Search for a command to run...
14 Jan 1979
બ્રાહ્મણ જીવન નો વિશેષ આધાર - પવિત્રતા
14 January 1979 · ગુજરાતી
આજે અમૃતવેલાએ બાપદાદા બાળકોનાં મસ્તક દ્વારા દરેકની પ્યોરિટી (પવિત્રતા) ની પર્સનાલિટી (વ્યક્તિત્વ) જોઈ રહ્યાં હતાં. દરેકમાં નંબરવાર પુરુષાર્થ પ્રમાણે પવિત્રતા ની ઝલક ચમકી રહી હતી. આ બ્રાહ્મણ જીવનનો વિશેષ આધાર પવિત્રતા જ છે. આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓની શ્રેષ્ઠતા પવિત્રતા જ છે, પવિત્રતા જ આ ભારત દેશની મહાનતા છે, પવિત્રતા જ આ બ્રાહ્મણ આત્માઓની સમૃદ્ધિ છે જે આ જન્મ માં પ્રાપ્ત કરો છો એ જ અનેક જન્મોનાં માટે પ્રાપ્ત કરો છો. પવિત્રતા જ વિશ્વ પરિવર્તન નો આધાર છે, પવિત્રતા નાં કારણે જ આજ સુધી પણ વિશ્વ તમારાં જડ ચિત્રો ને ચૈતન્ય થી પણ શ્રેષ્ઠ સમજે છે. આજકાલની નામીગ્રામી આત્માઓ પણ પવિત્રતા ની સામે માથું નમાવતી રહે છે. આવી પવિત્રતા આપ બાળકોને બાપ દ્વારા જન્મસિદ્ધ અધિકાર માં પ્રાપ્ત થાય છે. લોકો પવિત્રતા ને મુશ્કેલ સમજે છે પણ આપ સહુ અતિ સહજ અનુભવ કરો છો. પવિત્રતાની પરિભાષા આપ બાળકો માટે અતિ સાધારણ છે કારણ કે સ્મૃતિ આવી કે વાસ્તવિક આત્મ સ્વરુપ છે જ સદા પવિત્ર. અનાદિ સ્વરુપ પણ પવિત્ર આત્મા છે. અને આદિ સ્વરુપ પણ પવિત્ર દેવતા છે, અને હમણાં નો અંતિમ જન્મ પણ પવિત્ર બ્રાહ્મણ જીવન છે. આ સ્મૃતિનાં આધાર પર પવિત્ર જીવન બનાવવું અતિ સહજ અનુભવ કરો છો, અપવિત્રતા પરધર્મ છે, પવિત્રતા સ્વધર્મ છે. સ્વધર્મ ને અપનાવવો સહજ લાગે છે. આજ્ઞાકારી બાળકોને બાપ ની પહેલી આજ્ઞા છે - પવિત્ર બનો ત્યારે જ યોગી બની શકશો. આ આજ્ઞા નું પાલન કરવાવાળા આજ્ઞાકારી બાળકો ને બાપદાદા જોઈ હર્ષિત થાય છે. એમાં પણ વિશેષ આજે વિદેશી બાળકો ને, જેમણે બાપની આ શ્રેષ્ઠ મત ને ધારણ કરીને જીવન ને પવિત્ર બનાવ્યું છે, એવી પવિત્ર આજ્ઞાકારી આત્માઓને જોઈ બાળકોનાં ગુણગાન કરે છે. બાળકો વધારે બાપ નાં ગુણગાન કરે છે કે બાપ બાળકોનાં વધારે ગુણગાન કરે છે? બાપની સામે વતન માં વિશેષ શૃંગાર કયો છે?
જેમ તમે લોકો અહીંયા કોઈ સ્થાન નો શૃંગાર માળાઓથી કરો છો. બાપદાદાની પાસે પણ દરેક બાળકોનાં ગુણોની માળાની સજાવટ છે. કેટલી સરસ સજાવટ હશે! દૂર થી જ જોઈ શકો છો ને! દરેક પોતાની માળાનો નંબર પણ જાણી શકે છે કે અમારી ગુણમાળા મોટી છે કે નાની છે! બાપદાદાની અતિ સમીપ છે, સન્મુખ છે કે થોડી કિનારે છે? સમીપ કોની માળા હોય, એ તો જાણો છો ને. જે બાપનાં ગુણો અને કર્તવ્ય ની સમીપ છે એ જ સદા સમીપ છે - દરેક ગુણ થી બાપનાં ગુણ પ્રત્યક્ષ કરવાવાળા છે, દરેક કર્મ થી બાપ નાં કર્તવ્ય ને સિદ્ધ કરવાવાળા સમીપ રત્ન છે.
