Search for a command to run...
28 Apr 1977
સદા સુહાગન ની નિશાનીઓ
28 April 1977 · ગુજરાતી
બાપદાદા બાળકોનાં સુહાગ અને ભાગ્ય ને જોઈ રહ્યાં છે. સુહાગ નું તિલક અને ભાગ્ય નાં લાઈટ નો ક્રાઉન (પ્રકાશનો તાજ) અને તિલકધારી અર્થાત્ સુહાગ અને ભાગ્ય વાળા. સદા સુહાગ ની નિશાની છે અવિનાશી સ્મૃતિ નું તિલક. સદા ભાગ્યની નિશાની છે પવિત્રતા અને બાપ દ્વારા સર્વ પ્રાપ્તિઓ અર્થાત્ લાઈટ નો ક્રાઉન. સ્મૃતિ ઓછી તો તિલક પણ સ્પષ્ટ ચમકતું નહીં દેખાશે. ચમકતું રહેતું તિલક સદા બાપ ની સાથે રહેવાની સુહાગ ની નિશાની છે. એવી સુહાગન તિલકધારી કે સદા સુહાગન હોવાનાં કારણે સદા વિશ્વ ની આગળ શ્રેષ્ઠ અર્થાત્ ઊંચ આત્મા દેખાય છે. જેમ લૌકિક રુપમાં પણ સુહાગન ને શ્રેષ્ઠ નજર થી જુએ છે અને દરેક શ્રેષ્ઠ કાર્ય માં સુહાગન ને જ આગળ રાખે છે. જો ‘સુહાગ ગયો તો સંસાર ગયો’ - એવું લૌકિક માં પણ માનવામાં આવે છે. એ જ પ્રકારે અલૌકિક જીવન માં પણ દરેક આત્મા એક સાજન ની સજની છે અર્થાત્ સુહાગન છે. સદા પોતાનાં સુહાગ નાં તિલક ને જુઓ છો? સદા એકની જ લગન માં મગન રહેવાની નિશાની, સ્મૃતિનું તિલક અર્થાત્ સુહાગ નું તિલક છે. જો તિલક ભૂસાઈ જાય છે તો જાણે પોતાનાં સુહાગ ને ગુમાવી દે છે.
સ્વયં પોતાને પૂછો કે હું સદા સુહાગન છું? સદા સુહાગન એક શ્વાસ કે એક પળ પણ સાથ નથી છોડતી. સદા સુહાગન નાં મન નાં બોલ છે - સાથે રહીશું, સાથે જીવીશું, સાથે મરીશું. સદા સુહાગન નાં નયનો માં, મુખ માં સાજન ની સૂરત (ચહેરો) અને સીરત (સ્વરુપ) સમાયેલી હોય, કાનો માં એમનાં બોલ જ સદા સાંભળવામાં આવે છે. જેમ ભક્તિ માં અનહદ શબ્દ સાંભળવાનાં અભ્યાસી હોય છે. ઘણાં પ્રયત્ન પછી એકવાર પણ જો શબ્દ સંભળાય તો પોતાની ભક્તિ ને સફળ સમજે છે. આ બધાં ભક્તિ નાં રીત-રિવાજ આ સમય ની પ્રેક્ટિકલ લાઈફ (વ્યવહારિક જીવન) માંથી કોપી (નકલ) કરેલાં છે. સદા સુહાગન અર્થાત્ જેમનાં કાનો માં અનાદિ મહામંત્ર ‘મનમનાભવ’ નો સ્વર ગુંજતો રહે. સદા આ અનુભવ કરશે કે બાપ આ મહામંત્ર વારંવાર કહીને સ્મૃતિ અપાવી રહ્યાં છે. હરતાં-ફરતાં આ જ અનહદ અર્થાત્ અવિનાશી બોલ બાપની સન્મુખ સાંભળવાનો અનુભવ કરશે, બીજી કોઈ પણ આત્માઓનાં બોલ સાંભળતા હોવા છતાં પણ નહીં