Search for a command to run...
17 Apr 1969
બ્રાહ્મણોનો મુખ્ય સંસ્કાર - સર્વસ્વ ત્યાગી
17 April 1969 · ગુજરાતી
તમારા બધાનું સંગઠન ખાસ શેનાં માટે મંગાવ્યું છે? સંગઠન માટે મુખ્ય ચાર વાતો જરુરી છે - ૧) પરસ્પર એકબીજા માં સ્નેહ, ૨) નજીક સંબંધ ૩) સર્વિસ (સેવા) ની જવાબદારી અને ૪) જ્ઞાન-યોગ ની ધારણા નું સબૂત (પ્રમાણ). આ ચારેય વાતોમાં તૈયાર છો? એકબીજા માં સ્નેહી કેવી રીતે બનવાનું હોય છે? સ્નેહી બનવાનું સાધન કયું છે? આ જે એકબીજાથી દૂર થઈ જાઓ છો તેનું કારણ આ છે - કારણ કે એકબીજાનાં સંસ્કાર, એકબીજાનાં સંકલ્પ નથી મળતાં. બધાનાં સંકલ્પ, સંસ્કાર એક થઈ કેવી રીતે શકે છે? (સંસ્કાર તો દરેકનાં પોત-પોતાનાં હોય છે) સંગમયુગી બ્રાહ્મણોનો મુખ્ય સંસ્કાર કયો છે? સાકાર રુપમાં મુખ્ય સંસ્કાર કયો હતો? જે બ્રહ્મા નાં સંસ્કાર તે બ્રાહ્મણો નાં. સાકાર બ્રહ્મા નો મુખ્ય સંસ્કાર કયો હતો. બ્રહ્મા માં તો તે સંસ્કાર સંપૂર્ણ રુપથી જોઈ લીધો. પરંતુ બ્રાહ્મણોમાં યથા યોગ, યથા શક્તિ છે. તેમનો મુખ્ય સંસ્કાર હતો - સર્વસ્વ ત્યાગી. નિરંહકારી નો અર્થ જ છે સર્વસ્વ ત્યાગી. પોતાનું બધું ત્યાગ કરી લે છે. સર્વસ્વ ત્યાગી હોવાથી સર્વગુણ આવી જાય છે. બીજાનાં અવગુણોને ન જોવાં, આ પણ ત્યાગ છે. ત્યાગ નો અભ્યાસ હશે તો આ પણ ત્યાગ કરી શકશો. સર્વસ્વ ત્યાગી અર્થાત્ દેહનાં ભાન નો પણ ત્યાગ. તો બ્રાહ્મણોનો મુખ્ય સંસ્કાર છે - સર્વસ્વ ત્યાગી. આ ત્યાગ થી મુખ્ય ગુણ કયા આવે છે? સરળતા અને સહનશીલતા. જેનામાં સરળતા, સહનશીલતા હશે તે બીજાઓને પણ આકર્ષણ જરુર કરશે. અને એકબીજાનાં સ્નેહી બની શકશે. જો સરળતા નથી તો સ્નેહ પણ નથી થઈ શકતો. એકબીજામાં સ્નેહી બનવું હોય તો તેની રીત આ છે. એક તો દેહ સહિત સર્વસ્વ ત્યાગી. આ સર્વસ્વ ત્યાગી થી સરળતા, સહનશીલતા આપમેળે જ આવશે. સર્વસ્વ ત્યાગી ની આ નિશાની હશે - સરળતા અને સહનશીલતા. સાકાર રુપમાં પણ જોયું ને. જેટલાં નોલેજફુલ (જ્ઞાનવાન) એટલો જ સરળ સ્વભાવ. જેને કહેવાય છે બાળપણનાં સંસ્કાર. વૃદ્ધ નાં વૃધ્ધ, બાળપણ નું બાળપણ.
તમારા બધાની ચલન એવી હોય જે તમારી ચલન થી બાપ અને દાદા નું ચિત્ર જોવામાં આવે. બોલવાથી નહીં. ચલન થી ચિત્ર જોવામાં આવશે. એવી ચલન હમણાં છે? તમારી ચલન થી બાપદાદાનું ચિત્ર જોવામાં આવે છે?