આજે બાપદાદા પવિત્રતા નાં વિષય માં માર્ક્સ (ગુણ) આપી રહ્યાં હતાં, માર્ક્સ આપવામાં વિશેષતા શું જોઈ? પહેલી વિશેષતા મન્સાની પવિત્રતા - જ્યાર થી જન્મ લીધો ત્યાર થી હમણાં સુધી સંકલ્પમાં પણ અપવિત્રતાનાં સંસ્કાર જાગૃત ન થાય. અપવિત્રતા અર્થાત્ વિષ ને છોડી ચૂક્યાં. બ્રાહ્મણ બનવું અર્થાત્ અપવિત્રતા નો ત્યાગ. અપવિત્રતાનો ત્યાગ અને પવિત્રતાનું શ્રેષ્ઠ ભાગ્ય. બ્રાહ્મણ જીવનમાં સંસ્કાર જ પરિવર્તન થઈ જાય છે. મન્સા માં સદા શ્રેષ્ઠ સ્મૃતિ - આત્મિક સ્વરુપ અર્થાત્ ભાઈ-ભાઈ ની રહે છે. આ સ્મૃતિનાં આધાર પર મન્સા પવિત્રતા નાં માર્ક્સ મળે છે. વાચા માં સદા સત્યતા અને મધુરતા - વિશેષ આ આધાર પર વાણી નાં માર્ક્સ મળે છે. કર્મણા માં સદા નમ્રતા અને સંતુષ્ટતા, એનું પ્રત્યક્ષ ફળ સદા હર્ષિતમુખતા હશે, આ વિશેષતા નાં આધારે કર્મણા માં માર્ક્સ મળે છે. હવે ત્રણેય ને સામે રાખતાં પોતાની જાતને તપાસો કે અમારો નંબર કયો હશે? વિદેશી આત્માઓનો નંબર કયો છે?
આજે વિશેષ મળવા માટે આવ્યાં છે, કોઈ આત્માઓનાં કારણે બાપ ને પણ વિદેશી થી દેશી બનવું પડે છે. સૌથી દૂર દેશ નાં વિદેશી તો બાપ છે, વિદેશી બાપ આ લોક નાં વિદેશીઓને મળવા આવ્યાં છે. ભારતવાસી પણ ઓછાં નથી. ભારતવાસી બાળકોનો વિદેશીઓને ચાન્સ (તક) આપવો એ પણ ભારતની મહાનતા છે. ચાન્સ આપવાવાળા ભારતવાસી બધાં ચાન્સલર થઈ ગયાં. વિદેશીઓની વિશેષતા ને જાણો છો? જે વિશેષતા નાં કારણે નંબર આગળ લઈ રહ્યાં છે, વિશેષ વાત એ છે કે ઘણાં વિદેશી બાળકો આવતાં જ પોતાને આ જ પરિવાર નાં, આ જ ધર્મની ખૂબ જૂની આત્માઓ અનુભવ કરે છે, આને કહેવાય આવતાં જ અધિકારી આત્માઓ અનુભવ થાય. મહેનત વધારે નથી લેતાં, સહજ જ કલ્પ પહેલાંની સ્મૃતિ જાગૃત થઈ જાય છે. એટલે ‘મારા બાબા’ આ બોલ અનુભવ નાં આધાર થી બહુ જલદી ઘણાનાં મુખ થી અને દિલ થી નીકળે છે. બીજી વાત ઈશ્વરીય અભ્યાસ નો વિશેષ વિષય સહજ રાજયોગ - આ વિષય માં મેજોરીટી (અધિકાંશ) વિદેશી આત્માઓને અનુભવ પણ ખૂબ સરસ અને સહજ થવાં લાગે છે. આ મુખ્ય વિષય ની તરફ વિશેષ આકર્ષણ હોવાનાં કારણે નિશ્ચય નો પાયો મજબૂત થઈ જાય છે. આ છે બીજી વિશેષતા. અંગદ નાં સમાન મજબૂત છો ને? માયા હલાવતી તો નથી ને? આજે વિશેષ વિદેશીઓનો વારો છે એટલે ભારતનાં બાળકો સાક્ષી છે .
