શ્રેષ્ઠતા કે વિશેષતા શું થઈ? હું વિશેષ આત્મા છું, એટલે મારું બધું જ વિશેષ હોવું જોઈએ. પોતાનાં પરિવર્તન થી આત્માઓને પોતાની તરફ અથવા પોતાના બાપની તરફ આકર્ષિત કરી શકો. પોતાનાં દેહની તરફ નહીં, પોતાની અર્થાત્ આત્માની રુહાનિયત તરફ. તમારું પરિવર્તન સૃષ્ટિ ને પરિવર્તન માં લાવશે. સૃષ્ટિ નું પરિવર્તન પણ શ્રેષ્ઠ આત્માઓનાં પરિવર્તન માટે રોકાયેલું છે. પરિવર્તન તો લાવવાનું છે. ન કે આ સાધારણ જીવન જ સારું લાગે છે? આ સ્મૃતિ, વૃત્તિ અને દૃષ્ટિ અલૌકિક થઈ જાય છે તો આ લોકની કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વસ્તુ આકર્ષિત નથી કરી શકતી. જો આકર્ષિત કરે છે તો સમજવું જોઈએ કે સ્મૃતિમાં કે વૃત્તિમાં કે દૃષ્ટિમાં અલૌકિકતા ની કમી છે. આ કમીને સેકન્ડમાં પરિવર્તન માં લાવવાની છે. આ ગ્રુપ આ જ વિશેષતા દેખાડે કે સેકેન્ડમાં પોતાનાં સંસ્કાર કે સંકલ્પને પરિવર્તન માં લાવીને દેખાડે. આવી હિંમત છે? વિચારવામાં પણ જેટલો સમય લાગે છે, કરવામાં એટલો સમય ન લાગે. એવી હિંમત છે? આ ગ્રુપ છે સાહસી ગ્રુપ. તો જે સાહસ રાખવા વાળા છે એમની સાથે બાપ સદા સહયોગી છે, એટલે ક્યારેય પણ સાહસ ને છોડતા નહીં. હિંમત અને ઉલ્લાસ સદા રહે. હિંમત થી સદા હર્ષિત રહેશો. ઉલ્લાસ થી શું થશે? ઉલ્લાસ કોને ખતમ કરે છે? આળસ ને. આળસ પણ વિશેષ વિકાર છે. જે પુરુષાર્થી પુરુષાર્થનાં માર્ગ પર ચાલી રહ્યાં છે એમની સામે વર્તમાન સમયે માયાનો વાર આ આળસનાં રુપમાં ભિન્ન-ભિન્ન રીત થી આવે છે. તો આ આળસ ને ખતમ કરવા માટે સદા ઉલ્લાસ માં રહો. કમાણી કરવાનો જ્યારે કોઈને ઉલ્લાસ હોય છે તો પછી આળસ ખતમ થઇ જાય છે. હમણાં પણ કોઈ કાર્ય પ્રતિ પણ પોતાનો ઉલ્લાસ ન હોય તો પછી આળસ જરુર હશે. એટલે ક્યારેય પણ ઉલ્લાસ ને ઓછો નથી કરવાનો જે આળસ ને વશ થઈ અને શ્રેષ્ઠ કર્મ કરવાથી વંચિત થઈ જાઓ. આળસ પણ ઘણાં પ્રકારની હોય છે. પોતાનાં પુરુષાર્થ માં આગળ વધવામાં આળસ ખુબ વિઘ્ન રુપ બની જાય છે. આ જે કહેવામાં આવે છે - સારું, વિચારીશું, આ કાર્ય કરીશું - કરી જ લઈશું, આ આળસની નિશાની છે. કરીશું, કરી જ લઈશું, થઇ જ જશે, પણ નહીં, કરવા લાગી જવાનું છે. જે નોલેજ (જ્ઞાન) અથવા ધારણાઓ મળી છે એ બુદ્ધિમાં ધારણ તો કરી છે