જોવામાં તો આવે છે પરંતુ ક્યારેક-ક્યારેક. જયારે એ સ્થિતિમાં રહીને સર્વિસ કરો છો ત્યારે તમારી વાણી થી, સૂરત (ચહેરા) થી સમજે છે કે આમને જ્ઞાન આપવા વાળા ખુબ જ ઊંચા છે. કહે છે ને તમારી ચલન થી બાપદાદાનાં ચિત્રો જોઈએ છીએ. પરંતુ ક્યારેક-ક્યારેક. તમે પણ કેમેરો છો. તમારા કેમેરામાં બાપદાદાનાં ચિત્રો છપાયેલા છે. તે ક્યારેક-ક્યારેક દેખાડો છે, કેમ? સદૈવ તે જ ચિત્રો ચલન થી કેમ નથી દેખાડતાં? (પુરુષાર્થ છે) આ પુરુષાર્થ શબ્દ ક્યાં સુધી ચાલવાનો છે? કેટલો સમય હજું પુરુષાર્થ કરવાનો છે? શું અંત સુધી આવું જ કહેતા રહેશો? કે અમે પુરુષાર્થી છીએ. જેમ હમણાં કહી રહ્યાં છો એમ જ અંત સુધી કહેશો? પુરુષાર્થ શબ્દ પણ હવે ચેન્જ (પરિવર્તન) થવાનો છે. ભલે પુરુષાર્થી તો અંત સુધી રહેશો પરંતુ તે પુરુષાર્થ આવો નહીં હોય જેમ હમણાં કહો છો. પુરુષાર્થ નો અર્થ જ છે જે એક વખત ભૂલ થઈ પછી બીજી વખત ન થાય. એવો પુરુષાર્થ છે? પુરુષાર્થ નો જે અર્થ છે તેમાં પ્રેકટીકલમાં (વ્યવહારમાં) આવવાનું છે. એક જ ભૂલ વારંવાર થાય તો તેને પુરુષાર્થ કેવી રીતે કહેવાય? પુરુષાર્થ નું લક્ષ્ય જે હોવું જોઈએ તે પુરુષાર્થી બનવાનો પણ પુરુષાર્થ કરવાનો છે. બાકી આ રીતનો પુરુષાર્થ શબ્દ પણ નીકળી જવો જોઈએ.
એકબીજાનાં સ્નેહી કેવી રીતે બની શકશો? ફક્ત પત્ર વ્યવહાર કરવો, સંગઠન કરવું? એનાથી નહીં બની શકો. આ તો સ્થૂળ વાત છે. પરંતુ એકબીજાનાં સ્નેહી ત્યારે બનશો જ્યારે સંસ્કાર અને સંકલ્પો ને એકબીજાથી મેળવશો. તેની રીત પણ બતાવી (સર્વસ્વ ત્યાગી) સર્વસ્વ ત્યાગી ની નિશાની શું હશે? (સરળતા, સહનશીલતા) આ વાતો જયારે ધારણ કરશો ત્યારે સ્નેહી બનશો. સરળતા લાવવા માટે ફક્ત એક વાત જરુર વર્તમાન સમયે ધ્યાનમાં રાખવાની છે. વર્તમાન સમયે જોઈ શકાય છે - આજકાલની સ્થિતિ જે છે તે કંઈક સ્તુતિ નાં આધાર પર છે. સ્તુતિ અને નિંદા બે શબ્દ છે ને. તો વર્તમાન સમયે સ્તુતિ નાં આધાર પર સ્થિતિ છે. અર્થાત્ જે કર્મ કરો છો તેના ફળની ઇચ્છા કે લોભ રહે છે. કર્તવ્ય નાં ફળની ઈચ્છા વધારે રાખો છે. સ્તુતિ નથી મળતી તો સ્થિતિ પણ નથી રહેતી. સ્તુતિ હોય છે તો સ્થિતિ પણ રહે છે. જો નિંદા થાય છે તો નિધન નાં (ધણી-ધોરી વગરનાં) બની જાય છે. પોતાની સ્ટેજ (સ્વમાન) ને છોડી દે છે અને ધણીને પણ ભૂલી જાય છે. તો આ ક્યારેય નથી વિચારવાનું કે અમારી સ્તુતિ થાય. સ્તુતિ નાં આધાર પર સ્થિતિ નહીં રાખતાં. સ્તુતિ નાં આધાર પર સ્થિતિ રાખશો તો ડગમગ થતાં રહેશો.
જે અનન્ય છે, તેમનો પ્રભાવ દિન-પ્રતિદિન જાતે જ નીકળશે. પરંતુ પ્રભાવમાં પોતે જ પ્રભાવિત નથી થવાનું. અહીંયા જ ફળને સ્વીકાર કરી લીધું તો ભવિષ્ય ફળ ખતમ કરી લેશો. જેટલો ગુપ્ત પુરુષાર્થ, એટલાં જ ગુપ્ત મદદગાર, એટલું જ ગુપ્ત પદ બની જાય છે. બીજા ભલે કેટલી પણ મહિમા કરે પરંતુ તેમની મહિમા નાં પ્રભાવ માં પોતે પ્રભાવિત નથી થવાનું.
