Search for a command to run...
23 Jan 1980
પવિત્રતા નું મહત્વ
23 January 1980 · ગુજરાતી
બાપદાદા પોતાની સર્વ મહાન આત્માઓ, ધર્મ આત્માઓ, પુણ્ય આત્માઓ, મહાન પવિત્ર આત્માઓ ને જોઈ હર્ષિત થાય છે. પરમાત્મા નાં બાળકો પરમ પવિત્ર બાળકો છે. પવિત્રતાની જ મહાનતા છે. પવિત્રતાની માન્યતા છે. પવિત્રતા નાં કારણે જ પરમ પૂજ્ય અને ગાયન યોગ્ય બને છે. પવિત્રતા જ શ્રેષ્ઠ ધર્મ અર્થાત્ ધારણા છે. આ ઈશ્વરીય સેવાનું મોટામાં મોટું પુણ્ય છે - પવિત્રતા નું દાન આપવું. પવિત્ર બનાવવા જ પુણ્ય આત્મા બનાવવાં છે. કારણ કે કોઈ આત્માને આત્મ-ઘાત મહાપાપ થી છોડાવો છો. અપવિત્રતા આત્મ-ઘાત છે. પવિત્રતા જીવ-દાન છે. પવિત્ર બનાવવાં અર્થાત્ પુણ્ય આત્મા બનાવવાં. ગીતા નાં જ્ઞાનનું કે વર્તમાન પરમાત્મ-જ્ઞાન નું જે સાર રુપમાં સ્લોગન બનાવો છો, એમાં પણ પવિત્રતા નું મહત્વ બતાવો છો. “પવિત્ર બનો યોગી બનો” આ જ સ્લોગન મહાન આત્મા બનવાનો આધાર છે. બ્રાહ્મણ જીવનનાં પુરુષાર્થ નો નંબર પણ પવિત્રતા નાં આધાર પર છે. ભક્તિમાર્ગ માં યાદગાર પવિત્રતા નાં આધાર પર છે. કોઈ પણ ભક્ત તમારા યાદગાર ચિત્ર ને પવિત્રતા વગર સ્પર્શ નથી કરી શકતાં. જે દિવસ વિશેષ દેવી કે દેવતાઓનાં દિવસ મનાવો છો, એ દિવસનું મહત્વ પણ પવિત્રતા છે. ભક્તિ નો અર્થ જ છે-અલ્પકાળનો, જ્ઞાન નો અર્થ છે સદાકાળનો. તો ભક્ત અલ્પકાળ નાં નિયમ પાલન કરે છે. જેમ નવરાત્રી મનાવે છે, જન્માષ્ટમી અથવા દીપમાળા (દિવાળી) કે કોઈ વિશેષ ઉત્સવ મનાવે છે તો પવિત્રતા નો નિયમ અલ્પકાળ માટે જરુર પાલન કરે છે. ભલે શરીરની પવિત્રતા કે આત્મા નાં નિયમ, બંને પ્રકારની શુદ્ધિ જરુર રાખે છે.
તમારી યાદગાર ‘વિજયમાળા’ - એનું પણ સ્મરણ કરશે તો પવિત્રતા ની વિધિપૂર્વક કરશે. આપ સિદ્ધિ સ્વરુપ બનો છો, સિદ્ધિ સ્વરુપ આત્માઓની પૂજા પણ વિધિ પૂર્વક થાય છે. પવિત્રતા નાં મહત્વ ને જાણો છો ને? એટલે પહેલાં મુખ્ય પેપર્સ પવિત્રતા નાં ચેક કર્યાં છે, દરેકે પોતાના પવિત્રતા નાં પેપર ચેક કર્યા? પ્રોગ્રામ પ્રમાણે પ્રોગ્રેસ (પ્રગતી) તો કરી.