ને. પરંતુ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવામાં જે વિઘ્ન રુપ બને છે એ છે પોતાની આળસ. સારું આવતી-કાલથી કરીશું, ફલાણા કરશે તો અમે પણ કરીશું, આજે વિચારે છે આવતી-કાલ થી કરીશું, આ કાર્ય પૂરું કરીને પછી આ કરીશું - આવા-આવા સંકલ્પ જ આળસ નાં રુપ છે. જે કરવાનું છે એ હમણાં જ કરવાનું છે. જેટલું કરવાનું છે એ હમણાં જ કરવાનું છે. બાકી કરીશું, વિચારીશું - આ અક્ષરોમાં પાછળ ‘ગ-ગ (શું-શું)’ આવે છે ને, તો આ શબ્દ છે બાળપણની નિશાની. નાનો બાળક ગ-ગ કરતો રહેતો હોય છે ને, આ અલબેલાપણાની નિશાની છે. એટલે ક્યારેય પણ આળસનું રુપ પોતાની પાસે આવવા ન દેતાં અને હંમેશા સ્વયંને ઉલ્લાસ માં રાખજો. કારણ કે નિમિત્ત બનો છો ને. નિમિત્ત બનેલા સદૈવ પુરુષાર્થ નાં ઉલ્લાસ માં રહે છે તો એમને જોઈને બીજા પણ ઉલ્લાસ માં રહે છે. ચાલતાં-ચાલતાં પુરુષાર્થ માં થાક લાગવો કે ચાલતાં-ચાલતાં પુરુષાર્થ સાધારણ ગતિમાં આવી જાય, આ શેની નિશાની છે? વિઘ્ન ન હોય પરંતુ લગન પણ શ્રેષ્ઠ ન હોય તો એને પણ આળસ કહેશું. ઘણાં એવો અનુભવ કરે છે - વિઘ્ન પણ નથી, ઠીક પણ ચાલી રહ્યાં છે પરંતુ લગન પણ નથી અર્થાત્ ઉલ્લાસ કે વિશેષ કોઈ ઉમંગ નથી. તો આ પણ નિશાની આળસની છે. આળસ પણ અનેક પ્રકારની હોય છે. આ આળસને ક્યારેય આવવા નહીં દેતાં. આળસ ધીરે-ધીરે પહેલાં સાધારણ પુરુષાર્થી બનાવશે અથવા સમીપતા થી દૂર કરશે. પછી દૂર કરતાં-કરતાં છેતરી પણ દેશે, કમજોર બનાવી દેશે, નિર્બળ બનાવી દેશે. નિર્બળ કે કમજોર બનવાથી કમીઓની પ્રવેશતા શરું થઈ જાય છે. એટલા માટે સદૈવ આ તપાસ કરો - મારી બુદ્ધિની લગન બાપ કે બાપ નાં કર્તવ્ય થી થોડી પણ દૂર તો નથી ને, બિલ્કુલ સમીપ કે સાથે-સાથે છે? આજકાલનાં જમાનામાં કોઈ કોઈનું ખૂન કરે છે કે કોઈ ભ્રષ્ટાચાર નું કાર્ય કરે છે તો પહેલા એમને દૂર ભગાડીને લઈ જશે. એમને એકલા, કમજોર બનાવીને પછી એમનાં ઉપર વાર કરશે. તો માયા પણ ચતુર છે. પહેલાં સર્વ-શક્તિમાન બાપ થી બુદ્ધિને દૂર કરે છે, પછી જ્યારે કમજોર બની જાય છે ત્યારે પ્રહાર કરે છે. કોઈ પણ સાથે નથી રહેતું. કંઈ પણ થઇ જાય - પોતાની બુદ્ધિને ક્યારેય બાપનાં સાથ થી દૂર ન કરતાં. જ્યારે કોઈનો પ્રહાર થાય છે તો એનાથી કેવી રીતે પોતાને બચાવવા માટે બૂમો પાડીએ છીએ, ઘમાસાણ કરીએ છીએ જેથી કોઈ દૂર ન લઈ જઈ શકે. અહીંયા પછી જ્યારે જુઓ કે માયા મારી બુદ્ધિની લગન ને બાપ થી દૂર કરવાની કોશિશ કરે છે, તો પોતાની અંદર બાપનાં ગુણ ગાવાનાં છે, મહિમા કરવાની છે. મહાન! કર્તવ્ય કરવા લાગી જાઓ, બૂમો નથી પાડવાની. ભક્તિમાં પણ ગુણગાન કરે છે ને. આ યાદગાર પણ ક્યાર થી બની? આ મન્સા માં ગુણગાન કરવાનું વાણીમાં લાવી દીધું છે. યથાર્થ રીતે ગુણગાન તો તમે જ કરી શકો છો ને. હમણાં યથાર્થ રુપમાં મન્સા સંકલ્પ થી, સ્મૃતિ-સ્વરુપ માં ગુણગાન કરો છો અને ભક્તિમાં સ્થૂળતા માં આવે છે તો મુખ થી ગાવા લાગે છે. બધાં રીતિ-રિવાજ શરું તો અહીંયાથી જ થાય છે ને. તો ગુણગાન કરવા લાગી જાઓ. પોતાને અધિકારી સમજી સર્વ શક્તિઓને કામમાં લાવો. પછી ક્યારેય માયા તમારી બુદ્ધિની લગન ને દૂર નહીં કરી શકે. ન દૂર થશો, ન કમજોર થશો, ન હાર ખાશો. પછી સદૈવ વિજયી થશો. તો આ સ્લોગન (સુવિચાર) યાદ રાખજો કે અમે અનેક વખતનાં વિજયી છીએ, હમણાં પણ વિજયી બનીને જ દેખાડીશું. જે અનેક વખતનાં વિજયી છે એ હમણાં ફરીથી હાર ખાઈ શકે છે શું? ક્યારેય નહીં. હાર ખાવી અસંભવ અનુભવ થવો જોઈએ. જેમ અજ્ઞાની આત્માઓને વિજયી થવું અસંભવ અનુભવ થાય છે ને. સમજે છે - વિજયી બનવું થઈ પણ શકે છે શું? તો જેમ અજ્ઞાની માટે વિજયી બનવું અસંભવ છે, એ જ પ્રકારે જ્ઞાની આત્માએ હાર ખાવી અસંભવ અનુભવ થવી જોઈએ. આવી વિલ પાવર (મનોબળ) સ્વયં માં ભરી છે? પોતાને સર્વ સમર્પણ કર્યા? સર્વ સમર્પણ એને કહેવાય છે જેનાં સંકલ્પમાં પણ બોડી કોન્શિયસ (દેહ ભાન) ન હોય, દેહ-અભિમાન ન હોય. એને કહેવાય છે સર્વ સમર્પણ. પોતાનાં દેહનું ભાન પણ અર્પણ કરવાનું છે. હું ફલાણી છું - આ સંકલ્પ પણ અર્પણ હોય. એને કહેવાય છે સર્વ સમર્પણ, સર્વ ગુણો થી સંપન્ન. સર્વ ગુણો થી સંપન્ન ને જ સંપૂર્ણ કહેવાય છે. કોઈ પણ ગુણની કમી નહીં. હમણાં તો વર્ણન કરો છો ને કે આ કમી છે. એનાથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ સ્ટેજ (સ્થિતિ) નથી. તો સર્વ ગુણ સમ્પન્ન છો? તો લક્ષ્ય એ જ રાખવાનું છે કે સર્વ સમર્પણ બનીને સર્વ ગુણ સંપન્ન બની સંપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશું જ. આવાં પુરુષાર્થીઓને બાપ પણ વરદાન આપે છે કે ‘સદા વિજયી ભવ’. દરેક