સાંભળે. બસ ‘તમારા થી બોલું, તમારા થી સાંભળું કે તમારું સાંભળેલું જ બોલું’ - એવી સ્ટેજ (સ્થિતિ) સદા સુહાગન ની જ હોય છે. એમ સદા સુહાગન સંકલ્પ માં પણ અન્ય આત્મા પ્રતિ એક સેકન્ડ પણ સ્મૃતિ માં નહીં લાવે અર્થાત્ સંકલ્પ માં પણ કોઈ દેહધારી નાં પ્રભાવ માં નહીં આવશે. લગાવ તો મોટી વાત છે, પ્રભાવ પણ નહીં. જેમ લૌકિક જીવન માં પણ પર-પુરુષ પ્રતિ સંકલ્પ કરવો કે સ્વપન માં પણ આવવું સુહાગન માટે મહાપાપ ગણાય છે, એમ જ અલૌકિક જીવન માં પણ જો સંકલ્પ માત્ર પણ, સ્વપન માત્ર પણ કોઈ દેહધારી આત્મા તરફ પ્રભાવિત થયાં તો સદા સુહાગન માટે મહાપાપ ગણાય છે. તો સદા સુહાગન અર્થાત્ એક બાપ બીજું ન કોઈ. એવું સુહાગ નું તિલક લગાવેલું છે? માયા તિલક મિટાવી તો નથી દેતી? સદા સુહાગ ની સાથે સદા ભાગ્ય. ફક્ત સુહાગન નહીં પરંતુ ભાગ્યવાન પણ છો. સદા ભાગ્યવાન ની નિશાની છે લાઈટ નો ક્રાઉન. જેમ લૌકિક દુનિયા માં ભાગ્યની નિશાની રાજ્ય અર્થાત્ રાજાઈ હોય છે, અને રાજાઈ ની નિશાની તાજ હોય છે, એમ ઈશ્વરીય ભાગ્ય ની નિશાની લાઈટ નો ક્રાઉન છે. એ તાજ ની પ્રાપ્તિ નો આધાર છે પ્યોરિટી (પવિત્રતા) અને સર્વ-પ્રાપ્તિ. સંપૂર્ણ પ્યોરિટી અર્થાત્ મનસા માં પણ કોઈ એક વિકાર નો અંશ પણ ન હોય અને સર્વ પ્રાપ્તિ અર્થાત્ જ્ઞાન, સર્વગુણ અને સર્વ-શક્તિઓની પ્રાપ્તિ. જો કોઈ પણ પ્રાપ્તિની કમી છે તો લાઈટ નો ક્રાઉન સ્પષ્ટ નહીં દેખાશે. અપવિત્રતા અને અપ્રાપ્તિઓનાં વાદળાઓમાં છૂપાયેલો દેખાશે. સ્વયં ને સદા લાઈટ, આત્મિક રુપ અનુભવ નહીં કરી શકે. કર્મ માં પણ પોતાને લાઈટ (હલકાં) અનુભવ નહીં કરી શકે. વારંવાર મહેનત કર્યા પછી કે અટેન્શન (ધ્યાન) રાખવાનો અભ્યાસ કર્યા પછી અલ્પ સમય માટે સ્વયં ને ડબલ લાઈટ અનુભવ કરશે. જેવું વિચારશે કે હું આત્મા લાઈટ છું, તો આત્માની બદલે શરીર અર્થાત્ દેહ પોતાને અનુભવ કરશે. ભાગ્ય નો આધાર સર્વ પ્રાપ્તિઓ છે. સર્વ પ્રાપ્તિઓની નિશાની છે - અવિનાશી ખુશી. સદા ભાગ્યવાન સદા ખુશ હશે. ભાગ્ય ઓછું તો ખુશી પણ ઓછી, ખુશી ઓછી અર્થાત્ સદા ભાગ્યવાન નહીં. તો સમજ્યાં. સદા સુહાગન અને સદા ભાગ્યવાન ની નિશાનીઓ શું છે? હવે તો બધી વાતો સામે રાખીને સ્વયં ને ચેક (તપાસ) કરો કે હું કોણ છું? અચ્છા.