કુલ રીઝલ્ટ સૌથી વધારે મેજોરીટીની કર્મણા માં પર્સન્ટેજ (ટકાવારી) ઠીક રહી. વાચા માં કર્મણા નાં રિઝલ્ટ થી ૨૫% ઓછું. મન્સા માં કર્મણાનાં રીઝલ્ટ થી ૫૦%. મન્સા સંકલ્પ અને સ્વપન માં થોડું જ અંતર રહ્યું, એમાં પણ જન્મની ડેટ (તારીખ) થી લઇને આજ સુધીનાં રીઝલ્ટ માં કેટલાકનાં પુરુષાર્થ કરવામાં ઉતાર-ચઢાવ ડાઘ લાગ્યો અને મિટાવ્યો, ક્યારેક સંકલ્પ આવ્યો અને હટાવ્યો. ક્યારેક વાચા કર્મણા નો ડાઘ લાગ્યો અને મિટાવ્યો. હટાવવા અને મિટાવવા વાળા ઘણા હતાં. પરંતુ ઘણાં એવા તીવ્ર પુરુષાર્થી પણ જોયાં જેમણે એવા સંસ્કારો નાં ડાઘ મિટાવી દીધાં છે જે હમણાં સુધી પણ બિલકુલ સાફ શુદ્ધ પેપર દેખાઈ આવ્યું. એવું સ્વપન સુધી મિટાવેલું હતું. પાસ વિથ ઓનર થવા વાળી મહાન પવિત્ર આત્માઓ પણ જોઈ. એમની વિશેષતા શું દેખાઈ?
જ્યારથી બ્રાહ્મણ જન્મ થયો ત્યારથી હમણાં સુધી પુરુષાર્થ કરવાની આવશ્યકતા નથી પરંતુ બ્રાહ્મણ જીવનનું વિશેષ લક્ષણ છે, બ્રાહ્મણ આત્માનો એ અનાદિ આદિ સંસ્કાર છે. એવા નેચરલ (કુદરતી) સંસ્કાર થી સ્વપન કે સંકલ્પ માં પણ અપવિત્રતા ઈમર્જ (જાગૃત) નથી થઈ. સંકલ્પ આવે અને વિજયી બને, તેનાથી પણ ઉપર નેચરલ સંસ્કાર રુપમાં ચાલ્યાં છે. આ વિષય માં પુરુષાર્થ કરવાની આવશ્યકતા નથી રહી. એવા પરમ પૂજ્ય સંસ્કાર વાળા પણ જોયા પરંતુ માઈનોરીટી (ઓછા). નોલેજફુલ (જ્ઞાની) હોવા છતાં પણ, બીજાને પવિત્ર બનવાની વિધિ બતાવતાં પણ, બીજાની કમજોરીઓ ને સાંભળતા પણ, એમને બાપની શ્રીમત આપતા પણ, સ્વયં સદા સાંભળતા, જાણતા હોવા છતાં પણ સદા સ્વચ્છ રહ્યાં છે અર્થાત્ પવિત્રતા નાં વિષય માં સિદ્ધિ સ્વરુપ રહ્યાં છે. એટલે એવા પરમ પવિત્ર આત્માઓનું પૂજન પણ સદા વિધિપૂર્વક થાય છે. અષ્ટ દેવ નાં રુપમાં પણ પૂજન અને ભક્તો નાં ઇષ્ટ દેવ નાં રુપમાં પણ પૂજન. અષ્ટ શકિતઓનું પ્રેક્ટિકલ (વ્યવહારિક) સ્વરુપ અષ્ટ દેવ પ્રત્યક્ષ થાય છે. તો સાંભળ્યું પેપર્સ નું રીઝલ્ટ.
તો મન્સા પરિવર્તન થાય એમાં ડબલ અટેન્શન (ધ્યાન) આપો. એમ નહીં વિચારો સંપન્ન બનવા સુધી સંકલ્પ તો આવશે જ, પરંતુ ના. સંકલ્પ અર્થાત્ બીજ ને જ યોગ અગ્નિ માં બાળી દો જે અડધાકલ્પ સુધી બીજ ફળ ન આપી શકે. વાચા નાં બે મુખ્ય પત્તા પણ નીકળી ન શકે. કર્મણા નાં મૂળ અને ડાળ ડાળીઓ પણ નીકળી ન શકે. લાંબાકાળનું ભસ્મીભૂત બીજ જન્મ-જન્માતર માટે ફળ નહીં આપે. અંતમાં આ વિષયમાં સંપૂર્ણ નથી થવાનું પરંતુ લાંબાસમય નો અભ્યાસ જ અંતમાં પાસ કરાવશે. અંત માં સંપૂર્ણ બનીશું, આ સંકલ્પ ને પહેલાં ખતમ કરો. હમણાં બન્યાં તો અંતમાં પણ બનશો. હમણાં નહીં તો અંતમાં પણ નહીં. એટલે આ અલબેલાપણા ની નિંદ્રા થી પણ જાગી જાઓ. એમાં સુઈ ગયાં તો ખોશો. પછી ઉલ્હના (ફરિયાદ) નહીં આપતા કે અમે સમજ્યાં હતા કે અંતમાં સંપૂર્ણ થવાનું છે. અંતમાં સંપૂર્ણ થવાનાં અર્થને પણ સમજો. કોઈ પણ વિશેષ કમજોરીને અંતમાં સંપૂર્ણ કરીશું, આ ક્યારેય પણ સંકલ્પ માં નહીં લાવો. પુરુષાર્થ કરી બ્રાહ્મણ જીવન નાં અલંકાર હમણાં જ તૈયાર કરવાના છે. મર્યાદાઓ અને નિયમ પાલન કરવાના નંગ પણ હમણાંથી જ લગાવવાનાં છે. પોલીશ પણ હમણાં જ કરવાની છે. અંતમાં તો ફક્ત પોલીશ કરેલા ને નિમિત્ત માત્ર જ હાથ લગાવવાનો છે. બસ. એ સમયે પોલીશ પણ નહીં કરી શકો. ફક્ત અન્ય આત્માઓની શ્રેષ્ઠ સેવા નાં પ્રતિ સમય મળશે. એ સમયે પુરુષાર્થી સ્વરુપ નહીં હશે. માસ્ટર દાતા નું સ્વરુપ હશે. આપવું એ જ લેવું હશે. ફક્ત લેવું ખતમ તો પોલીશ કેવી રીતે કરશો? જો પોતાનામાં નંગ લગાવવામાં જ રહેશો તો વિશ્વ-કલ્યાણકારી નો પાર્ટ બજાવી નહીં શકો. એટલે હમણાં માસ્ટર રચયિતા બનવાનાં સંસ્કાર ધારણ કરો. બાળપણ નાં સંસ્કાર સમાપ્ત કરો. માસ્ટર રચયિતા બની પ્રાપ્ત થયેલી શક્તિઓ કે પ્રાપ્ત થયેલું જ્ઞાન, ગુણ કે સર્વ ખજાના ને બીજા નાં પ્રતિ વરદાની બની કે મહાજ્ઞાની બની કે મહાદાની બનીને આપતા રહો. વરદાની અર્થાત્ પોતાની શક્તિઓ દ્વારા વાયુમંડળ કે વાઈબ્રેશનનાં પ્રભાવ થી આત્માઓનું પરિવર્તન કરવું. મહાજ્ઞાની અર્થાત્ વાણી દ્વારા કે સેવા નાં સાધનો દ્વારા આત્માઓ નું પરિવર્તન કરવું. મહાદાની અર્થાત્ બિલકુલ નિર્બળ, દિલશિકસ્ત અસમર્થ આત્માઓ ને એક્સ્ટ્રા (વિશેષ) બળ આપી રુહાની રહેમદિલ બનવું. માયાનાં પણ રહેમદિલ બનતાં હોય છે. કોઈ ખોટું કામ કરી રહ્યાં હોય અને તમને દયા આવે તો આ માયાનાં રહેમદિલ બનવું છે. એવા સમયે લોફુલ (કાયદા મુજબ) બનવું પણ પડે છે. હોય છે લગાવ અને સમજે છે રહેમ. આને કહેવાય છે માયા નો રહેમ. એવા રહેમદિલ નથી બનવાનું. એટલે કહ્યું - રુહાની રહેમદિલ. નહીં તો શબ્દ નો પણ ફાયદો લે છે. તો મહાદાની અર્થાત્ બિલકુલ નાઉમ્મીદકેસ માં ઉમ્મીદ પેદા કરવી. પોતાની શક્તિઓનાં આધારથી એમને સહયોગ આપવો અર્થાત્ મહાદાન આપવું, એ પ્રજા નાં પ્રતિ છે. વારિસ કવોલીટી નાં પ્રતિ મહાદાની નહીં. દાન સદા બિલકુલ ગરીબને કરવામાં આવે છે. બેસહારા ને સહારો આપવાનો હોય છે. તો પ્રજાનાં પ્રતિ મહાદાની કે અંતમાં ભક્ત આત્માઓનાં પ્રતિ મહાદાની. આપસમાં એક બીજાનાં પ્રતિ બ્રાહ્મણ મહાદાની નહીં. એ તો આપસમાં સહયોગી સાથી છો. ભાઈ-ભાઈ છો કે હમશરીક (સમાન) પુરુષાર્થી છો. એમને સહયોગ આપો, દાન નહીં આપો. સમજ્યાં. તો હવે આ સંકલ્પ ને પણ સમાપ્ત કરી દો. ક્યારેક થઈ જશે, આ ‘ક્યારેક’ શબ્દ પણ ખતમ. તીવ્ર પુરુષાર્થી ‘ક્યારેક’ નહીં પણ ‘હમણાં’ કહે છે. તો સદા તીવ્ર પુરુષાર્થી બનો.
એવા સદા વિશ્વ કલ્યાણકારી, મહાન પવિત્ર આત્માઓ, સંકલ્પ કે સ્વપન માં પણ અપવિત્રતા થી પરે રહેવા વાળા એવા પરમ પૂજ્ય, હમણાં પણ માનનીય ગાયન યોગ્ય, કર્મયોગી, સદા સ્વ સંકલ્પ અને સ્વરુપ દ્વારા સેવાધારી, એવા પુણ્ય આત્માઓ ને, વરદાની મહાદાની બાળકો ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ ની સાથે -
બધાં એવરરેડી અને ઓલરાઉન્ડર છો? એવરરેડી એટલે ઓર્ડર (આદેશ) આવ્યો અને નીકળી પડ્યાં અર્થાત્ ઓર્ડર મળ્યો અને હા જી. શું કરીએ કેવી રીતે કરીએ - ના. શું થશે, કેવી રીતે થશે, ચાલી શકીશું કે નહીં ચાલી શકીએ? એવા સંકલ્પ આવ્યાં તો એવરરેડી નહીં કહેવાશો. તીવ્ર પુરુષાર્થી ની વિશેષતા છે જ એવરરેડી અને ઓલરાઉન્ડર. મન્સા સેવાનો ચાન્સ (તક) મળે કે વાચા સેવાનો ચાન્સ મળે કે કર્મણા સેવાનો ચાન્સ મળે પરંતુ દરેક વિષય માં નંબરવન. એમ નહીં વાચા માં નંબરવન, કર્મણા માં નંબર બે અને મન્સા માં નંબર ત્રણ. જેટલા સ્નેહ થી વાચા સેવા કરો છો એટલી જ મન્સા સેવા પણ કરી શકો. મન્સા સેવાનો અભ્યાસ વધારો. વાચા સેવા તો સાત દિવસ નાં કોર્સ વાળા પ્રવૃત્તિ વાળા પણ કરી શકે છે. આપનું કાર્ય છે - વાયુમંડળ ને પાવરફુલ બનાવવું. પોતાના સ્થાન નું, શહેર