ભારતવાસી બાળકો પોતાનાં ભાગ્યને તો સારી રીતે જાણે છે. વિદેશીઓને પણ રાજ્ય તો અહીંયા જ કરવાનું છે ને! પોતાનાં ભાગ્ય ને જાણો છો? આગળ ચાલીને સેવાનાં નિમિત્ત બનવાનો સારો પાર્ટ છે. ભાગ્ય પ્રાપ્ત થયેલું જોઈ બધાંને ખુશી થાય છે. (દાદારામ સાવિત્રી નો પરિવાર મધુબન આવ્યો છે - એમને જોઈ બાબા બોલ્યાં) કોઈક વિશેષ ભાગ્યશાળી આત્માઓ (રામ સાવિત્રી) નાં કારણે પરિવારનું પણ ભાગ્ય છે. જ્યારે કોઈ સંકલ્પ સિદ્ધ થાય છે તો ખુશી જરુર થાય છે. અચ્છા.
એવાં સદા ખુશી માં ઝૂમવાવાળા, સદા પોતાનાં ભાગ્ય નાં તારાને ચમકતો જોઈ ચઢતી કળાની તરફ જવાવાળા, સદા પવિત્રતા ની પર્સનાલિટીવાળા, પવિત્રતા ની મહાનતા નાં આધારે વિશ્વ ને પરિવર્તન કરવાવાળા, વિશ્વ કલ્યાણકારી બાળકો ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ સાથે મુલાકાત:-
લન્ડન પાર્ટી: બધાં પોતાને સદા બાપનાં સાથી અનુભવ કરો છો? કમ્બાઈન્ડ (સંયુક્ત) રુપ પોતાનું જુઓ છો ને? એકલા નહીં, જ્યાં બાળકો છે ત્યાં બાપ દરેક બાળકની સાથે છે. સદૈવ બાપની યાદની છત્રછાયાની અંદર છો. કોઈ પણ પ્રકારનાં માયા નાં વિઘ્ન છત્રછાયાની અંદર આવી નથી શકતાં. તો જ્યાં પણ રહો છો, જે પણ કાર્ય કરો છો, પરંતુ સદા એવો અનુભવ કરો કે અમે સુરક્ષિત સ્થાન પર છીએ, એવો અનુભવ કરો છો? ખાસ વિદેશીઓ ઉપર બાપદાદા નો વિશેષ સ્નેહ અને સહયોગ છે. વિદેશી આત્માઓ સેવાનાં ક્ષેત્રમાં પણ પોતાનો સારો પાર્ટ આગળ ચાલતાં ભજવશે. સેવાનું ભવિષ્ય પણ ખુબ સારું છે. સેવાની નવી યોજના શું બનાવી છે? સાધારણ કાર્યક્રમ ની સાથે-સાથે વિશેષ આત્માઓની સેવા કરો, એનાં માટે મહેનત જરુર લાગશે પણ સફળતા તમારો જન્મ સિદ્ધ અધિકાર છે, એ નહીં વિચારો કે બહુ કર્યું ફળ નથી જોવા મળતું. ફળ તૈયાર થઈ રહ્યાં છે. કોઈ પણ કર્મ નું ફળ નિષ્ફળ થઈ જ ન શકે, કારણ કે બાપની યાદમાં કરો છો ને. યાદમાં કરેલા નું ફળ સદા શ્રેષ્ઠ રહે છે. એટલે ક્યારેય પણ દિલ શિકસ્ત નહીં બનતાં. જેમ બાપ ને નિશ્ચય છે કે ફળ નીકળવાનું જ છે એમ સ્વયં પણ નિશ્ચય બુદ્ધિ રહો. કોઈ ફળ જલ્દી નીકળે કોઈ થોડી વાર પછી એટલે એનું પણ વિચારો નહીં, કરતાં ચાલો, હવે જલ્દી જ એવો સમય આવશે જે સ્વતઃ તમારી પાસે માહિતી લેવા આવશે કે આ સંદેશ કે સૂચના ક્યાંથી મળી હતી. ફક્ત થોડો વિનાશ નો ટકોરો વાગવા દો તો પછી જુઓ કેટલી લાંબી કતાર લાગી જાય છે પછી તમે લોકો કહેશો અમને સમય નથી, હમણાં એ લોકો કહે છે અમને સમય નથી, પછી તમે કહેશો ખૂબ મોડું થયું.