સદા સુહાગ નાં તિલકધારી, શ્રેષ્ઠ ભાગ્યવાન, સર્વ પ્રાપ્તિ સ્વરુપ સદા બાપ ની સાથી એવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી-દાદી ની સાથે:-
એવાં સદા સુહાગન અને સદા ભાગ્યવાન અને સંપૂર્ણ ભાગ્યવાન કેટલાં હશે? નિરંતર ડબલ લાઈટ અને નિરંતર સર્વ પ્રાપ્તિ સંપન્ન સંપૂર્ણ પવિત્ર હોય, એવાં કેટલાં મણકા હશે? આંગળીઓ પર ગણતરી જેટલાં! એવાં રતનો ની જ વિશેષ પૂજા થાય છે. વિશેષ નવ રતનો ની પૂજા થાય છે ને. તો જે સારી ક્વોલિટી (ગુણવત્તા) નાં રતન હોય છે, તે એક રતન માં, એક રંગ હોવાં છતાં પણ બધાં રંગ દેખાશે. જેમ સફેદ હીરો હોય છે જે ઉત્તમ હીરો હશે, ચમકતો ફલોલેસ (દાગ-રહિત) દેખાશે. ધ્યાન થી જોશો તો સફેદ હોવાં છતાં પણ તેમાં બધાં રંગ દેખાશે. આનું કારણ શું છે? સર્વ-શક્તિઓ થી સંપન્ન ની નિશાની આ છે. સર્વ-શક્તિઓ ભિન્ન-ભિન્ન રંગ નાં રુપમાં દેખાય છે. તે સાયન્સ (વિજ્ઞાન) નો હિસાબ અને અહીંયા છે સાયલેન્સ (શાંતિ) દ્વારા સર્વ પ્રાપ્તિઓ. જેમ વરસાદ પછી ઇન્દ્રધનુષ દેખાય છે, તો એમાં પણ બધાં રંગ દેખાય છે. આ પણ જ્ઞાન-વર્ષા પછી, વર્ષા નું ફળ સર્વ પ્રાપ્તિ સ્વરુપ. તો એવાં શ્રેષ્ઠ હીરા કે રતન સર્વ પ્રાપ્તિ સ્વરુપ હોવાનાં કારણે જે શક્તિ પામવા ઈચ્છે તે એ રતન દ્વારા પ્રાપ્ત કરી શકે છે. તો એવાં રતન કેટલાં હશે? નવ રતનો નું પૂજન, નિર્વિઘ્ન હોવાનાં કારણે વિશેષ હોય છે. કોઈનાં ઉપર વિશેષ વિઘ્ન આવે છે તો નવ રતનો નું પૂજન કરે છે. તો એટલાં નિર્વિઘ્ન બન્યાં છો? દરેક રતન સમ્પન્ન હોય છે, પરંતુ તો પણ દરેક રતન ની મુખ્ય વિશેષતા પોતાની હોય છે. એટલે નવ રતનો ની એકસાથે પૂજા પણ થાય છે અને અલગ-અલગ પણ વિશેષ કોઇ વિઘ્ન અર્થે કોઈ રતન નું ગાયન હોય છે. સમજો ધન ની સમસ્યા કે વિઘ્ન છે તો ધન ની પ્રાપ્તિ માટે કે અપ્રાપ્તિ નું વિઘ્ન દૂર કરવા માટે વિશેષ રતન પણ હોય છે. બીમારી વધારે માર્ક (લક્ષણ) વાળી હશે તો એનું યાદગાર પછી હમણાં સુધી પણ પોતાનાં હાથમાં રીંગ (વીંટી) બનાવીને પહેરે છે અથવા ગળા માં લૉકેટ બનાવીને પહેરે છે. તો આ બધાં હિસાબ વર્તમાન સમય ની પ્રાપ્તિનાં છે. તો એવાં કેટલાં હશે? ગણતરી કરવામાં આવે છે. નામ કહેવાનાં નથી, દેખાડવાનાં છે. જો એનાઉન્સ (જાહેર) પણ કરે અને ભવિષ્ય માં તે પ્રસિદ્ધ પણ થશે પરંતુ હમણાં સંપૂર્ણ સ્ટેજ (સ્થિતિ) પર ન દેખાતાં હોવાથી પ્રશ્ન કરશે આ શાં માટે, આ કેવી રીતે. એટલે બાપ પણ જાહેર નથી કરી શકતાં. દેખાડી શકે છે - આ, એ ગણતરી માં છે, આ થઇ શકે છે. જાહેર કરવાની વાત નથી. હમણાં એકનું પણ નામ જાહેર કરે તો જોશો કેટલાં ક્વેશ્ચન (પ્રશ્ન) ઉઠે છે. એમનામાં શું છે, અમારામાં શું નથી! એમનામાં તો આ છે. અનેક પ્રશ્નો માં સમય વ્યર્થ ગુમાવે, આ પણ બાપ નથી ઈચ્છતાં. બાકી કલ્પ-કલ્પ નાં પ્રસિદ્ધ થયેલાં રતન, કલ્પ પહેલાં માફક પ્રસિદ્ધ જરુર થશે. આજકાલ નામ નહીં, કામ ઈચ્છે છે. હવે તો દરેક ની અંદર આ લક્ષ છે કે હું જ પોતાને કેમ નહીં એટલો આગળ વધારીને યોગ્ય બનાવું. અચ્છા.
વિશેષ જે મેળાની સેવા પર ઉપસ્થિત છે એમને યાદ આપજો. કારણ કે આ સેવા પણ બાપ ને મળવું જ છે. યોગયુક્ત થઈ સાંભળ્યું છે એટલે બાપદાદા સેવાધારીઓને સદા સન્મુખ જ જુએ છે. એવાં સેવાધારી ક્યારેય પણ પોતાને દૂર નહીં સમજે. સન્મુખ જ સમજશે.