નું, ભારત નું કે વિશ્વ નું વાયુમંડળ શકિતશાળી બનાવો. ચેક કરો મન્સા સેવામાં સફળતા મળે છે? જો મન્સા સેવામાં સફળતા હશે તો સદા સ્વયં અને સેવાકેન્દ્ર નિર્વિઘ્ન અને ચઢતી કળામાં હશે. ચઢતીકળા એ નથી કે સંખ્યાં વૃદ્ધિ ને પામે. ચઢતી કળા સંખ્યા માં પણ, ક્વોલિટી પણ અને વાયુમંડળ પણ તથા સ્વયં સાથીઓમાં પણ ચઢતી કળા. એને કહેવાય છે- ‘ચઢતી કળા’. તો એવો અનુભવ કરો છો? અમૃતવેલા સ્વયનું પાવરફુલ છે? એવું તો નથી અમૃતવેલા માં અલબેલાપણું વિઘ્ન બને છે. એવું પાવરફુલ અમૃતવેલા છે જે વિશ્વને લાઈટ અને માઈટ નું વરદાન આપો? અમૃતવેલા ની યાદ થી સ્વયં-સ્વયં થી સંતુષ્ટ છો?
મુખ્ય વિષય છે જ યાદ નો. બાપદાદા અમૃતવેલે જ્યારે ચક્કર લગાવે છે તો થોડા પાવરફુલ વાઈબ્રેશન ની કમી દેખાય છે. નેમિનાથ તો બની જાઓ છો, પરંતુ અનુભવી મૂર્ત બનો. નિયમ પ્રમાણે તો જબરજસ્તી થી થઈ ગયું ને. જો અનુભવ થઈ ગયો તો પોતાની લગન માં બેસશો. જે વાતનો અનુભવ થાય છે, તો ન ઇચ્છતા પણ એ વાત પોતાની તરફ ખેંચે છે. જેમ વાચા સેવા થી ખુશીનો અનુભવ થાય છે તો ન ઇચ્છતા પણ એ તરફ દોડો છો ને. એમ જ અમૃતવેલા ને પાવરફુલ બનાવો. જેનાથી મન્સા સેવાનો અનુભવ વધારી શકો. અંતમાં વાચા સેવાનો ચાન્સ નહીં હોય. મન્સા સેવા પર સર્ટીફિકેટ મળશે. કારણ કે એટલી લાંબી ક્યૂ (લાઈન) હશે કે બોલી નહીં શકો. જેમ હમણાં પણ મેળો કરો છો તો ભીડના સમય માં શું કરો છો? શાંતિ થી એમને શુભભાવના અને કામના ની દૃષ્ટિ આપો છો ને. તો અંતમા પણ જ્યારે પ્રભાવ નીકળશે તો શું થશે? હમણાં તો સ્થૂળ લાઈટ નાં પ્રભાવ થી આવે છે પછી એ સમયે આપ આત્માની લાઈટ નો પ્રભાવ હશે, એ સમયે મન્સા સેવા કરવી પડશે. નજરથી નિહાલ કરવા પડશે. પોતાની વૃત્તિથી એમની વૃત્તિ બદલવી પડશે. પોતાની સ્મૃતિથી એમને સમર્થ બનાવવા પડશે. પછી એ સમયે ભાષણ કરશો શું? તો મન્સા સેવાનો અભ્યાસ જરુરી છે. અનુભવી મૂર્ત બની જાઓ. જે બીજાને કહો, તે સ્વ અનુભવ નાં આધાર થી કહો, સમજ્યાં, મન્સા સેવા ને વધારો. હવે નિર્વિઘ્ન વાયુમંડળ બનાવો જેમાં કોઈ પણ આત્મા ની હિંમત ન હોય વિઘ્ન રુપ બનવાની. વિઘ્ન આવ્યું એને હટાવ્યું, આ પણ ટાઈમ વેસ્ટ (વ્યર્થ) થયો. તો હવે કિલ્લા ને મજબૂત બનાવો. આપસમાં સ્નેહી સહયોગી બનીને ચાલો તો બધાં ફોલો કરશે. સ્વયં જે કરશો તેમ બધાં ફોલો કરશે.