જે વાત માં મુશ્કેલી અનુભવ કરો એ મુશ્કેલી ની વાત બાપ પર છોડી દો, સ્વયં સદા સહજયોગી રહો. સહજયોગી રહેવું જ સદા સેવા કરવી છે. તમારી સૂક્ષ્મ યોગની શક્તિ સ્વતઃ આત્માઓને તમારી તરફ આકર્ષિત કરશે તો આ જ સહજ સેવા છે, આ તો બધાં કરો છો ને. લન્ડન નિવાસીઓએ સેવાનો વિસ્તાર સારો કર્યો છે. હમજીન્સ (આપસમાન) સારાં તૈયાર કર્યા છે? માળા તૈયાર થઈ ગઈ છે? ૧૦૮ રતન તૈયાર કર્યાં છે? હવે લન્ડનવાળા એવું ગ્રુપ તૈયાર કરે જેમાં બધી વિવિધતા હોય, વૈજ્ઞાનિક પણ હોય, ધાર્મિક પણ હોય, નેતાઓ પણ હોય, અને જે ભિન્ન-ભિન્ન એસોસિએશન (સંગઠન) છે એની પણ વિશેષ આત્માઓ હોય. જ્યાં સુધી સ્થાપના માટે બધાં પ્રકારની વિવિધ આત્માઓ સ્થાપના નાં કાર્યમાં બીજ નહીં નાખે તો વિનાશ કેવી રીતે થશે! કારણ કે સતયુગમાં બધાં પ્રકારનાં કાર્યવાળા કામમાં આવશે. સેવાધારી બનીને તમારી સેવા કરશે. હમણાં એક જન્મ થોડા સમયની તમે સેવા કરી એવાં સેવાધારી તૈયાર કરો જે અનેક જન્મ તમારી સેવા કરે. વિજ્ઞાન વાળાઓનો પણ ત્યાં પાર્ટ છે, જે ત્યાનાં સુખ નાં સાધનોની વિશેષતા છે તે અહીંયાથી સહજ માર્ગનું બીજ નાખીને જશે, આ જ બીજ ત્યાં કામમાં આવશે. તો વિદેશ માં આ સેવા હવે તીવ્ર ગતિ થી થવી જોઈએ. રાજધાની તૈયાર કરો, પ્રજા પણ તૈયાર કરો, રોયલ ફેમિલી (રાજકુટુંબ) પણ તૈયાર કરો, સેવાધારી પણ તૈયાર કરો. કોઈ પણ એવો વર્ગ ન રહી જાય જે ફરિયાદ કરે કે અમને સંદેશ નથી મળ્યો.