સંકલ્પમાં કમાલ દેખાડો, આ જ વિશેષતા દેખાડો - જીવન નો નિર્ણય કરીને આવી છો ને? સ્વયં પોતાની સાથે નિર્ણય કરીને આવી છો ને? કોઈ પણ સંસ્કારનાં વશ ન થતાં. જે છે જ જગતજીત, વિશ્વનાં વિજયી એ કોઈનાં પણ વશ થઈ ન શકે. જે સ્વયં સર્વ આત્માઓને નજર થી નિહાલ કરવા વાળા છે, તેમની નજર બીજે ક્યાંય જઈ ન શકે. આવાં દૃઢ નિશ્ચય-બુદ્ધિ છો? પોતાની બધી કમજોરીઓને ભઠ્ઠીમાં સ્વાહા કરી કે કરવાની છે? પછી એમ તો નહીં કહો ને કે બાકી આ થોડી રહી ગઈ છે? પોતાનાં મન્સા-રુપી ખિસ્સાને સારી રીતે જુઓ - ક્યાંય કોઈ ખૂણામાં કંઈ રહી તો નથી ગયું? કે જાણી-જોઈને ખિસ્સા ખર્ચ રાખ્યો છે? આ સારી રીતે જોજો. ઉમ્મીદવાર ગ્રુપ છો કે એનાથી પણ ઉપર? એનાથી ઉપર શું હોય છે? ઉમ્મીદવાર પણ છો અને વિજયી પણ છો. તો આ અનેક વખત નું વિજયી ગ્રુપ છે. ઉમ્મીદની વાત નથી. આવાં વિજયી જ વિજય-માળાનાં મણકા બને છે. ઉમ્મીદ નહીં પરંતુ ૧૦૦% નિશ્ચય છે કે અમે વિજયી છીએ જ. જોજો, માયા ઓછી નથી. માયાની છમ-છમ, રિમઝીમ ઓછી નથી. માયા પણ ખુબ રોનકદાર છે. બધી તરફથી, બધાં રુપથી માયાનાં જ્ઞાનને પણ સમજી ગયાં છો કે માયા શું ચીજ હોય છે અને કયાં રુપમાં, કેવી રીતે આવે છે? એનું પણ પૂરું નોલેજ (જ્ઞાન) લીધું છે? એમ તો નહીં કહો કે આ વાતની તો અમને ખબર નહોતી? આમ અજાણ્યાં બનીને પોતાને છોડાવતાં નહીં. ઘણાં કહે છે અમને તો ખબર નહોતી કે આવું પણ કોઈક હોય છે, શું-શું કરતાં રહે છે! અજાણ્યાં હોવાનાં કારણે પણ છેતરાઈ જાય છે. પણ જ્યારે માસ્ટર નોલેજફુલ (જ્ઞાનવાન) છો તો અજાણ્યાપણું નથી રહી શકતું. આ જે શબ્દ નીકળે છે કે મને આ વાતનું જ્ઞાન નહોતું; આ પણ કમજોરી છે. જ્ઞાની અર્થાત્ જ્ઞાની. કોઈ પણ વાતનું અજ્ઞાન હશે તો જ્ઞાની કહીશું શું? જ્ઞાન-સ્વરુપ ને કોઈ પણ વાતનું અજ્ઞાન નહીં રહે. જે યોગયુક્ત હશે એમને અનુભવ ન હોવા છતાં પણ એવો જ અનુભવ થશે જેમ કે પહેલાથી જ બધું જાણે છે. ત્રિકાળદર્શી પછી અજાણ્યાં કેવી રીતે હોઈ શકે છે! તો માસ્ટર નોલેજફુલ પણ બન્યાં અને વિજયી પણ બન્યાં; તો હાર અસંભવ જ અનુભવ થશે ને. હવે જોશે - આ ગ્રુપ (સંગઠન) કેવી ઝલક દેખાડે છે? તમારી ઝલક થી બધાને બાપ ની ઝલક દેખાઇ આવે. બિચારી આત્માઓ તડપે છે, બાપ ની થોડીક ઝલક દેખાઈ આવે તો સર્વ પ્રાપ્તિ થાય. તો હવે બાપની ઝલક પોતાની ઝલક થી દેખાડો. સમજ્યાં? તો આ વિજયી ગ્રુપ છે. ઉલ્લાસ થી આળસ ને ભગાડવા વાળા છો. હવે પ્રેક્ટિકલ (વ્યવહારમાં) જોશે. પ્રેક્ટિસ (અભ્યાસ) ને પ્રેક્ટિકલ માં ક્યાં સુધી લાવો છો, એ પણ ખબર પડી જશે. આ કમાલ દેખાડો. જે-જે પણ સ્થાન પર જાઓ, જે સાથીની સાથે સર્વિસ (સેવા) માં મદદગાર બનો એમનાં તરફ થી કમાલ સિવાય બીજી કોઈ વાત જ ન આવે. એક-એક લાઈનમાં કમાલ લખે, ત્યારે કહેશું વિજયી ગ્રુપ છે. બાપ સમાન બનીને દેખાડો. એવી કમાલ કરીને દેખાડો જે મોટા લોકો પણ બાપનાં ગુણગાન કરે કે સાચે જ આ ગ્રુપ નિર્વિઘ્ન, સદા બાપ ની લગનમાં મગન રહેવા વાળા છે. એકની સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી. ભલે એક બાપની લગન, કે બાપનાં કર્તવ્યની લગન - આનાં સિવાય બીજું કંઈ સૂઝશે જ નહીં. સંસારમાં બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ પણ છે - એ અનુભવ જ ન થાય. આવી એક લગન, એક ભરોસામાં, એકરસ અવસ્થામાં, ચઢતી કળામાં રહેવા વાળા બનીને દેખાડો, ત્યારે કહેશું કમાલ. ‘ક્યોં’ (કેમ) ને તો એકદમ ભસ્મ કરીને જજો, આટલે સુધી જે કોઈ કારણ સામે આવે તો એ કારણને પણ પરિવર્તન કરી નિવારણ રુપ બનાવી દો. પછી એમ નહીં કહેતાં કે આ કારણ હતું. કેટલાં પણ કારણ હોય - હું નિવારણ કરવા વાળી છું. ન કે કારણ ને જોઈને કમજોર બનવાનું છે. કારણ ને નિવારણ માં પરિવર્તન કરવાવાળું ગ્રુપ છો. આને વિજયી કહેવાય. આવાં શ્રેષ્ઠ લક્ષણધારી ભવિષ્ય માં લક્ષ્મી રુપ બને છે. લક્ષ્મી અર્થાત્ લક્ષણ વાળી. તો હમણાં પણ ચહેરા પર, ચલન માં એ ચમક દેખાવી જોઈએ. એમ નહીં કે હમણાં તો અહીંયા શીખી રહ્યાં છીએ, ત્યાં જઈને દેખાડીશું. જ્યારે અહીંયા પોતાનું સબૂત આપીને જશો ત્યારે ત્યાં પણ સબૂત આપી શકશો. સમજ્યાં? હમણાં તમે બધાં છો જ સેવાધારી. સેવાધારી ક્યારેય પણ સુહેજો નાં સંકલ્પમાં નથી આવતાં. સર્વ સંબંધોથી સર્વ અનુભવ કરવો, એ બીજી વાત છે પરંતુ સદા સ્મૃતિમાં પોતાનું સેવાધારી સ્વરુપ રાખવાનું છે. સુહેજો માં લાગશો તો સેવા ભુલાઈ જશે. સેવાધારી છું, વિશ્વ-પરિવર્તન કરવા વાળી પતિત-પાવની છું - આ પોતાનું સ્વરુપ સ્મૃતિમાં રાખો. પતિત-પાવની ની ઉપર કોઈ પતિત આત્માની નજર નો પડછાયો પણ ન પડી