પાર્ટીઓ સાથે:-
દૂર-દૂર થી પોતાની જન્મભૂમિ પર આવ્યાં છે - બ્રાહ્મણો ની જન્મભૂમિ મધુબન છે ને. એવું સમજો છો કે પોતાની જન્મભૂમિ પર આવ્યાં છીએ. જન્મભૂમિ નું ખૂબ મહત્વ હોય છે. અને આ પછી અલૌકિક જન્મભૂમિ છે. આ અલૌકિક જન્મભૂમિ પર આવવાથી જ લૌકિકપણું સ્વતઃ જ ભૂલી જવાય છે કારણકે ‘જેવી ધરણી એવી કરણી’ આ ગાયન છે. ‘જેવો સંગ તેવો રંગ, જેવું અન્ન એવું મન’ નું પણ ગાયન છે. એમ જ, જેવી ધરણી એવી કરણી. જો કોઈ તમોગુણી ધરણી છે તો કરણી પણ એવી થઈ જાય છે. ધરણી નો પ્રભાવ કર્મ અને સંસ્કાર પર પડી જાય છે. જેમ મંદિર માં જાય છે તો ભૂમિ નો જ પ્રભાવ હોય છે ને. જો મંદિર ની ભૂમિ પર કોઇ ખરાબ સંકલ્પ આવે તો તે પોતાને બહુ જ પાપી સમજશે. તો આ છે અલૌકિક ભૂમિ, અહીંયા લૌકિકતા સ્મૃતિ માં પણ નહીં આવે તો નિરંતર કર્મયોગી થઈ જશો. એટલે બાપદાદા સદૈવ કહે છે કે ક્યાંય પણ રહો છો પરંતુ પોતાને સદા પરમધામ નિવાસી કે મધુબન નિવાસી સમજો. નિરાકાર સ્થિતિ નાં હિસાબ થી પરમધામ નિવાસી, સાકાર સ્થિતિ નાં હિસાબ થી મધુબન નિવાસી. મધુબન કહેવાથી જ વૈરાગ્ય-વૃત્તિ અને મધુરતા બંનેય આવી જાય છે. સ્થિતિ માં બેહદની વૈરાગ્ય-વૃત્તિ અને સંપર્ક માં મધુરતા બંનેય જોઈએ. સ્થાન થી સ્થિતિ નું કનેક્શન (સંબંધ) છે.
બધાં બેહદ નાં વૈરાગી બન્યાં છો કે હજું ક્યાંક લગાવ છે? બેહદ નાં વૈરાગી નો ક્યાંય પણ લગાવ કે પ્રભાવ નહીં હશે. એમનો સદૈવ આ જુની દુનિયાથી કિનારો હશે. બેહદ નાં વૈરાગી ત્યારે બની શકશો જ્યારે બાપ ને જ પોતાનો સંસાર સમજશો. બાપ જ સંસાર છે તો જ્યારે બાપ માં સંસાર જોશો, અનુભવ કરશો તો બાકી રહ્યું જ શું? ઑટોમેટીક (આપમેળે) વૈરાગ આવી જશે ને. બાપ જ મારો સંસાર છે તો સંસાર માં જ રહેશો; બીજા માં જશો જ નહીં તો કિનારો થઈ જશે. સંસાર માં વ્યક્તિ અને વૈભવ બધું આવી જાય છે તો બાપ ને જ પોતાનો સંસાર બનાવ્યો છે કે આગળ કોઈ સંસાર છે? કોઈ સંબંધ કે કોઈ સંપત્તિ છે શું? બાપ ની સંપત્તિ તે પોતાની સંપત્તિ. તો આ જ સ્મૃતિ માં રહેવાથી ઑટોમેટીક બેહદ નાં વૈરાગી થઈ જશો. કોઈને જોવા છતાં પણ નહીં જુઓ. દેખાશે જ નહીં. અચ્છા.
સ્મૃતિ માં રહેવાથી સમર્થી આવે છે. જો સમર્થી હશે તો કોઈ પણ પરિસ્થિતિ સ્વ-સ્થિતિ ને ડગમગ નહીં કરે. પરીક્ષાઓ ને એક ખેલ (રમત) સમજીને ચાલશો. જો ખેલ માં કે નાટક માં કોઈ પ્રકાર ની પરિસ્થિતિ જુઓ છો તો શું ડગમગ થાઓ છો? કોઈ મરે કે કંઈ પણ થાય પરંતુ સ્થિતિ ડગમગ નહીં થશે કારણ કે સમજો છો આ ખેલ છે. એમ જ પરિસ્થિતિઓ ને એક પાર્ટ (ભાગ) સમજો. પરિસ્થિતિ નાં પાર્ટ ને સાક્ષી થઈને જોવાથી ડગમગ નહીં થશો, મુરઝાશો (કરમાશો) નહીં, મજા આવશે. મુરઝાઓ ત્યારે છો છે જ્યારે ડ્રામા ની પોઇન્ટ (જ્ઞાન) ને ભૂલી જાઓ છો.