૨. બધાં અંગદ નાં સમાન અચળ અડોલ રહેવા વાળા છો ને. રાવણ રાજ્યની કોઇ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ જરા પણ સંકલ્પ રુપમાં પણ હલાવી ન શકે. નખ ને પણ હલાવી ન શકે. સંકલ્પ માં હલવું અર્થાત્ નખ હલવાં. તો સંકલ્પ રુપમાં પણ ન વ્યક્તિ, ન પરિસ્થિતિ હલાવી શકે, ક્યારેક કોઈ સંબંધી કે દૈવી પરિવાર નાં પણ એવા નિમિત્ત બની જાય છે જે વિઘ્નરુપ બની જાય છે. પરંતુ અંગદ નાં સમાન સદા અચળ રહેવા વાળા વ્યક્તિ, વિઘ્ન ને અને પરિસ્થિતિઓ ને પાર કરી લેશે કારણ નોલેજફુલ છે. તેઓ જાણે છે કે આ વિઘ્ન કેમ આવ્યું? આ વિઘ્ન નીચે લાવવા માટે નહીં પરંતુ વધારે મજબૂત બનાવવા માટે આવ્યું છે. એ કન્ફ્યુઝ (મૂંઝાશે) નહીં થાય. જેમ પરીક્ષાનાં હોલ માં જ્યારે પેપર આવે છે તો કમજોર સ્ટુડન્ટ (વિદ્યાર્થી) કન્ફ્યુઝ થઇ જાય છે, સારા વિદ્યાર્થી જોઇને ખુશ થાય છે કારણ કે બુદ્ધિ માં રહે છે કે આ પેપર આપીને ક્લાસ આગળ વધીશું. એમને મુશ્કેલ નથી લાગતું. કમજોર પ્રશ્નની જ ગણતરી કરતાં રહેશે. આવા પ્રશ્ન કેમ આવ્યાં, આ કોણે કાઢ્યાં કેમ કાઢ્યાં તો અહીં પણ કોઈ નિમિત્ત પેપર બનીને આવે છે તો આ પ્રશ્ન ન ઉઠવા જોઇએ કે આ કેમ કરે છે, આવું ન કરવું જોઈએ. જે કંઈ પણ થયું સારું થયું, સારી વાત ઉઠાવો. જેમ હંસ મોતી વિણે છે ને, કાંકરા ને અલગ કરી દે છે. દૂધ અને પાણી ને અલગ કરી દે છે. દૂધ લઈ લે છે, પાણી છોડી દે છે. એમ કોઈ પણ વાત સામે આવે તો પાણી સમજીને છોડી દો. કોણે મિક્સ કર્યું, કેમ આપ્યું - એમ નહીં, એમાં પણ સમય વેસ્ટ (વ્યર્થ) થાય છે. જો કેમ, શું કરતાં પરીક્ષા ની અંતિમ ઘડી આવી પહોંચી તો ફેલ (નાપાસ) થઈ જશો. વેસ્ટ કર્યું અર્થાત્ ફેલ થવું. કેમ- શું માં શ્વાસ નીકળી જાય તો ફેલ. કોઈ પણ વાતને ફિલ કરવું અર્થાત્ ફેલ થવું. માયાં શેર (સિંહ) નાં રુપમાં પણ આવે તો તમે યોગ ની અગ્નિ પ્રગટાવીને રાખો, અગ્નિ ની સામે કોઈ પણ ભયાનક શેર જેવી ચીજ પણ વાર ન કરી શકે. સદા યોગ અગ્નિ જાગતી રહે તો માયા કોઈ પણ રુપમાં આવી ન શકે. બધાં વિઘ્ન સમાપ્ત થઈ જશે.