શકે. પતિત-પાવની નાં સામે આવવાથી જ પતિત સંકલ્પ બદલાઈને પાવન બની જાય, એટલી શક્તિ જોઈએ. પતિત આત્માઓનાં પતિત સંકલ્પ પણ ન ચાલી શકે, એવી પોતાની બ્રેક શક્તિશાળી હોવી જોઈએ. જ્યારે એનાં જ પતિત સંકલ્પ નથી ચાલી શકતાં તો પતિત-પણાંનો પ્રભાવ કેવી રીતે પડી શકે? એવું પણ નહીં વિચારતા - હું તો પાવન છું પણ આ પતિત આત્માનો પ્રભાવ પડી ગયો. આ પણ કમજોરી છે. પ્રભાવ પડવાનો અર્થ જ છે કે પ્રભાવશાળી નથી, ત્યારે એમનો પ્રભાવ તમને પ્રભાવિત કરે છે. પતિત-પાવની પતિત સંકલ્પોનાં પ્રભાવમાં પણ નથી આવી શકતી. પતિત-પાવની નાં સ્વપ્નમાં પણ પતિત-પણાં નાં સંકલ્પ કે દૃશ્ય ન આવી શકે. જો સ્વપ્નમાં પણ પતિત-પણાં નાં દૃશ્ય આવે છે તો સમજવું જોઈએ કે પતિત સંસ્કારો નાં પ્રભાવની અસર છે. એને પણ ઢીલું ન છોડવું જોઈએ. સ્વપ્નમાં પણ કેમ આવે? એટલી કડક દૃષ્ટિ, કડક વૃત્તિ, કડક સ્મૃતિ સ્વરુપ બનવું જોઈએ. પતિત આત્મા મારી શસ્ત્રધારી શક્તિની આગળ એક સેકન્ડમાં ભસ્મ થઈ જાય. કોઈ વ્યક્તિ ભસ્મ નહીં થશે પણ એમનાં પતિત સંસ્કાર નાશ થઈ જશે. આસુરી સંસ્કારોને નાશ કરવાની આવશ્યકતા છે. હું પતિત-પાવની, આસુરી-પતિત સંસ્કાર સંહારી છું. જે સ્વયં સંહારક છે એ ક્યારેય કોઈનો શિકાર ન બની શકે. એટલો પ્રેક્ટિકલ પ્રભાવ હોવો જોઈએ કે કોઈ પણ તમારી સામે સંકલ્પ કરે અને એમનો સંકલ્પ મૂર્છિત થઈ જાય. આવું કાળી રુપ બનવાનું છે. એક સેકન્ડમાં પતિત સંકલ્પ ની બલિ લઈ લો. એવી બળવાન બની છો જે કોઈનો પડછાયો પણ ન પડી શકે? કોમળ નથી બનવાનું. જે કોમળ હોય છે એ નિર્બળ હોય છે. શક્તિઓ (કુમારીઓ) કોમળ નથી હોતી. માયા પર દયા ક્યારેય નહીં કરતાં. તમે માયાનો તિરસ્કાર કરવા વાળી છો. જેટલો માયાનો તિરસ્કાર કરશો એટલો ભક્તો દ્વારા કે દૈવી પરિવાર દ્વારા સત્કાર પ્રાપ્ત કરશો. માયા ઉપર રોબ (રુઆબ) દેખાડવાનો છે, ન કે દયા. કોઈનાં પુરુષાર્થ માં મદદગાર બનવામાં દયા કરવાની છે, માયા થી નહીં. અચ્છા!
\\
આળસ પણ વિશેષ વિકાર છે. જે પુરુષાર્થી પુરુષાર્થનાં માર્ગ પર ચાલી રહ્યાં છે એમની સામે વર્તમાન સમયે માયાનો વાર આ આળસનાં રુપમાં ભિન્ન-ભિન્ન રીત થી આવે છે. તો આ આળસ ને ખતમ કરવા માટે સદા ઉલ્લાસ માં રહો. કમાણી કરવાનો જ્યારે કોઈને ઉલ્લાસ હોય છે તો પછી આળસ ખતમ થઇ જાય છે.