કોઈ પણ કાર્ય કરવાનું છે તો સંગમ પર રહીને જજમેન્ટ (નિર્ણય) કરવાનું છે. કારણ કે તમે બધાં સંગમયુગી કહેવાઓ છો. એટલે જે પણ વાત હોય છે દરેક વાતની બે બાજુ તો હોય છે. બંને બાજુથી સંગમ પર રહીને નિર્ણય કરવાનો છે. ન તે તરફ વધારે ન આ તરફ વધારે. સંગમ પર રહેવાનું છે. આપ સંગમયુગી બ્રાહ્મણોનું જે પણ કર્તવ્ય ચાલે છે તે સંગમ પર રહેતું નથી. આ તરફ કે પેલી તરફ ચાલ્યું જાય છે. જેમ તમે લોકો ગૃહસ્થ વ્યવહારમાં રહો છો અને સર્વિસ માં પણ મદદગાર છો તો બંને તરફ સંભાળવા માટે વચમાં રહેવું પડશે. બંનેની વચ્ચે ની અવસ્થામાં સ્થિત રહેવાનું છે. સંગમ પર હશો તો બંનેને ઠીક કરશો. તમારું ખાન-પાન, પહેરવું વગેરે બધું વચ્ચેનું જ છે. આ રીતે જે નિર્ણય કરો છો તો વચ્ચે ની સ્થિતિમાં સ્થિત થઈને બંને તરફ નું જજમેન્ટ કરી પછી ચાલવાનું છે. કેટલીક વાતોમાં દેખાઈ આવે છે આ તરફ કે પેલી તરફ વિશેષ થઈ જાઓ છો. હોવું જોઈએ વચમાં. વચ્ચેની અવસ્થા છે બીજ. બિન્દી. જેમ બીજ સૂક્ષ્મ હોય છે તેમ વચ્ચેની સ્થિતિ પણ સૂક્ષ્મ છે. તેનાં પર જ રહેવાની હિંમત અને રીત જોઈએ.
આ પણ લક્ષ્ય આપેલું છે - ક્યાંક બાળક થઈને ચાલવાનું છે, ક્યાંક માલિક થઈને ચાલવાનું છે. જ્યાં માલિક થઈ ચાલવાનું છે ત્યાં બાળક નથી બનવાનું. અને જ્યાં બાળક બનવાનું છે ત્યાં માલિક ન બનવું જોઈએ. આ પણ ઘણાંથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ (ગેરસમજ) થઈ જાય છે. આ પણ ચેકિંગ (તપાસ) ખુબ રાખવાની છે. બાળકપણું પણ પૂરું તો માલિકપણું પણ પૂરું રાખવાનું છે. એટલે કહ્યું કે સંગમ પર રહેવાનું છે. ફક્ત બાળક પણ નથી બનવાનું અને ફક્ત માલિક પણ નથી બનવાનું. બંને ગુણ હોવાથી બધું ઠીક ચલાવી શકશો. બાળકપણું અર્થાત્ નિરસંકલ્પ હોય. જે કાંઈ પણ આજ્ઞા મળે, ડાયરેક્શન (નિર્દેશ) મળે તેના પર ચાલવું. માલિકપણું અર્થાત્ પોતાની સલાહ આપવી. કયા સ્થાન પર માલિક બનવાનું છે તે સ્થાન અને વાત જોવાની છે. બધી જગ્યાએ માલિક નથી બનવાનું. જ્યાં બાળક બનવાનું છે ત્યાં જો માલિક બની જશો તો પછી સંસ્કારોની ટક્કર થઇ જશે. એટલે પરસ્પર એકબીજામાં મદદગાર બનવા માટે બંનેવ વાતો ધારણ કરવાની છે. નહિં તો સંસ્કારોની ટક્કર થશે. જ્યાં બાળક બનવું જોઈએ ત્યાં માલિક બની જાય છે તો બે માલિક બનવાથી પછી સંસ્કારોની ટક્કર થઇ જાય છે. માલિક પણ બનવાનું છે, બાળક પણ બનવાનું છે. સલાહ આપી, માલિક બન્યાં. પછી જયારે ફાઈનલ (પાક્કું) થાય છે તો બાળક બની જવું જોઈએ, પછી માલિક. કયા સમયે બાળક કયા સમયે માલિક બનવાનું છે આ પણ બુદ્ધિની જજમેન્ટ (વિવેક) જોઈએ. કયા સમયે કયું સ્વરુપ ધારણ કરવાનું છે, તે પણ વિચાર કરવાનો છે. બહુરુપી બનવાનું છે ને. સદૈવ એક રુપ નહીં. જેવો સમય તેવું રુપ. ઉલ્ટા રુપથી બહુરુપી નથી બનવાનું. સુલ્ટા રુપથી બનવાનું છે.
સારું - ઓમ શાંતિ