૨. ઈશ્વરીય સેવાની શ્રેષ્ઠ અને નવી વિધિ:- સંકલ્પો દ્વારા ઈશ્વરીય સેવા કરવી એ પણ સેવાની શ્રેષ્ઠ અને નવી વિધિ છે, જેમ ઝવેરી હોય છે તો રોજ સવારે દુકાન ખોલતાં પોતાનાં દરેક રતન ને તપાસે છે કે સાફ છે, ચમક બરાબર છે, યોગ્ય સ્થાને રાખેલાં છે? એવી રીતે રોજ અમૃતવેલાએ પોતાનાં સંપર્કમાં આવવાવાળી આત્માઓ પર સંકલ્પ દ્વારા નજર દોડાવો, જેટલું તમે તેમને સંકલ્પ થી યાદ કરશો એટલાં એ સંકલ્પ એમની પાસે પહોંચશે અને તેઓ કહેશે કે અમે પણ બહુ વાર તમને યાદ કર્યાં હતાં. આ રીતે સેવાની નવી-નવી વિધિ અપનાવીને આગળ વધતાં જાઓ. દર માસ સંપર્કવાળી આત્માઓનો વિશેષ કોઈ કાર્યક્રમ રાખો, સ્નેહમિલન રાખો, અનુભવની લેણ-દેણ કે મનોરંજન નો કાર્યક્રમ રાખો, કોઈ ને કોઈ રીતે બોલાવીને સંપર્ક વધારો, એવું નહીં વિચારો બે નીકળ્યાં કે ત્રણ નીકળ્યાં, એક પણ નીકળે તો પણ સારું, એક જ દીપક દીપમાળા તૈયાર કરી દેશે.
જર્મની:- જર્મની વાળાઓએ પોતાનાં દેશમાં બાપનો પરિચય આપવાનું સાધન સરસ બનાવ્યું છે, હવે જર્મની ની આજુ-બાજુ હેન્ડ્સ (સેવાધારી) તૈયાર કરી સેવા નાં ક્ષેત્રને હજું વધારો. જે પણ આવ્યાં છે એ બધાં એક-એક સેવાકેન્દ્ર સંભાળો કારણ કે સમય ઓછો છે અને રાજધાની બનાવવાની છે. જર્મની નું ગ્રુપ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાવાળું છે ને! સર્વિસ કરો પણ સંપર્ક નાં આધાર થી, સ્વતંત્ર નહીં. જેમ દરેક ડાળી નું થડ થી જોડાણ હોય છે એવી રીતે વિશેષ નિમિત્ત આત્માઓ સાથે સંપર્ક સારો હોય તો સફળતા સારી મળે છે, એવી યોજના બનાવજો. અચ્છા.
વિદાય નાં સમયે:- સંગમયુગ નાં આ દિવસો પણ ખૂબ અમૂલ્ય છે! બાપદાદા પણ બાળકોનો મેળો સંગમ પર જ સાકાર રુપ માં જુએ છે. સંગમયુગ સારો લાગે છે ને? વિશ્વ પરિવર્તન નહીં કરો? સંગમયુગ ની વિશેષતા પોતાની છે અને નવી દુનિયાની વિશેષતા પોતાની છે. જ્યારે નવી દુનિયામાં જશો તો બાપને પણ ભૂલી જશો, એ સમયે યાદ હશે? બાપ ને પણ ખુશી છે કે બાળકો આટલાં શ્રેષ્ઠ પદ ની પ્રાપ્તિ કરી લે છે. સદૈવ બાપ એ જ ઈચ્છે છે કે બાળકો બાપ થી પણ આગળ રહે. બાળકોનું શ્રેષ્ઠ ભાગ્ય જોઈ બાપ ખુશ થાય છે. થોડા જ સમયમાં ભાગ્ય કેટલું બનાવી લો છો? સંગમયુગ ની આ જ વિશેષતા છે જે દરેક ઘડી, દરેક સંકલ્પ પોતાનું ભાગ્ય બનાવી શકો છો! જેટલું ઈચ્છો એટલું ભાગ્ય ઊંચે થી ઊંચું બનાવી શકો છો, તો તપાસો કે કેટલી ભાગ્ય બનાવવાની તક છે એટલી જ પૂરી તક લઈ રહ્યાં છો? પ્રાપ્તિનો સમય હવે વધારે નથી એટલે જેટલું ઈચ્છો એટલું હમણાં કરી લો, નહીં તો આ પ્રાપ્તિનો સમય યાદ આવશે કે કરવું જોઈતું હતું પરંતુ કર્યું નહીં! પોતાની યાદની યાત્રા ને શક્તિશાળી બનાવતાં જાઓ. સંકલ્પ માં સર્વ શક્તિઓનો સાર ભરતાં જાઓ. દરેક સંકલ્પ માં શક્તિ ભરતાં રહો. સંકલ્પ ની શક્તિ થી પણ ખૂબ સેવા કરી શકો છો. અચ્છા - ઓમ્ શાંતિ.